લખાણ પર જાઓ

રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/શિવા

વિકિસ્રોતમાંથી
← જ્યેષ્ઠા રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
શિવા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુંદરી →


१२–शिवा

મહાસતી વિશાલાનગરીના રાજા ચેટકની પુત્રી હતી. બાલ્યાવસ્થાથીજ તેણે ઊંચા પ્રકારનું શિક્ષણ મેળવ્યું હતું. એ જેવી વિદુષી હતી તેવીજ નમ્ર અને વિનયી હતી. સર્વની સાથે માયાળુપણે વર્તતી તથા હંમેશાં વડીલોનું માન સાચવતી.

સતી શિવાનું લગ્ન ઉજ્જયિની શહેરના રાજા ચંડપ્રદ્યોત સાથે કરવામાં આવ્યું હતું. સતી શિવાએ પિતાને ઘેર મેળવેલા શિક્ષણનો સદુપયોગ સાસરે કર્યો હતો. ઉજ્જન શહેરની બાલિકાઓને જ્ઞાન આપવા સારૂ તેણે ઘણો યત્ન કર્યો હતો. તેણે એ નગરમાં ઘણી નિશાળો, ધર્મશાળાઓ તથા પુસ્તકાલયોની સ્થાપના કરી હતી.

એક દિવસ કોઈ દેવતાએ તેને પોતાના વ્રતમાંથી ચલિત કરવાને ભારે પ્રયત્ન કર્યો હતો, પણ તે દૃઢ રહી હતી અને દેવતાને આખરે તેની ક્ષમા માગવી પડી હતી.

એક વખત ઉજ્જયિની નગરીમાં આગ લાગી. લોકો એ આગના ત્રાસથી ઘણા દુઃખી થયા હતા. રાજા અને પ્રજાએ ઘણાએ ઉપાયો કર્યો પણ એ ભયંકર આગ હોલવાઈજ નહિ. આથી રાજાએ અભયકુમાર મંત્રીની સલાહ લીધી. તેણે જણાવ્યું કે, “કોઈ સતી સ્ત્રી અહીં આવીને અગ્નિ ઉપર પાણી છાંટે તો આગ ઝટ હોલવાઈ જાય.” તે ઉપરથી ઘણી સ્ત્રીઓએ આવીને અગ્નિ ઉપર જળ છાંટ્યું પણ કોઈનાથી આગ શમી નહિ. આખરે શિવા સતીએ ત્યાં જઈને પાણી છાંટ્યું એટલે તરતજ આગ હોલવાઈ ગઈ. તે વખતથી લોકો શિવાને મહાસતી ગણવા લાગ્યા.

પછી સતી શિવાએ શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને પોતાના ચારિત્ર્યધર્મથી ભારતની જૈન પ્રજા પર ભારે ઉપકાર કર્યો હતો. સાધ્વી શિવાએ નગરેનગર અને ગામેગામ વિહાર કરી વિદ્યાદેવીનાં મંદિરો સ્થાપ્યાં હતાં અને જૈનબાળાઓને બોધ મળે તેવી અનેક યોજનાઓ ઊભી કરી હતી. તેણે શ્રાવિકાઓના હૃદયમાં શીલધર્મની મહત્તા સ્થાપી હતી અને શીલના મહત્ત્વને માટે અસરકારક ઉપદેશ આપ્યો હતો. તે મહાસતી ઊંચા હાથ કરી કહેતી કે, “શ્રાવિકાઓ ! શીલ એ કલ્પવૃક્ષ છે. તેના રક્ષણથી કુળની ઉન્નતિ, કુળની શોભા, પવિત્રતા, સદાચાર, સદ્‌ગતિ વગેરે ગુણ પ્રાપ્ત થાય છે, માટે તમારે સર્વદા તન, મન, ધનથી તેનું રક્ષણ કરવું.” મહાનુભાવા શિવા સતીનાં આ વચનો આર્ય શ્રાવિકાઓ ગ્રહણ કરતી અને તે પ્રમાણે વર્તન કરવાને તત્પર થતી હતી.[]

  1. “જૈન સતીમંડળ”માંથી સાભાર ઉદ્ધૃત – પ્રયોજક