રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/શ્રેષ્ઠીકન્યા અસામાન્યા

વિકિસ્રોતમાંથી
← નીરકીકુમારી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
શ્રેષ્ઠીકન્યા અસામાન્યા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વિદ્યાવતી →


५५-श्रेष्ठीकन्या असामान्या

કુલીન યુવતીનો જન્મ બંગાળા પ્રાંતમાં એક શ્રીમંત જગતશેઠના ઘરમાં થયો હતો. એ વખતે નવાબ સિરાજ-ઉદ્દોલ્લાનું રાજ્ય હતું. એ વીસ વર્ષનો તરુણ હતો. એના પહેલાં એનો દાદો અલિવર્દીખાન રાજ્ય કરતો હતો. અલિવર્દીખાને પૌત્રને પુષ્કળ લાડમાં ઉછેર્યો હતો અને એ લાડને લીધે બાળક સિરાજઉદ્દૌલ્લા ઘણોજ બગડી ગયો હતો. ગાદી ઉપર બેઠા પછી એ પોતાના દુર્વ્યસની સોબતીઓની સંગતમાં ઘણી જાતનાં કુકૃત્યો કરવા લાગ્યો. એ બદમાશો પોળોમાં ફરતા અને કુલીન સ્ત્રીઓનું પાતિવ્રત્ય ભ્રષ્ટ કરતા. કુવારી કન્યાઓનું તેમના માબાપના દેખતાં હરણ કરી જતા. વિવાહિત યુવતીઓની તેમના પતિઓના દેખતાં લાજ લૂંટતા અને આ પ્રમાણે અનેક પ્રકારના અત્યાચાર કરતા. આથી પ્રજામાં ઘણો ગભરાટ ફેલાયો. બંગાળાના રાજ્યમાં બધે અંધેર ફેલાયું; પણ સિરાજ ઉદૌલ્લાએ પોતાની કુટેવ છોડી નહિ. હવે તો એણે પોતાના અમીરઉમરાવોની સ્ત્રીઓની પણ જબરજસ્તીથી આબરૂ લેવાનું નિર્લજ્જ કામ શરૂ કર્યું.

એ વખતમાં મુર્શિદાબાદમાં ઘણા મોટા મોટા શાહુકારો રહેતા હતા. એ લોકો જગતશેઠ કહેવાતા. હાલના સમયના રોકફેલર તથા રોથચાઇલ્ડ અને એન્ડ્રુ કાર્નેગી માફક એ લોકો દેશદેશાવરમાં ગંજાવર વેપાર ચલાવતા અને કરોડો રૂપિયાનું સ્વામિત્વ ભોગવતા. મોટા મોટા રાજાઓ અને જમીનદારો પણ તેમની પાસેથી કરજ લેતા. નાના મોટા રાજાઓ તેમના કરજદાર હોય એમાં તો નવાઈ શી? પણ ખુદ દિલ્હીનો બાદશાહ પણ રૂપિયા ઉધાર લેવાને માટે તેમને ત્યાં આવતો. તેમના આ અઢળક ધનને લીધે રાજદરબારમાં જગતશેઠનું ઘણું માન હતું.

સિરાજ ઉદ્દૌલ્લાના રાજ્યમાં મુર્શિદાબાદ નગરમાં મહેતાબ ચંદ નામનો એક પ્રસિદ્ધ શેઠ રહેતો હતો. તેને અસામાન્યા નામની એક ઘણી જ સુંદર કન્યા હતી. એનું સૌંદર્ય અનુપમ હતું. દુર્ભાગ્યે સિરાજઉદ્દૌલ્લાની પાપી દૃષ્ટિ તેના ઉપરજ પડી, તેના સૌંદર્યથી એ તરતજ મુગ્ધ થઈ ગયો; પણ મહેતાબચંદ આખા હિંદુસ્તાનમાં એક પ્રતિષ્ઠિત અને વગવસીલાવાળો શાહુકાર હતો, એટલે ખુલ્લી રીતે તેનું હરણ કરવાની સિરાજઉદ્દોલ્લાની હિંમત ચાલી નહિ. પરંતુ સ્ત્રીના સૌંદર્યમાં મુગ્ધ થઈ ગયા પછી કામી મનુષ્યને હાથે કેવાં કેવાં હાસ્યાસ્પદ કૃત્યો થઈ શકે છે, તેનું ઠેકાણું નથી. અસામાન્યાનું સૌંદર્ય જોયાથી નવાબ એટલો બધો અધીરો થઈ ગયો કે, એણે એક દિવસ સ્ત્રીનો વેશ લીધો અને એ વેશમાં જે મહેલમાં અસામાન્યા રહેતી હતી, ત્યાં પ્રવેશ કર્યો. તેણે સ્ત્રીવેશ ધારણ કરેલ હોવાથી, ઠેઠ અંતઃપુરમાં જતાં તેને કાંઈ અડચણ પડી નહિ. પહેલાં તો અસામાન્યાનું સૌંદર્ય જોઈનેજ સંતોષ માનવાનો કદાચ તેનો વિચાર હશે, પણ જ્યારે એ પાસે ગયો અને તેના મનોહારી રૂપનું પ્રત્યક્ષ અવલોકન કર્યું, ત્યારે તેને ભાન રહ્યું નહિ. પોતે જગતશેઠના ઘરમાં છે, એ વાત એ બિલકુલ વીસરી ગયો અને અસામાન્યાને આલિંગન આપવા તૈયાર થયો. એને પોતાની સામે ધસી આવતો જોઈને જ અસામાન્યા ગભરાઈ ગઈ અને પોતાના પતિ પાસે જઈને એ ભયંકર બનાવની ખબર આપી. એ ખબર સાંભળતાંજ તેના પતિના ગુસ્સાનો પાર રહ્યો નહિ. તે તરત એ સ્ત્રીવેશધારી નવાબને પકડવા દોડ્યોયો. નવાબ એને જોઈને નાઠો, પણ અસામાન્યાના પતિએ તેને પકડી પાડીને જોડાનો ખૂબ માર માર્યો. નવાબને એ જાનથી જ મારી નાખત, પણ મહામહેનતે નવાબ તેના હાથમાંથી છટકીને જીવ લઈને નાસી ગયો; પરંતુ એ વણિકને હાથે પોતાનું જે અત્યંત અપમાન થયું હતું, તેનો ઘા તેના હૃદયમાંથી રૂઝાયો નહિ.

એ સદા અસામાન્યાના પતિનો ઘાટ ઘડવાના પ્રપંચમાં રહેવા લાગ્યો. કેટલાક દિવસ પછી એક દહાડો લાગ સાધીને ખુલા રસ્તામાંજ નવાબે તેનું ખૂન કરાવ્યું. એ નિર્દય નવાબ પોતાના શત્રુનું કેવળ ખૂન કરાવીને જ સંતોષ ન પામ્યો, પણ એણે પોતાના સિપાઈઓને એ હુકમ આપ્યો કે, “અસામાન્યાના પતિનું માથું એના ધડથી જુદું કરીને, એક ચાંદીના ટાટમાં મૂકીને અસામાન્યા પાસે ભેટ તરીકે મોકલવું.” ખૂનીએ નવાબની આજ્ઞા પ્રમાણે તરતજ અમલ કર્યો. આ વખતે અસામાન્યાના હૃદયની શી અવસ્થા થઈ હશે, તેનું વર્ણન કરવું ઘણું જ અઘરું છે. ભય, ક્રોધ અને તિરસ્કાર આદિ મનોવિકારોને લીધે તેનું અંતઃકરણુ ઘણું મૂંઝાવા લાગ્યું. પોતાના પ્રિય પતિનું શિર ધડથી વેગળું થયેલું જોતાંવારજ, તે અભાગી અબળા મૂર્છિત થઈ ગઈ અને પછી તો દિનપ્રતિદિન તેનો શોક વધતો જવાથી, તેનામાં ઉન્માદ અને બુદ્ધિભ્રંશનાં લક્ષણ જણાવા લાગ્યાં.

રૈયત, જાગીરદારો અને શેઠશાહુકારો સાથે આ પ્રમાણે જુલમ અને અનાચાર કરીને સિરાજઉદ્દૌલ્લા લાંબો કાળ સુધી બંગાળાની ગાદીએ ટકી રહે, એ અસંભવિત હતું. સિરાજઉદ્દૌલ્લા પોતાના દુરાચારનું ફળ ઘણું જલદી ભોગવવા લાગ્યો, બંગાળામાં સરદારોનું પ્રાબલ્ય મૂળથી જ ઘણું અધિક હતું. જ્યારે એમણે પોતાના નવાબની મતિ આટલી બધી ભ્રષ્ટ થયેલી જોઈ, ત્યારે એમણે એના જુલમથી ત્રાસ પામીને અંગ્રેજ લોકોની મદદ માગી અને તેમની સહાયતાથી સિરાજઉદૌલ્લાને પદભ્રષ્ટ કરીને તેની જગ્યાએ મીરજાફરને ગાદીએ બેસાડવાનો નિશ્ચય કર્યો. પ્લાસીની લડાઈમાં પરાજય પામીને સિરાજઉદીલ્લાએ ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કર્યો, પણ મીરજાફરના લોકોએ તેને ભાગબંગલા આગળ પકડ્યો અને મુર્શિદાબાદ આણ્યો. ત્યાં મીરજાફરના પુત્ર મિરાનના હુકમથી મહમદ બેગ નામના સૈનિકે તેનો શિરચ્છેદ કર્યો અને તેનું છિન્નવિચ્છિન્ન થઈ થઈ ગયેલું શરીર, એક હાથી ઉપર મૂકીને એક અપરાધી મનુષ્યની પેઠે દફનાવવા માટે સ્મશાનમાં મોકલી દેવામાં આવ્યું.

આ બધો સમય જગતશેઠની કન્યા અસામાન્યા ભ્રમિત સ્થિતિમાં હતી. એ કદી બહેરા માણસની પેઠે, તો કદી મૂંગા માણસની પેઠે, તો કદી નાના બાળકની પેઠે ચાળા કરતી. ઘણી વાર તે ઝનૂનમાં આવી જતી. ટૂંકામાં તેની ઘેલછા ઘણી વધતી જતી હતી. તેના પિતાએ તેને રાજી કરવા માટે, ઘણા વૈદોના અને હકીમના ઉપચાર કર્યા, ભૂવાજતિઓને બોલાવીને ઘણાએ જંત્રમંત્ર કરાવ્યા કે ભૂતપિશાચ વળગ્યું હોય તો ચાલ્યું જાય; પણ બધું ફોગટ નીવડ્યું. સિરાજ ઉદ્દોલ્લાનું ખૂન થયાના સમાચાર જ્યારે જાણવામાં આવ્યા, ત્યારે તેની દફનક્રિયા જોવાને  માટે અસામાન્યાને મોકલવી, એવી સૂચના કેટલાક ગૃહસ્થોએ તેના પિતાને કરી. એમણે એમ ધાર્યું હતું કે, પોતાના પ્રિય પતિના ખૂની નરાધમ નવાબ સિરાજઉદ્દૌલાની આવી દુર્દશા જોવાથી કદાચ તેના મનનું સમાધાન થશે. એ સૂચના પ્રમાણે એનો પિતા એ ભયંકર દેખાવ દેખાડવા તેને કબ્રસ્તાનમાં લઈ ગયો. ચમત્કાર એવું બન્યું કે, એ દેખાવ જોતાંવારજ લગભગ અઢી વર્ષથી ચિત્તભ્રમના રોગથી પીડાતી અસામાન્યા એકદમ શુદ્ધિમાં આવી ગઈ. તે ઘણી વાર સુધી એ લોહીલોહાણ થયેલા નવાબના શબ તરફ એકીનજરે જોતી રહી અને ત્યાર પછી પોતાની દાસીના સામું જોઈને પૂછવા લાગીઃ “આ કોણ છે? શા અપરાધને માટે એનું શરીર આ પ્રમાણે છિન્નવિછિન્ન કરી નાખવામાં આવ્યું છે?” દાસીએ ઉત્તર આપ્યો “બાઈસાહેબ ! એ તો આપના પ્રિય પતિનું ખૂન કરનાર દુષ્ટ સિરાજઉદૌલ્લાનું શબ અહીંયાં દફનાવવા માટે આણવામાં આવ્યું છે. જેણે આપને માટે પોતાના ચિત્તમાં દુષ્ટ વિચાર રાખ્યો હતો, તે નવાબ સિરાજઉદ્દૌલ્લાને પરમેશ્વરે તેનાં પાપની યોગ્ય સજા ભોગવવા આ સ્મશાનમાં આણ્યો છે." દાસીની કહેવાની મતલબ એ એકદમ સમજી નહિ, પણ થોડી વાર પછી તેના અંતઃકરણમાં એકદમ કોઈ એવો પ્રકાશ પડ્યો અને તે જોરથી બોલી ઊઠી: “ઠીક! ઠીક! ઘણું સારું થયું ? હવે મને ઘેર લઈ જા.”

અસામાન્યાની આજ્ઞા પ્રમાણે સેવકો તેને ઘેર પાછી લઈ ગયા. તેની વૃત્તિમાં હવે જમીન આસમાનનો ફેરફાર જણાવ્યા લાગ્યો. તેની પહેલાંની ઘેલછા બિલકુલ ચાલી ગઈ અને એનો જીવ ઘણો આનંદમાં રહેવા લાગ્યો. પરંતુ એ મનમાં ને મનમાં કાંઇ વિચાર કર્યા કરતી હતી. ઘણી વાર એ કહેતી કે, “મારે જે કરવાનું હતું, તે પરમેશ્વરે કર્યું. મારું કર્તવ્ય એણે બજાવ્યું; એટલા માટે પરમેશ્વરનું કર્તવ્ય જે હતું, તે મારે કરવું જોઈએ.” તેના આ શબ્દોનો ભાવાર્થ કોઇ કળી શક્યું નહિ અને જ્યારે એ લોકો એને ભાવાર્થ સમજી શક્યા, ત્યારે એ બધું નિરર્થક હતું, કારણ કે ઘરનાં બધાં માણસોની નજર ચૂકવીને અસામાન્યા કોણ જાણે ક્યાંની ક્યાં નાસી ગઈ હતી.

એની પાછળ ઘણા લોકો ગયા, પણ કોઈને તેનો ક્યાંય પત્તો લાગ્યો નહિ. એ મધ્ય રાત્રિએ ઘરમાંથી નીકળીને નાસી ગઈ  હતી, પોતે ક્યાં જાય છે, તેની એને પોતાને જ ખબર નહોતી. તેના મનમાં એવો વિચાર આવ્યો હતો કે, “મારા પતિનું ખૂન કરનાર નવાબને મારે હાથે સજા થવી જોઈતી હતી, તેને બદલે પરમેશ્વરે પોતે કરી. વસ્તુતઃ પરમ દયાસાગર પરમેશ્વરની ફરજ તો તેનું રક્ષણ કરવાની હતી; કારણકે એ દુરાચારી અને મૂઢ હોવાથી પ્રભુએ તેના ઉપર દયા લાવીને તેનું ભલું કરવું જોઈતું હતું, પરંતુ જ્યારે પ્રભુએ એ કામ કર્યું નથી, ત્યારે મારે એમજ સમજવું જોઈએ કે, એણે એ કામ મારે સારૂ રાખી મૂક્યું છે. બસ, એજ ખરી વાત છે.” આવો વિચાર આણીને અસામાન્યા એકદમ ઘર છોડીને ચાલી ગઈ અને જેમનું કલ્યાણ કર્યાથી સિરાજઉદ્દોલ્લાનુંજ કલ્યાણ કર્યા બરોબર ગણાય, એવાં મનુષ્યોને ખોળી કાઢવા યત્ન કરવા લાગી.

એ પહેલાં તો ભાગબંગલા ગઈ. ત્યાં ગયા પછી તેણે જે હકીકત સાંભળી, તેથી એને આનંદ થયો. સિરાજઉદ્દોલ્લા જે વખતે મુર્શિદાબાદ છોડીને નાસી ગયો હતો, તે વખતે તેના હજાર સેવકો અને મિત્રોમાંથી ફક્ત એકજ પ્રાણી તેની દુઃખી દશાનું ભાગી બન્યું હતું. એ પ્રાણી બીજું કોઈજ નહિ, પણ સિરાજે પોતાની આખી જિંદગીમાં તિરસ્કારેલી તેની સહધર્મિણી બેગમ મહેરૂન્નિસા હતી. સિરાજે તેનું નામ ‘ગુલ’ પાડ્યું હતું. એ દુષ્ટે પોતાના દુરાચારને લીધે એ બિચારીને ઘણી જ તરછોડી કાઢી હતી, પરંતુ ગુલે આખર સુધી તેની સાથે છોડ્યો નહોતો. એ આ વખતે કેવળ સોળ વર્ષની તરુણી હતી અને આજ સુધી દુઃખ એ શું છે એ જાણ્યું નહોતું; પણ પતિના સંકટ સમયે એ એની સાથે પહાડો અને કોતરોમાં નાસતી ફરવાને તૈયાર થઈ. અધૂરામાં પૂરું, આ વખતે એ સગર્ભાવસ્થામાં હતી, પણ એણે પતિભક્તિની ખાતર કોઈ પણ જાતની હાડમારીનો વિચાર કર્યો નહિ. ભાગબંગલા આગળ આવતાં તેને પ્રસવ થયો અને તેણે એક સુંદર કન્યારત્નને જન્મ આપ્યો. એ પ્રસંગે સિરાજઉદ્દૌલ્લાને ત્યાં આગળ થોડા દિવસ રહેવું પડ્યું. ત્યાં આગળજ શત્રુઓએ તેને પકડી પાડ્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું. એ નરાધમને તો એની યોગ્ય સજા મળી, પણ ગરીબ બિચારી ગુલની દશા કેવી કરુણાજનક ! એક વખતે જે સુંદરી આખા બંગાળ, બિહાર અને ઉડ્ડિસાના નવાબની બેગમ તરીકે રાજમહેલમાં અત્યંત સુખ અને વૈભવમાં નિવાસ કરતી હતી, તેને આજે એક ગરીબ સ્ત્રીનું શરણું લેવું પડ્યું! એ ગરીબ સ્ત્રીને ત્યાં એ દોઢેક મહિના સુધી રહી. પેલી તરફ અસામાન્યાને જ્યારે ખબર પડી કે, સિરાજનું મૃત્યુ થયું છે અને ગુલબેગમ નિરાધાર છે, ત્યારે એ તેની શોધમાં નીકળી અને શોધતાં શોધતાં ગુલ જે સ્ત્રીને ત્યાં રહેતી હતી, ત્યાં આવી પહોંચી. ગુલને જ્યારે ખબર પડી કે, કોઈ સ્ત્રી એની શોધ કરે છે, ત્યારે એને વહેમ પડ્યો કે રખે આ પણ એના દુશ્મનનું કંઈ તરકટ હોય અને તેઓ વિશ્વાસઘાત કરીને એની એકની એક બાળકીનો પણ પ્રાણ લઈ લે. આટલા સારૂ એ અસામાન્યાને મળ્યા વગર છાનીમાની દિલ્હી તરફ જવા નાસી આવી. તેનો વિચાર એ હતો કે દિલ્હી જઈને મોગલ શહેનશાહના ચરણોમાં બાળકીને મૂકવી અને તેના પાલનપોષણને માટે બંદોબસ્ત કરાવવો.

અડધી ગાંડા જેવી, જગતશેઠની કન્યા અસામાન્યા, પોતાની ધૂનમાં ને ધૂનમાંજ ગુલબેગમની પાછળ ચાલી. ગુલને ખબર પડી કે કોઈ એની પાછળ પડ્યું છે. એ બિચારીને શી ખબર કે અસામાન્યાનો ઉદ્દેશ કેવો ઉત્તમ હતો ? આખરે નાસતાં નાસતાં એ ગંગા નદીને કિનારે આવી પહોંચી અને ત્યાં અસામાન્યાએ તેને પકડી પાડી, આજ એના પતિના મૃત્યુને ત્રણ વર્ષ થયાં હતાં. આ ત્રણ વર્ષ સુધી એ પોતાને અસામાન્યાથી બચાવવાને માટે છાનીમાની ગામેગામ નાસ્યા કરતી હતી. અસામાન્યા તેનાં પગલાં જોતી જોતી એની પાછળ જતી, આજે ત્રણ વર્ષે તેની પાસે આવી પહોંચી. આજે ઘણું તોફાન હતું, પુષ્કળ વંટોળિયો ચાલી રહ્યો હતો, મોટાં મોટાં વૃક્ષો થડ સહિત ઊખડીને ઊડી જતાં હતાં અને ઘરનાં ઘર ઊડી જતાં હતાં, ગંગા નદીનો પ્રવાહ પૂર્ણ વેગમાં ખળભળ કરતો વહેતો હતો. જે સમયે માણસો અને પશુઓ આ વંટોળિયા અને તોફાનમાંથી બચી જવાનો યત્ન કરી રહ્યાં હતા, તે સમયે ગુલ નદીના કિનારા તરફ ધસી જતી હતી. ગાંડી અસામાન્યા એનાથી ઘણે દૂર નહોતી. એ એની તરફ દોડી આવતી હતી અને મોટે અવાજે કહેતી હતીઃ “બહેન! ઊભી રહે.” પણ આવા ગંભીર તોફાન આડે એનો સ્વર ગભરાયલી ગુલના સાંભળવામાં આવ્યો નહિ.

નદીકિનારે આવતાં તેણે એક હોડી જોઈ, પોતાના હાથમાંથી એક કિંમતી વીંટી એ નાવિકને આપીને ગંગા પા૨ જવાની ગુલે ગાઠવણ કરી. પેલી તરફ અસામાન્યાએ જોયું કે, આવા તોફાનમાં ગુલ પોતાની કન્યા સાથે હોડીમાં બેસીને ચાલી જાય છે. થોડી વારમાં તે હોડી તેની દૃષ્ટિમાંથી દેખાતી બંધ પડી. જેનું કલ્યાણ કરવાના ઉદ્દેશથી એ આટલા વર્ષ સુધી ગમે તેટલું દુઃખ વેઠીને રખડતી રહી, તે આખરે હોડીમાં બેસીને ચાલી ગઈ. થોડી વારમાં તેણે એક ચિચિયારી સાંભળી અને અસામાન્યાને ખાતરી થઈ કે, હોડી ડૂબી ગઈ છે અને આ ચીસ તે ગુલબેગમની ડૂબતી વખતની ચીસ છે. તરતજ એ નદી માં કુદી પડી અને તરતી તરતી જે સ્થળે નૌકા ડૂબી ગઈ હતી, ત્યાં પહોંચી ગઈ એણે ગુલના વાળ પાણીમાં જોયા એટલે એણે ચોટલો જોરથી ખેંચીને ગુલબેગમને બહાર ખેંચી કાઢી. બાળકી હજુ ગુલની સોડમાંજ હતી. એણે એની પાસેથી બાળકીને પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો, પણ એ દશામાં પણ ગુલ પોતાની પ્રાણાધાર કન્યાથી છૂટી પડી નહિ. અસામાન્ય તરવામાં ઘણીજ કુશળ હતી, એટલે એ મા દીકરી બંનેને લઈને સહીસલામત કિનારે આવી પહોંચી. એમને કિનારે પહોંચતાં ત્રણ કલાક થયા. ગુલ તે વખતે અધમૂઈ થઈ ગઈ હતી. અસામાન્યા તેને એક ઝૂંપડામાં લઈ ગઈ અને તેને બચાવવા ઘણા પ્રયત્ન કર્યો, પણ અફસોસ! નવાબ સિરાજઉદ્દોલ્લાની પવિત્ર અને પતિવ્રતા બેગમ એ ઘાતમાંથી બચવા પામી નહિ. ઘણી મુશ્કેલી એ અસામાન્યા ગુલની કન્યાનો પ્રાણ બચાવી શકી, પણ એની બોલવાની શક્તિ ચાલી ગઈ હતી.

અસામાન્યાનું પાછળનું વૃત્તાંત જાણવામાં નથી આવ્યું. સંભવ છે કે, એ ઘણું મનોરંજક પણ નહિ હોય. પોતાના શત્રુની કન્યાને લઈને તે પૂર્વ બંગાળાના કોઈ ભાગમાં ઘણો વખત સુધી રહી હતી. એ ભાગના લાખો લોકો હજુ પણ તેને એક દેવી તરીકે પૂજે છે.

દૃઢ નિશ્ચયનું ફળ કેવું હોય છે ! અસામાન્યાનો નિશ્ચય હતો કે સિરાજઉદ્દૌલ્લાના કુટુંબનું કલ્યાણ કરવું, તો આખરે એને એ પ્રસંગ મળી આવ્યો અને એ સ્વર્ગસ્થ નવાબની કન્યાને પોતાના જ બાળકની પેઠે ઉછેરીને કેળવવાને ભાગ્યશાળી થઈ.