રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/અન્નિકા

વિકિસ્રોતમાંથી
← સુનંદા (અભયકુમારની માતા) રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
અન્નિકા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શીલવતી →


२३–अन्निका

ઉત્તર મથુરાના નિવાસી જયસિંહ નામના વણિકની બહેન હતી. એક દિવસ દેવદત્ત નામનો વણિક પરદેશથી ત્યાં આવ્યો. તેને અને જયસિંહને મિત્રતા બંધાઈ. મિત્રને ઘેર જમવા જવાને પ્રસંગે અન્નિકાના રૂપથી મુગ્ધ થઈ દેવદતે તેનું માગું કર્યું. જયસિંહે કહ્યું: “એ બહેન મને ઘણી જ પ્રિય છે, એને મારાથી દૂર ખસેડી શકાય એમ નથી. જે કોઈ એને વરીને મારા ઘરમાં જ રહેવાને બંધાય તેની સાથે હું એને પરણાવીશ.” દેવદત્તે એ વાતનો સ્વીકાર કર્યો અને બન્નેનાં લગ્ન થયાં.

એક દિવસ દેવદત્તને એનાં માતપિતા તરફથી તેડાવવાનો પત્ર મળ્યો. એ પત્ર વાંચતાં દેવદત્તના નેત્રમાં આંસુ ભરાઈ આવ્યાં. અન્નિકાએ એ પત્ર વાંચ્યો અને પતિને કહ્યું: “આપનાં માતપિતા વૃદ્ધ થયાં છે. આપણી ફરજ તેમની પાસે જઈને તેમની સેવા કરવાની છે.” દેવદત્તે કહ્યું: “એ બધુ ખરૂં પણ મેં તારા ભાઈને વચન આપ્યું છે, કે હું તારી સાથે અહીં જ રહીશ. હું મારી પ્રતિજ્ઞાનો ભંગ કદાપિ નહિ કરૂં. દ્રવ્યનો નાશ થાય, ભાઈબંધુઓ ગુસ્સે થાય, રાજ્યનો નાશ થાય, પ્રાણ જાય તોપણ ડાહ્યા મનુષ્યો પ્રતિજ્ઞાનો ભંગ કરતા નથી. માણસે જેટલું નભી શકે તેટલું જ વચન આપવું જોઈએ. માટે વચનથી બંધાયલો હું અહીંથી ખસનાર નથી.”

અન્નિકા સમજુ સ્ત્રી હતી. પતિનું ધર્મસંકટ તે સમજી શકી. પોતાની ખાતર પતિ માતપિતા પ્રત્યેનો ધર્મ બજાવતાં ચૂકે છે એ તેને યોગ્ય ન લાગ્યું. તેણે પતિને બોધ આપ્યો “માતપિતા સમાન તીર્થ નથી તો પછી એમની ખાતર પ્રતિજ્ઞાભંગ થાય એમાં પણ દોષ ન કહેવાય.” તેણે પોતાના ભાઈને પણ સમજાવ્યો અને પતિની સાથે સાસરે જવાની રજા માગી.

અન્નિકા સગર્ભા હતી. તેને લઈને દેવદત્ત માતાપિતાની પાસે જવા નીકળ્યો. માર્ગમાંજ અન્નિકાએ પુત્રને જન્મ આપ્યો. માર્ગમાં સુવાવડના સમય જેટલું રોકાઈ, અન્નિકા પતિ સાથે સાસરે પહોંચી અને સાસુસસરાને વિનયપૂર્વક પગે લાગી. એમણે અન્નિકાના પુત્રનું નામ સંધિરણ પાડ્યું, પણ અન્નિકાના સદ્‌ગુણ તેનામાં ઊતરી આવેલા હોવાથી સંસારમાં એ “અન્નિકાપુત્ર”ના નામથી પ્રસિદ્ધ થયો.

અન્નિકાએ તેનામાં ધાર્મિક ભાવ દાખલ કર્યો હતો, તેને લીધે મોટી વયે સંસારના ભોગવિલાસ પ્રત્યે તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને દીક્ષા ગ્રહણ કરી શાસ્ત્રાધ્યયનમાં જીવન ગાળ્યું.