રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/વિદ્યાવતી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શ્રેષ્ઠીકન્યા અસામાન્યા રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
વિદ્યાવતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
દેશપ્રેમી હીરાદેવી →


५६-विद्यावती

નો જન્મ દક્ષિણ ભારતમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. ત્યાંના વિજનામના નિવાસી નૃસિંહધર નામના એક વિખ્યાત ધનવાન જમીનદાર સાથે એમનું લગ્ન થયું હતું, દયા, સૌજન્ય અને પરોપકાર એ એમના સ્વભાવનાં ખાસ લક્ષણ હતાં.

વિદ્યાવતી પણ પતિના જેવાજ સદ્‌ગુણ ધરાવતી આદર્શ નારી હતી. એમની બુદ્ધિ વિલક્ષણ હતી અને પરમ ધાર્મિકતા એમની નસેનસમાં ભરેલી હતી. ધનવાન જમીનદારની પત્ની હોવા છતાં, અભિમાનનો લવલેશ છાંટો એમના સ્વભાવમાં ન હતો. એમની સરળતા, મધુરતા તથા સ્નેહથી એમના સમાગમમાં આવનાર બધા પ્રસન્ન અને મુગ્ધ થઈ જતાં. ઘરસંસારનું ઘણું ખરૂં કામ પોતાને હાથે કરતાં. દાસદાસીઓને કોઈ દિવસ કડવાં વચન કહેતાં નહિ; બલકે એમને પોતાનાં સંતાન સમાં ગણીને વર્તતાં. સાંસારિક કાર્યોમાં ગૂંથાયલાં રહેવા છતાં પણ ધર્માનુષ્ઠાન નિયમિત રીતે કરતાં. પતિભક્તિ એમના જીવનનું મુખ્ય કર્તવ્ય હતું. તેમના શરીરનું લાવણ્ય અને માધુર્ય જોતાં એમને દેવી કહેવાનું મન થતું. તેમની દૃષ્ટિમાંથી એક સ્વર્ગીય તેજનો સંચાર થતો. એ દરરોજ શિવપૂજા કરતાં અને પૂજા કર્યા વગર પાણી સુધ્ધાંત પીતાં નહોતાં. એકાગ્રચિત્તે હાથ જોડી ને જ્યારે એ પૂજા કરતાં અને સ્તવન ગાતાં, ત્યારે એમના હૃદયમાં એટલી ભક્તિ ઉત્પન્ન થતી કે નયનમાંથી દડદડ અશ્રુધારા પડતી. પૂજા સમયે તેમના સુખની પ્રભા ઉજ્જવળ થતી.

એ સદાચારી, ભક્તિપરાયણ અને વિદુષી માતાના ગર્ભમાં ભારતવર્ષના પ્રસિદ્ધ સાધુ શ્રીતૈલંગ સ્વામીનો જન્મ થયો હતો.

તૈલંગધરની બુદ્ધિ ઘણી તીવ્ર હતી અને સ્મરણશક્તિ એવી અસાધારણ હતી કે એક વાર સાંભળ્યાથીજ પાઠ કંઠસ્થ થઇ જતો.

 કિશોરાવસ્થા પાર કરીને યૌવનમાં પગ મૂકતાં, તૈલંગધરના સ્વભાવમાં ફરક પડ્યો. યૌવનસુલભ ચંચળતા આવવાને બદલે એમનામાં ગંભીરતા અને ઉદાસીનતા આવવા લાગ્યાં. પુત્રની આ દશા જોઈને પિતાને ચિંતા થઈ. તેના જીવનમાં પ્રફુલ્લતા આણવા સારૂ તેમણે તેનું લગ્ન કરી દેવાનો વિચાર કર્યો; પરંતુ તેલંગધરે પરણવાની સાફ ના કહી. નૃસિંહધરે તેને વારંવાર આગ્રહ કર્યો, ત્યારે તેણે એક દિવસ સ્પષ્ટ જણાવ્યું કે, “આ ક્ષણભંગુર નશ્વર જીવનની જ જ્યારે સ્થિરતા નથી, તો પછી નાહકનો એ જીવને માયાજાળમાં બાંધવાની શી જરૂર છે? જે અવિનશ્વર અને ચિરસ્થાયી છે, તેનીજ શોધમાં રહેવું જોઈએ અને હું તેનીજ શોધમાં છું.” નૃસિંહધરે પુત્રનો વિચાર બદલવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એમાં સફળતા ન મળી, એથી એમને ઘણી ચિંતા થઈ; પરંતુ વિદુષી વિદ્યાવતી ઘણી બુદ્ધિમતી હતી. એનો પુત્રસ્નેહ અંધ ન હતો. પુત્રને માટે શ્રેય શું છે અને પ્રેય શું છે, એ તે સારી પેઠે જાણતી હતી. પુત્રનો માનસિક ભાવ એ બારીકાઈથી અવલોકી રહી હતી. એ જાણી ગઈ હતી કે, તૈલંગ ધર્મના માર્ગમાં આગળ વધી રહ્યો છે. એ સંસારના માયા મોહમાં ફસાવાને નારાજ છે; પરંતુ એથી જરા પણ દુઃખી થવાને બદલે વિદ્યાવતી ઊલટી વધારે પ્રસન્ન થઈ. તેણે સ્વામીને ઉદાસ જોઈને એક દિવસ એકાંતમાં કહ્યું કે, “તૈલંગ વિવાહ કરવાની ના કહે છે, તેમાં તમે આટલા બધા નિરાશ શા સારૂ થઈ ગયા છો ? વિવાહનો ખરો ઉદ્દેશ શું છે ? જો વંશ ચલાવવો એજ લગ્નનો ઉદ્દેશ હોય, તો *[૧]શ્રીધરના લગ્નથી એ ઉદ્દેશ પાર પડશે. તૈલંગની ઈચ્છા જ લગ્ન કરવાની નથી, તો પરાણે એને પરણાવવાથી એનું મન કદી પણ પ્રફુલ્લ નહિ રહે. એથી તો ઊલટું પરિણામ આવવાની શંકા રહે છે. વળી જે માર્ગે તે જઈ રહ્યો છે, તેમાં એને સફળતા મળશે, તો કેવળ આપના કુળનું જ નહિ પણ આખા ભારતનું મુખ ઉજ્જવળ થશે. માતાપિતાને માટે એ શું ઓછી ગૌરવની વાત છે ? માટે એના કોઈ પણ કાર્યમાં જરા પણ વિઘ્ન આવે એવું એક પણ કામ આપની તરફથી ન થવું જોઈએ; બલકે જેથી કરીને એ ધીમે ધીમે એ માર્ગમાં અગ્રેસર થાય અને પોતાના ઉદ્દેશમાં સફળ થાય, એવા  ઉપાય યોજવા એ આપણું કર્તવ્ય છે.” ગુણવંતી સ્ત્રીએ એ પ્રમાણે પતિને સમજાવીને તૈલંગધરના વિવાહનો વિચાર માંડી વળાવ્યો. નૃસિંહધરને પણ પત્નીના આવા ઉદાર વિચાર જાણીને ઘણોજ આનંદ થયો. એણે તૈલંગધરના લગ્નનો વિચાર છોડી દીધો અને બીજા પુત્ર શ્રીધરનો લગ્નોત્સવ ઘણી ધામધૂમથી કર્યો. વિદ્યાવતીએ એ સાવકા છોકરાના લગ્નમાં ઘણા હર્ષપૂર્વક ભાગ લીધો અને ઘણો આનંદ અનુભવ્યો.

વયની સાથે સાથે તૈલંગધરની ધર્મભાવના વધવા લાગી. વિદ્યાવતીએ જોયું કે, તૈલંધરનો પ્રાણ ધર્મને માટે વ્યાકુળ થઈ રહ્યો છે, ત્યારે તેણે તેને યોગ્ય ઉપદેશ આપવા માંડ્યો. વિદ્યાવતીનાં ઉપદેશવચનો પુત્રના કાનમાં સુધા વરસાવવા લાગ્યાં. માતાના ઉપદેશ પ્રમાણે ચાલ્યાથી એમના હૃદયમાં નવોજ પ્રકાશ રેડાયો. તેમની મનોવૃત્તિઓ ઉચ્ચ માર્ગે જવા લાગી. ધીમે ધીમે ભગવત્પ્રેમનાં મોજા તેમના હૃદયમાં ઊછળવા લાગ્યાં.

પછી થોડા સમયમાં વિદ્યાવતીના પતિનો સ્વર્ગવાસ થયો.

પતિના મૃત્યુ પછી વિદ્યાવતીએ બધો સમય એકાગ્રચિત્તે પુત્રની સાથે ભગવાનની ચર્ચા અને ચિંત્વન કરવામાં ગાળ્યો. બાર વરસ સુધી વૈધવ્ય ભોગવીને એ ભક્તિમતી દેવી આ નશ્વર સંસારનો ત્યાગ કરીને પરલોકમાં સિધાવ્યાં.

ઈ. સ. ૧૫૮૧ માં તેમનો દેહ છૂટ્યો. તે સમયે તૈલંગધરની વય બાવન વર્ષની હતી. તૈલંગ સ્વામીએ અસાધારણ લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું. એમ કહેવાય છે કે, કાશીમાં એમણે દેહ ત્યાગ કર્યો, તે સમયે એમનું વય ૨૮૦ વર્ષનું હતું.

  1. * શ્રીધર વિદ્યાવતીની શોક્યનો પુત્ર હતો.