રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/દેશપ્રેમી હીરાદેવી

વિકિસ્રોતમાંથી
← વિદ્યાવતી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
દેશપ્રેમી હીરાદેવી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સોન કંસારી →


५७-देशप्रेमी हीरादेवी

જે સમયે ગુજરાતમાં કરણ વાઘેલો રાજ્ય કરતો હતો, તે સમયમાં મારવાડમાં ઝાલોર નગરમાં સોનગીરા ચૌહાણ વંશના કાન્હડદે રાજાનું શાસન હતું.

દેશદ્રોહી નાગરપ્રધાન માધવ કરણનું વેર લેવા સારૂ બાદશાહ અલાઉદ્દીનના લશ્કરને ગુજરાત તેડી લાવતો હતો, તે સમયે ઝાલોર રસ્તામાં પડ્યું. સેનાધિપતિઓએ કાન્હડદેને માર્ગ આપવા કહ્યું, પણ ક્ષત્રિયનો ખરો ધર્મ જાણનાર એ રાજા એ કહ્યું: “તમારા બાદશાહને જઈને કહો કે, એક હિંદુ રાજાને જીતવા તમે જાઓ છે, એમાં મદદ આપવી એ મારો ધર્મ નથી. ગામો લુંટાય, અબળાઓના શિયળ ઉપર હાથ નખાય, ગૌબ્રાહ્મણને પીડા થાય, એવા કામમાં કોઈ સાચો હિંદુ રાજા મદદ આપી ન શકે” સુલતાનને આથી ઘણું ખોટું લાગ્યું.

એ વખતે તો તેણે અલફખાનની સાથે બીજે માર્ગે ગુજરાત ઉપર ચઢાઈ કરી, પરંતુ ગુજરાતનો વિજય કરીને પાછા ફરતી વખતે, પોતાનું અપમાન કરનાર કાન્હડદેનો બદલો વાળવા સારૂ લશ્કરને ઝાલોરને માર્ગે વાળ્યું. એ સમયે રજપૂતો સાથે બાદશાહના સૈન્યને ભયંકર યુદ્ધ થયું. વી૨ ૨જપૂતોએ ઘણી બહાદુરીથી લડીને મુસલમાન સેનાનો પરાજય કર્યો. બાર બાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. મુસલમાનો એ ઘણાએ હલ્લા કર્યા પણ કાન્હડદે ઉપર જિત મેળવી શકાઈ નહિ. એક તરફ રાજા માલદેવ અને બીજી તરફ કાન્હડદે-બંનેની વચમાં મુસલમાનો હેરાન થઈ ગયા. અહીં આ રંગ જામી રહ્યો હતો, ત્યાં એક શરમભર્યો બનાવ બન્યો. ભારતનાં દુર્ભાગ્યે સ્વાર્થની ખાતર દેશનો દ્રોહ કરનાર અધમ ચંડાળો નીકળતા જ આવ્યા છે. હાલ પણ ભારતમાતાની કૂખે એવાં પ્રાણીઓ ઉત્પન્ન થતાં બંધ પડ્યાં નથી. એ સમયમાં ઝાલોર રાજ્યની સેવામાં વીકા સેજવાલ નામનો એક રજપૂત હતો. એની બુદ્ધિ બગડી અને સ્વાર્થની લાલચે પોતાના સ્વામીને દગો દેવાનો વિચાર એને સૂઝ્યો. અડધી રાત્રે એ દુષ્ટ સંતાતો છુપાતો શત્રુના સરદારને મળવા ગયો અને કહ્યું કે, “બાદશાહ મને ગઢ આપી દે, તો હું છુપો રસ્તો બતાવું.” સરદારે વચન આપ્યું અને વીકા સેજવાલે લોભને લીધે વિશ્વાસઘાત કર્યો. મલિકે રાતોરાત લશ્કર એકઠું કર્યું અને ગઢ ઉપર ચઢાઈ કરી.

વીકો હર્ષભેર ઘેર ગયો અને પત્નીને પ્રેમપૂર્વક જણાવવા લાગ્યોઃ “વહાલિ ! આપણાં દુઃખનો અંત આવી ગયો. કાલે હું રાજા બનીશ અને તું રાણી બની પૂર્ણ વૈભવમાં જીવન ગાળીશ.” પતિને અને એની અધમ યોજનાની વિગતવાર વાત સાંભળતાં દેવી હીરાને ઘણોજ ક્રોધ ઉત્પન્ન થયો. એ શૂરી ક્ષત્રિયાણીનું લોહી ઉકળી આવ્યું. પતિ માટે એના હૃદયમાં લેશમાત્ર પણ સન્માન રહ્યું નહિ. ઉશ્કેરાઈ જઈને એણે કહ્યું: “દુષ્ટ ! નરાધમ ચંડાળ! તેં આ શું કર્યું? તેં તારા લોભની મોકાણમાં સ્વામીદ્રોહ કર્યો! ધિક્કાર છે તને!” એમ કહીને ગુસ્સાના આવેશમાં એણે પાસે પડેલું ત્રાંબાનું વાસણ પતિને છુટુ માર્યુ. દૈવવિશાત્ વીકો ભેાંય ઉપર પડીને મરણ પામ્યો. હીરાદેવી તરતજ રાજા પાસે ગઈ અને પોતાના સ્વામીએ કરેલી નિમકહરામી તથા એના પાપે દેશ ઉપર આવેલી આફત જાહેર કરી, પણ થવાનું હતું તે થઈ ચૂક્યું. ગુપ્ત માર્ગ જાહેર થઈ જવાથી મુસલમાનોને ઘણી મોટી સગવડ મળી ગઈ અને ભયંકર યુદ્ધમાં એમને સફળતા મળી.

સંભવ છે કે, પતિભક્તિને એકમાત્ર સદ્ગુણ માનનારાઓ હીરાદેવીના આ કામને વખોડી કાઢશે; પણ એના પતિનું કામ કોઈ પણ સમજુ મનુષ્યના હૃદયમાં અસાધારણ ક્રોધ અને તિરસ્કાર ઉત્પન્ન કરે એવું હતું અને ત્રાંબાનું વાસણ ફેંકવામાં હીરા દેવીનો ઉદ્દેશ પતિની હત્યા કરવાને નહિ, પણ એના અધમ કૃત્ય માટે તિરસ્કાર દર્શાવવાનો હતો. એ વિચારથી તેઓ પણ એને ક્ષમા કરશે.×[૧]

  1. × શ્રી. ડાહ્યાભાઈ દેરાસરી સંપાદિત ‘કાન્હડદે પ્રબંધ'ની પ્રસ્તાવનામાંથી સાભાર આ ચિત્ર લેવામાં આવ્યું છે. - પ્રયોજક