રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/રાજમાતા જીજાબાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શ્રીમતી (આર્દ્રકુમારની પત્ની) રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
રાજમાતા જીજાબાઈ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મરાઠા વીરાંગના તારાબાઈ →


३६–राजमाता जीजाबाई

મોગલ સામ્રાજ્ય જ્યારે ઉન્નતિની ટોચે પહોંચ્યું હતું, ઔરંગઝેબના કઠોર રાજ્યને લીધે જ્યારે ભારતવર્ષમાં ચારે દિશાના લોકોના હૃદયમાં ભય અને ત્રાસ વ્યાપી ગયો હતો, સ્વાધીનતાના પ્રધાન ઉપાસક, તેજસ્વિતાના અદ્વિતીય અવલંબન અને સાહસના એક માત્ર આશ્રયરૂપ રજપૂતો જ્યારે મોગલ બાદશાહને શરણે ગયા હતા, ત્યારે ભારતના દક્ષિણ ભાગમાં પશ્ચિમી પર્વતોથી ઘેરાયેલા પ્રદેશમાં એક મહાશક્તિ ધીમે ધીમે બધાનાં હૃદયમાં આશ્ચર્ય ઉત્પન્ન કરી રહી હતી. ધીમે ધીમે એ મહાપ્રતાપી પુરુષના પરાક્રમથી મેગલ બાદશાહ કંપી ઊઠ્યા અને તેના એકલાનાજ ઉત્સાહ અને તેજસ્વિતાનો સ્રોત આખા આર્યાવર્તમાં વ્યાપી ગયો. એ મહાશક્તિ કોણ તે ઓળખાવવાની જરૂર છે કે ? વીરત્વની પ્રદીપ્ત મૂતિ, સ્વતંત્રતાના અદ્વિતીય આશ્રયસ્તંભ, છત્રપતિ મહારાજા શિવાજીના નામથી આપણા દેશમાં કોઈ બાળક પણ અજાણ્યો છે કે ?

એ વીર પુરુષ, એ સ્વદેશ ઉદ્ધારક મહાત્માને જન્મ આપનાર રાજમાતા જીજાબાઈ હતાં.

સંતાનને માં જેવું સારૂં શિક્ષણ આપી શકે છે, મા જેવી રીતે તેને સારે રસ્તે ચડાવી શકે છે, તેવું બીજા કોઈથી થઈ શકતું નથી. જે મનુષ્યમાં મહાન થવાની શક્તિ અને ઈચ્છા છે, તે મનુષ્યને માતાના શિક્ષણ અને માતાના ઉત્સાહથી જેટલી હિંમત મળે છે, તેટલી બીજા કશાથી મળતી નથી. માતા હસતે મોંએ ઉત્સાહ અને આશીર્વાદ આપતી સામે ઊભી હોય તેવે સમયે[૧] મનુષ્ય જેવો સાહસ કરીને વિપત્તિની સામે ઝંપલાવે છે, તેવો બીજી કોઈ વખતે ઝંપલાવતો નથી. પરાધીનતા, કાયરપણું વગેરે દેશ માટે માતા પાસેથી જેને ઠપકો મળે તેના જેવો ઠપકાનો ભય બીજો કોઈ રહેતો નથી.

ધર્મનિષ્ઠા, મહત્ત્વ અને તેજસ્વિતામાં જીજાબાઈ એક આદર્શ રમણી હતી. પોતાનો પુત્ર વીરત્વ, મહત્ત્વ અને ધર્મનિષ્ઠામાં આદર્શ પુરુષ નીવડે અને હિંદુઓની ખોવાયલી પ્રતિષ્ઠા પાછી આણે એટલા માટે પુત્રને શિક્ષણ અને ઉત્સાહ આપવામાં તેમણે બાકી રાખી નહોતી અને તેને લીધેજ શિવાજી ‘શિવાજી’ બનવા પામ્યા હતા.

દક્ષિણ ભારત કદી એક વખતે દિલ્હીના શહેનશાહના તાબામાં રહ્યું નથી. જ્યારે પઠાણ રાજાઓ દિલ્હીમાં રાજ્ય કરતા હતા, ત્યારે દક્ષિણમાં બે મુખ્ય રાજ્ય હતાં. એક હિંદુનું અને બીજું મુસલમાનોનું.

હિંદુ રાજ્યનું નામ વિજયનગર અને મુસલમાની રાજ્યનું નામ બ્રાહ્મણી રાજ્ય.

ધીમે ધીમે બ્રાહ્મણી રાજ્યના પાંચ ભાગ ગઈ ગયા. એ પાંચ રાજ્યના મુસલમાન રાજાઓએ મળીને વિજયનગરના હિંદુ રાજ્યનો નાશ કર્યો. ત્યાર પછી એ પાંચ રાજ્યમાંથી એનો લોપ થઈને ત્રણ બાકી રહ્યાં. એ ત્રણનાં નામ અહમદનગર, બિજાપુર અને ગોવલકોંડા.

હિંદુ રાજ્યનો નાશ થયા છતાં હિંદુની શક્તિ એકદમ નાશ પામી નહિ. મુસલમાન રાજાઓના તાબામાં સેંકડો નાના નાના જમીનદારો, જાગીરદારો અને કિલ્લેદારો પોતપોતાની હદમાં રાજ્ય કરતા હતા. એ હિંદુ જાગીરદારો વગેરે યુદ્ધ અને રાજ્યશાસનમાં અહમદનગર, વિજાપુર અને ગોવલકોંડાના મુસલમાન રાજાઓના મુખ્ય મદદગાર હતા.

આટલી શક્તિ હોવા છતાં પણ એ હિંદુઓ મુસલમાનોને તાબે હતા તેનું કારણ એ છે કે, એ બધા હિંદુ જાગીરદારો સાથે મળીને કદી સંપ કરી શકતા નહિ; અથવા તેમાંનો કોઈ એવો મોટો નીકળતો નહિ કે જે બધાને પોતાના તાબામાં રાખીને એક વિશાળ હિંદુ રાજ્યની સ્થાપના કરે.

દાક્ષિણાત્યના પશ્ચિમ ભાગમાં મરાઠા દેશ છે. એ દેશમાં પણ અનેક મરાઠા જાગીરદાર અને કિલ્લેદારોમાંથી પણ કોઈ અહમદનગર તો કોઈ બિજાપુર અને કોઈ ગોવલકોંડાના સુલતાનના તાબામાં કામ કરતા. શિવાજીએ સૌથી પહેલાં પોતાની શક્તિના બળે આખી મરાઠા જાતિને પોતાના વાવટા તળે આણીને એક નૂતન શક્તિ વડે, હિંદુ પ્રજાના જીવનમાં એક નૂતન ભાવનો સંચાર કર્યો. આ પ્રચંડ શક્તિના આઘાતથી ફક્ત દક્ષિણનીજ નહિ પણ આખા ભારતવર્ષની મુસલમાન શક્તિ તૂટી ગઈ.

એ મહાશક્તિની જનની, એ નવગંગા પ્રવાહની પુણ્ય પવિત્ર ગોમુખી જીજાબાઈ સિંદખેડના દેશમુખ, લુકજી જાધવરાવ નામના કોઈમરાઠા જાગીરદારની કન્યા હતી.“લુકજી જાધવરાવ દેવગિરિના યાદવોનો વંશજ અને સિંદખેડનો દેશમુખ હતો. અહમદનગરની નિઝામશાહીમાં તેને બાર હજાર ઘોડેસવારની મનસબદારી મળી હતી. એ લશ્કરના ખર્ચ્ સારૂ તેને નિઝામ સરકાર તરફથી મોટી જાગીર મળી હતી. સરકારમાં તેમનું ઘણું માન હતું, એટલું જ નહિ પણ તેમના જેવા બળવાન અને શૂરા સરદાર નિઝામશાહીમાં ઘણાજ થોડા હતા.”[૨] એ શૂરા સરદારના હાથ નીચે માલોજી ભોંસલે નામનો એક નાનો પણ ખાનદાન મરાઠા જમીનદાર કામ કરતો હતો. એમ કહેવાય છે કે, અલાઉદ્દીને જ્યારે ચિતોડ જીતી લીધું ત્યારે ઉદયપુરના રાણાવંશનો એક રજપૂત મરાઠાઓના દેશમાં નાસી આવ્યો હતો. એજ રજપૂતના વંશમાં માલોજીનો જન્મ થયો હતો. માલોજીની પત્ની દિપાબાઈને ઘણાં વર્ષો સુધી સંતતિ નહિ થવાથી તેમણે અનેક બાધાઆખડી રાખી હતી. છેવટે તેમણે પોતાના નગરના પીર શાહ શરીફની બાધા રાખી અને દર ગુરૂવારે ફકીરોને દાનધર્મ કરવા માંડ્યું. સદભાગ્યે છ માસમાં દિપાબાઈ ગર્ભવતી થઈ અને ઈ. સ. ૧૫૯૪ માં તેના ગર્ભથી પુત્રરત્નનો પ્રસવ થયો. પીરની કૃપાથી પુત્ર પ્રાપ્ત થયો હતો એમ માનીને માલોજીએ તેનું નામ શાહજી પાડ્યું. ત્યારપછીના બીજા પુત્રનું નામ શરીફજી પાડ્યું હતું. જે શિવાજીએ પાછળથી મુસલમાની સત્તા સામે પ્રબળ વિરોધ મચાવ્યો, તેજ શિવાજીના પિતાના જન્મ સમયે હિંદુઓના હૃદયરાજ્ય ઉપર પણુ મુસલમાન સાધુસંતોએ કેટલી અસર જમાવી હતી તે દર્શાવવા સારૂજ અમે એ બીનાનો અત્રે ઉલ્લેખ કર્યો છે.

શાહજી બુદ્ધિમાન અને કાર્યકુશળ હતો. તેની વાણી મધુર અને વર્તણુંક મોહક હતી. જાધવરાવ તેના ઉપર ઘણા પ્રસન્ન રહેતા. જાધવરાવને જીજાઉ અથવા જીજાબાઈ નામની એક પુત્રી હતી. એની તથા શાહજી વચ્ચે મૈત્રી બંધાઈ. શાહજી એ સમયે પાંચ વર્ષનો હતો અને જીજા ત્રણ વર્ષની હતી. બંને ઘણી વાર સાથે રમતાં અને નિર્દોષ વિનોદ કરતાં. એક સમયે રંગપંચમીને દિવસે જાધવરાવને ઘેર મોટો સમારંભ હતો. અનેક સદગૃહસ્થોને આમંત્રણ હતું. માલોજી પણ શાહજીની સાથે ત્યાં ગયો હતો. જાધવરાવે શાહજીને પ્રેમપૂર્વક પોતાના ખોળામાં બેસાડ્યો, એટલામાં જીજા પણ દોડતી આવીને પિતાના ખોળામાં શાહજીની પાસે બેસી ગઈ. બંને સમાન વયનાં બાળકને જોઈને જાધવરાવે લાડમાં તથા મશ્કરીમાં પૂછ્યું: “કેમ જીજા, આ છોકરા જોડે પરણીશ? આ વર તને ગમે છે?” જીજાએ કહ્યું: “હા, પરણીશ. એ મારા વર.” એમ કહેતામાં બંને બાળકો એકબીજા ઉપર પાસેની રકાબીમાંથી રંગ અને ગુલાલ છાંટવા લાગ્યાં. હાજર રહેલા પરોણાઓ એ સુંદર દૃશ્ય જોઈને હસવા લાગ્યા અને કહેવા લાગ્યાઃ “કેવું સરસ જોડું છે !”

માલોજીનું કુળ ગમે તેટલું ઊંચું હશે પણ માનમરતબો અને ધનવૈભવમાં એ લુકજી કરતાં ઘણો ઊતરતો હતો. લુકજી જાધવરાવની કન્યા સાથે પોતાના પુત્રનું સગપણ થાય એવી આશા રાખવી તેને માટે મિથ્યા હતી, પરંતુ આવો સરસ લાગ મળ્યાથી એણે ત્યાં બેઠેલા બધાને કહ્યુંઃ “આપ સર્વે સાક્ષી છો. જીજા આજથી મારી પુત્રવધૂ થઈ. લુકજી મારા વેવાઈ થયા.”

બીજે દિવસે ભોજનનું નિમંત્રણ આવ્યું ત્યારે માલોજીએ લુકજીને કહેવરાવી મોકલ્યું કે, “શાહજીની સાથે જીજાનો વિવાહ કરવાનું કબૂલ કરશે તો હું લુકજીને ઘેર જમવા આવીશ; નહિ તો નહિ આવું.”

માલોજી મૂળે તો ગરીબ હતો, તેમાં વળી હાલ તો લુકજીના હાથ નીચે નોકર હતો. તેના તરફથી આવી બરોબરિયાના જેવી માગણી આવ્યાથી, લુકજીની સ્ત્રીનો પિત્તો ઊકળી આવ્યો અને તેણે માલોજીને ખૂબ ગાળો ભાંડી. આ અપમાન અસહ્ય થયાથી, માલોજી તેમની નોકરી છોડી દઈને ખેતીનું કામ કરવા લાગ્યો.

થોડા સમય પછી માલોજીનું નસીબ ફર્યું અને તેને જમીનમાં દાટેલા સોનામહોરોના સાત ચરૂ મળી આવ્યા. એ સંબંધમાં દંતકથા એવી છે કે :–

એક દિવસ માલોજીએ સ્વપ્ન જોયું કે સાક્ષાત્ દેવી ભગવતી તેની સન્મુખ આવી ઊભાં છે અને કહે છે કે, “માલોજી! હું તારા ઉપર પ્રસન્ન થઈ છું. તારા વંશજો રાજા થઈને ધર્મનું ગૌરવ સાચવશે. અહીંયાં સોનામહોરના સાત કળશ દાટેલા છે, તે તું ખોદી લે અને એ ધનથી ભવિષ્યના રાજ્યની તૈયારી કર.”

આ પ્રમાણે કહીને દેવી અદૃશ્ય થઈ ગયાં. માલોજીએ બીજે દિવસે સવારે દેવીએ બતાવેલે સ્થાને ખોદ્યું અને સોનાના સાત ચરૂ કાઢ્યા. આ પ્રમાણે અઢળક ધન મળ્યાથી માલોજીએ ઘણા સવારોનું સૈન્ય એકઠું કર્યું.

તેના સાહસ અને બળની વાત હવે ચારે તરફ ફેલાઈ. ધીમે ધીમે અહમદનગરના રાજ્યમાં તેને મોટો અધિકાર મળ્યો.

લુકજીએ હવે ઈ. સ. ૧૬૦૪ ના માર્ચમાં પોતાની કન્યા જીજાબાઇનો શાહજી સાથે વિવાહ કરી દીધો.

કેટલાંક વર્ષ વીતી ગયાં. શાહજી હવે બાળક નથી. હવે તો એ પણ સાહસિક, પરાક્રમી અને બળવાન યુવક થયેલ છે. અહમદનગરનું રાજ્ય દિવસે દિવસે નબળું પડતું જતું હોવાથી શાહજી દિલ્હીના શહેનશાહ પાસે નોકરી માગવા ગયો. તેના ગુણોનાં વખાણ શાહજહાન બાદશાહ અગાઉથી સાંભળી ચૂક્યો હતો, એટલે એણે આ ગુણવાન વીર યુવકને છ હજાર ઘોડેસવારનો નાયક નીમીને બે લાખ રૂપિયાનું ઇનામ આપ્યું.

થોડા સમય પછી અહમદનગરના રાજા બહાદુરશાહનું મૃત્યુ થયું, રાજ્યમાં ઘણી ગડબડ મચી. શાહજી બચપણથી જ અહમદનગર રાજ્યમાં ઊછર્યો હતો. આગલી વયમાં એ રાજ્યનીજ તેણે નોકરી કરી હતી. એ રાજ્ય ઉપર આજે રાજાના મૃત્યુથી આફત આવી છે, એ જોઇને તેનાથી બેસી રહેવાયું નહિ. એ દિલ્હીમાંથી પોતાની નોકરીનું રાજીનામું આપીને તરત અહમદનગર પહોંચ્યો. બહાદુરશાહની બેગમ શાહજીના આવ્યાની ખબર સાંભળીને ચિંતામાંથી મુક્ત થઇ. થોડા વખત પછી તેણે શાહજીને પોતાના રાજ્યનો કારભારી નીમ્યો અને બાળક પુત્રોના રક્ષણનો ભાર પણ તેને સોંપ્યો.

વૃદ્ધ લુકજી હજુ પણ અહમદનગરના રાજ્યમાં પોતાની આગલી નોકરી ઉપર હતો. જે માલોજી એક દિવસ પોતાનાજ હાથ નીચે સાધારણ કારકુન હતો, તેનોજ દીકરો આજે રાજ્યમાં કરતોકારવતો થઈ પડ્યો. જમાઈ હોવા છતાં પણ તેની આટલી બધી ઉન્નતિ લુકજીથી સહન થઈ શકી નહિ. એણે દિલ્હીના બાદશાહ શાહજહાન સાથે મસલત ચલાવી અને પોતે સહાય કરવાનું વચન આપીને તેને અહમદનગર ઉપર ચડાઈ કરવાનો આગ્રહ કર્યો.

દિલ્હીના બાદશાહો ઘણા સમયથી અહમદનગર જીતવાનો યત્ન કરતા હતા. હવે એ રાજ્યના જ એક માણસે ઘરભેદુ થઈને મદદ કરવાનું વચન આપ્યું, એટલે શાહજહાને સેનાપતિ મીરજુમલાને અહમદનગર ઉપર ચડાઈ કરવા મોકલ્યો.

શાહજી પરાજિત થયો. અહમદનગરની પડતી આવી. શાહજીએ જોયું કે, “હું રાજ્યનો મુખ્ય અમલદાર છું એટલા માટે અદેખાઈને લીધે સસરાએ આ આપત્તિ આણી છે. હું પોતે રાજકામ છોડી દઇશ તો રાજ્યનું રક્ષણ થશે.” એવું વિચારીને એણે બિજાપુર રાજ્યમાં નોકરી સ્વીકારીને સપરિવાર અહમદનગરનો ત્યાગ કર્યો.

જીજાબાઈ આ સમયે તેમની સાથે હતાં. તેમનો મોટો પુત્ર સંભાજી આ સમયે ત્રણચાર વર્ષનો હતો અને તે પણ માતાપિતાની સાથેજ હતો. અધૂરામાં પૂરું જીજાબાઈ આ આપત્તિને સમયે સગર્ભા હતાં. શત્રુઓ પાછળ આવતા હોવાથી તેમને વેગપૂર્વક ઘોડો દોડાવતાં નાસવું પડ્યું હતું. કેટલાક ગાઉ જતાં તેમના પેટમાં એકદમ એવો દુઃખાવો થયો કે એક ડગલું પણું આગળ ચાલવું અસહ્ય થઈ પડ્યું. આવી સ્થિતિમાં પત્નીને કોઈ સુરક્ષિત સ્થાનમાં મૂકવાનો શાહજીએ વિચાર કર્યો. મુન્નરનો થાણદાર શ્રીનિવાસ રાવ એમનો મિત્ર હતો. જીજાબાઈને કેટલાક નોકરો સહિત તેના આશ્રયમાં શિવનેરીના કિલ્લામાં મૂકીને શાહજી નિરુપાયે આગળ ચાલ્યા. એમણે ધાર્યું હતું કે લુકજી પાછળ આવે છે, એના હાથમાં જીજાબાઈ આવશે તો લાખ તોયે એની છોકરી હોવાથી એ એને દુઃખ નહિ દે. થયું પણ એમજ. શાહજી રાજા શિવનેરીના કિલ્લાથી થોડા ગાઉ આગળ પહોંચ્યા હશે એટલામાં જાધવરાવ કિલ્લામાં પહોંચ્યા. લોકોએ તેમને સમજાવ્યા કે, “શાહજી રાજ સાથે તમારે શત્રુતા છે, પુત્રી જીજાએ તમારો કાંઈ અપરાધ કર્યો નથી. એના રક્ષણનો પૂરતો બંદોબસ્ત કરવો એ તમારી ફરજ છે. મોગલો પાછળ આવી રહ્યા છે, ન કરે નારાયણ અને જીજાબાઈ એમના હાથમાં સપડાશે તો એથી તમારી આબરૂ પણ ધૂળમાં મળી જશે, માટે જમાઈની શત્રુતાનો વિચાર આ સમયે ન આણતાં છોકરીના રક્ષણનો વિચાર કરો.” હિતસ્વીઓની આ વાજબી સલાહ જાધવરાવને ગળે ઊતરી, તેમનું હૃદય પીગળ્યું અને તે પુત્રી જીજાબાઈને મળવા ગયો. જીજાબાઈએ પિતાને ઘણો ઠપકો આપ્યો અને કહ્યું કે, “મારા પતિને બદલે હું તમારા હાથમાં આવી છું, જે કાંઈ સજા કરવી હોય તે મને કરો.”

જાધવરાવે સ્નેહપૂર્વક પુત્રીને માથે હાથ ફેરવ્યો અને કહ્યું: “જેવી બુદ્ધિ સૂઝવાની હતી તે સૂઝી અને વેરભાવ બંધાયો. હવે તેનો કાંઈ ઉપાય નથી. તારે ક્યાં જવું છે તે મને કહે. તારે સિંદખેડા જવું હોય તો હું તને સુરક્ષિતપણે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરૂં.” જીજાબાઈએ ઉત્તર આપ્યો: “મારા સ્વામી મને જ્યાં મૂકી ગયા છે ત્યાંજ હું રહેવા માગું છું. મારે પિયેર નથી આવવું. પુત્રીનો એવો નિશ્ચય જોઈને જાધવરાવે તેના રક્ષણ માટે ત્યાં વધારાનાં કેટલાંક માણસો રાખ્યાં. એ પ્રમાણે પતિત્રતા જીજાબાઈ પતિની ઈચ્છાને માન આપીને એમણે નક્કી કરેલે સ્થાનેજ રહી. પોતાના પતિ સાથે જીજાબાઈના પિતાએ વેર બાંધ્યું હતું એ એને જરા પણ પસંદ નહોતું. પતિનું અપમાન કરનાર પિતાની છાયામાં એ સુરક્ષિત રહેવા કરતાં જોખમ વેઠીને પતિના મિત્રના શરણમાં રહેવુંજ તેણે યોગ્ય વિચાર્યું. એમ પણ કહેવાય છે કે ત્યાર પછી એ કદી પિયેર ગયાં નહોતાં. દેવસેવા અને ધર્મમાં મૂળથીજ જીજાની ગાઢી ભક્તિ હતી. સ્વામી એકલી છોડીને ગયા હતા, પિતાએ પણ શત્રુની સ્ત્રી ગણીને તેને નજરકેદ કરી રાખી હતી, સંસારમાં હવે જીજાને માટે બીજું કંઈ કામ નહોતું એટલે જીજાએ એકાગ્રચિત્તે દુર્ગની અધિષ્ઠાત્રી શિવાઈ માતાની આરાધના કરવા માંડી.

પરંતુ સંસારનું સઘળું સુખ જતું રહે તો પણ સંતાન પ્રત્યેની મમતા સ્ત્રીના હૃદયમાંથી ઓછી થતી નથી. કેદીની દશામાં જીજાને સંસારનું બીજું કાંઈ બંધન નહોતું, પણ ગર્ભમાંના બાળક પ્રત્યેનો પ્રેમ સદા તેનું ધ્યાન એ તરફ ખેંચી રાખતો.

સાંસારિક સુખની કોઈ સાંકડી અને સ્વાર્થી લાલસા તેને નહોતી, ઘર માંડીને સાંસારિક વૈભવથી સુખી થાવાની ઈચ્છા તેણે કોઈ દિવસ મનમાં આણી નથી, એના મનમાં કેવળ એ જ વિચાર આવતો કે, “હિંદુ ધર્મ અને હિંદુ જાતિનો દિવસે દિવસે ભારતવર્ષમાંથી નાશ થતો જાય છે, માટે હું એક એવા વીર અને ધાર્મિક પુત્રને જન્મ આપું કે, એ પુત્ર ફરીથી ભારતની પ્રતિષ્ઠા અને ગૌરવ વધારે.” એ ઉચ્ચ કામના સુખ અને વૈભવની ઈચ્છાઓને દૂર કરીને, ઉદારચરિત જીજાના હૃદયમાં ઊભરાવા લાગી. એજ કામનાથી જીજાબાઈ હમેશાં એકાગ્રચિત્ત શિવાઈદેવીની પૂજા અને પ્રાર્થના કરતી હતી.

દેવીના મંદિરમાં બેસીને બે હાથ જોડીને જીજા કહેતી કે, “મા, સંસારમાં મારે કાંઈ સુખ નથી, કોઈ સુખની હું આકાંક્ષા પણ રાખતી નથી. ગર્ભમાં જે બાળક છે તે બાળક તમારો થાઓ. તમારી દયા અને તમારે પ્રતાપે એ તમારી શક્તિ લઈને દુનિયામાં અવતરજો. એ પુત્ર પાસેથી હું મારા અંગત ફાયદાની આશા રાખતી નથી કે પુત્રના પોતાના સુખવૈભવની કે વિલાસની પણ હું વાસના કરતી નથી. ઇચ્છા માત્ર એટલી જ છે કે એ પુત્ર સદા તારોજ દાસ થઈને રહે અને તારી સેવા કરીને માનવજીવનનું સાર્થક કરે. મા ! હું તમારી જ જે ભક્તિ અને પૂજા કરું છું, તે ભક્તિ તમારી કૃપાથી મારા ગર્ભમાં રહેલા બાળકના હૃદયમાં સંચાર પામો ! એ ભક્તિના આશીર્વાદરૂપે તમારી વિશ્વપાલક શક્તિથી તેનું હૃદય પૂર્ણ થાઓ અને એ શક્તિથી ભારતમાં ધર્મરાજ્યની સ્થાપના થાઓ. મારી બીજી કોઈ કામના નથી. બીજી કોઈ પ્રાર્થના નથી. તમારી દાસી નિત્ય એકજ વાસના અને એક જ પ્રાર્થના માટે તમારે બારણે આવીને પોકારે છે. માજી! દાસીની એ પ્રાર્થના સાંભળો અને દાસીની એ ઈરછા પૂર્ણ કરો.

“મા ! વીરપુત્ર, ધાર્મિક પુત્ર, જે પુત્રને હાથે દેવતાના તથા ધર્મના ગૌરવનું રક્ષણ થાય, એવા પુત્રને જન્મ આપવામાં જ નારીજીવનની સાર્થકતા છે, મેં ઘણું દુઃખ વેઠ્યું છે. ઘણું દુઃખ પડ્યા છતાં પણ એ દુઃખના નિવારણ માટે તમારી પાસે પ્રાર્થના કરી નથી. તમારી શક્તિ, તમારો મહિમા જગતમાં સ્થાપી શકે, એવો ધાર્મિક પુત્ર આપીને માતાજી, મારૂં નારીજીવન સાર્થક કરો.”

આપણા દેશના તેમજ પશ્ચિમના વિદ્વાનોનું માનવું છે કે, ગર્ભાવસ્થામાં માતાની જેવી ભાવનાઓ, જેવા વિચારો અને જેવી ઈચ્છા હોય છે, તેવાજ સંસ્કાર પુત્ર ઉપર પડે છે. ગર્ભની સૂચના થઈ ત્યારથી યુદ્ધનો ભારે ગડબડાટ મચી રહ્યો હતો; પરંતુ એ વીરાંગના જીજાનું વીર હૃદય એ યુદ્ધ કોલાહલમાં પણ ભયથી જરા એ ચમક્યું નહોતું. તેના હૃદયમાં ઉત્સાહ સિવાય બીજો કોઈ ભાવ ઉત્પન્ન થયો નહોતો. યુદ્ધ થઈ રહ્યા પછી બાકીના મહિના જીજાએ એકાગ્રચિત્ત શક્તિ સ્વરૂપ જગન્માતાની અર્ચના કરવામાં અને દેવીની પાસે વીર અને ધાર્મિક પુત્ર માગવામાં ગાળ્યા હતા, એટલે પુત્રના મનમાં સ્વાભાવિક રીતે જ વીરત્વ અને ધર્મનો ભાવ પ્રબળ થાય તો એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈજ નથી. આવી પુણ્યમય સાધનાના ફળરૂપે ઈ. સ. ૧૬ર૭ની ૧૦મી એપ્રિલે જીજાબાઈએ એજ શિવનેરી દુર્ગમાં, ઈચ્છાનુસાર દુર્લભ પુત્રરત્નને જન્મ આપ્યો, શિવાઈદેવીના વરદાનથી શિવાઈદેવીના સેવકરૂપ પુત્ર જન્મ્યો એમ ધારીને જીજા એ પુત્રનું નામ “શિવાજી” પાડ્યું.

શિવનેરીના કિલ્લામાં જીજાબાઈ ત્રણ વર્ષ રહ્યાં. ત્યાર પછી શાહજી રાજા તેમને બાયજાપુર લઈ ગયા. એ બાયજાપુરમાં વસતા હતા તે સમયે મોગલ સરદારે નિઝામશાહી રાજ્ય ઉપર હુમલો કર્યો હતો અને બાયજાપુરના કિલ્લેદારને કહ્યું હતું કે, “શાહજીની પત્ની બાયજાપુરમાં છે તેને પકડીને મારે સ્વાધીન કર. તેમ કર્યાથી બાદશાહ તને મોટું ઇનામ આપશે.” ઈનામની લાલચે એ વિશ્વાસઘાતી કિલ્લેદાર પ્રપંચથી જીજાબાઈને પકડીને મોગલની છાવણીમાં લઈ ગયો. એ સમયે જાધવરાવનો ભાઈ મોગલોની સેનામાં નોકર હતો. તેને એથી ઘણું ખોટું લાગ્યું, પણ એ વખતે બળથી કામ ચાલે એમ નહોતું. તેથી તેણે મહોબતખાનની પાસે જઈને યુક્તિપૂર્વક કહ્યું કે, “શાહજી અને અમારા કુટુંબ વચ્ચે કુસંપ છે એ આપ જાણોજ છો. એ કજિયાને લીધે તેણે જીજાબાઈ અને તેના પુત્રોને ત્યજી દીધાં છે અને તુકાબાઈ નામની બીજી સ્ત્રી સાથે વિવાહ કર્યો છે. બીજી વાર લગ્ન કર્યાથી જીજાબાઈ અને તેની વચ્ચે અણબનાવ છે. જીજાબાઇને આપ કેદ કરશો તેથી શાહજીને તો જરા પણ ખોટું નથી લાગવાનું, પણ અમારા કુટુંબની આબરૂ તો અવશ્ય જશે. અમે આપના નિમકહલાલ નોકર છીએ, માટે અમારી કીર્તિને કલંક લાગે એવું કૃત્ય આપને હાથે ન થવું જોઈએ.” એ વાત મહાબતખાનને ગળે ઊતરી અને તેણે જીજાબાઈને જાધવરાવને સોંપી દીધી. જાધવરાવે જીજાબાઈને શાહજી રાજાના તાબાના કોંડાણાના કિલ્લામાં સુરક્ષિતપણે પહોંચાડી દીધાં. આ પ્રમાણે એમની એક મહાઆપત્તિ ટળી ગઈ.

શિવાજીના જન્મ પછીનાં દશ વર્ષ જીજાબાઈએ ઘણી ચિંતામાં ગાળ્યાં. “શત્રુઓના ભયથી તેમને એક કિલ્લામાંથી બીજા કિલ્લામાં નાસભાગ કરવી પડતી. શત્રુઓ ક્યારે આવીને પોતાના પ્રિય પુત્રને તથા પોતાનો સંહાર કરશે એ ચિંતા એમને રાતદિવસ રહેતી હતી. વળી શાહજી રાજાએ મોગલો જેવા પ્રબળ શત્રુ સાથે ઘોર સંગ્રામ મચાવ્યો છે તેનું પરિણામ અંતે શું આવે છે, એ ચિંતામાં તેમને ચિંતાજ્વર લાગુ પડ્યો હતો; પરંતુ જીજાબાઇ અત્યંત સ્વાભિમાની અને પતિવ્રતા હોવાથી ધૈર્યપૂર્વક અને દૃઢ નિશ્ચયપૂર્વક દસ વર્ષ વિતાડ્યાં.”[૩]

મહારાજા શિવાજીના બાળશિક્ષણનો આરંભ માતા જીજાબાઈને હાથેજ થયો. આપત્તિના સમયમાં એમનું બધું ધ્યાન એજ તરફ લાગ્યું હતું. સાધનાબળે ગર્ભાવસ્થામાં પુત્રના હૃદયમાં તેમણે જે મહત્ત્વનું બીજારોપણ કર્યું હતું, તે મહત્ત્વ યોગ્ય શિક્ષણ અને પોતાની વર્તણુંકના દાખલાથી અંકુરિત થઈને ખીલી નીકળે એ માટે જીજાબાઈ ઘણી જ મહેનત અને કાળજીથી પુત્રને ઉછેરવા લાગ્યાં. જે કામનાથી ‘શિવાઈ’ દેવી પાસે પુત્ર માગ્યો હતો, તે કામના પુત્રને મહાન ગુણોથી વિભૂષિત કરીને પૂર્ણ કરવી, એ જીજાના જીવનનું એક માત્ર વ્રત બન્યું. ભવાનીના વરદાનથી પુત્ર મળ્યો. હવે એ પુત્ર ભવાનીના ચરણકમળમાં  આત્મદાન કરીને ભવાનીના આશીર્વાદથી, ભવાનીનીજ શક્તિથી પ્રેરિત થઈને, ભારતવર્ષમાં હિંદુનું ધર્મરાજ્ય સ્થાપી શકે, એજ જીજાબાઈની સર્વોચ્ચ આકાંક્ષા હતી. એજ વિચારથી એણે પુત્રને દીક્ષિત કર્યો અને તેને ઉપયોગી શિક્ષણ આપવાનો પણ આરંભ કર્યો.

શિવાજીમાં જ્ઞાનનો ઉદય થતાંવારજ તેણે પુત્રને કહ્યું કે, “શિવા ! ભવાની દેવીના આશીર્વાદથી જ તું જન્મ્યો છે. તું મારા સુખને માટે અવતર્યો નથી. તારા પિતાજીના કે અન્ય કોઈના સુખને માટે પણ નહિ. માતા ભવાનીએ તેમના પોતાના કાર્યને માટે આ દાસીના ગર્ભમાં તને જન્મ આપ્યો છે. તું મારો નથી, ભવાનીનો છે. તેમનું ધન છે. તેમનું કાર્ય તને સોંપી દેવા સારૂ તેમણે તને મારા હાથમાં સોંપ્યો છે. એજ તારી માતા છે, એ જ તારી ઈષ્ટદેવી છે. તેના ચરણકમળમાં મન અને પ્રાણને મૂકી દઈને, એ જે માર્ગે ચલાવે ત્યાં નિર્ભયપણે જજે. એ તને શક્તિ આપશે, તારો ભય દૂર કરશે અને બધી વિપત્તિઓમાંથી તારૂં રક્ષણ કરશે. નિર્ભયપણે તનમનધન લગાડીને પાપમાં ડૂબતા ભારતમાં પાછું ભવાની માતાનું ધર્મરાજ્ય સ્થાપ. પ્રાચીન સમયમાં જે મહાપુરુષો, જે મહાવીરો ભારતવર્ષમાં જન્મ ગ્રહણ કરીને દેવતા અને ધર્મને મહિમા વધારી ગયા છે; તેમના ગુણ, મહત્ત્વ અને કીર્તિનું સદા સ્મરણ કરજે. તેમના જેવો થઈને આ હતભાગ્ય દેશ પાછો ગૌરવમય થઈ શકે એવા પ્રયત્ન ખરા મનથી કરજે. લક્ષ્મણ અને અર્જુનની પેઠે વીરત્વમાં, ધર્મમાં અને પ્રતિજ્ઞામાં અટળ રહેજે. શમ અને યુધિષ્ઠિરની પેઠે ધર્મરાજ્યનો રાજેશ્વર બનજે અને પ્રજાના કલ્યાણને માટેજ રાજધર્મનું પાલન કરજે. મારી એજ ઈચ્છા છે, એજ આશીર્વાદ છે. મારો આ ઉપદેશ સદા મનમાં યાદ રાખજે. આ ધર્મ, આ વ્રત ગ્રહણ કરીને તારા જીવનને ધન્ય કરજે અને મારૂં ‘મા’ નામ સાર્થક કરજે.”

પ્રારંભનાં એ દસ વર્ષમાં જીજાબાઈએ શિવાજીને કયી કયી વિદ્યાઓ શીખવી તેનો સત્તાવાર ઉલ્લેખ મળતો નથી; પણું એટલું તો જણાયું છે કે, એ લઘુ વયમાં માતાની દેખરેખ નીચે એ ઘોડેસવાર થતાં, તીર ચલાવતાં, બંદૂક તાકતાં, પટા ખેલતાં અને થોડુંક લખતાંવાંચતાં શીખ્યા હતા તથા અનેક ઉચ્ચ ભાવોથી પ્રેરાયા હતા.

પ્રારંભનાં એ દશ વર્ષમાં જીજાબાઈની અસર શિવાજી મહારાજના ચરિત્ર ઉપર કેવી થઈ, એ સંબંધી છત્રપતિનું ચરિત્ર લખના૨ નીચેના શબ્દોમાં લખે છે કે, “તેમનાં પ્રથમનાં દશ વર્ષ માતા જીજાબાઇની સાથેજ વીત્યાં હતાં. મનુષ્યના મન ઉપર ઇષ્ટ–અનિષ્ટ સંસ્કાર પાડવાને માટે એ વય અતિશય મહત્વની હોચ છે, એ વયમાં સદ્‌અસદ્‌વૃત્તિનાં જે બીજારોપણ થાય છે તે આગળ જતાં અનુકૂળ સંસ્કારોથી વિકસિત થવાનો દૃઢ સંભવ હોય છે. વૃત્તિવિકાસનું કાર્ય અત્યંત કોમળ હોય છે અને તે મુખ્ય કરીને માતપિતાના આચરણ ઉપર અવલંબન કરે છે. તેમાંય વળી માતૃશિક્ષણનો પ્રભાવ વિશેષ હોય છે. માતાનો સ્વભાવ અને આચરણ જેવાં હોય છે, તેવાં તેની સંતતિમાં ઊતરવાનો ઘણો સંભવ હોય છે. ગર્ભધારણના સમયથી જ એ શિક્ષણનો પ્રારંભ થાય છે એમ કેટલાક શાસ્ત્રજ્ઞનું કહેવું છે. તે સત્ય માનીએ તો જીજાબાઈ સગર્ભાવસ્થામાં હતી ત્યારથી કેવી સંકટાવસ્થામાં હતી અને તે અવસ્થામાં તેમના મનની વૃત્તિ કેવી હોવી જોઈએ, તે કોઈને પણ કહેવું પડશે નહિ. શિવાજી મહારાજના હૃદયમાં અતિ બાળવયથી જ યવનદ્વેષ એટલો બધો વિકાસ પામ્યો હતો, તેનું કારણ તપાસવા જતાં તેમની માતાની જ મનોવૃત્તિ દ્વેષપૂર્ણ થઈ હતી એમ જણાય છે. બાળરાજાનાં પ્રથમનાં દશ વર્ષ તો કેવળ ઘોર સંકટમાંજ વીત્યાં. જે યવનો તરફથી તેમને એવી સંકટમય સ્થિતિ પ્રાપ્ત થઈ, તે યવનો સંબંધી તેમના હૃદયમાં દ્વેષ અને તિરસ્કારવૃત્તિ સંપૂર્ણ રીતે વિકાસ પામે તેમાં આશ્ચર્ય પણ શું ? તેમાં વળી જીજાબાઈ જેવી અત્યંત સ્વાભિમાની, મહત્ત્વાકાંક્ષી, બુદ્ધિમતી અને અહર્નિશ પુત્રને એ સંબંધીજ બોધ કરનાર માતા સર્વદા સાંનિધ્યમાં રહ્યા પછી, તેમનો વૃત્તિવિકાસ જોઈએ તેવો થાય તેમાં પણ આશ્ચર્ય પામવા જેવું શું છે ?

જીજાબાઈનો જન્મ જે કુળમાં થયો હતો તે કુળ એક સમય દેવગિરિનો રાજવૈભવ ભોગવતું હતું. તેમનો રાજવૈભવ યવનોએ હરણ કરી લીધો ત્યારથી તે કુળને દરિદ્રતા અને પરવશતા પ્રાપ્ત થઈ હતી. તે કુળનાં મનુષ્યો પોતાને વીતેલી દુઃખદ વાર્તા સહસા ભૂલે નહિ અને જીજાબાઈ જેવી સ્વાભિમાની સ્ત્રીને તો કદી પણ વિસ્મૃતિ થાયજ નહિ એ સ્વાભાવિક છે. નિઝામશાહે વિશ્વાસઘાત કરી તેના પિતા અને બંધુનો વધ કર્યો હતો, તેથી યવન પર તેને ક્રોધ થયો હતો. તે જ પ્રમાણે ભોંસલેના કુળનો રાજવૈભવ યવનોના પગ તળે નષ્ટ થઈ, તે કુળના પુરુષોને નાસી જવું પડ્યું અને કેવળ કંગાળ સ્થિતિમાં સમય વ્યતીત કરવો પડ્યો, તે પણ જીજાબાઈ કદી ભૂલી નહોતી. આગળ જતાં શાહજી રાજાએ સ્વબાહુબળ વડે યવનો સાથે કેટલોક સમય યુદ્ધ કરી પોતાના શરીરનું અપ્રતિમ ક્ષાત્રતેજ અને વિલક્ષણ શૌર્ય બતાવી તેમને ચકિત કરી દીધા હતા; પરંતુ યવનોનું સૈન્યબળ પ્રચંડ હોવાથી શાહજી રાજાએ પરાજય પામી કેવળ નિરુપાયે પુનરપિ યવનોની તાબેદારી સ્વીકારી હતી. સ્વપતિનું એવું અલૌકિક પરાક્રમ જોઈને અને થોડો વખત સમરવિજયી થઈને એક યવનની પાદશાહી રાજાના તાબામાં આવ્યા છતાં, અંતે તેમનો પરાજય થયો; એ સંબંધી વિચાર કરતાં જીજાબાઈના હૃદયમાં કેવી તીક્ષ્ણ વૃત્તિ ઉદ્‌ભવી હશે વારૂ ? ‘ભોંસલેના કુળમાં શકપ્રવર્તક પુરુષ ઉત્પન્ન થઈ યવનોના ત્રાસમાંથી સર્વ હિંદુઓને મુક્ત કરશે’ એવું ભવાનીદેવીએ તેને જે વરદાન આપ્યું હતું, તે વરદાન હવે સત્વર ખરૂં પડશે એ આશાનું જીજાબાઈના હૃદયમાં કેટલીક વખત સ્કુરણ થવા જેવી કૃતિ શાહજી રાજાને હાથે બનતી હતી; પરંતુ તેની ગતિ બીજેજ રસ્તે વળતાં પુનરપિ તેમને યવનોની તાબેદારી સ્વીકારવી પડી, એ જોતાં તેને કેટલી નિરાશા થઈ હશે અને કેટલું કષ્ટ થયું હશે તે કહેવાની આવશ્યકતા નથી.

“એ શ્રદ્ધાળુ સ્ત્રીને સર્વદા એવો ભાસ થતો કે, પૂર્વજોનો ગત વૈભવ પોતાને પુનઃ પ્રાપ્ત થશે અને પોતાના કુળમાં શક પ્રવર્તક પુરુષ અવશ્ય ઉપન્ન થશે. શાહજી રાજાએ કરેલાં પરાક્રમો પરથી તે તેમ બનવું અસંભવિત સમજતી નહોતી. યવનોએ ઉભય કુળનો રાજભવ હરણ કર્યાથી પોતાને કેવી હીન સ્થિતિ પ્રાપ્ત થઈ છે, તે જીજાબાઈ પોતાના પુત્રને વખતોવખત કહેતાં હતાં અને શાહજી રાજાએ તે સમયે જે પરાક્રમ બતાવ્યું હતું તેનું પુનઃ પુનઃ વર્ણન કરીને જીજાબાઈ શિવાજીના હૃદયમાં તેવું જ પરાક્રમ કરવાની ઇચ્છા જાગૃત કરવા પ્રયત્ન કરતાં હતાં. હિંદુધર્મ પર દ્વેષ રાખી, તે ધર્મને માનનાર, પ્રજાને ત્રાસ આપનાર, ક્રૂર અને વિશ્વાસઘાતી યવનોની સેવા કરી સંપત્તિવૈભવ ભોગવીને આનંદ કરવો એ નિંંદ્ય અને વિપત્તિજનક છે, એવું જીજાબાઈ પુત્ર શિવાજીને અહર્નિશ કહેતાં હતાં. જીજાબાઈ દૃઢ ધર્મશીલ હોવાથી ઘરમાં હંમેશાં ધર્મશાસ્ત્રનાં પુસ્તકો વાંચતાં હતાં. શિવાજી મહારાજને પણ બાલ્યાવસ્થાથીજ કથા સાંભળવાનો શોખ લાગ્યો હતો. રામ, રાવણ, પાંડવ, કૌરવ, વગેરેના યુદ્ધનાં વર્ણનો સાંભળતાં જ તેમનું શરીર કંપાયમાન થતું હતું અને સ્વમાતાના મુખથી પોતાના પૂર્વજોનું પરાક્રમ પુનઃ પુનઃ સાંભળવાથી તેજ પ્રમાણે વર્તન કરી, સ્વજીવનનું સાર્થક કરવું, એવી મહેચ્છા શિવાજી મહારાજ સમજણા થયા ત્યારથી તેમના હૃદયમાં ઉતપન્ન થઈ ને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગી હતી.

“શિવાજી મહારાજ નાનપણથી જ બુદ્ધિમાન અને ચપળ હોવાથી તેમને જે કહેવામાં આવતું તે તેઓ સારી પેઠે સમજી ને યાદ રાખતા. જીજાબાઈનો સ્વભાવ ઘણો ધીર, ગંભીર અને અભિમાની હતો. શિવાજી મહારાજમાં માતાના સહવાસથી અને બોધથી માતાના ગુણ સંપૂર્ણ રીતે આવ્યા હતા. મહારાજ ઉત્તમ આચરણવાળા થાય, કુસંગતિમાં પડે નહિ, તેમ કોઈ દુર્વ્યસન કે એશઆરામ તેમને ઘેરે નહિ એ સંબંધી જીજબાઈ ઘણી જ કાળજી રાખતાં. જીજાબાઈએ મહારાજને બાલ્યાવસ્થાથીજ યુદ્ધોપયોગી કળા શીખવવાની વ્યવસ્થા કરી રાખી હતી. જીજાબાઇના એવા સુશિક્ષણથી મહારાજના શરીરમાં સાહસ, શૌર્ય, વીર્ય, ધૈર્ય, સદાચારપ્રીતિ, સ્વધર્મનિષ્ઠા વગેરે સદ્‌ગુણોનો વિકાસ ઉત્તમ રીતે થયો હતો; પરંતુ મહારાજના હૃદયમાં એ સર્વ વૃત્તિ કરતાં એક વિશેષ મહત્તવની વૃત્તિ પ્રેમાળ માતાના બોધ વડે ઉત્પન્ન થઈ ઉત્તરોત્તર વિકસિત થતી ગઈ અને તેના પ્રભાવ વડે મહારાજનું નામ જગતના ઇતિહાસમાં અજરામર થઈ ગયું છે. એ વૃત્તિનું નામ ‘સ્વાતંત્ર્યપ્રીતિ’ છે. મુસલમાનના તાબેદાર થઈ પરતંત્રતામાં આયુષ્ય વ્યતીત કરી, તેમના પર વિશ્વાસ રાખી એકનિષ્ઠા વડે અને પ્રમાણિકપણે ગમે તેટલી તેમની સેવા કરવામાં આવશે તો પણ તેની કાંઈ પણ કદર થવાની નથી અને ખરૂં સુખ મળવાનું નથી, એવા વિચારની ગળથૂથી માતા જીજાબાઈએ શિવાજી મહારાજને સુવાવડમાંથીજ પાઈ હતી. તેથી પરતંત્રતાથી કેટલું નુકસાન થાય છે, કેટલો  ત્રાસ અને વિપત્તિઓ ભાગવવી પડે છે અને જીવનરક્ષણ કરવામાં કેટલી અડચણો વેઠવી પડે છે, તેનો પ્રત્યક્ષ અનુભવ શિવાજી મહારાજને બાળપણથીજ સારી પેઠે સમજાયો હતો. શિવાજી મહારાજ જેવા પરમ માતૃભક્ત અને અત્યંત બુદ્ધિમાન પુરુષને પણ સદ્‌ભાગ્યે જીજાબાઈ જેવાં પરમ સાત્ત્વિક, ભાવિક, સ્વાભિમાની અને સ્વોત્કર્ષપ્રિય માતા પ્રાપ્ત થવાથીજ તેમના બોધની અસર પુત્ર શિવાજીના મન ઉપર ઉત્કૃષ્ટ રીતે થઈ અને તેમને હાથે જગતને ચકિત કરી નાખે એવાં અને હિંદુ પ્રજાને મુસલમાનના ત્રાસમાંથી મુક્ત કરાવે એવાં પરાક્રમો થયાં.”[૪]

એ અરસામાં એટલે ઈ. સ. ૧૯૩૭માં આદિલશાહી રાજ્યમાં આશ્રય મળવાથી શાહજીએ જીજાબાઈને પુત્ર સહિત પોતાની પાસે લાવી મંગાવ્યાં, પરંતુ પતિપત્ની ઝાઝો વખત સાથે રહેવા પામ્યાં નહિ. શાહજીને પણ દુલ્લાખાન સાથે કર્ણાટક જવું પડ્યું એટલે તેમણે બિજાપુર સરકાર પાસેથી મળેલી જાગીરની વ્યવસ્થા દાદાજી કોંડદેવ નામના એક વિશ્વાસુ નોકરને સોંપી. જીજાબાઈ અને પુત્ર શિવાજીને પણ તેનાજ રક્ષણમાં સોપ્યાં. દાદાજી કોંડદેવે બન્નેને પૂનામાં લાવી રાખ્યાં.

જીજાબાઇએ શિવાજી મહારાજને જે પ્રકારનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું તે દાદાજીએ લક્ષપૂર્વક આગળ ચાલુ રાખ્યું, બલકે એમાં પોતાના અનુભવ પ્રમાણે વધારો કર્યો. અક્ષરજ્ઞાન તો માતા પાસેથી જ એમને મળ્યું હતું. પૂને ગયા પછી ઉર્દુ તથા ફારસી ભાષા પણ એમને ભણાવવામાં આવી. થોડુંક સંસ્કૃત પણ શીખ્યા. શિવાજી મહારાજે કેટલાંક પદ અને આરતી રચ્યાં છે, તેમાં ઉર્દૂ ભાષાના શબ્દ આવે છે. વાચક બહેનો ! તમારા કૉલેજમાં ભણેલા પતિ કે પુત્ર તમને કહે કે શિવાજી તો એક નિરક્ષર લૂંટારો હતો, તો તમે એમના કથનને કદી સત્ય ન માનશો. ગ્રાન્ટ ડફ આદિ ઇતિહાસકારોના મતને અનુસરી અંગ્રેજ લેખકો અને શિક્ષકોએજ મત દર્શાવતા રહ્યા છે. અંગ્રેજ લોકોના એ મતનું પુષ્કળ ખંડન થઈ ચૂક્યું છે. શિવાજીની સાક્ષરતા વિદ્વાનોએ સારી પેઠે સાબિત કરી આપી છે. શિવાજી મહારાજ લૂંટારા પણ નહોતા, પરંતુ ભારતમાં સ્વતંત્ર હિંદુ રાજ્ય સ્થાપવાનો ભગીરથ પ્રયત્ન કરનાર  વીર રાજા હતા, એ વાત તમારે સ્મરણમાં રાખવી ઘટે છે.

માતા અને દાદાજીના શિક્ષણથી શિવાજીના હૃદયમાં ધર્મ ઉપર દૃઢ પ્રેમ ઉત્પન્ન થયો અને ધર્મના રક્ષણ સારૂ તથા તેની પુનઃ સ્થાપના સારૂ વીરતા અને દૃઢ પ્રતિજ્ઞાના ગુણોનો પણ વિકાસ થવા લાગ્યો. માતા જીજાબાઈની સાધના સફળ થવાનાં ચિહ્ન જણાવા લાગ્યાં.

શિવાજી જેમ જેમ મોટા થયા, તેમ તેમ તેમને ખાતરી થતી ગઈ કે, ભારતમાં સ્વતંત્ર હિંદુ રાજ્ય સ્થાપ્યા વગર હિંદુ ધર્મ અને હિંદુ પ્રજાનું ગૌરવ સાચવી રાખવાનો બીજો કોઈ ઉપાય નથી. ધીમે ધીમે પોતાના તાબાના જાગીરદારો પાસેથી ધન અને માણસો લઈને એ કામને માટે ઉપયોગી સામગ્રી એકઠી કરવા લાગ્યા. શાહજી બિજાપુર રાજ્યની નોકરી અર્થે દૂર કર્ણાટક પ્રાંતમાં રહેતા હતા. દાદાજી અને શિવાજીના હાથમાં બાપદાદાની જાગીરનો સંપૂર્ણ કારભાર હતો, એટલે જીવનનું વ્રત સાધવાને શિવાજીને કોઈ જાતની અડચણ નડી નહિ.

સાંસારિક સુખભોગમાં જીજાની આસક્તિ નહોતી. જે મહાન વ્રતમાં એણે પુત્રને દીક્ષિત કર્યો હતો, તે મહાવ્રતનું પાલન કરવામાં પુત્રને મદદ આપવી એ તેને મનથી જીવનનો મુખ્ય ધર્મ હતો, એટલે એ ઘણો વખત પુત્રની પાસે જ રહેતી. સંસારમાં પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે, પણ તેના કરતાં પણ માતૃધર્મને મહત્–વ્રત–પરાયણ જીજા વધારે અગત્યનો ગણતી. એ જાણતી હતી કે એના વગર સ્વામીને કોઈ પણ જાતની અડચણ પડવાની નથી; કારણકે એની સપત્ની તુકાબાઈ સ્વામીની સાથેજ હતી. તુકાબાઈના હાથમાં સ્વામી સેવા અને સ્વામીના ઘરસંસારનો ભાર સંતુષ્ટચિત્તે સોંપી દઈને મહાપ્રાણ જીજાબાઈ પુત્રના ઘરના વહીવટ ઉપર દેખરેખ રાખવા લાગી.

શિવાજી જ્યારે વીસ વર્ષનો થયો, ત્યારે દાદાજી ઘણો માંદો પડ્યો. દાદાજીને લીધે શિવાજીને ઘણીજ મદદ મળી હતી. દાદાજી નહિ હોય તો તેની ખોટ કોઈનાથી પણ પુરાય એમ નથી, એ બધું જીજાબાઈ જાણતી હતી. એટલા માટે પુત્ર અને પુત્રવધૂને લઈને જીજાબાઈ તેની સેવામાવજત કરવા લાગી.

પરંતુ વૃદ્ધ અને જીર્ણ શરીર રોગના સખ્ત હુમલા આગળ  ટકી શક્યું નહિ. દાદાજી સમજ્યો કે મૃત્યુ પાસે આવ્યું છે. તેણે રાજ્યસ્થાપન, રાજ્યપાલન, રાજધર્મ અને પ્રજાધર્મ સંબંધી શિવાજીને ઘણો ઉપદેશ આપ્યો અને કહ્યું: “શિવાજી ! હું જાઉં છું, માટે દુઃખી અને નિરાશ થઈશ નહિ. બચપણથી મેં તને જે ઉપદેશ આપ્યો છે તથા અત્યારે જે કાંઈ કહું છું, તે બધું યાદ રાખીશ અને તે પ્રમાણે મન, વચન અને કર્મથી ચાલીશ, તો હું મરી ગયા છતાં પણ તારી નિકટજ છું. વળી તારાં માતુશ્રી જીવે છે, એ કાંઈ મારા કરતાં ઓછી મદદ નહિ આપે. ઘરકામમાં, ધર્મકાર્યમાં અને રાજકાર્યમાં એમને ઈશ્વર જેવાં ગણજે, એમના આશીર્વાદ અને દેવી ભવાનીની કૃપાથી તારૂં કદી અશુભ થશે નહિ.”

થોડા દિવસ પછી દાદાજીનું મૃત્યુ થયું. મરતે મરતે પણ એ શિવાજીને ઘણો ઉપદેશ આપતો ગયો. કહેવાય છે કે, સ્વામીનું મૃત્યુ થયાથી દાદાજીની સ્ત્રી એકદમ મૂર્છિત થઈ ગઈ અને એ મૂર્છામાંજ એના પ્રાણ ગયા.

દાદાજીના મૃત્યુ પછી જમીનદારી અને જાગીરનો કારભાર શિવાજીના હાથમાં આવ્યો. ઉંમરે પહોંચેલા પુત્રના હાથમાં પૈતૃક સંપત્તિનો વહીવટ સોંપીને શાહજી બિજાપુર રાજ્યની નોકરીમાં કર્ણાટક નગરમાંજ રહ્યો.

દાદાજી હવે રહ્યા નહોતા; એટલે શિવાજીને કર્તવ્યપક્ષમાં ચલાવના૨ જીજાબાઈજ હતી. માતાના ઉપદેશ અને સલાહ મુજબ શિવાજીએ હવે સ્વતંત્ર હિંદુ રાજ્ય સ્થાપવાની તૈયારીઓ કરવાનો આરંભ કર્યો. માતાના ઉપર શિવાજીને એટલી બધી ભક્તિ હતી તથા એની સૂક્ષ્મ બુદ્ધિ, પ્રવીણતા અને રાજદ્વારી બાબતોની માહિતી ઉપર તેમને એટલી બધી આસ્થા હતી કે, એ દિવસોમાં રાજ્યની સ્થાપનાની તૈયારીઓ કરવા માંડી ત્યારથી લઈને તે પોતાનું રાજ્ય સ્થપાઈ ગયું અને પોતે રાજા બની ચૂક્યો ત્યાં સુધી, જેટલા દિવસ જીજાબાઈ જીવતી રહી, તેટલા દિવસ માતાનો ઉપદેશ અને આશીર્વાદ લીધા વગર શિવાજી કોઇ કામમાં માથું મારતા નહિ. લડાઈ અથવા બીજા કોઈ કામ પ્રસંગે શિવાજી બહારગામ જતા, તો જીજાબાઈ તેમના પ્રતિનિધિ તરીકે નવા રાજ્યનો વહીવટ ચલાવતી.

દક્ષિણમાં માવળા નામના એક હલકી જાતના લોક હોય  છે. એ માવળા લોકો ઘણાજ દૃઢ, બળવાન અને સહનશીલ હોય છે. એ લોકોની સાથે માયાળુપણે વર્તીને શિવાજીએ પહેલેથી એમનું એક સાહસિક અને વિશ્વાસુ લશ્કર એકઠું કર્યું હતું. સ્વતંત્ર હિંદુરાજ્યની સ્થાપનામાં એ લોકો સહાયતા કરશે, એમ પોતાના સરદારને ખાતરી આપીને, માવળાઓને તેમના હાથમાં સોંપીને, પોતે ચારે તરફ રાજ્યનો વિસ્તાર કરવા અને કિલ્લાઓ સર કરવા નીકળી ગયા.

આથી બિજાપુરના સુલતાનના તાબાના કેટલાક જાગીરદારો અને કિલ્લેદારો સાથે તેમને પહેલાં લડવું પડ્યું. ધીમે ધીમે એ વાત બાદશાહને કાને પણ પહોંચી. જોતજોતામાં શિવાજીએ કલ્યાણ અને કોંકણ પ્રાંત પોતાના કબજામાં લીધા.

સુલતાને જોયું કે પોતાના રાજ્યમાંથી શિવાજીએ એટલા બધા મુલક ઉપર કાબૂ મેળવ્યો છે કે, થોડા વખતમાં એનું સૈન્ય દક્ષિણ હિંદુસ્તાનમાંથી મુસલમાનોનો એકદમ સંહાર કરી નાખશે. ક્રોધ અને ભયને લીધે એનો કાંઈક ઉપાય કરવાનો બાદશાહે શાહજીને હુકમ આપ્યો.

શાહજી પોતે પણ પુત્રની શક્તિનો આટલો બધો વિકાસ જોઈને વિસ્મય પામી ગયો હતો. એણે વિચાર્યું કે પુત્ર પોતાની પ્રતિભાના બળ વડે જે કાંઈ કરી રહ્યો છે, તેમાંથી તેને રોકવાની શક્તિ પોતાનામાં નથી. તેમજ તેની એવી ઈચ્છા પણ નહોતી; પરંતુ એ બાદશાહનો નોકર હતો. બાદશાહ ગુસ્સે થાય, તો એને પાયમાલ કરી શકે, એ વિચારથી એને જરા બીક લાગી. સુલતાનને એણે જણાવ્યું કે, “જહાંપનાહ ! શિવાજી હવે સ્વતંત્ર થયો છે. મારી વડીલોપાર્જિત મિલકત બધી એના હાથમાં છે અને હવે એ મારું કહ્યું માનતો નથી.” વાત પણ ખરી હતી. શિવાજીએ આ બધી યોજનાઓમાં પિતાનો મત કોઈ દિવસ પૂછ્યો નહોતો.

પણ શાહજીની વાત ઉપર બાદશાહને વિશ્વાસ બેઠો નહિ. તેણે યુક્તિપૂર્વક શાહજીને કેદ કર્યો અને પછી ઢંઢેરો પિટાવ્યો કે, “શિવાજી જો સત્વર પોતે જીતેલું રાજ્ય બિજાપુરને પાછું આપી દેશે નહિ, તો બાદશાહ શાહજીને કેદખાનાની અંધારી ઓરડીમાં પૂરી રાખીને, આહાર અને હવા બંધ કરીને, ગૂંગળાવી ગૂંગળાવીને મારી નાખશે.”

આ દારુણ સમાચાર સાંભળીને શિવાજી સંકડામણમાં આવી પડ્યા. એક તરફ શત્રુને હાથે પિતાજીને આ પ્રમાણે રિબાઈ રિબાઈને મરવાનો ભય હતો, બીજી તરફ હિંદુરાજ્ય સ્થાપન કરવાના જીવનવ્રતનો ત્યાગ કરવાનો શોક હતો. કોઈ પણ ઉપાય એ નક્કી કરી શક્યા નહિ. આ સમાચાર સાંભળીને માતા ગભરાઈ જશે, એમ ધારીને શિવાજીએ એ બાબતમાં માતાની સલાહ ન લેતાં, પોતાની સ્ત્રીની સલાહ લીધી. શિવાજીની સુજ્ઞ પત્ની સર્વ પ્રકારે એ મહાપુરુષની સહધર્મિણી થવાને યોગ્યજ હતી. એણે કહ્યું: “તમારે ગમે તે ઉપાય કરીને પિતાજીનું રક્ષણ કરવું જોઈએ, પણ બીજી તરફ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે, હિંદુધર્મ અને હિંદુરાજ્યની પુનઃસ્થાપના કરવાનું જે પવિત્ર વ્રત આપે લીધું છે, તેમાં કોઈ પણ પ્રકારે વિઘ્ન ન આવે. જો વિષયભોગને માટેજ તમે રાજ્ય જીત્યું હોત, તો તો હમણાં ને હમણાં એ ૨ાજ્ય પાછું આપી દઈને સસરાજીને છોડાવી લાવવાની હું સલાહ આપત; પણ આ રાજ્ય આપણા પોતાના સુખવૈભવને માટે તમે મેળવ્યું નથી. એ તો દેવતા, ગૌ-બ્રાહ્મણ અને ધર્મના રક્ષણ સારૂ છે. સગાંવહાલાંના રક્ષણનું કર્તવ્ય ગમે તેટલું મોટું ગણાતું હશે, પણ ધર્મ કરતાં એ વધારે નથી. વડીલના રક્ષણ સારૂ આ રાજ્યનો ત્યાગ કરવાનો તમને અધિકાર નથી. હું વધારે શું કહું? વિચાર કરો, કોઈ યુક્તિથી બાદશાહને છેતરીને કે સપડાવીને પિતાજીનો ઉદ્ધાર કરો. એમાં ભય રાખવાનું કામ નથી. માતા ભવાની તમારી મદદે છે. તમારા હાથમાં એમણે પોતાનું ધર્મરાજ્ય સોંપ્યું છે. આ વિપત્તિને સમયે એજ તમને રસ્તો સુઝાડશે.”

ધીમે ધીમે જીજાને કોને પણ આ સમાચાર પહોંચ્યા. જીજાએ પણ વહુની સલાહને ટેકો આપ્યો.

ચતુર શિવાજીએ ઘણો વિચાર કરીને એક યુક્તિ શોધી કાઢી અને એ યુકિતથી શાહજીનો ઘણી સહેલાઈથી છુટકારો થયો.

ભારતના નાના મોટા રાજાઓ અને બાદશાહો દિલ્હીના શહેનશાહને ભારતવર્ષમાં સોથી મોટો રાજા ગણીને તેમનાથી બીતા રહેતા તથા હમેશાં તેમનું માન રાખતા. બીજી તરફ દિલ્હીના બાદશાહ પણ એજ ચાહતા હતા કે, દક્ષિણ ભારતનાં સ્વતંત્ર રાજ્યો પોતાનું ઉપરીપણું સ્વીકારે; એટલે એક ત૨ફ બિજાપુરનો સુલતાન પણ દિલ્હીના શહેનશાહને સહેજ વાતમાં નારાજ કરવા ચાહતો નહોતો અને બીજી તરફ દિલ્હીનો શહેનશાહ ગમે તે વાતમાં બિજાપુરનો પક્ષ લે એ પણ સંભવિત નહોતું; કારણ કે એ તો એને દબાવી રાખવા માગતો હતો. ચતુર રાજનીતિજ્ઞ શિવાજી આ સ્થિતિ સારી પેઠે સમજી ગયા હતા. એમણે શાહજહાનને વિનયપૂર્વક એક પત્ર લખ્યો. શાહજી એક સમયે શહેનશાહને ત્યાં સેનાપતિ હતા અને શહેનશાહ પણ તેના ઉપર સ્નેહ રાખતા હતા, એ બધી વાતનું વર્ણન કરીને તથા પોતે પણ શહેનશાહનો સેવકજ છે, એવું જણાવીને પિતાજીને છોડાવવા માટે શિવાજીએ દિલ્હીશ્વરને વિનતિ કરી. ઉદાર હૃદયના શહેનશાહે શિવાજી ઉપર અત્યંત પ્રસન્ન થઈને શાહજીને છોડી દેવા બિજાપુરના રાજાને હુકમ મોકલ્યો.

એ હુકમનું ઉલ્લંઘન કરવાનું સાહસ બિજાપુરનો સુલતાન કરી શક્યો નહિ. શાહજી બંદીખાનામાંથી મુક્ત થઈને પાછો નોકરીએ ચડ્યો. બાકીના જીવનમાં શાહજી બિજાપુરના સુલતાનના તાબામાં કર્ણાટક પ્રાંતનો સેનાપતિ અને શાસનકર્તાના કામ ઉપર નિમાયો હતો. પોતાના સ્વાર્થ માટે એણે પુત્રના રાજ્યવિસ્તારમાં કોઈ દિવસ વિક્ષેપ કર્યો નહિ. સુલતાને પણ એ દિવસથી શાહજીને પીડવાને કોઈ પ્રયત્ન કર્યો નહિ; કારણકે ઘણા દાખલાઓથી તેને ખાતરી થઈ હતી કે, શિવાજી સાથે પોતાનો આટલો વિરોધ હોવા છતાં પણ શાહજી ઘણી જ વફાદારીથી બિજાપુર રાજ્યની નોકરી કરે છે.

શાહજીની વર્તણુંક ખરેખર ઘણીજ વિસ્મયજનક હતી. પુત્ર ઉપર તેને ઘણોજ પ્રેમ હતો. પુત્ર પણ તેમના ઉપર પૂજ્યભાવ રાખતો હતો. આખી જિંદગી સુધી એણે પોતાના પુત્રના શત્રુના રાજ્યમાં સેનાપતિપણું કર્યું, પણ પુત્રની સાથે કદી શત્રુતા બાંધી નહિ, તેમજ ગુપ્ત રીતે પુત્રની સાથે મળી જઈને પોતાના માલિકને પણ કદી નુકસાન પહોંચાડ્યું નહિ. પુત્રના રાજ્ય તરફ તથા તેના રાજ્યના દિનપ્રતિદિન વધતા જતા વિસ્તાર તરફ એણે બિલકુલ બેપરવાઈ બતાવી. જેવી રીતે પાછલા જીવનમાં પણ આરામ મેળવવા માટે એ પુત્રને આધારે રહ્યો નહિ, તેવી જ રીતે પુત્રના રાજ્યમાં હકુમત કરવાની પણ એણે કોઈ દિવસ ઇચ્છા જણાવી નહિ. આવાં ત્યાગ, સ્વામીભક્તિ અને ઉદાસીનતા કાંઈ ઓછાં મહત્ત્વનાં લક્ષણ નથી.

બિજાપુરની સાથે શિવાજીનો વિરોધ વધવા લાગ્યો. શિવાજીની શક્તિ વધી પડવાથી તથા તેનું રાજ્ય વધતું જતું હોવાથી, બિજાપુરના રાજ્યને ઘણું નુકસાન થયું અને શિવાજી સદાને માટે તેમને મોટા ભયનું કારણ થઈ પડ્યો. એવામાં સુલતાનનું મૃત્યુ થયું અને તેનો બાળકપુત્ર ગાદીએ બેઠો. બાળકની માતાએ મુખ્ય સેનાપતિ અને કારભારી તરીકે અફજલખાં નામના કોઈ સારા કુટુંબના મુસલમાનની નિમણુંક કરી અને તેના હાથમાં રાજ્યનો કારભાર સોંપ્યો. શિવાજીએ પોતાના રાજ્યની જે જમીન દબાવી હતી, તેનો બદલો લેવા માટે મોટું સેન્ચ લઈને અફજલખાંએ શિવાજીના રાજ્ય ઉપર ચડાઈ કરી. રસ્તામાં એણે તુળજાપુર નામના એક તીર્થસ્થાનમાં ભવાની મંદિરમાં પેસી જઈને મૂર્તિ તોડી નાખી તથા ઘણા યાત્રાળુઓને મારી નાખ્યા. ત્યાંથી પંઢરપુર તીર્થમાં જઈને ઘણાં દેવમંદિરો તોડી નાખ્યાં.

શિવાજીને કાને આ ખબર પહેાંચી. ભગવતી ભવાની એમની ઈષ્ટદેવી હતી. હિંદુઓનાં દેવદેવીઓ તથા ધર્મના રક્ષણને સારુ સ્વતંત્ર હિંદુ રાજ્ય સ્થાપવાનું એમણે વ્રત લીધુ હતું. આજ વિધર્મી શત્રુને હાથે ઈષ્ટદેવીના મંદિરનો નાશ થશે, હિંદુના દેવતા અને ધર્મનું આ પ્રમાણે અપમાન થયું, એ વિચાર હજાર વીંછીના ડંખની પેઠે તેમના મર્મને વીધી નાખવા લાગ્યો. દેશમાં હિંદુઓ જીવતા છતાં હિંદુઓના આગેવાન તરીકે ભવાનીનો વરપુત્ર–ભવાનીના ચરણમાં વેચાયેલ દાસ પોતે જીવતાં છતાં આજ ભવાનીદેવીનું આટલું બધું અપમાન ! ધિક્કાર છે એ જીવનને ! ધિક્કાર છે હિંદુઓના ધર્માભિમાનને!! આ અપમાનનો બદલો લેવા માટે હજારો હિંદુઓએ પ્રાણ આપવા ન જોઈએ? હિંદુઓના હૃદયના ઊકળતા લોહીથી તર્પણ કર્યા વગર અપમાન પામેલા દેવતાઓનો ગુસ્સો બીજા કશાથી શમી શકે ? આવા આવા વિચારના તરંગોથી શિવાજીના હૃદયમાં મહાપ્રલયનો કાલાગ્નિ સળગી ઊઠ્યો. એ અગ્નિની ઝાળ તેના સાથીઓ અને સૈનિકોના હૃદયને પણ અડકી અને વેરનો એક પ્રચંડ અગ્નિ સળગવા લાગ્યો.

આ વૈરાગ્નિને છાતીમાં રાખીને બધા યુદ્ધ કરવા તૈયાર થયા. જતી વખતે શિવાજીએ જનની જીજાબાઇની પાસે જઈને તેમને પગે લાગીને આશીર્વાદ માગ્યો.

જીજાએ કહ્યું: “બેટા ! તું ભવાનીનો પુત્ર છે. ભવાનીની ચરણસેવાની તેં દીક્ષા લીધી છે. ભવાનીની ઇચ્છાથી અને ભવાનીના આશીર્વાદથી હિંદુ દેવતા અને હિંદુ ધર્મની રક્ષા કરવાનું તેં વ્રત લીધું છે. તારી સમક્ષ તારા શત્રુઓએ ભવાનીદેવીનું અને હિંદુ ધર્મનું એટલું બધું અપમાન કર્યું છે કે, તું તેનો બદલો નહિ લઈ શકે અને દેવતા તથા ધર્મની પુનઃ પ્રતિષ્ઠા નહિ કરી શકે તો મારી સાધના વૃથા, તારૂં જીવનવ્રત વૃથા, તારી શિક્ષા અને દીક્ષા વૃથા અને તારો રાજધર્મ વૃથા છે. જાઓ ! શિવ ! તું ભવાનીનો સેવક હો, તો જા અને ખરા દિલ થી લડ, પોતાનું લોહી આપીને, સર્વસ્વનો ત્યાગ કરીને ભવાનીનું માન સાચવવા ખરેખર તૈયાર થઇશ તો ભવાનીના આશીર્વાદથી આ ધર્મયુદ્ધમાં જરૂર તારો વિજય થશે. જા બેટા ! ભવાનીને પગે લાગીને વીરરંગમાં નાચતો નાચતો રણક્ષેત્રમાં જા; દાનવોનું દમન કરનારી, ત્રૈલોક્યને ત્રાસ આપનારી ભવાનીની શક્તિ તારા અને તારા સાથીઓના શાસ્ત્રોમાં સંચારિત થશે.”

શિવાજી યુદ્ધમાં ગયા.

શિવાજીની યુક્તિથી અફજલખાં માર્યો ગયો અને તેના સૈન્યનો પણ નાશ થયો.

વિજયના ગૌરવ સાથે વીર શિવાજી માતાના ચરણમાં પડ્યા. હર્ષનાં આંસુ સાથે જીજાબાઈએ વિજયી પુત્રને તથા તેના સાથીઓને પોતે વિજયમાળા પહેરાવીને સાબાશી આપી.

શિવાજીનો વિજય તથા તેના રાજ્યના વિસ્તારની બધી વાત શાહજીએ સાંભળી હતી. એને ઘણી ઇચ્છા હતી કે, કુળના ગૌરવરૂપ-આખા દેશના ગૌરવસ્વરૂપ પુત્રને એક વાર નજરે જોઉં અને ભેટું; પણ ઘણા વિચા૨ પછી એ ઈરાદો એને ઘણી વખત સુધી માંડી વાળવો પડ્યો હતો. બિજાપુરની નોકરી છોડી દઈને એ પુત્રની પાસે જવા માગતો નહોતો, કારણ કે એ જાણતો હતો કે એના ગયાથી શિવાજીની સ્વતંત્રતામાં ફેર પડશે, તેમજ બિજાપુરની નોકરીમાં રહીને બિજાપુર રાજ્યના શત્રુરૂપ પુત્રને મળવા જવું, મળવાનું તો કોરાણે રહ્યું, તેની સાથે કોઈ પણ  જાતનો સંબંધ રાખવો, એ રાજાના મનમાં સંદેહ ઉત્પન્ન કરવા બરાબર હતું. એટલે શાહજી એ બાબતમાં ઘણું ચેતીને ચાલતો, ઉદારચરિત શાહજી એવી વિશ્વાસુ રીતે રાજકાર્ય ચલાવતો કે, બિજાપુરના રાજાએ એના ઉપર કોઈ પણ જાતનો સંદેહ ન આણતાં, પાછલા વખતમાં ઘણાં વર્ષો સુધી કર્ણાટકનો શાસન કર્તા અને સેનાપતિ નીમ્યો હતો.

હવે શાહજીની મનોવાસના સિદ્ધ થવાનો પ્રસંગ આવી પહોંચ્યો. બિજાપુરના સુલતાન શિવાજી સાથે યુદ્ધ કરીને થાકી ગયા હતા. તેમની ઈચ્છાથી સંધિ કરવાનો પ્રસ્તાવ લઈને શાહજી શિવાજી પાસે ગયો. પિતાના આગ્રહથી શિવાજીએ બિજાપુર સાથે સંધિ કરી.

આ પ્રમાણે શાહજીના પ્રયત્નથી દુર્બળ બિજાપુરની સાથેનો શિવાજીનો વિવાદ મટી ગયો, પણ પ્રબળ મોગલ બાદશાહ સાથે હવે એનો ભીષણ અને લાંબો વિગ્રહ શરૂ થયો.

એ વખતે દિલ્હીના તખ્ત ઉપર ઔરંગઝેબ બિરાજતો હતો. શિવાજીને દબાવી દેવા એણે શાયસ્તખાં નામના સરદારને દક્ષિણમાં મોકલ્યો; પણ શિવાજીની યુક્તિ અને બહાદુરીથી શાયસ્તખાં પરાજય પામીને મહામુશ્કેલીએ પાછો નાસી ગયો.

આ ઘટના પછી થોડા સમયમાં શાહજીનું મૃત્યુ થયું. સ્વામીના મૃત્યુસમાચાર સાંભળીને જીજાબાઈ સતી થવા તૈયાર થઈ; પણ સ્વામીની હયાતીમાંજ પુત્રની ખાતર જે સ્વામીથી વિખૂટી રહી હતી, જેણે મહાન કર્તવ્યને માટે, સ્ત્રીઓને માટે અસાધ્ય એ કઠો૨ ત્યાગ બતાવ્યો હતો, તેજ સ્ત્રી આજે પતિના મૃત્યુ સમાચાર સાંભળી શોકવિહવલ થઈ પોતાનાં કર્તવ્યોનું બલિદાન આપવા તૈયાર થઈ. પણ તેના જેવી ધર્મશીલ અને ત્યાગી સ્ત્રીએ આ સંસારમાં સાધવાનું ઉપયોગી કાર્ય સાધ્યા વગર પતિની સાથે બળી મરવું વાજબી હતું ? પુત્રને હાથે ધર્મરાજ્ય સ્થપાવવું અને એ ધર્મરાજ્યના રક્ષણમાં તેને મદદ કરવી, એ તેના જીવનની એકમાત્ર સાધના હતી, એકમાત્ર વ્રત હતું. આજ સ્વામીના શોકથી બેબાકળી થઈને જો એ પવિત્ર વ્રત અને સાધનાનો ત્યાગ કરે તો પછી આટલા વર્ષની એની કઠોર તપસ્યાનું સાર્થક શું? જે શક્તિને પ્રતાપે શિવાજીએ એટલું બધું મહત્વ પ્રાપ્ત કર્યું હતું તે શક્તિના મૂળરૂપ જીજાબાઈ હતી. એ શક્તિ ચાલી જાય તો શિવાજી કોને આધારે મોગલોના પ્રબળ સામર્થ્ય આગળ ટકી શકે? શિવાજીએ તેમજ બીજા બધાઓએ જીજબાઈને એ પ્રમાણે સમજાવી. ઘણો વિચાર કર્યા પછી જીજાને ગળે પણ એ વાત ઊતરી. એણે સતી થવાનો સંકલ્પ છોડી દીધો અને જિંદગીપર્યંત બ્રહ્મચારિણી વિધવા તરીકે રહીને પુત્રના વીરધર્મ અને રાજધર્મમાં સહાયતા આપવાનો નિશ્ચય કર્યો.

શિવાજીએ રાજ્યો જીતીને એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. એ રાજાની માફક પ્રજાના ઉપર શાસન ચલાવતા હતા, પણ હજુ સુધી એમણે ‘રાજા’ નામ ધારણ કર્યું નહોતું; કારણકે પિતા શાહજી જીવતા હતા અને એ રાજ્ય સ્વીકારીને રાજા થવાને નાખુશ હતા; એટલે પિતાની હયાતીમાં પુત્ર રાજાની ઉપાધિ કેવી રીતે ધારણ કરી શકે? શિવાજી જેવા મહાપુરુષ પિતાનું એવું અપમાન કરી શક્યા નહિ. હવે પિતા સ્વર્ગવાસી થયા હતા. રાજ્યના લોકો પણ શિવાજીને રાજા કહેવા સારૂ ઘણા આતુર થઈ રહ્યા હતા, એટલે રાયગઢના કિલ્લામાં ઈ. સ. ૧૬૭૪ ના જૂનની ૧૬ મી તારીખે શિવાજી મહારાજ મોટા સમારંભ સાથે રાજ્ય-સિંહાસન ઉપર બિરાજ્યા. એજ દિવસથી એ મહારાજા છત્રપતિ શિવાજી કહેવાવા લાગ્યા. તેમના નામના સિક્કા પણ ટંકશાળમાં પડવા લાગ્યા.

મોગલોની સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. શિવાજીએ વારંવાર એના રાજ્ય ઉપર ચડાઈ કરીને સૂરત વગેરે શહેરો લૂંટ્યાં. ઔરંગઝેબે અંબરાધીશ જયસિંહ અને દિલેરખાં નામના બે મુખ્ય સેનાપતિઓને શિવાજીની વિરુદ્ધ લડવા માટે મોકલ્યા.

ગમે તેમ તોયે જયસિંહ રાજપૂત હતો. શિવાજીની વીરતા જોઈને એ મુગ્ધ થઈ ગયો અને એક હિંદુ રાજાનું ગૌરવ જોઈને એ પોતાને ગૌરવાન્વિત સમજવા લાગ્યો. થોડો વખત યુદ્ધ થયા પછી તેના પ્રયત્નથી શિવાજીએ જીતેલો મુલક મોગલોને પાછો આપી દીધો અને ઔરંગઝેબ સાથે સંધિ કરવા તે તૈયાર થયા. એ પણ નક્કી થયું કે, થોડા વખત પછી શિવાજીએ દિલ્હી જઈને ઓરંગઝેબની મુલાકાત લેવી.

પુત્ર સંભાજીને સાથે લઈને શિવાજી મહારાજ દિલ્હી પધાર્યા. તેમની ગેરહાજરીના સમયમાં રાજ્યનું કામ રાજમાતા જીજાબાઇના હાથમાં સોંપવામાં આવ્યું. કેટલાક વિશ્વાસુ અને પ્રવીણ અમલદારો તેના હાથ નીચે નીમવામાં આવ્યા.

દિલ્હી પહોંચીને શિવાજીએ મોગલ દરબારમાં ઔરંગઝેબની મુલાકાત લીધી. ઔરંગઝેબે તેમનો બરોબર આદરસત્કાર કર્યો નહિ. ત્રીજા વર્ગના ઉમરાવોમાં શિવાજીને બેસવાનું આસન આપ્યું. એ અપમાનથી દરબારમાંથી ઊઠીને શિવાજી ઘેર આવ્યા. બાદશાહના હુકમથી એ ઘરની ચારે તરફ મોગલ સિપાઈઓનો પહેરો બેસી ગયો. મોગલોની વિશ્વાસઘાતકતાથી શિવાજી કેદ પકડાયા.

આ દારુણ સમાચાર સાંભળીને મરાઠાઓ સ્તંભિત થઈ ગયા. જીજાબાઈએ ઈષ્ટદેવી ભવાનીની આરાધના કરીને કહ્યું: “મા ! તમારી ઈચ્છા, તમે જાણો. શિવાજી મારો નથી, તમારો છે. એ ગમે તેવી વિપત્તિમાં આવી પડે, પણ તમારે જો તમારા દાસની સેવાની જરૂર હશે, તો તમે ગમે ત્યાંથી એને છોડાવશો; પણ મા ! હું દુર્બળ સ્ત્રી છું; શિવાજી મારા જીવનનું સર્વસ્વ છે. આ ઘોર સંકટ સહન કરવાનું તમે આ દાસીને બળ આપો. શિવાજી મારા હાથમાં એના ધર્મરાજ્યનો કારભાર સોંપી ગયો છે. મને શક્તિ આપો કે, જેથી હું એની રાજ્યશક્તિ સાચવી રાખું. તમારી કૃપાથી શિવાજી જ્યારે પાછો આવે, ત્યારે એ જોઈ શકે કે એના ઉપર આફત આવી પડવાથી, એના રાજ્યને કાંઈ અનિષ્ટ થયું નથી.”

દેવીના ધ્યાન અને આરાધનાથી જીજાબાઇના હૃદયમાં એક અપૂર્વ શક્તિનો સંચાર થયો. ધીરજ અને શાંતિથી એણે રાજ્યના અમલદારોને બોલાવ્યા અને તેમને ઉત્સાહ તથા ઉત્તેજન આપીને તેમના મનમાંથી ભય અને ખેદ કાઢી નાખ્યો અને રાજ્ય ઉપર આવી પડેલી આ આફતના સમયમાં, મહારાજા શિવાજીની ગેરહાજરીને લીધે, રાજ્યને કોઈ રીતે નુકસાન ન થાય તેનો ઘણો સારો બંદોબસ્ત કરી દીધો.

પણે શિવાજી દિલ્હીમાં કેદી હતા. એમણે જોયું કે કાંઈ છળકપટ કર્યા વગર મોગલોના હાથમાંથી છુટાય એમ નથી. થોડા દિવસ એ એવી શાંતિથી રહ્યા કે, જાણે કેદખાનામાં એમને ઘણું સુખ છે અને એ દશામાં એમને એટલો સંતોષ છે કે છૂટવાનો કાંઈ વિશેષ આગ્રહ નથી. ત્યાર પછી થોડે દિવસે સખત મંદવાડનો ઢોંગ કર્યો અને એ પીડા મટાડવા માટે બ્રાહ્મણોને ઘેર અને મંદિરોમાં મોટી છાબડીઓ ભરી ભરીને મીઠાઈ મોકલવી શરૂ કરી. દરરોજ એવી કેટલીએ છાબડીઓ બહાર જતી. પહેરેગીરો ધીમે ધીમે બેદરકાર થઈ ગયા અને મીઠાઈની ટોપલીએ તપાસવી મૂકી દીધી. આખરે એક દિવસે શિવાજીએ પુત્ર સંભાજીને એક ટોપલીમાં બેસાડ્યોઅને બીજી ટોપલીમાં પોતે બેઠા. પછી બે ટોપલીઓને ઉપર ઉપર મીઠાઈથી ઢાંકી દીધી. નોકરો એ ટોપલીઓને લઈને દિલ્હીની બહાર નીકળી ગયા. સંન્યાસીને વેશે શિવાજી અને સંભાજી બન્ને નોકરો સાથે મથુરા આદિ સ્થળોએ તીર્થયાત્રા કરતા કરતા પાછા રાયગઢ પહોંચ્યા.

રાજ્યના નોકરો સંન્યાસી વેશધારી શિવાજી અને સંભાજી તથા તેમના અનુચરોને ઓળખી શક્યા નહિ. “સંન્યાસીઓ અહીં શા માટે આવ્યા છે ?” એમ પૂછવામાં આવ્યું તેના જવાબમાં શિવાજીએ કહ્યું કે, “અમે શિવાજીનાં જનની, આ કિલ્લાનાં શાસનકર્તા જીજાબાઈને મળવા માગીએ છીએ. અમારી ઈચ્છા અમે એમની આગળજ જાહેર કરીશુ.”

જીજાબાઈએ સંન્યાસીઓને અંતઃપુરમાં લાવવાનો હુકમ આપ્યો. સંન્યાસીને આવતા જોઈ જીજાબાઈ તેમને પ્રણામ કરવા ઊઠી. એટલામાં સંન્યાસીરૂપધારી શિવાજીએ તેમના ચરણમાં પડીને પ્રણામ કર્યા. જીજાબાઈ આશ્ચર્ય પામીને બોલી ઊઠ્યાં:

“મહારાજ ! આ શું ? આપ સંન્યાસી છો, મને શા માટે દોષમાં નાખો છો ? મારા જીવનનું સર્વસ્વ શિવાજી હાલ બંદીવાન છે, તેમાં વળી આ૫ મારૂં વધારે અમંગળ શા માટે કરો છો ?”

સંન્યાસીએ હસીને કહ્યું: “મા! મને ઓળખ્યો નહિ? હું જ તારો શિવા, પાછો તારા ખોળામાં આવી પહોંચ્યો.”

વિસ્મયચકિત નેત્રે જીજા સંન્યાસી તરફ જોઈ રહી. ખરેખાત આ સંન્યાસી તો એનો શિવાજ છે ! આટલા બધા દિવસથી આતુરચિત્તે એ જે પ્રાર્થના કરી રહી હતી તે આમ એકદમ સફળ થઈ ગઈ, તેથી જીજાની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં. એણે પુત્રને છાતી સરસો ચાંપ્યો. માતા અને પુત્ર બન્નેનાં આનંદાશ્રુ મળી ગયાં. બંને થોડી વાર સુધી નિર્વાક અને નિઃશબ્દ અવસ્થામાં પરસ્પર દૃઢ આલિંગનમાં બંધાઈ રહ્યાં. પછી શિવાજીએ ફરીથી માતાના ચરણને પ્રણામ કરીને પોતાના નાસી આવવાની વાત સવિસ્તર કહી સંભળાવી.

આખા રાજ્યમાં શિવાજીના નાસી આવ્યાના સમાચાર પવનવેગે ફેલાઈ ગયા. ઘેર ઘેર આનંદઉત્સવ શરૂ થયો.

શિવાજીના નાસી આવ્યા પછી ઔરંગઝેબે તેનું દમન કરવા સારૂ પોતાના અનેક પ્રસિદ્ધ સેનાપતિઓને દક્ષિણમાં મોકલ્યા, પણ કોઈનાથી શિવાજીના રાજ્યને જીતી શકાયું નહિ; ઊલટા શિવાજી મહારાજ નવા નવા કિલ્લાઓ સર કરીને પોતાનું રાજ્ય વધારવા લાગ્યા. કેટલાક સમય પછી ગર્ગભટ નામના એક પ્રસિદ્ધ કાશીનિવાસી સુયોગ્ય બ્રાહ્મણ પંડિત શિવાજીને મળવા આવ્યા. શિવાજીએ રાજાની ઉપાધિ ધારણ કરીને રાજ્ય કરવું શરૂ કરી દીધું હતું એ વાત ખરી, પણ હજુ સુધી શાસ્ત્રની વિધિ પ્રમાણે તેમનો અભિષેક થયો નહોતો. ગર્ગભટે અભિષેક કરવાનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશ અનુસાર શિવાજીએ માતાની સલાહ લઈને, મોટા સમારંભ સાથે અભિષેકની ક્રિયા કરાવી. ધર્મ અને શાસ્ત્રની વિધિ અનુસાર શિવાજી રાજા બનવાથી જીજાબાઈના જીવનની સાધના આજ પૂર્ણ થઈ. તેના જીવનનું લક્ષ્ય આજ સધાઈ ચૂક્યું. આ પ્રમાણે આ જિંદગીની સઘળી વાંછનાઓ પૂર્ણ કરીને, થોડા દિવસ પછી વૃદ્ધ વયે પુત્રપૌત્રાદિકની સમક્ષ પુણ્યમયી, પ્રાતઃસ્મરણીય, રત્નપ્રસવિની જીજાબાઈએ સ્વર્ગારોહણ કર્યું. શિવાજીના શોકનો પાર રહ્યો નહિ. લાખો રૂપિયા ખર્ચીને તેમણે માતાની ઉત્તરક્રિયા કરી તથા ચાર મહિના રાયગઢમાં રહીને શોક પાળ્યો અને એટલા દિવસ સિંહાસન ઉપર બેઠા નહિ.

જનનીની સાધનાથી ઘડાયેલા શિવાજી મહારાજના હૃદયમાં જીજાબાઈને લીધે કેટલું મહત્ત્વ આવ્યું હતું તથા જીજાબાઈ કેટલી ધીરજ અને કર્તવ્યબુદ્ધિશાળી સ્ત્રી હતી, તે બતાવવા બે એક ઉદાહરણ આપીને અમે આ આખ્યાન સમાપ્ત કરીશું.

શિવાજી મહારાજની આગેવાની નીચે જ્યારે મરાઠા જાતિનો અભ્યુદય થયો, ત્યારે દેશમાં અનેક સંસારત્યાગી સાધુ પુરુષોનો આવિર્ભાવ થયો હતો. હિંદુઓમાં જાતીય શક્તિનો સંચાર થાય, એજ ઉદ્દેશથી હિંદુઓને જાગૃત કરવાનું મહાવ્રત કેટલાક સંન્યાસીઓએ લીધું હતું. મહાત્મા રામદાસ સ્વામી એ સમયના સંન્યાસીઓમાં અગ્રગણ્ય હતા. શિવાજીએ એમની પાસેજ મંત્રદીક્ષા લીધી હતી.

સંન્યાસીના જીવનનિર્વાહનું સાધન ભિક્ષા હોય છે એ તો સૌ કોઈ જાણે છે. શિષ્ય રાજા હોય તો પણ ખરા સંન્યાસીઓ તેની પાસેથી કોઈ કિંમતી ભેટ કે દક્ષિણા લેતા નથી. ભિક્ષા માગતા માગતા એક સમયે રામદાસ સ્વામી શિવાજીની રાજધાનીમાં આવી પહોંચ્યા. દીક્ષાગુરુ ભિક્ષાર્થીરૂપે ઊભા છે એ જોઈ ઉદાર શિવાજી મહારાજે આખું રાજ્ય સ્વામીજીને ભિક્ષા તરીકે અર્પણ કરી દીધું. સ્વામીએ કહ્યું: “શિવા!! આ શું કરે છે? રાજ્યને લઈને હું શું કરું ? તારું રાજ્ય તું પાછું લે, હું તો સંન્યાસી છું. રોજનું અન્ન રોજ ભિક્ષા માગીને ખાઉં છું. આજનું કાલ સંઘરી રાખવાનો અમારો ધર્મ નહિ; માટે તું તો મને માત્ર આજનું જ ભોજન આપ.”

શિવાજીએ સમર્પણ થઈ ચૂકેલું રાજ્ય પાછું લેવાનું મંજૂર કર્યું નહિ, બલકે સંસારનો ત્યાગ કરીને સ્વામીના શિષ્ય થવાની ઈચ્છા જણાવી. હિંદુઓમાં સ્વતંત્ર રાજ્ય સ્થપાય એ રામદાસના સંન્યાસી જીવનનું મુખ્ય વ્રત હતું. એ જાતીય ભાવ જાગૃત થયો હતો, શિવાજી એના અધિષ્ઠાતા હતા, પણ શિવાજી પોતેજ જે સંસારનો ત્યાગ કરીને સંન્યાસી થઈ જાય, તો એ નવી શક્તિ બિલકુલ છિન્નભિન્ન થઈ જાય.

આ તરફ શિવાજી મહારાજને સંકલ્પમાંથી ડગાવવા એ પણું સહેલું કામ નહોતું. ઘણો વિચાર કરીને રામદાસ સ્વામીએ કહ્યું: “ઘણું સારૂં, શિવા ! તારું રાજ્ય મેં સ્વીકાર્યું. તું મારો શિષ્ય છે, હું તને આજ્ઞા આપું છું કે, મારા કારભારી તરીકે તું આ રાજ્ય ચલાવ.”

હવે શિવાજીથી કાંઈ વાંધો લેવાયો નહિ. ભોગલાલસાનો બિલકુલ ત્યાગ કરીને, એ નિષ્કામ ગૃહસ્થ અને રાજાની પેઠે ઘરસંસાર અને રાજ્ય ચલાવવા લાગ્યા.

વળી તુકારામ નામના એક બીજા પ્રખ્યાત ધર્માત્મા, ભક્ત અને સાધુ પુરુષનો એ સમયમાં મહારાષ્ટ્રમાં આવિર્ભાવ થયો. એમનામાં કવિત્વ શક્તિ પણ ઘણી પ્રબળ હતી. પોતાનાં રચેલાં અનેક ભજનકીર્તન એ ગદ્દગદ સ્વરે ગાતા. એ સાંભળીને ઘણા લોકો મુગ્ધ થઈ જઈને તેમના શિષ્ય બનતા.

 તુકારામની ઘણી પ્રશંસા સાંભળીને શિવાજીએ તેમને રાજધાનીમાં બોલાવ્યા; પણ સાધુ પુરુષે પોતાનો એકાંત આશ્રમ છોડીને ત્યાં જવાની ના કહી. શિવાજી જાતે એમની કુટીરમાં પહોંચ્યા. તુકારામનાં ભજનકીર્તન તથા ધર્મોપદેશથી શિવાજીને સંસાર ઉપર એટલો બધો વૈરાગ્ય ઊપજ્યો કે, પોતે ઘેર પાછા ન ફરતાં વનમાંજ ધર્મનું ચિંંત્વન કરવામાં લીન થઈ ગયા. આ ખબર મળતાંવા૨ જીજાબાઈ તુકારામની કુટીરમાં પહોંચી અને કહ્યું: “મહારાજ ! તમે આ શું કર્યું? સંન્યસ્ત એજ કાંઇ મનુષ્યના જીવનનું એકમાત્ર વ્રત નથી. ભગવાનની ઇચ્છા પણ એવી નથી. સંસારને રચનાર એજ છે. દુનિયાના ૨ક્ષણ સારૂ રાજ્યના રાજધર્મનું વિધાન પણ એણે જ કર્યું છે. તેની આજ્ઞાથી હિંદુઓના દેવતા અને ધર્મના ૨ક્ષણ સારૂ શિવાજીએ રાજધર્મ સ્વીકાર્યો છે. એ રાજ્ય ચલાવવા માટે ભગવાનેજ એને શક્તિ, પ્રવૃત્તિ તથા દીક્ષા આપી છે. આજ એ રાજ્યધર્મથી ભ્રષ્ટ કરીને એને સંન્યાસમાં પ્રવૃત્ત કરાવવામાં તમે ભગવાનના નિયમનું ઉલ્લંઘન નથી કરતા ? તમારા આ કાર્યને પરિણામે હિંદુજાતિ અને હિંદુ ધર્મનું અનિષ્ટ થશે, તો તમે ઈશ્વર આગળ જવાબદાર નહિ ગણાઓ? મહારાજ ! હું તમને હાથ જોડીને વિનતિ કરું છું કે, એને સંન્યાસી થતાં રોકો. હિંદુ રાજાને તેના રાજ્યનું પાલન કરવા પાછા મોકલો. કર્મયોગી શિવાજીને તેના કામમાં પ્રવૃત્ત કરો. જે ઈશ્વરની ભક્તિ તમે સાધો છે, તેજ ઈશ્વરનું કર્મ શિવાજી સાથે છે. તમે ભક્ત થઈને એના કર્મમાં અડચણ ન નાખો; સાધુ થઈને પાપના ભાગી ન થાઓ.”

તુકારામે જીજાબાઈની વાત માની અને શિવાજીને બોલાવીને સંન્યાસનો ત્યાગ કરી રાજધર્મમાં મન લગાડવા હુકમ આપ્યો. રાજમાતા જીજાબાઈ કર્મયોગી પુત્ર શિવાજીને લઈને રાજધાનીમાં પાછી આવી.

આ સંક્ષિપ્ત જીવનચરિત્ર ઉપરથી વાચક ભગિનીઓને ખાતરી થઈ ગઈ હશે કે જીજાબાઈ એક ઉત્તમ રાજમાતા હતી. તેના ચરિત્રમાં જોવામાં આવતા નિશ્ચય, સ્વાભિમાન, કર્તવ્યનિષ્ઠા આદિ ગુણો ઘણી થોડી સ્ત્રીઓમાં જોવામાં આવે છે.

  1. ❋ શ્રી. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના ‘ગુજરાતી સાહિત્યના ભાર્ગ સૂચક સ્તંભો’ માંથી સાભાર ઉદ્ધૃત. – પ્રયોજક
  2. ❋ જુઓ સસ્તું સાહિત્યનું “શિવાજી છત્રપતિ” ચરિત્ર.
  3. ❋ જુઓ કેળુસ્કરકૃત ‘શિવાજી ચરિત્ર.’
  4. ❋ જુઓ શ્રી “શિવાજી છત્રપતિ” ચરિત્ર.