લખાણ પર જાઓ

રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/યશોમતી

વિકિસ્રોતમાંથી
← સુજ્યેષ્ઠા રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
યશોમતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
નર્મદાસુંદરી →




३२–य शो म ती

પૃષ્ઠચંપા નગરીના રાજા શાલની ભગિની હતી અને કાંપિલપુરના રાજકુમાર પીઠ સાથે તેનું લગ્ન થયું હતું.

માતાપિતાએ એને તથા એના ભાઈ શાલ અને મહાશાલને ઘણું સારૂ શિક્ષણ આપ્યું.

લગ્ન થયા પછી થોડા સમયમાં યશોમતીના પિતા અને સસરા બન્નેનું મૃત્યુ થયું હતું. પીઠ મહારાજા બન્યો અને યશોમતી કાંપિલપુરના મહારાણી પદને શોભાવવા લાગી. એ પદ તેણે સત્કાર્ય વડે દિપાવ્યું હતું. ધર્મનો પ્રચાર તથા દીનદરિદ્રોને સહાયતા કરવામાં તેનું જીવન વ્યતીત થતું. દંપતીનો સંસાર સુખમાં ચાલતો હતો. પ્રભુએ પ્રેમગ્રંથિ દૃઢ કરવા યશોમતીને એક પુત્ર ઉત્પન્ન કર્યો. એનું નામ ગાંગિલકુમાર પાડવામાં આવ્યું. માતાએ કુમારને સારૂં શિક્ષણ આપવામાં અને ધાર્મિક સંસ્કાર પાડવામાં કચાશ રાખી નહોતી. એ શિક્ષણના પ્રભાવે બાલ્યાવસ્થામાં જ કુમારમાં પ્રૌઢતા આવી હતી.

એ સમયમાં શ્રીમહાવીરસ્વામી ધર્મોપદેશ કરવા સારૂ વિચરી રહ્યા હતા. વિચરતા વિચરતા યશોમતીના બંધુ શાલની રાજધાનીમાં જઈ પહોંચ્યા અને પોતાની અમૃતમય વાણીથી ધર્મોપદેશ કરવા લાગ્યા. રાજા શાલ ઉપર તેમના ઉપદેશની ઊંડી અસર થઈ અને તેમણે દીક્ષા લીધી. તેના નાના ભાઇએ પણ રાજગાદીના વારસ થવા કરતાં સંસારત્યાગી સાધુ થવાનું વધારે પસંદ કર્યું. સતી યશોમતીની એ સમયે બંધુઓએ સલાહ લીધી હતી અને એણે ભાઈઓના વૈરાગ્યની પૂરી ખાતરી થતાં એ શુભ કાર્યમાં પોતાની અનુમતિ આપી હતી. યશોમતીનો પુત્ર ગાંગિલ મામાની ગાદીએ બેઠો હતો.

કેટલાક સમય પછી શ્રીમહાવીરસ્વામીએ ગૌતમ સ્વામીને રાજગૃહ નગરથી ખાસ પૃષ્ઠચંપા નગરમાં યશોમતી અને તેના પુત્રને બોધ આપવા મોકલ્યા. ગૌતમ સ્વામીએ ઉપદેશ આપતાં કહ્યુઃ “સંધ્યા સમયના રંગ, પાણીના પરપોટા અને દર્ભના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિંદુ જેવું આ મનુષ્યજીવન છે અને આ યૌવન તો નદીના વેગ સમાન છે; છતાં હે પાપી જીવ ! તમે બોધ નથી પામતાં એ કેવું આશ્ચર્ચ છે ? સંપત્તિ પાણીના પૂર જેવી ચંચળ છે, યૌવન ચાર દિવસનું ચાંદરણું છે અને આયુષ્ય પણ શરદ્‌ ઋતુના મેઘ જેવું અસ્થિર છે. તો પછી ધન શા કામમાં આવશે ? હે ભવ્યજીવો ! હવે તો ધર્મનું આરાધન કરો.”

આ અસરકારક વચનો કયા સંસ્કારી જીવને સ્પર્શ કર્યા વગર રહે ? યશોમતી, તેના પતિ તથા ગાંગિલનો સંસાર ઉપરથી મોહ ઊઠી ગયો અને તેમણે ગૌતમ સ્વામી પાસે દીક્ષા લીધી.

સદાચારી અને ધાર્મિક સન્નારી પોતાની આસપાસ શુદ્ધ વાતાવરણજ ઉત્પન્ન કરે છે. સતી યશોમતીના સત્સંગની અસર એના બન્ને ભાઈ, પતિ તથા પુત્ર ગાંગિલ ઉપર સારી રીતે થઈ હતી.