લખાણ પર જાઓ

રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/શીલવતી

વિકિસ્રોતમાંથી
← અન્નિકા રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
શીલવતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ભદ્રા →


२४–शीलवती

સન્નારીનો જન્મ મંગળપુરી નગરીના નિવાસી જિનદત્ત શેઠને ઘેર થયો હતો. શીલવતીમાં નામ પ્રમાણે જ ગુણ હતા. પિતાએ ઉંચા પ્રકારનું શિક્ષણ આપી તેની બુદ્ધિને કેળવી હતી. તેની સાથે સાથે તેના હૃદયમાં ધર્મ અને નીતિના ઉચ્ચ સંસ્કાર પણ પાડ્યા હતા. અતિથિસત્કાર, ગૃહરચના આદિમાં પણ એણે વિશેષ પ્રવીણતા મેળવી હતી.

પુખ્ત વયની થયા પછી તેનું લગ્ન જંબુદ્વી૫ના રત્નાકર શેઠના પુત્ર અજિતસેન સાથે થયું હતું. અજિતસેન પણ સુંદર અને સુશિક્ષિત હતો, એટલે આ સંબંધ સર્વ પ્રકારે યોગ્યજ હતો.

શીલવતીએ સાસરે જઈને પોતાના મીઠા સ્વભાવ, આજ્ઞાપાલન તથા કાર્ય કુશળતાથી બધાને પ્રસન્ન કરી નાખ્યાં. રત્નાકર શેઠ તથા તેમનાં પત્ની પણ વિનયવાળી વહુ ઘેર આવ્યાથી પોતાના જીવનને સફળ ગણવા લાગ્યાં તથા કહેવા લાગ્યાં કે, “કુળના તેમજ ઘરના દીવા જેવી ઉત્તમ વહુ પ્રાપ્ત કરીને મનુષ્ય ગૃહસ્થાશ્રમને ત્રણે વર્ગના સારરૂપ માને છે તે વાજબીજ છે.”

એક દિવસ મધ્ય રાત્રીને સમયે એક શિયાળનો અવાજ સાંભળીને શીલવતી માથા ઉપર ઘડો લઈને બહાર ગઈ. એનો સસરો એ વખતે જાગતો હતો. એને તરતજ વહુની નીતિ માટે શંકા ગઈ. સ્ત્રીઓની નીતિની બાબતમાં લાંબો વિચાર કર્યા વગર એકદમ અભિપ્રાય બાંધી દેવાની પુરુષોને ટેવ હોય છે. એ પ્રમાણે રત્નાકર શેઠે પુત્રવધૂની સુશીલતાનો આટલો બધો અનુભવ હોવા છતાં એકદમ તેને માટે ખરાબ અભિપ્રાય બાંધ્યો. શીલવતી તો નિંદવા યોગ્ચ કાંઈ પણ કામ કર્યા વગર થોડી વારમાં તે ઘડાને મૂકીને પાછી આવી અને સૂઈ ગઈ, પણ રત્નાકર શેઠનો સંશય તો દૃઢ થયો. એમણે સવારે પોતાની પત્નીને વહુને માટે અભિપ્રાય પૂછ્યો. સાસુએ પણ વહુની બધી વર્તણુંક મર્યાદાપૂર્વક છે એવી ખાતરી આપી, પણ શેઠે તો પોતે એને રાતે બહાર જતાં જોયેલી એટલે એને અનીતિના પ્રત્યક્ષ પૂરાવા તરીકે રજૂ કરીને એને વ્યભિચારિણી ઠરાવી. પુત્રના મનમાં પણ તેણે એ વાત ઠસાવી અને એવી વહુને ત્યજી દેવાનો નિશ્ચય કરાવ્યો. પુત્ર પણ સંમત થયો એટલે શેઠ વહુને પિયેરમાં મૂકી આવવાનું બહાનું કાઢીને શીલવતીને રથમાં બેસાડીને બહાર ગામ નીકળી પડ્યા.

માર્ગમાં નદી આવી એટલે શેઠે વહુને જોડા કાઢીને નદી ઊતરવાની સલાહ આપી. પણ વહુ તો જોડા સહિત ઊતરી. આગળ ચાલતાં મગનું એક ખેતર આવ્યું. શેઠે કહ્યું: “આ ખેતરના ધણીને માલની બહુ સારી ઊપજ થશે.” વહુએ કહ્યું: “જો એને કોઈ ખાઈ નહિ જાય તો આપનું વચન સાચું ઠરશે.” શેઠને લાગ્યું કે, આ વહુ નાદાન અને બહુબોલી છે. વળી આગળ જતાં એક સુંદર સમૃદ્ધિશાળી શહેર આવ્યું. સસરાએ તેનાં ઘણાં વખાણ કર્યાં, પણ વહુએ કહ્યું: “જો એ ઉજ્જડ હોત તો વધારે સારૂં.” આગળ જતાં એક યોદ્ધો મળ્યો. તે મારથી લોહીલોહાણ થયો હતો. સસરાએ તેની વીરતાની પ્રશંસા કરી, પણ વહુએ તે કહ્યું કે, “એ તો માર ખાઈને આવ્યો છે. એ બીકણ અને પામર પુરુષ છે.” શેઠને વહુના સ્વભાવથી કંટાળો આવતોજ જતો હતો. આગળ જતાં માર્ગમાં એક વડનું વૃક્ષ આવ્યું. શેઠ એની છાયામાં બેઠા, પણ વહુ તો શેઠે બોલાવ્યા છતાં દૂર જઈ બેઠી. ત્યાંથી આગળ પ્રયાણ કરતાં એક સુંદર શહેર આવ્યું. એમાં સાત પોળ હતી. શેઠે એની પ્રશંસા કરી, પણ વહુએ તો તેને ઉજ્જડ ગામડું ગણી કાઢ્યું. આગળ ઉપર ત્રણચાર ઘરવાળું એક ગામડું આવ્યું તેને જઈ વહુએ કહ્યું: “આ વસ્તીવાળું ગામ છે.” શેઠને શીલવતીના ઊલટા ઉત્તરોથી કોધ વ્યાપતો જતો હતો. એટલામાં શીલવતીના મામા ત્યાં આગળ આવ્યા અને પોતાને ત્યાં લઈ જઈ ઘણો આદરસત્કાર કર્યો. એણે માર્ગમાં ખાવા સારૂ ભાથું પણ બાંધી આપ્યું. ત્યાંથી આગળ વધતા બપોર થયા એટલે રસ્તામાં એક વૃક્ષની નીચે શેઠ સૂઈ ગયા અને વહુ ભાથું ખાવા લાગી. એટલામાં એક કાગડો બોલવા લાગ્યો. ચતુર શીલવતી પક્ષીઓની ભાષા સમજતી હતી. પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં પશુપક્ષીઓની ભાષા જાણનારા ઘણા લોકો હતા. એ પણ  એક શાસ્ત્ર ગણાતું. હવે તો એ વિદ્યાને પુરાણોની દંતકથાજ માનવામાં આવે છે, પણ યૂરોપમાં કેટલાક આગ્રહી વિદ્વાનો પશુઓની ભાષા જાણવાના પ્રયાસમાં જીવન ગાળી રહ્યા છે. અસ્તુ ! કાગડાનો શબ્દ સાંભળીને શીલવતી બોલી ઊઠી: “ભાઈ, શું કામ વિલાપ કરી રહ્યો છે ? તારા મનની વાત હું જાણું છું.” શેઠ સૂતા સૂતા જાગતા હતા. તેને ખાતરી થઈ કે શીલવતી પક્ષીઓની ભાષા જાણે છે. કાગડો ફરીથી બોલવા લાગ્યો, એટલે શીલવતીએ કહ્યું: “પૂર્વે એકનાં વચનને લીધે તો મારે પતિ વિયોગનું દુઃખ સહન કરવા વારો આવ્યો, હવે ફરીથી તારો વિલાપ સાંભળીને કાંઈ કરવા જાઉં તો પિતાને મળવા જઈ રહી છું તેમાં પણ વિઘ્ન આવે.” એ સાંભળીને સસરાએ એને એવું બોલવાનું કારણ પૂછ્યું. ત્યારે શીલવતીએ જણાવ્યું કે, “કેટલીક વખત સાચું કહેવા જતાં ગુણ એજ દોષરૂપ થઈ પડે છે. આ સૃષ્ટિમાં જીવોને ઘણી વાર એમના સદ્‌ગુણની ખાતરજ સજા ખમવી પડે છે. બાલ્યાવસ્થામાં હું પશુપક્ષીઓની ભાષા શીખી હતી, તેને લીધે મને એમના સુખદુઃખનું જ્ઞાન થાય છે અને દયા ઊપજતાં હું ઘણી વાર એમને સહાયતા કરવા તૈયાર થાઉં છું.” આ ખુલાસો સાંભળતાંવાર શેઠને પોતાની ભૂલ માટે પસ્તાવો થયો અને તેણે વહુની ક્ષમા માગી. શીલવતીએ વિનયપૂર્વક કહ્યું: “આપ વડીલ અને પિતાતુલ્ય છો. ક્ષમા માગીને મને શરમાવો નહિ. આપ સૂતા હતા અને હું ઘડો લઈને બહાર ગઈ હતી, તે વખતે મેં એક શિયાળનો સ્વર સાંભળ્યો હતો. તે એમ કહેતી હતી કે, ‘એક મડદું તણાતું આવે છે. એના ઉપર લાખ રૂપિયાનાં ઘરેણાં છે.’ હું ત્યાં ગઈ અને મડદાની ઉપરથી લાખ રૂપિયાનાં ઘરેણાં ઉતારી દાટી આવી. વળી આ કાગડો આપણું ભાથું માગે છે અને કહે છે કે, આ વડના વૃક્ષ નીચે દશ લાખ સોનામહોર છે’.” શેઠને હવે લોભ થયો. કાગડાની તૃષ્ણા તૃપ્ત કરીને શેઠે પોતાની તૃષ્ણા મટાડવા સારૂ જમીન ખોદવા માંડી. એમાંથી સુવર્ણના કુંભ નીકળ્યા. તેને શીલવતીની બુદ્ધિને માટે ઘણો સારો અભિપ્રાય બંધાયો અને ઘર તરફ રથ પાછો વાળ્યો. માર્ગમાં શીલવતીએ પોતાના પ્રશ્નોના ઊલટા ઉત્તર આપ્યા હતા તેનો ખુલાસો પૂછ્યો. શીલવતીએ જણાવ્યું: “સાત સાત પોળવાળા ગામને મેં ઉજ્જડ એટલા સારૂ કહ્યું હતું કે, જે ગામમાં ઘણી વસ્તી  હોય, છતાં આપણું તનનું માણસ ત્યાં કોઈ ન હોય તો તે ઉજ્જડ સમજવું. એથી ઊલટું ઉજ્જડ અને ઘણીજ આછી વસ્તીવાળા ગામડામાં આપણું સગાનું ઘર હોય તો એને વસ્તીવાળું ગણવું. પેલા ઝૂંપડીવાળા ગામમાંથી પણ મારા મામાએ આવીને આપણો કેટલો બધો સત્કાર કર્યો હતો ? વડના વૃક્ષની છાયામાં હું એટલા માટે નહોતી બેઠી કે વૃક્ષના મૂળ આગળ સાપ આદિ જીવ આવવાનો સંભવ રહે છે. પેલા સુભટને મેં કાયર અને બાયલો એટલા માટે કહ્યો હતો કે એની પીઠ ઉપરજ બધા ઘા હતા. એ વીર હોત તો એની છાતી ઉપર ઘા હોત. મગના ખેતરની બાબતમાં મેં આપના અભિપ્રાયમાં સુધારો કરીને એમ કહ્યું હતું કે, જો તે અત્યારે આગમચ ખવાયું ન હોત તો બેશક ઘણા સારા પાકવાળું છે. એનું કારણ એ કે, ખેડૂત લોકો એટલા બધા ગરીબ છે કે વાવેતર સારૂ બી અને પોતાના ખોરાક સારૂ અનાજ શાહુકાર પાસે દેવું કરીને લાવે છે, એટલે પાક ઊતરીને તેમના ઘરમાં આવે તે પહેલાં તો પાકની કિંમત જેટલું દેવું એમના ઉપર ચડી ગયું હોય છે.” એવી રીતે શીલવતીએ પોતાની બધી વર્તણૂકના સંતોષકારક ઉતર આપીને સસરાને પ્રસન્ન કર્યા.

થોડાક સમય પછી એનાં સાસુસસરા મરી ગયાં, એટલે અજિતસેન અને શીલવતી કુટુંબના વડીલ બન્યાં. એ દેશના રાજાએ પૂછેલા એક વિકટ પ્રશ્નનો ઉત્તર શીલવતીની બુદ્ધિથી તેના પતિએ રાજાને સંતોષ પમાડે એવી રીતે આપ્યો, એથી પ્રસન્ન થઈને રાજાએ તેને પોતાનો મંત્રી બનાવ્યો હતો.

કેટલાક સમય પછી શીલવતીના સૌંદર્ય અને બુદ્ધિની પ્રશંસા સાંભળીને રાજાના મનમાં વિકાર ઉત્પન્ન થયો. રાજાએ તેના પતિને કામ પ્રસંગે બહાર કર્યો અને પોતે પોતાના અધમ મિત્રોને શીલવતીને લલચાવવા સારૂ મોકલ્યા. શીલવતી ઘણીજ પતિવ્રતા હતી. શીલવતીએ પોતાની બુદ્ધિથી એના ચારે મિત્રોને કેદ કરીને પેટીમાં પૂર્યા અને રાજા અરિમર્દનને તેમની દુર્દશા બતાવી. રાજાને ખાતરી થઈ કે શીલવતી ખરેખર શીલમાં પ્રથમ પંક્તિની છે. એણે સતીનો ઘણો સંસ્ત્કાર કર્યો.

શીલવતી તેના સમયમાં આદર્શ સતી મનાતી હતી.

ઉત્તરાવસ્થામાં તેણે ધર્મની દીક્ષા લીધી હતી. જૈનો માને છે કે, સતી શીલવતી પતિસહિત પાંચમે દેવલોકે વસે છે.