રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/શ્રીદેવી

વિકિસ્રોતમાંથી
← રાજીમતી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
શ્રીદેવી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
જ્યેષ્ઠા →




१०–श्री देवी

સતી શ્રીપુર નગરના રાજા શ્રીધરની રાણી હતી. તે ઘણી સ્વરૂપવાન હતી. તેણે ધાર્મિક અને સાંસારિક બાબતોનો સારો અભ્યાસ કર્યો હતો. તેથી તે વિનય, આચારવિચાર, નીતિ અને સ્ત્રીધર્મ વગેરેમાં પ્રવીણ હતી. તેના ગુણથી શ્રીધર રાજા તેના ઉપર ઘણોજ રાગી હતો. શ્રીધર એ સદ્‌ગુણી રાણીના સહવાસમાં રહી પોતાના જીવનને સાર્થક કરતો હતો.

એક વખતે શ્રીધર રાજા શ્રીદેવીને લઈ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં કમલકેતુ નામનો એક વિદ્યાધર ફરવા નીકળ્યો હતો, તે શ્રીદેવીનું સૌંદર્ય જોઈ મોહિત થઈ ગયો. પછી તે માયાથી અદૃશ્ય થઈ શ્રીદેવીનું હરણ કરીને તેને પોતાને સ્થાને લઈ ગયો અને તેણે ભોગને માટે શ્રીદેવીની પ્રાર્થના કરી. એ દુરાચારીની નઠારી પ્રાર્થના સાંભળી, સતી શ્રીદેવીએ પોતાના કાન બંધ કરીને કહ્યું: “ભાઈ વિદ્યાધર ! આવું દુર્વાક્ય બોલ નહિ. હૃદયમાં વિચાર કર, જે પુરુષ પોતાને આધીન એવી વિવાહિત સ્ત્રી છતાં પરદારાનું સેવન કરે છે, તે જળના ભરેલા પૂર્ણ સરોવરને મૂકી ઘડામાંથી જળ પીનારા કાગડાના જેવો છે. વળી પરસ્ત્રીના સમાગમથી નરકમાં જવું પડે છે. અરે કામિ ! આવી દુરાશા કરી તારા માનવ આત્માને અધોગતિમાં શા માટે લઈ જાય છે?

“વળી હે વિદ્યાધર ! શું તેં શીલનો પ્રભાવ નથી સાંભળ્યો ? શીલ એ સ્વર્ગના સુખનું દ્વાર છે. શીલધારી બ્રહ્મચારી પુરુષને વિમાનવાસી દેવતાઓ, જ્યોતિષી દેવતાઓ, ભુવનપતિ દેવતાઓ, વૃક્ષવાસી યક્ષો, રાક્ષસો અને વ્યંતરજાતિના દેવતાઓ–એ સર્વે નમસ્કાર કરે છે.” શ્રીદેવીના આવા ઉદ્‌બોધકારી વચનોથી વિદ્યાધર કમલકેતુ પ્રતિબોધ પામી ગયો. તે પોતાના કુકર્મનો પશ્ચાત્તાપ કરતો બોલ્યો: “બહેન ! મારો અપરાધ ક્ષમા કરજે. તું ખરેખરી  સતી છે. તેં મારા આત્માને અધોગતિમાં પડતો બચાવ્યો છે.” આ પ્રમાણે કહી તે કમલકેતુ શ્રીદેવીને લઈને શ્રીપુર નગ૨માં મૂકી આવ્યો. પોતાની સતી રાણીને અકસ્માત્ પાછી આવેલી જોઈ રાજા શ્રીધર સાનંદાશ્ચર્ય મુગ્ધ થઈ ગયો. પોતાની સતી સ્ત્રીના હરણથી ગ્લાનિ પામેલા રાજાના હૃદયમાં અતિશય આનંદ થઈ આવ્યો. પછી શ્રીદેવીએ કમલકેતુ વિદ્યાધરનો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળી સર્વને પરમ સંતોષ પ્રાપ્ત થયો.

એક વખતે શ્રીદેવી પોતાના વાસસ્થાનમાં એકલી રહીને ધર્મ તથા નીતિનાં પુસ્તકો વાંચતી હતી અને તેમાંથી શિક્ષણ લઈ હૃદયમાં અતિ આનંદ પામતી હતી. આ વખતે કોઈ દેવતા અદૃશ્ય થઈ તેના વાસગૃહમાં આવ્યો. સતી તે દેવતાને જોઈને આશ્ચર્ય પામી.

તે વખતે તે દેવતાએ શ્રીદેવીને કહ્યું: “સુંદરિ ! હું તારા સંગમનો અર્થી છું. જો તું દિવ્ય સુખની ઇચ્છા રાખતી હોય તો મારી સાથે પ્રીતિ કર.” શ્રીદેવી વિનયથી બોલી: “દેવ ! તારા જેવા દેવતાએ માનુષી સ્ત્રી સાથે સમાગમની ઈચ્છા કરવી તે જાતિવિરુદ્ધ અને અઘટિત છે. વળી હું સતી સ્ત્રી છું. કદી પ્રાણનો નાશ થાય તોપણ પતિ વિના અન્ય પુરુષની ઈચ્છા કરતી નથી.”

શ્રીદેવીનું આવું દૃઢ વચન સાંભળી દેવ પ્રસન્ન થઈ ગયો. તેણે ક્ષમા માગીને કહ્યું કે, “શ્રાવિકારત્ન ! તને ધન્ય છે. તું મહા સતી છે." આ પ્રમાણે કહી તે દેવ પોતાને સ્થાને ચાલ્યો ગયો.

સતી શ્રીદેવી સારા ભારતવર્ષમાં તથા જૈન સ્ત્રીમંડળમાં શ્રેષ્ઠ સતી ગણાઈ છે. તે મહાસતીનું યશોગાન અદ્યઃપિ જૈનપ્રજા પોતાની આવશ્યક ક્રિયા કરતી વખતે કરે છે. સતી શ્રીદેવી યાવજ્જીવન સતીધર્મને જાળવી મૃત્યુ પામી સ્વર્ગે ગઈ હતી.

મહાસતી શ્રીદેવીનું જીવન સતીધર્મને માટે પ્રખ્યાત છે. તેણે પોતાના અલ્પ જીવનમાં સ્ત્રીકેળવણીની સુગંધ સારી રીતે પ્રસરાવી હતી. તેના જીવનમાંથી સર્વ વાચક બહેનોએ એટલોજ સાર લેવાનો છે કે, સ્ત્રીકેળવણીનાં ફળ કેવાં ઉત્તમ છે ? કે જેથી કેળવણી પામેલી કાન્તાઓ પ્રાણ માટે પણ પોતાના સતીધર્મને જાળવવાને સમર્થ થઈ શકે છે.[૧]

  1. ❋ “જૈન સતી મંડળ”–ભાગ ૧ માંથી ઉપકારસહિત ઉદ્ધૃત – પ્રયોજક