લખાણ પર જાઓ

રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/રાજીમતી

વિકિસ્રોતમાંથી
← બ્રાહ્મી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
રાજીમતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શ્રીદેવી →


९–रा जी म ती

સન્નારી મથુરાના રાજા ઉગ્રસેનની કન્યા હતી. તેની માતાનું નામ ધારિણી હતું. તેનો વિવાહ દ્વારકાના રાજા સમુદ્રવિજયના કુમાર નેમિનાથ સાથે થયો હતો.

૨ાજા સમુદ્રવિજય નેમિનાથને પરણાવવા સારૂ મોટી જાન લઈને મથુરા ગયો હતો. મથુરાના રાજાએ વેવાઈને આદરસત્કાર કરવામાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા રાખી નહોતી. તેણે જાનને જમાડવા સારૂ, જાતજાતનાં પશુઓને એકઠા કરીને એક વાડામાં પૂરી રાખ્યાં હતાં. દૈવસંયોગે વરરાજા નેમિનાથનું એ ત૨ફજ ગમન થયું અને વાડામાં પૂરી રાખેલાં નિર્દોષ પશુઓનો આર્તનાદ તેમના સાંભળવામાં આવ્યો. તેમણે પોતાના સારથિને પૂછ્યું: “સારથિ ! આ દારુણ સ્વર કોનો છે ?” સારથિએ જવાબ આપ્યો: “કુમાર ! આપના લગ્ન પ્રસંગે ઉગ્રસેન રાજા મોટી જ્યાફત આપવાના છે અને તેમાં આપણી સાથે આવેલા જાનૈયાઓને વિધવિધ પ્રકારના માંસની વાનીઓ જમાડવા સારૂ જે જુદાં જુદાં પશુઓને એકઠાં કરેલાં છે તેમની આ ચીસો છે.” આ સમાચાર સાંભળીને કોમળ હૃદયના કુમાર નેમિનાથ ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા અને પોતાના લગ્નનિમિત્તે આટલા બધા નિર્દોર્ષ જીવોનો વધ થાય, તે વિચારે તેમના હૃદયમાં વૈરાગ્ય ઉપજાવ્યા. તેમણે લગ્ન કરવાનો વિચાર માંડી વાળીને તપસ્યા કરવાનો તથા ધર્મસાધવાનો દૃઢ નિશ્ચય કર્યો.

તેમની માતાએ તથા અન્ય સંબંધીઓએ તેમને ઘણીએ શિખામણ આપી અને સંસારમાં રહેવાનો આગ્રહ કર્યો, પણ દૃઢ પ્રતિજ્ઞાવાળા કુમારે પોતાનો સંકલ્પ બદલ્યો નહિ અને વનભણી પ્રયાણ કર્યું.

રાજીમતી ઘણી સુશીલ અને વિદુષી સ્ત્રી હતી. માતાપિતા તરફથી તેને ઊંચા પ્રકારની કેળવણી અને સારા સંસ્કાર પ્રાપ્ત  થયા હતા. નેમિનાથ ઉપર તે ખરા અંતઃકરણથી મુગ્ધ થઈ ગઈ હતી. એ નેમિનાથનેજ પોતાના હૃદયના ઈશ્વર માની ચૂકી હતી એટલે છેલ્લી ઘડીએ આ અણધાર્યો બનાવ બન્યાથી તેના કોમળ હૃદચને કેટલો આઘાત પહોંચ્યો હશે ? તેની કલ્પના વાચક બહેન કરી શકશે. નેમિનાથ સાથે તેનો ફક્ત વિવાહ જ થયો હતો. લગ્નનો તો એકે સંસ્કાર થયો નહોતો. કુમાર નેમિનાથના સાધુ થઈ ગયા પછી બીજો યોગ્ય વર પસંદ કરીને તેની સાથે વિવાહ સૂત્રથી બંધાવાની તેને પૂરતી છૂટ હતી, પણ પ્રેમસૂત્રથી જોડાયલાં હૃદયને માટે સંસ્કાર તો એક બાહ્ય આડંબરમાત્ર છે. એ બાહ્ય સ્વરૂપના સંસ્કારની મહોર તેમના સંબંધ ઉપર નહિ લાગેલી હોવા છતાં પણ રાજીમતીના મનથી તે એ પવિત્ર સંબંધ અવિછેદ્યજ હતો. એણે બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરવાની સાફ ના કહી અને જે માર્ગનું સ્વામી નેમિનાથે અવલંબન કર્યું હતું, તેજ માર્ગનું અનુસરણ કરવાનો પોતે દૃઢ નિશ્ચય કર્યો.

યોગિનીનો વેશ ધારણ કરીને સતી રાજમતી વનમાં નીકળી પડી અને પતિની શોધ કરવા લાગી.

એ વખતે નેમિકુમાર ગિરનાર પર્વત ઉપર વાસ કરતા હતા. રાજીમતીએ ગિરનાર પર્વત ઉપર જઈને પતિદેવનાં દર્શન કર્યાં તથા નેમિનાથજી પાસે ધર્મની દીક્ષા લીધી. તેનું સંસ્કારી મન નેમિનાથજીના ઉપદેશથી વધારે વિમળ થયું. ભક્તિરસનો ઝરો તેના હૃદયમાં વહેવા લાગ્યો. આજથી એ રાજકન્યા મટીને પરમ ત્યાગી સંન્યાસિની થઈ. ત્યાર પછી એ પોતાનું સમસ્ત જીવન ધર્મચર્ચા અને લોકસેવામાં ગાળવા લાગી.

એક દિવસ રાજીમતી પતિદેવ નેમિનાથજીનાં દર્શન કરવા સારૂ ગિરનાર પર્વત ઉપર જઈ રહી હતી. તેવામાં માર્ગમાં વરસાદ વરસવા લાગ્યો અને તેથી તેનાં વસ્ત્ર ભીંજાઈ ગયાં. એ ભીજાઈ ગયેલાં વસ્ત્રોને સુકવવા માટે એ એક ગુફામાં ગઈ અને નગ્ન થઈને સર્વ વસ્ત્ર સુકાવા મૂક્યાં. દૈવસંયોગે એજ વખતે તેનો દિયર રથનેમિ સાધુ પણ એજ ગુફામાં એક ખૂણામાં બેઠો બેઠો ધ્યાન ધરી રહ્યો હતો. રાજીમતીને એ વાતની ખબર નહોતી, પણ રથનેમિ પોતાની ભાભી સતી રાજીમતીને નગ્નાવસ્થામાં જોઈને તેના અપ્રતિમ સૌંદર્યથી ઘણોજ મુગ્ધ થઈ ગયેા. પોતે સાધુ છે,  સંસારનો ત્યાગ કર્યો છે, કોઈ પણ સ્ત્રીના ઉપર કુદૃષ્ટિ કરવી એ નરકમાં જવાનો સીધો માર્ગ છે, એ બધું જ્ઞાન આ વખતે રથનેમિ ભૂલી ગયો અને તેના મનમાં રાજીમતીને માટે કામવિકાર ઉત્પન્ન થયો. સતી રાજીમતીની દૃષ્ટિ તેના ઉપર પડતાવારજ સતીએ એકદમ પોતાનાં ભીનાં વસ્ત્ર પહેરી લીધાં; પરંતુ કામી ૨થનેમિ એકાંત જોઈને તેનું શિયળભંગ કરવા માટે ઘણી મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. તેનાં કામી વચનોથી સતી રાજીમતીના હૃદયમાં ઘણોજ ઊંડો ઘા લાગ્યો. તેણે પોતાના મનને દૃઢ રાખીને એ વખતે દિયર રથનેમિને ઘણો ઉત્તમ ઉપદેશ કર્યો. તેણે જણાવ્યું કે, “રથનેમિજી ! જુઓ, આપણે બંને સંસારનો ત્યાગ કરીને, સાધુવેશ ધારણ કરીને, યોગાભ્યાસદ્વારા નિર્વાણ મેળવવા સારૂ અહીં આવ્યાં છીએ, એ પવિત્ર ઉદ્દેશને માટે જ આપણે સેંકડો તરેહનાં દૈહિક કષ્ટ પણ ભોગવી રહ્યાં છીએ, માટે હવે તમારે તમારૂં મન ચલાયમાન ન થવા દેવું જોઈએ. જે પવિત્ર આશ્રમ આપે ધારણ કર્યો છે તેના ધર્મને વળગી રહીને કોઈ પણ સ્ત્રી સામી વિકારયુક્ત દૃષ્ટિ કરવી એ તમારે માટે ઘોર પાપ છે. જે દેહના સૌંદર્યથી તમે કામાંધ થઈ ગયા છો, તે દેહ હાડકાં, માંસ, લોહી વગેરે ગંદી વસ્તુઓના પૂતળા સિવાય બીજું શું છે ? તેનો વિચાર કરો. વળી હું પૂર્વાશ્રમમાં પણ તમારા મોટાભાઈની પત્ની હોવાથી તમારે માટે માતા તરીકે પૂજ્ય છું; માટે તમે તમારા મનમાંથી કામવિકારને એકદમ કાઢી નાખીને ચિત્તને પવિત્ર કરો. મારા તરફ તો શું પણ કોઈ પણ સ્ત્રી ઉપર કુદૃષ્ટિ કર્યાથી નરકમાં વાસ કરવો પડે છે એ નિશ્ચય જાણજો.”

સતી રાજીમતીનાં બોધજનક વચન સાંભળવાથી રથનેમિને પોતાના સંન્યસ્તધર્મનું ભાન થયું અને ક્ષણિક કામવિકારને વશ થઈ પોતે કેવું મોટું પાતક કરવા તૈયાર થયો હતો એ બાબતનો વિચાર આવતાં તેના મનમાં ઘણોજ પશ્ચાત્તાપ થવા લાગ્યો. એણે સતી રાજીમતીને નમન કરી પોતાનાં પાપકર્મની ક્ષમા માગી.

ધન્ય છે સતી રાજીમતીને કે, જેણે પોતાનું શિયળ સાચવ્યું એટલું જ નહિ, પણ બીજાને પણ સદુપદેશ આપીને કુપથગામી થતાં અટકાવ્યો !