લખાણ પર જાઓ

રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/વ્રજદાસી રાણી બાંકાવતજી

વિકિસ્રોતમાંથી
← દાઉદખાંની પત્ની રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
વ્રજદાસી રાણી બાંકાવતજી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
રૂપમંજરી →


४२–व्रजदासी राणी बांकावतजी

જયપુર રાજ્યમાં લિવાણ ગામના કછવાહા રાજા આનંદરામજી ઉદેરામોતની પુત્રી હતી. તેનું નામ વ્રજકુંવરબાઈ હતું અને સાસરામાં એ બંકાવતજી નામથી ઓળખાતી હતી; કારણ કે લિવાણના રાજા આમેરના સુપ્રસિદ્ધ મહારાજા માનસિંહજીના કાકા ભગવાનદાસજીના વંશજ છે. અકબર બાદશાહ રાજા ભગવાનદાસજીને બાંકા કછવાહા કહીને બોલાવતા. તેમના વંશજો બાંકાવત કહેવાય છે અને એ કુટુંબની છોકરીઓ સાસરે ગયા પછી બાંકાવતજીના નામથી ઓળખાય છે.

બાંકાવત વ્રજકુંવરીનો વિવાહ વૈશાખ સુદી ૧૧ સંવત ૧૭૭૬ ને દિને કિશનગઢના મહારાજ રાજસિંહજી સાથે વૃંદાવનમાં થયો હતો. મથુરાથી જાન ગઈ હતી. વ્રજકુંવરી રાજસિંહની બીજી વારની રાણી હતી; પણ પહેલી રાણી રાજાવતજી વ્રજકુંવરીનું લગ્ન થતાં પહેલાં એક વર્ષે મરી ગઈ હતી, એટલે તેનો આદરસત્કાર પટરાણી જેવોજ થયો. બંકાવતજીને બે સંતાન થયાં હતાં. એક મહારાજા કુમાર વીરસિંહ અને બીજી સુંદરકુંવરીબાઈ.

વીરસિંહજીને જાગીરમાં રલાવતા ગામ મળ્યું હતું, જ્યાં એમના વંશજ હજુ રાજ્ય કરે છે અને સુંદરકુંવરબાઇનો વિવાહ કોટડાના મહારાજા ખીચી બલવંતસિંહજી સાથે થયો હતો.

મહારાણી બાંકાવતજીને કવિતાનો ઘણો શોખ હતો. પોતે પણ કવિતા બનાવતી હતી અને કવિતામાં પોતાનું ઉપનામ ‘વ્રજદાસી’ લખતી હતી. કૃષ્ણ ભગવાન ઉપર એની ઘણી ભક્તિ હતી. એ ભક્તિને લીધે એણે શ્રીમદ્‌ભાગવતનું છંદબદ્ધ ભાષાંતર હિંદી ભાષામાં કર્યું હતું, જે વ્રજદાસી ભાગવતના નામથી પ્રસિદ્ધ છે અને ભક્ત લોકો તેનો નિત્ય પાઠ કરે છે. જોધપુરમાં એ ગ્રંથ રામસ્નેહી સાધુ આરતરામજીના પુસ્તકાલયમાં છે.