લખાણ પર જાઓ

રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/મલબાઈ દેસાણ

વિકિસ્રોતમાંથી
← મરાઠા વીરાંગના તારાબાઈ રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
મલબાઈ દેસાણ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
જમાલ ખાતૂન →


३८–मलबाई देसाण

હારાજા શિવાજીનું લક્ષ્ય એ હતું કે, આખો દેશ એક હિંદુ રાજાના હાથમાં રહીને, એકજ શાસનરાજ્ય પદ્ધતિ પ્રમાણે ચાલે; કારણકે એમ ન થાય ત્યાંસુધી આખા મહારાષ્ટ્રમાં વસનારાઓ એક પ્રજાત્વના દૃઢ બંધનથી બંધાઈ શકે નહિ. વિચક્ષણ અને દૂરંદેશ શિવાજી મહારાજ આ લક્ષ્ય સ્થિર કરીને મરાઠા જાતિનું બંધારણ ઘડી રહ્યા હતા. આ ઉદ્દેશ પૂરો પાડવા માટે એમને મહારાષ્ટ્રમાં ઘણા નાના નાના હિંદુ કિલ્લેદારો અને રાજાઓને જીતીને તેમને પોતાને આધીન કરી લેવા પડતા; પરંતુ એ કાર્યને માટે કોઈ પણ પ્રકારનો અન્યાય કરતા નહિ. એ કિલ્લેદાર કે રાજા એમનું ઉપરીપણું સ્વીકારી લે, તો એને યોગ્ય સન્માન આપીને પોતાના રાજ્યમાં સારો હોદ્દો આપતા.

એ વખતના કિલ્લાઓમાં બલ્લારીગઢ ઘણો પ્રખ્યાત હતો. એ ગઢમાં બેસીને બલ્લ્લારીરાજ સુખેથી પોતાના નાના સરખા રાજ્ય ઉપર અમલ ચલાવતો. રાજાનું મૃત્યુ થયું અને તેની વિધવા રાણી મલબાઈ દેસાણ એ કિલ્લાની અને એ રાજ્યની રાણી થઈ.

બીજા ઘણા દુર્ગોને સર કરીને શિવાજી મોટી સેના સાથે બલ્લારી દુર્ગ ઉપર ચડી આવ્યા. મલબાઇ ક્ષત્રિય વીરાંગના હતી. શિવાજીનો રાજનૈતિક હેતુ ગમે તેટલો ઊંચો હશે; જે ઉદ્દેશ સાધવા માટે તેમણે બલ્લારી દુર્ગ ઉપર આક્રમણ કર્યું હતું, તે ઉદ્દેશ ગમે તેટલો મહાન હશે, પણ ક્ષત્રિય વીરાંગના પોતાની હયાતીમાં વગર યુદ્ધે શત્રુના હાથમાં પોતાની સ્વતંત્રતા સોંપી દે, પોતાના તાબાનું રાજ્ય આપી દે, એ કદી સંભવિત નહોતું. વળી મલબાઈ શિવાજી મહારાજને મહારાષ્ટ્રના ઉદ્ધારક તરીકે કે એક પ્રજાત્વની ભાવનાસ્થાપક તરીકે જોતી  નહોતી. એની આગળ તો શિવાજી તેના રાજ્ય ઉપર હુમલો કરનાર, તેની સ્વતંત્રતા છીનવી લેવાનો પ્રયત્ન કરનાર પ્રબળ શત્રુ હતા. શત્રુ પ્રબળ હતા, વિજયની આશા ઘણીજ થોડી હતી પણ સ્વતંત્રતા એ પણ એક અમૂલ્ય વસ્તુ છે. એ સ્વતંત્રતા માટે મરાઠા વીરાંગના પોતાનું સર્વસ્વ અર્પણ કરીને યુદ્ધ કરવા તૈયાર થઈ. ભયભીત થઈ ગયેલા પોતાના સૈન્યને ઉત્સાહિત કરીને તેણે કહ્યું: “સિપાઈઓ ! તમે મારા પુત્ર સમાન છો; પણ તમારી અને મારી સ્વતંત્રતા માટે આ ભીષણ સંગ્રામમાં તમારૂં બલિદાન આપવા હું તૈયાર થઈ છું. મનુષ્ય જન્મતી વખતે રડે છે. સંસારમાં અનેક પ્રકારનાં દુઃખો તેને રોવડાવે છે અને મૃત્યુ સમયે પણ તે રડતો રડતો મરે છે. આ જીવન એવું દુ:ખદાયી છે. એમાં કોઈ પણ સુખકારક વસ્તુ હોય, તો તે સ્વાધીનતાજ છે. તો તેને માટે તમારા તુચ્છ દેહનો ત્યાગ કરવા તમે તૈયાર નહિ થાઓ? આજ તમારી સ્વતંત્રતા છીનવી લેવા માટે પ્રબળ શત્રુ તમારે બારણે આવી ઊભો છે. તમે મનુષ્ય છો, મનુષ્યમાં પણ વીર ક્ષત્રિયો છો, અસાર જીવનના મોહમાં ફસાઈને તમે સ્વતંત્રતા ખોઈ બેસશો? બીજાઓને શરણે જશો ? દુઃખી જિંદગીને વધારે દુઃખી બનાવશો ? ભય પામતા નહિ અને લાંબો વિચાર કરશો નહિ. મૃત્યુ વહેલું મોડું જરૂર આવવાનું છે. સ્વતંત્રતાને માટે શત્રુઓને મારતાં મારતાં, જે કોઇ શત્રુને હાથે હણાય છે, તેનું મરણ સાર્થક થાય છે. એવી રીતે મરનાર આ દુનિયામાં અનંત કીર્તિ મેળવીને પરલોકમાં અક્ષય સ્વર્ગમાં વસે છે. હું તમારી માતાસ્વરૂપ છું, તમારી રાણી છું. તલવાર લઈને હું જાતે શત્રુઓની સાથે લડવા તમારી સાથે આવીશ. જો તમે માતૃભક્ત હો, રાજભક્ત હો, તો મારું માન રાખવા, દેશનું માન રાખવા, વીરતાથી મારી સાથે યુદ્ધ કરવા ચાલો અને નાના સરખા બલ્લારીના વીરત્વથી શિવાજીને સ્તંભિત કરો.”

રાણીનાં વીરતાભર્યા વચનોથી સૈનિકોમાં અત્યંત ઉત્સાહ વ્યાપી ગયો. રણમદથી ઉશ્કેરાઈને તેઓ રાણીની સરદારી હેઠળ મરણિયા થઈને યુદ્ધ કરવા તૈયાર થયા. રાણીએ તે લશ્કરની સરદારી લીધી અને શિવાજી સાથે લાગલગાટ સત્તાવીસ દિવસ સુધી યુદ્ધ કરી, શિવાજીના સૈન્યને હરાવી, પોતાના  કિલ્લાની રક્ષા કરી; પણ હવે તેની શક્તિ ખૂટી ગઈ હતી. જે શિવાજીના બળ આગળ મોગલ બાદશાહની ફોજનાં હાજાં ગગડી જતાં હતાં, તે ફોજ સાથે લડવાનું બલ્લારીની નાની સરખી ફોજનું શું ગજું? આટલા દિવસ એ યુદ્ધને ટકાવી શકી, એજ તેને માટે તો ઘણું બહાદુરીનું કામ હતું. છેલ્લે દિવસે મરાઠા સંનિકોના પ્રબળ હુમલાથી બલ્લારી દુર્ગના કોટની એક ભીંત જરાક તૂટી પડી, તેમાં થઈ શિવાજીના સૈનિકો બલ્લારી દુર્ગમાં ધૂસી ગયા. મલબાઇ એ નિરુપાય થઈને શિવાજીનું શરણ લીધું, કારણ કે એ જ જાણતી હતી કે, શિવાજી જેવા ધર્માત્મા હિંદુ આગળ તેના સ્ત્રીધર્મનું અપમાન થવાનો જરા પણ સંભવ નથી.

મલબાઈની આટલી બધી વીરતાથી શિવાજી મહારાજ મુગ્ધ થઈ ગયા હતા. એ વીરાંગના તરફની ભક્તિ અને શ્રદ્ધાથી તેમનું હૃદય તેના તરફ સન્માનથી ખેંચાયું હતું, મલબાઈને જ્યારે તેમની સન્મુખ આણવામાં આવી, ત્યારે તેમણે ઊભા થઈને તેના ઘણો સત્કાર કર્યો. મલબાઈએ કહ્યું: “મહારાજ! આપ ૨ાજા છો, હું પણ રાણી છું. આપ સ્વતંત્રપણે આપનું રાજ્ય ચલાવો છો; હું પણ આટલા દિવસ સ્વતંત્રપણે મારા રાજ્યમાં શાસન કરતી હતી. આપની શક્તિ પ્રબળ છે. એ પ્રબળ શક્તિને લીધે મારા જેવી દુર્બળ અબળાનો ગ્રાસ કરવા આપ પધાર્યા છો. એ ગ્રાસ થતાં બચવાને માટે, મેં મારી સ્વલ્પ શક્તિત પ્રમાણે બન્યો તેટલો પ્રયત્ન કર્યો છે. હવે વધારે લડી નહિ શકાયાથી આપને શરણે આવવાની ફરજ પડી છે. આ૫ રાજા છો, રાજધર્મ સારી પેઠે જાણો છો. આપની સાથે યુદ્ધ કરવામાં મે રાજધર્મનુંજ પાલન કર્યું છે. હવે મારે વિશેષ કાંઈ કહેવાનું નથી. હું આપની પાસે કોઈ પણ જાતની પ્રાર્થના કરવા નથી આવી. મને આપે જે સજા કરવી હોય, તે સુખેથી કરો.”

શિવાજી બોલ્યાઃ “મા ! તમે રાણી છો. રાણી થવાને યોગ્ય છો અને રાણી પદ ઉપરજ બિરાજ્યાં રહેશો. મારાં માતુશ્રી જીજાબાઈ સિવાય બીજી કોઈ તમારા જેવી તેજસ્વી અને વીર સ્ત્રી મેં દીઠી નથી. જીજાબાઈના ગર્ભમાં હું જન્મ્યો છું. આ૫ના જેવાં વીરાંગના બાઈનું સન્માન કેવી રીતે સાચવવું એ મને આવડે છે. આજથી તમે મારાં માતુશ્રી સમાન છો. બલ્લારી દુર્ગ અને બલ્લારી રાજ્ય પહેલાંની માફક હાલ પણ સ્વતંત્રપણે આપનાજ તાબામાં રહેશે. જીવતાં સુધી હું આપના રાજ્યની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરીશ નહિ. હું આપના સંતાનસ્વરૂપ છું. મારા બધા અપરાધની ક્ષમા કરીને મને આશીર્વાદ આપો.”

મલબાઈએ કહ્યું: “મરાહારાજ ! હિંદુઓમાં ખરા રાજા આપજ છો. હું આપને આશીર્વાદ દઉં છું કે, આપનો સર્વત્ર જય થાઓ અને આપ ભારતમાં હિંદુ રાજ્યની સ્થાપના કરો. આપે મારી સ્વતંત્રતા છીનવી લીધી નથી, તેથી આપનો મારા ઉપર એટલો બધો ઉપકાર થયો છે કે, એનો બદલો કોઈ પણ રીતે મારાથી વાળી શકાય એમ નથી. આપને હું ખાતરી આપું છું કે, બલ્લારી રાજ્યની ક્ષુદ્ર શક્તિ હમેશાં આપની મદદમાં તૈયાર રહેશે.

શિવાજીની વિજયપતાકા બલ્લારી દુર્ગ ઉપર ઊડી નહિ. મલબાઇ દેસાણ પહેલાંની પેઠેજ બલ્લારી દુર્ગની રાણી રહી, પણ હવે એ શિવાજીની શત્રુ નહોતી, પણ મિત્ર હતી. વસ્તુતઃ બલ્લારીમાં શિવાજીનો પોતાનો દુર્ગજ હોય, તે પ્રમાણેજ બન્યું. એ નાના સરખા રાજ્ય તરફથી પોતાને ઉપદ્રવ થવાનો શિવાજીને જરા પણ સંભવ રહ્યો નહિ. આમ મલબાઈના અપૂર્વ પરાક્રમને લીધે બલ્લારી રાજ્યની પ્રજા પોતાની જ રાણીના તાબામાં રહેવાને ભાગ્યશાળી નીવડી.