રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/સુનંદા (અભયકુમારની માતા)

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જયંતી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
સુનંદા (અભયકુમારની માતા)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
અન્નિકા →


२२–सुनंदा (अभयकुमारनी माता)

જૈન સંસારમાં ખ્યાતિ પામેલા રાજા શ્રેણિકની પત્ની છે. અને અભયરાજની માતા હતી. બેન્નાતટ નગરમાં ધનપતિ નામના વાણિયાને ઘેર એનો જન્મ થયો હતો. સુનંદાને માતપિતાએ સારૂં શિક્ષણ આપ્યું હતું અને યોગ્ય વરની શોધમાં મોટી વય સુધી તેને કુમારી રહેવા દીધી હતી.

એ અરસામાં રાજગૃહ નગરીના રાજાનો પુત્ર શ્રેણિક ધનપતિની દુકાને થઈ ચડ્યો અને બન્ને વચ્ચે મિત્રતા થઈ. ધનપતિને ઘેર હવે શ્રેણિક આવજા કરવા લાગ્યો. એ પ્રસંગોમાં સુનંદાનો શ્રેણિકના રૂપ અને ગુણનો પરિચય થયો અને તે તેના ઉપર મોહિત થઈ ગઈ. પોતાના મનની અભિલાષ તેણે માતાની આગળ જણાવી. આમ અજાણ્યા પુરુષ સાથે પોતાની પુત્રી પરણવા અભિલાષી થાય એ વાત માતાને રુચી નહિ. તેણે પુત્રીને ઠપકો આપ્યો. સુનંદાએ વિનયપૂર્વક કહ્યું: “માતા ! મેં આપની આગળ હૃદયનો સાચો ભાવ પ્રકટ કરી દીધો તેનો અર્થ આપ એવો ન કરો કે મેં કોઈ રીતે મારા જીવનને કલંકિત કર્યું છે. મારા ચિત્તમાં કોઈ જાતનો વિકાર નથી. એક આર્ય બાળાને છાજે એવો વિશુદ્ધ પ્રેમ મારો શ્રેણિકકુમાર પ્રત્યે છે. શ્રેણિક મારા હૃદયના નાથ છે. વરીશ તો એમને જ વરીશ; નહિ તો જન્મપર્યન્ત કુમારી રહી, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ.”

સુનંદાના પિતાના જાણ્યામાં એ વાત આવી ત્યારે એ પ્રસન્ન થયા. શ્રેણિકના ગુણોનો પરિચય તેમને થયો જ હતો. ભિન્ન ભિન્ન વર્ણમાં એ સમયમાં લગ્ન થતાં હતાં, એટલે એમણે એ વિવાહ સંબંધમાં સંમતિ આપી.

શ્રેણિકને સુનંદાનો અભિલાષ જણાવવામાં આવ્યો. શ્રેણિકે સુનંદાને મળીને પોતાની ખરી સ્થિતિ જણાવી. પોતાના જેવા રમતારામ, અજાણ્યા પુરુષ સાથે લગ્ન કરવામાં જોખમ સમાયું છે એ સમજાવ્યું. સુનંદાએ કોઈ પણ જાતના જોખમની પરવા કરી નહિ; ભાવિ પતિ ઉપર જરાયે અણવિશ્વાસ આણ્યો નહિ. એક આર્ય બાળાને માટે ભૂષણરૂપ ગણાય એવા શબ્દોમાં તેણે ઉત્તર આપ્યો: “ભદ્ર ! આપ મને ખોટો ભય બતાવીને મારો વિચાર ફેરવવાની આશા ન રાખશો. મેં નિશ્ચય કર્યો છે કે, પરણીશ તો તમનેજ પરણીશ, નહિ તો સંયમપૂર્વક કૌમાર્યવ્રત ધારણ કરીશ. આપ પરદેશી છો અને લગ્ન કરીને મને છોડીને ચાલ્યા જશો તો હું પાતિવ્રત્ય ધર્મનું પાલન કરતી પિયેરમાં બેસી રહીશ અને રાતદિવસ આપના પ્રિય નામનોજ જપ કરીશ.”

પરીક્ષામાં સુનંદા પાર ઊતરી. શ્રેણિકે તેને પોતાનાં હૃદયનું દાન કર્યું. શુભ દિવસે બન્નેનાં લગ્ન થઈ ગયાં.

થોડા સમય પછી સુનંદાને ગર્ભ રહ્યો. એની માતા તેના બધા દોહદ પ્રેમપૂર્વક પૂરા કરવા લાગી, એમ છતાં સુનંદા દુર્બળ થતી જતી હતી. તપાસ કરતાં જણાયું કે એના મનમાં એક દોહદ ઉત્પન્ન થયો છે અને તે દોહદ પૂર્ણ થવાની આશા નહિ હોવાથી સુનંદા દિનપ્રતિદિન શોષાઈ જતી હતી.

ગર્ભાવસ્થામાં દરેક સ્ત્રીને દોહદ થાય છે. પણ સુનંદાનો દોહદ ઘણા ઊંચા પ્રકારનો હતો. એનો દોહદ હાથી ઉપર બેસીને રાજમાર્ગમાં દાન આપતાં જવાનો હતો. એ વખતે રાજા સાથે સાથે ચાલે. પછી એ દેવસ્થાનોમાં પૂજા કરે. પોતાના એ દોહદનું વિસ્તારથી વર્ણન કરતાં કહ્યું: “માતા ! મારી એવીજ ઇચ્છા છે કે, હાથી ઉપર બેસીને વાજતેગાજતે હું જાઉં; પંચ પરમેષ્ઠીનો મંત્ર ભણું, મનવાંછિત દાન આપું, સ્વધર્મીઓને સંતોષું, દેશમાં અહિંસાવ્રત પળાવું અને સાધુઓને સાત્ત્વિક ભોજન કરાવું.”

માતા પુત્રીનો આવો દોહદ જાણી પ્રસન્ન તો થઈ, પણ પોતાના ગજા ઉપરાંતની વાત હોવાથી ઉદાસ થઈ. તેણે જમાઈને એ વાત જણાવી. શ્રેણિક પત્નીના ઉચ્ચ અભિલાષથી પ્રસન્ન થયો. શ્રેણિકે એ દોહદ પૂરો થવાનો ઉપાય સૂચવ્યો. એ નગરના રાજાને સુલોચના નામની એક પુત્રી હતી. એનાં નયન સુંદર અને વિશાળ હોવા છતાં પણ તે તેજહીન હતાં. છતી આંખે તે આંધળી હતી. શ્રેણિકની પાસે એક રત્ન હતું, તે ઘસીને આંખે ચોપડ્યાથી આંખનું તેજ પાછું આવતું હતું. શ્રેણિકની સૂચનાથી એ રત્ન લઈ ધનપતિ શેઠ રાજાની પાસે ગયો અને સુલોચનાની આંખનો ઈલાજ કરીને રાજાને પ્રસન્ન કર્યા. રાજાએ મોંમાગ્યું ઈનામ આપવા જણાવ્યું, ત્યારે ધનપતિએ પુત્રીના દોહદનો વૃત્તાંત કહ્યો અને એ દોહદ પૂર્ણ કરવા પ્રાર્થના કરી.

રાજાએ તેની માગણી સ્વીકારી. સુનંદાનો દોહદ પૂર્ણ થયો.

શ્રેણિક પોતાના પિતાના રાજ્યમાં ગયો. સુનંદાએ પિયેરમાં પુત્રને જન્મ આપ્યો, તેનું નામ અભયકુમાર પાડવામાં આવ્યું. માતાએ તેને ઘણું સારૂ શિક્ષણ આપ્યું હતું. થોડા સમય પછી એ પણ પુત્રસહિત પતિને ઘેર ગઈ. રાજા શ્રેણિકે ધામધૂમસહિત તેને નગરપ્રવેશ કરાવ્યો.

દીન–દરિદ્રોની સેવા, ધર્મોપદેશ, ભગવાનનું પૂજન આદિ સત્કાર્યમાંજ સુનંદાનું જીવન વ્યતીત થતું હતું. અભયકુમારે મહાવીરસ્વામીના સમયમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. ઉત્તરાવસ્થામાં એ દીક્ષા લઈ મોક્ષનો અધિકારી બન્યો હતો.