રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/સોન કંસારી

વિકિસ્રોતમાંથી
← દેશપ્રેમી હીરાદેવી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
સોન કંસારી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વિષ્ણુપ્રિયા →


५८-सोन कंसारी

નો જન્મ વિક્રમની તેરમી સદીમાં શંખોદ્વાર બેટમાં દૂદનશી વાઘેલા નામના રાજાને ત્યાં સોઢી રાણીના પેટે થયો હતો. એ કન્યાનો જન્મ થતાં એક જ્યોતિષીએ ભવિષ્ય ભાખ્યું હતું કે, આ બાલિકાને વૈધવ્યનો યોગ છે. રાજાને એ જોશી ઉપર વિશ્વાસ હોવાથી, એવી કમભાગ્ય કેન્યાને ઘરમાં ન રાખતાં એક પેટીમાં મૂકીને સમુદ્રમાં તરતી મૂકી. એ પેટીની બે બાજુ દૂધનાં બે પાત્રો ગોઠવી, તેમાં રૂના કાકડાવાટે કે નળી વાટે એ દૂધ બાળકીના મુખમાં જાય, એવી વ્યવસ્થા કરી હતી.

એ પેટી તરતી તરતી મિયાણી બંદર જઈ પહોંચી અને ત્યાં આગળ એક કંસારાને હાથ લાગી. કંસારાને છોકરૂં નહિ હોવાથી, તેણે એ બાળકીને પોતાને ઘેર લઈ જઈને પોતાની કન્યા તરીકે ઉછેરી. એ કન્યા મોટી થઈ, ત્યારે તેના સૌંદર્યે અલૌકિક છટા ધારણ કરી. રાજતેજ તે કાંઈ છાનું રહે?

મિયાણીનો રાજા પ્રભાતસિંહ તેને જોઈને મોહ પામી ગયો અને એનું લગ્ન પોતાની સાથે કરવા સારૂ કંસારાને ત્યાં માગું મોકલ્યું. કંસારો ગભરાયો અને રાજ્યના જુલમની બીકથી કન્યાને લઈને પોતાની પત્ની સહિત ગામ અને ઘરબાર છોડીને પોતાને સાસરે ઘુમલી જવા નીકળ્યો.

ઘુમલી બરડા પર્વતની ખીણમાં વસેલું એક સુંદર નગર હતું. ત્યાં જેઠવા વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. કંસારો ત્યાં પહોંચ્યો, તે સમયે ત્યાં ભાણજી નામનો રાણો રાજ્ય કરતો હતો. રાણાની રાણીનું નામ સૂરજદેવી હતું. એનો એક ભાઈ રાખાપત નામનો હતો. એ ઘણો સુંદર, તેજસ્વી અને વીર હતો. માતાપિતાએ લાડ લડાવેલાં હોવાથી રિસાળ, ઉચ્છૃંખલ અને સ્વેચ્છાચારી પણ હતો. ઘેર લડાઈ થવાથી એ  ઘુમલીમાં બહેનને ત્યાં આવી રહ્યો હતો.

એક દિવસ રાખાપત વરસાદની ઋતુમાં બહાર ફરવા ગયો હતો. ત્યાં ગાજવીજનું ઘણું તોફાન થવાથી, તેણે ઝવેર કંસારાના ઘરમાં આશ્રય લીધો. એ પ્રસંગે એને યુવતી સોનને જોવાની તક મળી. એનું અસામાન્ય સૌંદર્ય જોઈને એ મુગ્ધ થઈ ગયો. એને પણ તેની તરફ પ્રેમભરી દૃષ્ટિએ જોયું.

થોડી વાર પછી રાખાપતે ત્યાંથી વિદાય લીધી, પણ એનું ચિત્ત કંસારાની કન્યા પાસેજ રહ્યું. સોન પણ પોતાનું હૃદય ખોઈ બેઠી હતી.

સોનને પ્રાપ્ત કર્યા વગરનું જીવન રાખાપતને નિરસ લાગવા માંડ્યું. તેનું શરીર દિનપ્રતિદિન લેવાતું ગયું; એથી એની બહેન સૂરજદે તથા રાણાને ઘણી ચિંતા થઈ. બન્નેએ મળીને રાખાપતની ચિંતાનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો અને એ યુવક, કંસારાની પુત્રીના પ્રેમપાશમાં ફસાયો છે એવું જાણતાં, એવા અસંવર્ણ લગ્નનો વિચાર માંડી વાળવા એને ઘણું સમજાવ્યો, પણ એ એકનો બે ન થયો. સોનને પ્રાપ્ત નહિ કરે તો પોતાના ભાઈનુ આરોગ્ય બગડશે, એ આશંકાથી રાણી સૂરજ દેવીએ કંસારાને ત્યાં સોનનું માગું મોકલ્યું. કંસારાએ રાજાના ભયથી માગું સ્વીકાર્યું અને લગ્નનું મુહૂર્ત પણ નકકી થયું.

બ્રાહ્મણો લગ્નવિધિ કરાવવા લાગ્યા. વરકન્યા ત્રણ મંગળફેરા પણ કરી ચૂક્યાં, એવામાં દેવગતિથી એક વિઘ્ન આવ્યું.

લગ્નમંડપની પાસે જ ‘મારો’, ‘ધાજો’ ના શબ્દો જોરથી સંભળાવા લાગ્યા, વીર રાખાપતે મંડપમાં બેઠે બેઠે જ પૂછ્યું: “શું છે ?” એવામાં એક ડોસાએ ધ્રૂજતે ધ્રૂજતે જણાવ્યું: “મારું રક્ષણ કરો, ચોરો મારી ગાયો લઈ જાય છે.”

વસ્તુસ્થિતિ એવી હતી કે, પોતાનો ભાઈ સોન કંસારી સાથે પરણવાનો છે, એ સમાચાર એના ભાઈઓને પહોંચ્યા હતા. એ લગ્નથી પોતાના કુળને કલંક લાગશે, એમ ધારીને એ લગ્નમાં વિધ્ન નાખવાનોજ તેમણે આ પ્રપંચ રચ્યો હતો.

ગાયના ઉપર અત્યાચાર થતો સાંભળીને ક્ષત્રિય કેવી રીતે શાંત રહી શકે ? મંગળફેરા ફરવાનું માંડી વાળી રાખાપત ઊઠ્યો અને ઘોડા ઉપર બેસીને શત્રુની સામે ગયો. સાસુસસરાએ તેમજ બ્રાહ્મણોએ લગ્ન સમાપ્ત થતાં લગી થોભવાને ઘણીએ વિનતિ કરી, પણ એ તો કોઈનું કહ્યું માન્યા વગર, ઘોડો દોડાવતો ચાલ્યો ગયો.

પતિને રણમાં સિધાવતો જોઈને સોનના મનમાં અનેક પ્રકારની આશંકાઓ થવા લાગી. અશ્રુપૂર્ણ નયને એ બોલી:–

"કઈ ઝાલે ઘોડાની વાઘ, અમે વહુવારૂએ વળગાય નહિ;
સૂરજ પૂરજે શાખ, રક્ષા કરજે રાખાપતની.”

રાખાપતે શત્રુઓને હરાવી ગાયોનું રક્ષણ કર્યું. વિજયના ઉત્સાહમાં અશ્વ દોડાવતો એ ઘેર આવતો હતો, એટલામાં દુર્ભાગ્યે ઘોડાએ તોફાન કર્યું ને રાખાપતનું માથું ભાણવડ પાસેના ભૂતવડની ડાળીમાં ભરાઈ ગયું અને ધડ લટકી રહ્યું છે.

આ લાગ જોઈને શત્રુઓ ધસી આવ્યા અને ભાલાથી એ વીર યુવકના શરીરને વીંધી નાખ્યું.

સ્વામીની મંગળકામના ક૨તી સોન હજુ ચોરીમાંજ બેઠી હતી, એટલામાં રાખાપતની સહાય અર્થે ગયેલા લોકો પાછો આવ્યા, પણ એમની સાથે પતિને નહિ જોતાં એ સમજી ગઈ કે, જરૂર કાંઈ દુર્ઘટના બની છે. એ વિચાર આવતાં જ એ મૂર્ચ્છિત થઈને ચોરીમાં પડી ગઈ. ભાન આવતાં એ બોલી ઊઠી:—

"ચોરી ચિત્રાવેલ જેહ, બાબરિયા ! બાંધી રહી;
અમે કેમ જમીએ કંસાર, બાળકુંવારા બાબરિયા ?”

પિતાના હાથ સામું જોતાં હાથમાં વિવાહ પ્રસંગે પહેરેલો રાતો ચૂડો જોઈ તેને વધારે શોક થયો અને તે બોલી:—

"ચૂડો કંકાવેલ ચોળ, સેંથો લાલગલાલ આ;
રંગમાં થયો રગદોળ, રાખપત રણમાં રહ્યો !”

એટલું કહીને શોકના આવેગમાં તેણે ચૂડો ભોંય પર પછાડ્યો અને તેના ચાર કકડા હાથમાં લઈ ડૂસકાં ભરી બોલીઃ—

"ચૂડી કકડા ચા૨, તેને સરીએ કોઈ સાંધે નહિ,
જડદ્યોને જરા૨, કરમે કંસારી ભણે.”

છેવટે ‘જય અંબે’ની ગર્જના કરી તે સતી થવા ગઈ. રસ્તામાં વરઘોડિયાને પોંખવાના દરવાજાવાળી રામાપોળ આવી. ત્યાં આગળ એક ઢોલીને જોઈ તે વિલાપ કરવા લાગીઃ—

રૂડી રામાપોળ પ્રીતે પોંખાણાં નહિ !
સ્વારીનો તંબોલ લખિયો પણ લાધ્યો નહિ,
ધ્રૂસકે વાગે ઢોલ (મારૂં) પંડ પોંખાણું નહિ;
તેની હામું હૈયામાંહ્ય, રહી ગઈ ઘટ રાખાપતિ.”

આગળ ચાલતાં મહાદેવનું મંદિર આવ્યું. ત્યાં બળતો ઘીનો દીવો જોઈને પણ એણે એવા જ પ્રકારનો વિલાપ કર્યો કે, "હાય ! અમે બન્ને જણ આ દીવાને સજોડે પગે લાગવા આવી શક્યાં નહિ, એજ દુઃખ મારાં હૈયાને સાલે છે.”

પછી તે સ્વામીના શબ આગળ ગઈ અને તેના પીઠીવાળા સુંદર શરીરને ચિતા ઉપર સુવાડી, પોતે પણ એમાં જીવતી બળવા તૈયાર થઈ. અત્યાર સુધી બધાં એને કંસારાની પુત્રી સમજતાં હતાં એટલે એને રજપૂતની સાથે સતી થવાનો નિષેધ કર્યો; એથી એણે ગુસ્સે થઈને પોતાનો પરિચય આપતાં કહ્યું -

“ઠાકોર મા કરો ઠેકડી, અમે વાઘેલા વિયાં;*[૧]
લખત અમારાં લઈ ગયાં, અમે કરમે કંસારી થિયાં.
દૂદનશી વાઘેલાની દીકરી, અમે દૂદનશી દીઠેલ નહિ;
ભોળો મા થાજે ભાણ, અમે કરમે કંસારાં થિયાં.
ઉજડ હોજો અવાસ, ચારે છેલાવડ તણા;
સતીઓ કેરો શાપ, વાસો કોઈ વસશે નહિ."

એ પ્રમાણે શાપ દઈ તે ચિતા પર ચઢી અને જોતજોતામાં તેનો દેહ પતિના શબની સાથેજ પંચમહાભૂતમાં મળી ગયો.

એ નગરના ધાર્મિક રાજાએ આ પવિત્ર સતીનું નામ રાખવાને તે સતી થઈ ત્યાં આગળ દહેરાં અને તળાવ બંધાવ્યાં. આજે પણ તે દહેરાં અને તળાવ પ્રાચીન ઘુમલીના સ્થળની ઉત્તરે બરડાના વેણુ શિખરની પાસે 'કંસારીનાં દહેરાં' અને 'કંસારી તળાવ’ને નામે પ્રખ્યાત છે.*[૨]

  1. * સંતાન.
  2. * રા. રા. જગજીવન કાલિદાસ પાઠકે સં. ૧૯૭૦ ના ગુજરાતીના દીવાળીના અંકમાં લખેલી એક ઐતિહાસિક વાર્તા ઉપરથી સારરૂપે આ ચરિત્ર લખવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ એમનાજ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્થળે એ સ્નેહી ભાઈનો ખરા અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે.— પ્રયોજક