રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/મરાઠા વીરાંગના તારાબાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રાજમાતા જીજાબાઈ રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
મરાઠા વીરાંગના તારાબાઈ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મલબાઈ દેસાણ →


३७–मराठा वीरांगना ताराबाई

શિવાજીનું મૃત્યુ થયા પછી ઔરંગઝેબે પોતાના વિસ્તીર્ણ મોગલ સામ્રાજ્યના જુદા જુદા પ્રાંતોમાંથી બની શકે એટલું લશ્કર એકઠું કરીને તથા મુખ્ય મુખ્ય સેનાપતિઓને સાથે લઈને, જાતે દક્ષિણ હિંદુસ્તાન ઉપર હુમલો કરવાની તૈયારી કરી.

દક્ષિણ ભારતમાં ફક્ત અહમદનગર શાહજહાન બાદશાહના સમયમાં દિલહીના તાબામાં આવ્યું હતું. બિજાપુર અને ગોવલકોંડાનાં રાજ્ય હજુ સુધી સ્વતંત્ર હતાં. એ ઉપરાંત શિવાજીએ સ્થાપેલું મરાઠા રાજ્ય પણ ધીમે ધીમે પ્રબળ થતું જતું હતું.

એ ત્રણે રાજ્યને જીતી લઇને આખો દક્ષિણ દેશ પોતાના રાજ્યમાં મેળવી દેવાની ઔરંગઝેબની ઈચ્છા હતી.

શિવાજી જાણતા હતા કે, ઔરંગઝેબ પોતાની બધી શક્તિ વાપરીને દક્ષિણની સ્વતંત્રતાનો લોપ કરવા યત્ન કરશે, એટલા માટે પોતાની પાછલી જિંદગીમાં એમણે પોતાની સ્વતંત્રતા કાયમ રાખવા માટે ચારે તરફથી પોતાની શક્તિ મજબૂત કરવાનો યત્ન કર્યો હતો. ઘણી સૂક્ષ્મ રાજનૈતિક વિચક્ષણતાને લીધે શિવાજી મહારાજ એ પણ સમજી ગયા હતા કે, જાતિગત કે ધર્મગત દ્વેષ અને વિરોધ ભૂલી જઈને બિજાપુર અને ગોવલકોંડાનાં રાજ્યો સાથે ગાઢી દોસ્તી બાંધવાની જરૂર છે. એ બંને રાજ્યો મુસલમાન હોવા છતાં પણ ઓરંગઝેબને તેમની સાથે દોસ્તી નહોતી. હિંદુ શિવાજીની પેઠે એમનું રાજ્ય પણ પડાવી લેવાની એની ઈચ્છા હતી, એટલે ઔરંગઝેબનો ડર શિવાજી મહારાજ જેટલોજ આ રાજ્યોને પણ હતો. દુશ્મનનો દુશ્મન પણ દોસ્ત ગણાય છે. એ ન્યાયે ગોવલકોંડા અને બિજાપુરના રાજાઓ આ સામાન્ય આફતમાં સંપ અને પરસ્પર મદદ કરવાથી શું લાભ થશે, તે સમજી શક્યા. આગલી દુશ્મનાવટ ભૂલી જઈને તેમણે શિવાજી સાથે સંપ કર્યો. બધી જાતનાં યુદ્ધ અને વિગ્રહમાં એ ત્રણે રાજ્યોએ એકબીજાને મદદ કરવી, એ શરતે શિવાજી સાથે ગોવલકોંડા અને બિજાપુરના રાજાઓએ સંધિ કરી.

પણ એવામાં એકાએક શિવાજીનું મૃત્યુ થયું. રાજ્યના ૨ક્ષણની બધી વ્યવસ્થા અધૂરી રહી; એટલું જ નહિ, પણ આવા અણીના વખતે મરાઠા જાતિના નાયકના પદ ઉપર કોણ બિરાજશે, તેનો પણ કોઈ પાકો બંદોબસ્ત તેઓ કરી શક્યા નહિ.

શિવાજીના વડા દીકરા સંભાજીમાં સાહસ અને રણકૌશલ્ય સિવાય પિતાના એક પણ સદ્‌ગુણ આવ્યા નહોતા. પિતાના રાજ્યમાં પિતાએ એક વખત ઘણો ધમકાવ્યાથી એ મોગલ સેનાપતિ દિલેરખાંની સાથે મળી ગયો હતો. પાછળથી એ ત્યાંથી નાસી આવીને પિતાને પગે પડ્યો હતો. પિતાએ એક વાર માફી આપ્યા છતાં પણ સંભાજીની ચાલચલગત સુધરી નહિ. આખરે શિવાજીએ લાચાર થઈને કેટલાક સમય સુધી પુત્રને કેદમાં રાખ્યો. શિવાજીના મૃત્યુ સમયે પણ સંભાજી બંદીવાન હતો.

અસ્તુ ! મૃત્યુકાળે શિવાજી કહેતા ગયા કે, “રાજ્યના બે ભાગ કરીને દક્ષિણ ભાગ સંભાજીને અને ઉત્તર ભાગ પોતાના બીજા છોકરા રાજારામને આપો.” પરંતુ સંભાજી પોતાની આ વ્યવસ્થા માન્ય નહિ રાખે અને તેના દુરાચરણને લીધે રાજ્યના ઉપર કોઈ દિવસ મોટી આફત આવી પડશે એ પણ શિવાજી મહારાજ સારી પેઠે જાણતા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે, “સંભાજી અને ઔરંગઝેબ એ બન્ને મરાઠા રાજ્યને માટે એકસરખા શત્રુ છે; માટે મંત્રીઓ અને સેનાપતિ એકસંપ કરીને જીવસાટે પણ રાજ્યનું રક્ષણ કરવાની ચેષ્ટા કરશે, તોજ રાજ્ય બધી વિપત્તિઓમાંથી બચી શકશે.”

શિવાજીના મૃત્યુ પછી મંત્રીઓએ વિચાર કરી જોયો કે. સંભાજી તો પોતાની ખરાબ ચાલચલગતને લીધે રાજ્યનું રક્ષણ કરવા સંપૂર્ણ રીતે અયોગ્ય છે. રાજ્યના ભાગ કરી આપીશું, તો પણ વિરોધ ઊભો થશે. વિરોધનું અવશ્ય એ ફળ મળવાનું કે રાજ્ય છિન્નભિન્ન થઈ જઈને આખરે નાશ પામશે. બીજી તરફ રાજારામ હજુ બાળક હતો, એટલે મંત્રીઓએ કેટલાક વખત સુધી રાજ્યની લગામ પોતાના હાથમાં રાખવાનું વાજબી  વિચાર્યું. તેમણે એ પણ વિચાર્યું હતું કે, રાજારામને પોતાની દેખરેખ નીચે ઉછેરીને, તેને ઊંચા પ્રકારની રાજનીતિ શીખવીને પુખ્ત ઉમરે રાયગઢના સિંહાસન ઉપર બેસાડીશું.

પણ તેમણે એક ભૂલ કરી. સેનાપતિને એમણે પોતાની સંતલસમાં સામેલ કર્યો નહોતો, એટલે સંભાજી કઈ પણ પ્રપંચથી કારાગારમાંથી મુક્ત થઈને સૌથી પહેલો સેનાપતિને મળ્યો. સેનાપતિની સહાયતાથી રાયગઢ કિલ્લો સત્વર તેના તાબામાં આવ્યો અને તેની વિરુદ્ધપક્ષના મંત્રીઓમાંથી કોઈને મારી નાખવામાં આવ્યા, તો કોઈને કેદ કરવામાં આવ્યા.

સંભાજીની ઓરમાન માતા-રાજારામની જનની મંત્રીઓની સાથે ખટપટમાં સામેલ હતી. લખતાં ઘણી શરમ આવે છે કે, મહાપુરુષ ભુવનવિખ્યાત શિવાજી મહારાજના કુલાંગા૨ પુત્ર નિષ્ઠુ૨ સંભાજીએ શિવાજી મહારાજની એ રાણીને, પોતાની વીરમાતાને, કારાગારમાં પૂરી દઈને, અન્નપાણી વગર રિબાવીને મારી નાખી. બાળક રાજારામને પણ કેદ કરવામાં આવ્યો.

ભવિષ્યમાં જે સ્ત્રી રાજારામની સહધર્મિણી થઈ, તે આપણા આ ચરિત્રની નાયિકા તારાબાઈ.

સાહસ, વીરતા, રાજનીતિ અને પવિત્ર ચરિત્ર તથા માનસિક શક્તિમાં તારાબાઈના જેવી સ્ત્રીઓ એ સમયમાં મહારાષ્ટ્રમાં ઘણી થોડી હતી. યુદ્ધમાં તેમજ જીવનની બીજી અનેક આપત્તિમાં, પોતાના બળની રક્ષા કરીને રાજ્ય ચલાવવામાં ભારતવર્ષની સ્ત્રીઓ કેટલી પ્રવીણ હતી, તેનું તારાબાઈ એક ઉત્તમ ઉદાહરણ છે.

ઔરંગઝેબ તેનું વિશાળ સૈન્ય લઈને દક્ષિણ ભારતમાં આવ્યો હતો. એ વખતે સંભાજીના જુલમને લીધે મહારાષ્ટ્રની રાજ્યશૃંખલા ઢીલી પડી ગઈ હતી. રાજા સંભાજી પોતે ખરાબ ચાલનો હતો અને ખરાબ સોબતીઓને લઈને એ રાતદિવસ ભોગવિલાસમાં પડ્યો રહેતો હતો. ઓરંગઝેબની ચડાઈ વખતે પણ એ પોતાની મોજમજામાં એટલો બધો મશગૂલ હતો કે, પ્રધાનોની સલાહ અને ઉપદેશને તેણે જરા પણ ગણકાર્યા નહિ.

એ વખતે સંભાજી કરતાં બિજાપુર અને ગોવલકોંડાના રાજાઓ ઔરંગઝેબના વધારે પ્રબળ શત્રુઓ હતા. ઔરંગઝેબે પહેલાં મહારાષ્ટ્ર ઉપર ચડાઈ ન કરતાં, એમની સાથે યુદ્ધ શરૂ કર્યું. ત્રણ વર્ષની અંદર એ બન્ને રાજ્યનો નાશ થયો. શિવાજીની સંધિ મુજબ સંભાજીએ એમને કાંઈ પણ મદદ આપી નહિ, દક્ષિણ ભારતના મોટા ભાગ ઉપર મોગલોનું રાજ્ય સ્થપાયું.

હવે ઔરંગઝેબે મહારાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું. અવ્યવસ્થિત દુર્બળ મરાઠા રાજ્યના કિલ્લાઓ ઉપર કિલ્લાઓ ઓરંગઝેબના હાથમાં આવતા ગયા અને આખરે દુર્ભાગી સંભાજી પણ સહકુટુંબ ઔરંગઝેબના હાથમાં કેદ પકડાયો.

ઔરંગઝેબે સંભાજીને મુસલમાન ધર્મ સ્વીકારવાને આગ્રહ કર્યો. સંભવ છે કે, એ વખતે સંભાજી મુસલમાન થઈ જાત તો ઔરંગઝેબ તેને પોતાના રાજ્યમાં કોઈ મેટી જાગીર કે ઊંચી નોકરી આપત અને સંભાજી પહેલાંની પેઠેજ મોજમજામાં પોતાનું જીવન ગાળત; પણ હજાર તોયે શિવાજીના બીજથી જ તે જન્મ્યો હતો. રાજપુત્ર અને રાજા સંભાજી તરીકેની સ્વતંત્ર અવસ્થામાં જે મહત્ત્વ તે દેખાડી શક્યો નહોતો, તે મહત્વ આજ રાજપાટ ખોઈને કેદી બનેલા સંભાજીએ બતાવ્યું. ઘણી જ નિર્દયતાપૂર્વક પોતાને મારી નાખવામાં આવશે એ જાણવા છતાં પણ સંભાજીએ ઘણીજ ધૃણા અને તિરસ્કાર સાથે ઓરંગઝેબને કહી દીધું કે, “તમારાથી થાય તે કરી નાખો, પણ હું કદી મુસલમાન થવાનો નથી.”

તરતજ ઔરંગઝેબે સંભાજીનો વધ કરવાની આજ્ઞા આપી.

જલ્લાદોએ તપાવેલા લોઢાના સળિયાથી તેની આંખ વીંધી નાખી, તેની જીભ કાપી નાખી અને એ પ્રમાણે અત્યંત રાક્ષસી રીતે એ વીર પુત્રનો જીવ લીધો. વીર સંભાજીએ ચુપચા૫ આ બધી નિર્દયતા સહન કરી; આખી જિંદગીના પાપનું આવું સખ્ત પ્રાયશ્ચિત્ત કરીને સંભાજી પરલોકમાં પિતાજીની પાસે ચાલ્યો ગયો.

સંભાજીના પુત્રને ઔરંગઝેબે પોતાની પાસે રાખીને ઘણા લાડથી ઉછેરવા લાગ્યો. એ બાળકનું નામ એણેજ 'શાહુ' પાડ્યું.

મરાઠા રાજ્ય પડું પડું થઈ રહ્યું હતું. નૂતન જીવન અને નૂતન બળથી જાગૃત થયેલી મરાઠા જાતિનું હમેશને માટે અધઃપતન થવાનાં ચિહ્ન જણાવા લાગ્યાં હતાં. જીજાબાઈ અને  શિવાજીની બધી સાધના શું નિષ્ફળ જશે ? પણ એ સાધના જો નિષ્ફળ જાય, તો પછી આ જગતમાં સાધનાની સાર્થકતાજ શી રહે? શિવાજી મહારાજે મરાઠાઓમાં જે જીવન આણ્યું હતું, તે મહાન શક્તિપૂર્ણ જીવન, હજારો વંટેળિયાથી સહજમાં ઊખડી જાય એવું નહોતું. સંભાજીના પાપને લીધે બેશક મરાઠા જાતિને ઘણું ખમવું પડ્યું, પરંતુ સંભાજીના પ્રાયશ્ચિત્તની સાથે જાણે એનાં પાપ ધોવાઈ ગયાં અને તેમના મૃત્યુ પછી મરાઠાઓમાં હજારગણું બળ આવી ગયું.

શિવાજીએ ઉશ્કેરેલા હજારો બહાદુર યોદ્ધાઓ હજુ જીવતા હતા શિવાજીએ પોતાને હાથે કેળવેલા મરાઠા સૈનિકોના હૃદયમાં શિવાજીએ સંચારિત કરેલાં સાહસ, વીરતા અને રણકૌશલ્યના ગુણો હજુ જાગૃત હતા. મહારાષ્ટ્ર દેશમાં હવે આગ સળગી ઊઠી. એ આગ ધીમે ધીમે આખા ભારતવર્ષમાં ફેલાઈ અને તેમાં વિશાળ મોગલ સામ્રાજ્ય ભસ્મીભૂત થઈ ગયું.

રાજારામ આ વખતે ત્રીસ વર્ષનો યુવક હતો. તે ઘણો સદ્‌ગુણી હતો અને શિવાજી જેવા પિતાનો યોગ્ય પુત્ર હતો. તેજસ્વી તારાબાઈ તેની સ્ત્રી હતી. મરાઠા વીરો એ વીર યુવક અને વીરાંગનાની આસપાસ આવીને ઊભા.

મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં મોગલોએ પડાવ નાખ્યો હતો. રાજધાની રાયગઢમાં મોગલોનો વાવટો ઊડતો હતો. મરાઠા વીરો રાજારામને લઈને દક્ષિણમાં શાહજીની જાગીરના તાંજોર પ્રાંતમાં જીંજીના કિલ્લામાં ગયા. ધર્મ અને ન્યાય પ્રમાણે ઔરંગઝેબની પાસે નજરકેદમાં પડેલો સંભાજીનો બાળક પુત્ર શાહુ મહારાષ્ટ્રની ગાદીનો વારસ હતો, એટલે ધર્માત્મા રાજારામે પોતે રાજ્યાસન ગ્રહણ કર્યું નહિ. શાહુના પ્રતિનિધિ તરીકે પોતે આફતમાં આવી પડેલી મરાઠા જાતિનો આગેવાન બન્યો.

રાજારામ અને બીજા મરાઠા આગેવાનોએ જીંજીના દુર્ગમાં આશ્રય તો લીધો, પણ ત્યાં રહીને પોતાની જાતનું રક્ષણ કરવા ઉપરાંત બીજું કાંઈ તેમનાથી બની શકે એમ નહોતું.

પોતાનું રાજ્ય શત્રુએ જીતી લીધેલું હોવાથી, તેઓ રાજધાની છોડીને ઘણે દૂર જીંજીના કિલ્લામાં આવી વસ્યા હતા. તેમની પાસે પૈસો નહોતો, કેળવાયેલું લશ્કર નહોતું, વેરો ઉઘરાવવાનો કોઈ ઉપાય પણ નહોતો; પરંતુ મરાઠાઓના આગેવાનોમાં અદમ્ય ઉત્સાહ અને શક્તિ હતાં; મરાઠા જતિમાં હજુ પ્રાણ હતો; એટલે એમના બધા અભાવ ધીમે ધીમે પૂર્ણ થયા.

મહારાષ્ટ્રનો નાશ કરીને, વિશાળ મોગલ સામ્રાજ્યનું સૈન્ય અને સેનાપતિને લઈને ઓરંગઝેબ પોતે મહારાષ્ટ્રમાં પડ્યો હતો; પરંતુ એવા સમયે પણ મરાઠા આગેવાનો આખા દેશમાંથી થોડું થોડું લશ્કર એકઠું કરી શક્યા. એ મરાઠા સૈનિકો ઘણાજ ઠીંગણ પણ મજબૂત, કસાયેલા બાંધાના, સાહસિક, કહ્યાગરા અને કષ્ટ સહન કરી શકે એવા હતા. તેમને માટે તંબૂઓ ઊભા કરવાની જરૂર નહોતી પડતી. તેમને રસદની કે પલંગોની કે વાસણકૂસણોની જરૂર પડતી નહિ. ઘોડેસવાર થતી વખતે તેમને જીન સુધ્ધાંતની પણ જરૂર પડતી નહિ. એ લોકો પોતાના જ જેવા મજબૂત ઠીંગણા ઘોડાઓ ઉપર વગર જીનેજ સવાર થતા અને રાતના ઝાડની નીચે ઘોડો બાંધીને પોતે પણ ત્યાં જ સૂઈ રહેતા. બીજી તરફ મોગલ સેના જ્યાં છાવણી નાખતી, ત્યાં એક નવી રાજધાની વસી જતી. રાજધાનીમાં શાંતિના સમયમાં સૈનિકો અને સેનાપતિઓ જેટલા ભોગવિલાસ કરતા, તેટલાજ ભોગવિલાસની ગોઠવણ છાવણીમાં પણ કરવામાં આવતી હતી. તંબૂઓમાંજ ખૂબ સ્વાદિષ્ટ ભોજનો બનતાં, છાવણીની સાથે સાથે ગાડીઓ ભરીને રસદ ચાલતું. વિલાસની સામગ્રીઓ વેચનારા વણિકોની અસંખ્ય દુકાનો મંડાતી. તે ઉપરાંત ગાનારા, વાજિંત્ર વગાડનારા અને નાચનારી વારાંગનાઓનાં દળ પણ સાથે રહેતાં. ઇતિહાસવેત્તાઓ કહે છે કે, મોગલોની છાવણીમાં લશ્કર કરતાં લશ્કરના સેવકોની સંખ્યા ચારગણી હતી. આ ઉપરથી સમજી શકાશે કે, એ લોકોને માટે એક જગ્યાએથી છાવણી ઉપાડીને બીજે મુકામે પડાવ નાખવામાં કેટલો વિલંબ થતો હશે તથા કેટલો ખટરાગ કરવો પડતો હશે? પરંતુ એમ છતાં પણ આવા જંગી સૈન્યની સામસામાં આવી જઈને લડવા જેટલી શક્તિ મરાઠા લશ્કરની નહોતી. મરાઠાઓ પોતાની સ્થિતિ સારી પેઠે સમજતા હતા. તેઓ સામા આવીને કદી યુદ્ધ કરતા નહિ, આખા દેશમાં તેઓ ફેલાઈ જતા અને લાગ મળતાંવારજ મોગલસેના ઉપર છાપો મારીને તેને હેરાન કરતા. કોઈ વખત તેમની ખોરાકી લૂંટી લેતા, તો કઈ વખત તેમને મારીને ઠાર  પણ કરી નાખતા અને પછી એવા પોબારા ગણી જતા કે, એમનો પત્તો પણ મોગલોને લાગતો નહિ. મોગલોનો પ્રયત્ન એ હતો કે, કોઈ પણ પ્રકારે એમને એક જગ્યાએ ઘેરી લેવા અને પછીથી એમનો સામટો કચ્ચરઘાણ વાળવો. જો એ લોકો પકડાઈ જાય તો જરૂર એમનો કચ્ચરઘાણ નીકળી પણ જાય, એમાં કાંઈ સંદેહ નહોતો. ઔરંગઝેબ પોતાના વિશાળ લશ્કર સાથે એમને પકડવા માટે ઠેકાણે ઠેકાણે ભટકતો અને મરાઠાઓ છૂટાછવાયા તેના લશ્કર ઉપર છાપો મારીને તેને ખૂબ હેરાન કરતા. આ પ્રમાણે યુદ્ધ ચાલવા લાગ્યું. ઓરંગઝેબ કંટાળી ગયો. જે મરાઠાઓને અત્યાર સુધી તેઓ સહેજમાં મારતા આવ્યા હતા, તેજ મરાઠા લશ્કરનું રણકૌશલ્ય તથા છાપા મારવાની એ નોખી રીત જોઈને મોગલ સૈન્ય ભયભીત થઈ ગયું.

બીજી તરફ સેનાપતિ જુલફિકારખાંએ જીંજીને ઘેરો ઘાલ્યો હતો, પણ રાજારામ અને તેના વીર સાથીઓએ સાત વર્ષ સુધી અતુલ પરાક્રમપૂર્વક એનો બચાવ કર્યો. ઔરંગઝેબ પોતે મરાઠાઓને જીતવાને માટે એવો રોકાયો હતો કે, જુલફિકારખાંની મદદમાં તે વધારે સૈન્ય મોકલી શક્યો નહિ. સાત વર્ષ પછી જીંજીનો કિલ્લો મુસલમાનોના હાથમાં આવ્યો, પણ તે પહેલાંજ રાજારામ અને તેના વીર સાથીઓ કિલ્લામાંથી પલાયન કરી ગયા હતા. ખાલી કિલ્લા ઉપર મોગલોએ અધિકાર જમાવ્યો.

રાજારામ તેના સાથીઓ સાથે મહારાષ્ટ્રમાં પાછો આવ્યો અને જે નાનાં નાનાં મરાઠી સૈન્યો મોગલોને હંફાવી રહ્યાં હતાં. તેનો પોતે નાયક બન્યો. ખુદ રાજારામની સહાયતા મળવાથી, એ બધા સેનિકોમાં બમણો ઉત્સાહ આવી ગયો અને તેઓ અદ્‌ભુત પરાક્રમથી યુદ્ધ કરીને મોગલોને ત્રાસ આપવા લાગ્યા.

દસબાર વર્ષ સુધી આ પ્રમાણે યુદ્ધ ચાલ્યા પછી એકાએક રાજારામનું અકાળ મૃત્યુ થયું. મંત્રીઓએ રાજારામના બાળક પુત્ર બીજા શિવાજીને ગાદીએ બેસાડીને રાજ્યને કારભાર તેની માતા તારાબાઈના હાથમાં સોંપ્યો.

આજ મહારાષ્ટ્રની ગાદીએ એક બાળક બેઠો હતો. પ્રબળ શત્રુઓ આજે મહારાષ્ટ્રને પોતાના અધિકારમાં લાવવાનો સતત યત્ન કરી રહ્યા હતા. એ શત્રુઓને દેશમાંથી કાઢી મૂકીને મરાઠા જાતિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાની અઘરી અને ગંભીર ફરજ  તારાબાઇના ઉપર આવી પડી હતી, તોપણ તારાબાઈ તેથી ગભરાઈ નહિ. તેણે મોગલોનું શરણ લીધું નહિ, પણ દૃઢતાપૂર્વક તેમની સામે તે ટકી રહી.

અબળા હોવા છતાં પણ અને ભરજોબનમાં રાજારામ જેવો સ્વામી ખોયા છતાં પણ, તારાબાઈ પોતાના ગંભીર કર્તવ્યમાંથી ચલિત થઈ નહિ. પોતાનું બધું દુઃખ હૃદયમાંજ શમાવી દઈને આ મહાઆપત્તિને સમયે તેણે મહારાષ્ટ્રવીરોની આગેવાની લીધી. મંત્રીઓ અને સેનાપતિઓ આ તીક્ષ્ણ બુદ્ધિ અને પુરુષાતનવાળી તેજસ્વી વીરાંગનાની સરદારી તળે પહેલાંની પેઠેજ યુદ્ધ ચલાવવા લાગ્યા. તારાબાઈની અપૂર્વ શક્તિને લીધે રાજારામનો અભાવ કોઈને જણાયો નહિ.

લગભગ બીજા દસ વર્ષ પણ લાગલગાટ યુદ્ધ કરવામાં વીતી ગયાં. લગભગ વીસ વર્ષ સુધી ઔરંગઝેબ પોતે વિશાળ સૈન્ય લઈને મહારાષ્ટ્રમાં પડ્યો રહ્યો, પણ તે મરાઠાઓનું દમન કરી શક્યો નહિ. આખરે મરાઠાઓનાં સાહસ, ચતુરાઈ અને છાપા નાખવાની અસાધારણ કળાથી ત્રાસ પામી જઈને, એ પોતાના સૈન્ય સાથે અહમદનગર પાછો આવ્યો અને આખરે નિરાશ અને નાહિંમત થઈને મરણ પામ્યો.

ઓરંગઝેબના મૃત્યુ પછી તેની ગાદી માટે તેના પુત્રોમાં કજિયો ઉભા થયો, બીજા ભાઈઓને હરાવીને તથા તેમને સહકુટુંબ મારી નંખાવીને, તેનો મોટો દીકરો મૌજીમ, બહાદુરશાહના નામથી દિલ્હીનો બાદશાહ થયો.

મરાઠા યુદ્ધ બિલકુલ બંધ થયું નહિ, પરંતુ મોગલોની શક્તિ હવે ઢીલી પડી જવાથી, મરાઠાઓ પાછા ધીમે ધીમે પોતાની સત્તા દૃઢ કરતા ગયા.

શાહુ આટલા દિવસ સુધી મોગલોના તંબૂમાંજ ઊછર્યો હતો. તે હવે પુખ્ત ઉંમરનો યુવક થયો હતો. સારા કુટુંબની બે મરાઠા કન્યાઓ સાથે ઔંરંગઝેબે તેનાં લગ્ન કરી દીધાં હતાં.

બચપણથીજ શાહુ મોગલ તંબૂમાં ભેગવિલાસમાં ઊછર્યો હતો, એટલે રણ સંગ્રામના આવશ્યક ગુણો તેનામાં ખીલી શક્યા નહોતા. એ ઘણો વિલાસી યુવક થયો હતો. તે ઉપરાંત ઔરંગઝેબે સ્નેહ અને યત્નપૂર્વક તેનું પાલનપોષણ કર્યું હતું, એટલે મોગલો પ્રતિ તેને શ્રદ્ધા તથા પ્રેમ હતો. એ લોકો પોતાની જાતિના અને દેશના શત્રુ છે, એમ ધારીને મોગલો ઉપર કોઈ પણ પ્રકારનો દ્વેષભાવ રાખતાં એ શીખ્યો નહોતો.

બહાદુરશાહે જોયું કે, યુદ્ધમાં મરાઠાઓને હરાવવા અસંભવિત છે, માટે શાહજીને બંદીખાનામાંથી છોડી દઈને મરાઠાઓનો રાજા બનાવવામાં આવે, તો તે સહજમાં મોગલોને તાબે થશે અને કોઈ પણ જાતની શત્રુતા રાખશે નહિ. બધા મરાઠાઓ મોગલના તાબામાં રહેવાનું પસંદ નથી કરતા, તો પણ ઘણા લોકો શાહુના પક્ષમાં રહેશે અને આખરે એ લોકોમાં માંહોમાંહી કલહ ઉત્પન્ન થશે તથા આંતરવિગ્રહને પરિણામે તેઓ દુર્બળ થઈ જઈને આખરે મોગલોને વશ થશે.

બહાદુરશાહે શાહુને મુક્તિ આપી. તેનો ઉદ્દેશ પણ સફળ થયો. શાહુ શિવાજીના જ્યેષ્ઠ પુત્ર સંભાજીનો પુત્ર હોવાથી, ન્યાય અને ધર્મ અનુસાર મરાઠા રાજ્યનો ખરો અધિકારી હતો. તેનો એ અધિકાર સ્વીકારીને જ રાજારામે પોતે કોઈ દિવસ રાજાની ઉપાધિ સ્વીકારી નહોતી. હવે મરાઠા આગેવાનોમાંથી કેટલાક તારાબાઇનો પક્ષ છોડી દઈને શાહુના પક્ષમાં ગયા; એમાં બાલાજી વિશ્વનાથ નામનો એક બ્રાહ્મણ મુખ્ય હતો.

શાહુ મોગલોના તંબૂમાં કેદ હતો, તે અરસામાં રાજારામે પોતાની શક્તિથી મહારાષ્ટ્રનું રક્ષણ કર્યું હતું. રાજારામના અનેક ઉપકારનું સ્મરણ કરીને, મરાઠા આગેવાનોએ તેના પુત્રને રાજા બનાવ્યો હતો. પુત્રની તરફથી આટલા દિવસ સુધી ઘણાં વિઘ્નમાંથી જે મરાઠા રાજ્યનું સંરક્ષણ કર્યું હતું, જે રાજ્યની હજુ પણ તે આગેવાની હતી તે રાજ્ય, મોગલોને હાથે ઉછરેલા, મોગલો ઉપર સ્નેહ રાખનારા તથા જાતીય-ગૌરવના વિચાર વગરના, નાજુક, ભોગવિલાસમાં મશગૂલ થયેલ શાહુના હાથમાં સોંપી દેવું તારાબાઈને વાજબી લાગ્યું નહિ. શાહુના હાથમાં રાજ્ય સોંપવું અને મોગલોના હાથમાં સોંપવું, એ તારાબાઈને એકસરખું લાગ્યું. એ વિચારથી તારાબાઈ પોતાના સ્વદેશાભિમાનમાં દૃઢ થઈને બેસી રહી.

તારાબાઈ જાણતી હતી કે, બાલાજી વિશ્વનાથ ઘણો વગવસીલાવાળો પુરુષ છે. શાહુને જો બાલાજી વિશ્વનાથ પોતાના કાબૂમાં રાખી શકે, તો મરાઠાઓનું રાજ્ય મોગલાના હાથમાં ન પણ જાય. બાલાજી વિશ્વનાથના પોતાના હાથમાં જાય તો ભલે જાય. શાહુના રાજા થવાથી દેશ કાં તો મોગલોના કે કાં તો પેશ્વાના હાથમાં જશે અને શિવાજીએ સ્થાપેલા અને શિવાજીના પુત્ર–પોતાના સ્વામીએ રક્ષણ કરેલા રાજ્ય ઉપર શિવાજીના વંશજોનો કોઈ અધિકાર રહેશે નહિ. શિવાજી મહારાજની પુત્રવધૂ, રાજારામની સહધર્મિણી અને મહારાષ્ટ્રના વર્તમાન રાજાની વાલી તારાબાઈ અશક્ત શાહુના હાથમાં પોતાના સસરાનું રાજ્ય કેવી રીતે સોંપે ? તારાબાઈ પોતાનો પક્ષ મજબૂત કરી દૃઢતાથી શાહુ અને બાલાજી વિશ્વનાથની સામે ઊભી.

શાહુએ સતારામાંજ રાજધાની રાખી અને બીજા શિવાજીને લઈને તારાબાઈએ કોલ્હાપુરમાં રાજધાની સ્થાપી.

બાલાજી વિશ્વનાથના પ્રપંચને લીધે મરાઠા આગેવાનો એકે એકે તારાબાઈના પક્ષમાંથી ખસી જઈને શાહુના પક્ષમાં જવા લાગ્યા. આ પ્રમાણે પોતાનું બળ ઘણું ઓછું થઈ જવા છતાં પણ, અર્ધા મહારાષ્ટ્ર ઉપર તો તારાબાઈએ પોતાની સત્તા સાચવી રાખી, પરંતુ એવામાં તેના પુત્ર બીજા શિવાજીનું મૃત્યુ થયું. મંત્રીઓએ રાજારામની બીજી રાણીના પુત્રને કોલ્હાપુર ની ગાદીએ બેસાડ્યો.

રાજમાતા તરીકે તારાબાઈને જે સત્તા હતી, મરાઠા રાજ્ય ઉપર જે અધિકાર હતો, તે ચાલ્યો ગયો. શાહુના પેશ્વા બાલાજી વિશ્વનાથની વિરુદ્ધમાં પોતાનું બળ ટકાવી રાખવું, એ હવે તેને માટે અસાધ્ય હતું. કોલ્હાપુરની શક્તિ ક્ષીણ થઈ ગઈ. મહારાષ્ટ્રમાં સતારાનું રાજ્ય મુખ્ય ગણવા લાગ્યું.

બધી શક્તિ ગુમાવીને તારાબાઈ પોતાની દુઃખી જિંદગી પૂરી કરવા લાગી.

પેશ્વાના હાથમાં બધો રાજકારભાર સોંપી દઈને શાહુ નિશ્ચિંત મને આમોદપ્રમોદમાં પોતાનો વખત ગાળતો હતો. તારાબાઈની શંકા ખરી પડી. ધીમે ધીમે પેશ્વાજ મરાઠા રાજ્યના કરતા કારવતા થઈ પડ્યા.

બાલાજી વિશ્વનાથના મૃત્યુ પછી તેનો પુત્ર બાજીરાવ પેશ્વા થયો. શિવાજી મહારાજના પછી બાજીરાવ જેવો પ્રતાપી અને  પ્રતિભાશાળી પુરુષ મહારાષ્ટ્રમાં બીજો કોઈ થયો નથી. શિવાજીએ મરાઠાઓની શક્તિનો સંચય કરીને મરાઠા રાજ્યની સ્થાપના કરી, રાજારામે મોગલોની સાથે લડીને મરાઠા રાજ્યનું રક્ષણ કર્યું, પરંતુ આખા ભારતવર્ષમાં મરાઠા રાજ્યનો અધિકાર જમાવવાનો પ્રયત્ન બાજીરાવ પેશ્વાએજ કર્યો.

મોગલોની એ વખતે પડતી દશા આવતી જતી હતી. બાજીરાવ સમજ્યો હતો કે, હિંદુ રાજ્ય સ્થાપવાનો સારો લાગ હમણાંજ છે. ગુજરાત અને માળવાથી લઈને પૂર્વમાં લગભગ ઓડિસા સુધી મરાઠા રાજ્ય વિસ્તાર પામ્યું. દક્ષિણ ભારતમાં નિઝામનું રાજ્ય અને ઉત્તર હિંદુસ્તાનના ઘણા રાજાઓ મરાઠાઓને ખંડણી આપવા તૈયાર થયા. બાજીરાવ કેવળ ૪૨ વર્ષ સુધી જીવ્યો, પણ એટલા અલ્પ સમયમાં પ્રતિભાના બળે તેણે ભારતમાં ઘણી જગ્યાએ મરાઠાઓની સત્તા જમાવી.

બાજીરાવના મૃત્યુ પછી તેનો પુત્ર બાલાજી બાજીરાવ પેશ્વા થતો. શાહુ હવે વૃદ્ધ થયો હતો અને એને છોકરૂંછૈયું નહિ હોવાથી દત્તક પુત્ર લેવાની તેને જરૂર પડી હતી. પરંતુ રાજાનો દત્તક પુત્ર એના વંશનો હોવો જોઈએ. કોલ્હાપુરનો એ વખતનો રાજા શાહુનો ઘણો નજીકનો સગો હતો, એટલે શાહુની સ્ત્રી સાવિત્રીબાઈની ઈચ્છા એનેજ દત્તક પુત્ર બનાવવાની થઈ.

પરંતુ પેશ્વાની ઈચ્છા એથી વિરુદ્ધ હતી. રાજ્યમાં પેશ્વાનું આટલું બધું ચલણ થયું હતું, એ સાવિત્રીબાઈને પસંદ નહોતું. રાજા પેશ્વાને વશ ન થતાં, પેશ્વાને ઊલટા પોતાના કાબૂમાં રાખે તેને માટે એણે આખી જિંદગી સુધી પ્રયત્ન કર્યો હતો, પરંતુ શાહુની દુર્બળતાને લીધે એ બધી ચેષ્ટા નિષ્ફળ નીવડી હતી. પેશ્વાને પણ સાવિત્રીબાઈની વિરુદ્ધતાની ખબર હતી. એણે મનમાં વિચાર્યું કે જો સાવિત્રીબાઈની ઈચ્છા પ્રમાણે કોલ્હાપુરનો રાજા શાહુનો દત્તક પુત્ર અને ગાદીવારસ થશે, તો એ સાવિત્રીની મરજી મુજબ ચાલશે ને પોતાની મોટાઈ ચાલી જશે.

વૃદ્ધ તારાબાઈ આ વખતે જીવતી હતી. વૃદ્ધાવસ્થામાં પણ તેનામાં તેજસ્વિતા અને દૃઢતા પહેલાંની પેઠેજ પ્રબળ હતાં. સાવિત્રીબાઈની વિરુદ્ધતાની સામે થઈને પોતાનો અધિકાર સાચવી રાખવા માટે, આ વખતે ચાલાક બાલાજી બાજીરાવે તારાબાઈનું રક્ષણ લીધું.

રાજારામ નામનો તારાબાઈને એક પૌત્ર હજુ જીવતો હતો. પેશ્વાએ ગુપ્ત રીતે એવી સૂચના કરી કે, શાહુએ એને પોતાના ગાદીવારસ તરીકે દત્તક લેવો, અને લખી આપવું કે, શાહુના મૃત્યુ પછી એ રાજા કહેવાશે અને રાજા તરીકેનું બધું માન એને મળશે; પણ રાજયનો કારભાર પેશ્વાના હાથમાં રહેશે.

પેશ્વાના હાથમાં પૂતળારૂપ બનેલા શાહુએ તરતજ આ સૂચના મંજૂર કરી. તારાબાઈએ જોયું કે પેશ્વાનું દમન કરીને શિવાજીના વંશજના હાથમાં રાજ્યને કારભાર આવવાનો આ સારો લાગ છે. એક વાર પોતાના હાથમાં ઉછરેલો અને પોતાની આજ્ઞામાં રહેલો પૌત્ર રાજારામ જો રાજ્યનો રાજા થાય, તો પછી પેશ્વાની મગદૂર નથી કે આખું મરાઠા રાજ્ય કાબૂમાં રાખી શકે. પેશ્વાને એમની પોતાનીજ રચેલી જાળમાં ફસાવવાના ઈરાદાથી તારાબાઈએ એ સૂચના માન્ય રાખી.

શાહુનું મૃત્યુ થયું. શાહુના વસિયતનામાની રૂએ તારાબાઈની દેખરેખ નીચે રાજારામ સતારાનો રાજા થયો. પેશ્વાએ સતારા છોડી દઈને પૂનામાં પોતાની શક્તિનું કેન્દ્ર સ્થાપ્યું. તે સમજી ગયો હતો કે, રાજ્યનું કેન્દ્ર સતારામાં હશે, તો તેજસ્વી તારાબાઇની ઊંડી રાજનીતિ અને કુશળતા આગળ પોતાનું કાંઈ ચાલશે નહિ.

થોડા સમય પછી પેશ્વા કોઈ યુદ્ધમાં ગયો. આવો લગ ફરીથી નહિ મળે, એમ વિચારીને તારાબાઇએ તરતજ વડોદરાના દામાજી ગાયકવાડને પોતાના પક્ષમાં લીધા.

આ પ્રમાણે એક બહાદુર સેનાપતિની મદદ મળી ચૂક્યા પછી એણે રાજારામને કહ્યું: “રાજારામ ! મહાપુરુષ શિવાજીના રાજ્ય ઉપર શિવાજીના વંશજનો કોઈ અધિકાર નથી. શાહુની દુર્બળતાને લીધે પેશ્વાજ આખા રાજ્યના કરતાકારવતા છે. શિવાજીના વંશજોનો અધિકાર લોપ કરીને પેશ્વાઓ રાજ્યને પચાવી ન પડે, તેટલા માટે મેં આખી જિંદગી સુધી પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમાં હું સફળ થઈ નથી. આજ ભવાનીદેવીની કૃપાથી આટલે વર્ષે લાગ આવ્યો છે ! પેશ્વા પોતાનું સૈન્ય લઈને બીજે કંઈ લડવા ગયો છે. મહાવીર દામાજી ગાયકવાડ તારી મદદે છે. આ લાગ ખોતો નહિ. શિવાજીના પ્રપૌત્ર, રાજારામના પૌત્રને છાજે એ પ્રમાણે રાજસત્તા તું તારા હાથમાં લે. આજ ઢંઢેરો પિટાવ કે, પેશ્વા કોઈ ગણતરીમાં નથી, એ તો તારી ઈચ્છા પ્રમાણે ચાલનારો તારા નોકરો જેવો જ છે. રાજા તું જ છે.”

પરંતુ બીકણ અને કોમળ સ્વભાવના રાજારામની હિંમત દાદીની સલાહ પ્રમાણે કરવાની ચાલી નહિ. ક્રોધને લીધે લાલચોળ થઈ જઈને તારાબાઈએ કહ્યુંઃ “બાયલા ! કુલાંગા૨ ! શિવાજી અને રાજારામનાં સાહસ, પરાક્રમ અને તેજસ્વિતાનો તારામાં જરા પણ અંશ નથી. તે તો નાહક શિવાજીના વંશજ તરીકે નામ ધરાવ્યું છે. હું તને આજથી મારા પૌત્ર તરીકે ગણીશ નહિ. આજથી હું તને રાજા તરીકે રાજ્યાસન ઉપર બેસવા દઈશ નહિ. શિવાજીની પુત્રવધૂ હું હજુ જીવું છું. રાજારામની સહધર્મિણી તરીકે આજ હું આ ૨ાજ્યની રાણી છું. આજથી આ રાજ્યનો વહીવટ હું પોતાના હાથમાં લઈશ. કુલાંગાર! બાયલા ! આ વીર વંશમાં તું કલંકરૂપ નીકળ્યો છે. આજથી મારા હુકમ પ્રમાણે તને કેદખાનામાં રાખવામાં આવશે.”

રાજારામને કેદખાનામાં કેદ કરીને તેજસ્વી તારાબાઈએ બધો કારભાર પોતાના હાથમાં લીધો.

આ ખબર પડતાંવારજ પેશ્વા પાછો આવ્યો. તારાબાઈની સહાયમાં એકલા દામાજી ગાયકવાડ હતા, પણ ચતુર પેશ્વાની યુક્તિથી દામાજી કેદ પકડાયા. તેમના સૈન્યનો નાશ થયો. પેશ્વાની વિરુદ્ધમાં પોતાની શક્તિનો બચાવ કરવાની હવે કોઈ સગવડ તારાબાઈ પાસે રહી નહિ. પેશ્વાના હાથમાં રાજ્યસત્તા સોંપવાની તેને ફરજ પડી.

પેશ્વાએ રાજારામને કેદખાનામાંથી છોડાવીને તેને સતારાનો નામનો રાજા બનાવ્યો અને પૂનામાં રાજધાની સ્થાપીને પોતે સ્વતંત્રપણે મહારાષ્ટ્ર ઉપર રાજ્ય ચલાવવા લાગ્યો.

તારાબાઈની આ પ્રમાણે પડતી આવવાથી, પેશ્વાની વિરુદ્ધ હવે કોઈ રહ્યું નહિ. તારાબાઈના જીવનચરિત્રમાં શીખવાનું માત્ર એજ છે કે, પોતાના કુળને માટે એને કેટલું બધું અભિમાન હતું ? સ્વતંત્રતાનો તેને કેટલો બધો શોખ હતો ? અને એ સ્વતંત્રતા નિભાવવા માટે પોતાથી બની શક્યું ત્યાંસુધી એણે કેટલો પરિશ્રમ કર્યો હતો ? જય પરાજય ઈશ્વરના હાથમાં છે; કર્તવ્ય કરવું એજ મનુષ્યનું કામ છે.