રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/સુજ્યેષ્ઠા

વિકિસ્રોતમાંથી
← ચિલ્લણા રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
સુજ્યેષ્ઠા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
યશોમતી →


३१–सुज्येष्ठा

સન્નારી રાજા ચેટકની પુત્રી અને આગલા ચરિત્રમાં વર્ણવેલી ચિલ્લણાની ભગિની હતી. બન્ને બહેનોમાં ઘણો સંપ અને સ્નેહ હતાં. એથી કરીને જ્યારે શ્રેણિક રાજા પ્રપંચ કરીને એની બહેન ચિલ્લણાને પરણી ગયો, ત્યારે સુજ્યેષ્ઠાને બહેનના વિયોગ અને સંસારના પ્રપંચોને લીધે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંસારનો ત્યાગ કરી દીક્ષા લઈ ધર્મમય જીવન ગાળવાનો તેણે સંકલ્પ કર્યો.

એ ઉદ્દેશથી સુજ્યેષ્ઠા ચંદનબાળા નામની સાધ્વી પાસે ગઈ અને તેની પાસે દીક્ષા લીધી. ચંદનબાળા ઘણી વિદુષી હતી, એટલે સુજ્યેષ્ઠાને એની પાસેથી ધર્મનું સારૂં શિક્ષણ મળ્યું. ધર્મજ્ઞાન ઉપરાંત દેહદમન કરીને એણે તીવ્ર તપસ્યા પણ કરી હતી. જૈન સાધ્વીઓમાં સુજ્યેષ્ઠાની કીર્તિ તપસ્વિની તરીકે ફેલાઈ હતી.

એક સમયે સાધ્વી સુજ્યેષ્ટા ઉપાશ્રયની અગાસીમાં એકલી બેસીને તડકામાં ભક્તિ કરી રહી હતી. એવામાં પેઢાલ નામનો એક સિદ્ધ વિદ્યાધર ત્યાં થઈને જઈ રહ્યો હતો. એ નિષ્કામ, બ્રહ્મજ્ઞાની અને અનેક વિદ્યાઓનો જાણનારો હતો. સાધ્વી સુજ્યેષ્ઠાને તપશ્ચર્યા કરતી જોઈને એ મોહિત થઈ ગયો. એને વિચાર આવ્યો કે, “આવી તપસ્વિનીને હું ગર્ભ રાખી શકું, તો એનાથી ઉત્પન્ન થનાર પુત્ર મારી વિદ્યાઓને ગ્રહણ કરી શકશે.” એ દુષ્ટ વિચારથી એણે ભ્રમરનું રૂપ લઈને તપમાં લીન થયેલી સાધ્વીના ઉદરમાં ગર્ભનો પ્રવેશ કરાવ્યો. એ નિર્દોષ બાળાને તો કશી વાતની ખબરજ નહોતી, પરંતુ ગર્ભ પોતાના નિયમ પ્રમાણે દિનપ્રતિદિન વધવા લાગ્યો અને સાધુ તથા સાધ્વી–સમાજમાં સુજ્યેષ્ઠાની નિંદા થવા લાગી. એમણે અનુમાન કર્યું કે સુજ્યેષ્ઠાએ આશ્રમના નિયમોનો ભંગ કરીને બ્રહ્મચર્યને ખંડિત કર્યું છે. સુજ્યેષ્ઠાએ  પોતાનો ઘણોએ બચાવ કર્યો પણ એમના માન્યામાં આવ્યું નહિ. આખરે બધી સાધ્વીઓ મહાવીરસ્વામી પાસે ગઇ. એ પોતાના યોગબળ વડે ભૂતકાળનો વૃત્તાંત પણ સ્પષ્ટ રીતે જાણી શકતા હતા. ભગવાને એમને કહ્યું: “સાધ્વીઓ ! તમે બિચારી સુજ્યેષ્ઠાના ચારિત્ર્ય માટે શંકા ન આણશો. એ પરમશીલવતી સાધ્વીના શુદ્ધ જીવનને કલંકિત કરીને પાપમાં ન પડશો. એ ગર્ભવતી છે એ વાત ખરી, પણ એણે સ્વપ્નમાં પણ પુરુષ સાથે સંયોગ કર્યો નથી. એ તો એક વિદ્યાધર પોતાની વિદ્યાના બળ વડે ગુપ્ત રીતે તેનામાં ગર્ભ સંચાર કરી ગયો છે. એ બિચારીને એ વિષયની કાંઈ ખબર નથી. એ પોતે તદ્દન નિર્દોષ છે.”

આથી બધી સાધ્વીઓને સંતોષ થયો અને તેમણે શુદ્ધ હૃદયથી સુજ્યેષ્ઠાને ક્ષમા આપી.

યથાસમયે સુજ્યેષ્ઠાએ એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ સાત્યકિ પાડવામાં આવ્યું. જન્મ્યા પછી તરતજ એને કોઈ શ્રાવકને ઘેર મૂકવામાં આવ્યો. સુજ્યેષ્ઠા જેવી માતાના ગર્ભમાં જન્મ લીધાથી એ ઘણો બુદ્ધિમાન નીવડ્યો હતો અને અનેક પ્રકારની વિદ્યાઓ બહુ સહેલાઈથી શીખ્યો હતો. સાત્યકિના જીવનનો વૃત્તાંત લખી અમે વાચકનો સમય લેવા નથી માગતા. સુજ્યેષ્ઠા કદી એને મળી નહોતી. ગર્ભધારણના બનાવમાં એનો જરા પણ દોષ નહોતો, છતાં પણ એ પ્રસંગને લીધે સમાજમાં એની ચર્ચા થઈ. થોડો સમય પણ એના શુદ્ધ ચારિત્ર્યને કલંક લાગ્યું, એ વિચારથી એ કુલીન સન્નારીને ઘણું જ દુઃખ થતું હતું. હવે એણે પોતાનો ઘણોખરો સમય તપશ્ચર્યામાંજ ગાળવા માંડ્યો હતો. તપશ્ચર્યાની સાથે એ પરોપકાર કરતી અને પોતાનાથી ઓછા જ્ઞાનવાળાઓને જ્ઞાન આપતી.

ઉજ્જયિનીના રાજાની રાણી શિવા સુજ્યેષ્ઠાના સમાગમમાં આવી હતી અને સુજ્યેષ્ઠાએ રાણીને પોતાના સ્વધર્મીઓ તથા પ્રજા પ્રત્યેના કર્તવ્યનો બોધ આપ્યો હતો.

આ પ્રમાણે સાધ્વી સુજ્યેષ્ઠાએ અનેક સન્નારીઓને પરોપકારનાં કાર્યમાં પરોવી હતી. આખરે શ્રીમહાવીરસ્વામીના ઉપદેશથી અનેક પ્રકારનાં તપ દ્વારા કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સુજ્યેષ્ઠા મુક્તિપદને પામી હતી.