રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/નીરકીકુમારી

વિકિસ્રોતમાંથી
← નૂર–ઉન્‌–નિસા રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
નીરકીકુમારી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શ્રેષ્ઠીકન્યા અસામાન્યા →


५४-नीरकीकुमारी

મા૨વાડના રાજા જસવંતસિંહનો પુત્ર અજિતસિંહ હતો. અજિતસિંહનો પુત્ર રાજા રામસિંહ હતો. એક વખત રામસિંહને પોતાના કાકા ભક્તસિંહ સાથે તુમુલ યુદ્ધ ઉપસ્થિત થયું. મારવાડના સરદારોમાંથી કેટલાક રામસિંહના પક્ષમાં અને કેટલાક ભક્તસિંહના પક્ષમાં જતા રહ્યા.

મેહત્રીનો સરદાર રાજાના પક્ષમાં હતો. એ સરદારને એક મહાવીર તેજસ્વી પુત્ર હતો. યુદ્ધનું તેડું આવતાંવા૨જ મેહત્રી સરદાર પોતાના અનુચરો અને સૈનિકોને એકઠા કરીને, યુદ્ધ યાત્રાની તૈયારી કરવા લાગ્યો; પણ તેનો વીર પુત્ર એ વખતે ત્યાં હાજર નહતો. એ નીરકીના સરદારની કન્યાને પરણવા માટે ત્યાં ગયો હતો.

વરકન્યા ચોરીમાં બેઠાં હતાં. પુરોહિત વરકન્યાને હસ્તમેળાપ કરાવીને મંત્રો ભણી રહ્યો હતો, એજ વખતે યુદ્ધનું આમંત્રણ નીરકી પહોંચ્યું.

વિદ્રોહી કાકાએ પોતાના રાજાની વિરુદ્ધ યુદ્ધ આરંભ્યું છે અને રાજભક્ત સરદાર રામસિંહને મદદ કરવા સારૂ વગર વિલંબે યુદ્ધક્ષેત્રમાં જશે, એ ખબર તેને એ વખતેજ પહોંચી.

યુદ્ધ ઉપસ્થિત થયું હતું અને વિપત્તિમાં આવી પડેલો રાજા સરદારોની મદદ માગતો હતો, આથી વીર મેહત્રીકુમાર ઘણોજ અધીરો થઈ ગયો. વીર યુવક વિવાહના આસન ઉપર બિરાજ્યો હતો, છતાં તેનું ધ્યાન તે તરફ નહોતું. “યુદ્ધ ઉપસ્થિત થયું છે, રાજાનું આમંત્રણ છે, પિતાજી તથા બીજા સગાંસંબંધીઓ રાજાની મદદે જાય છે, એટલે હું વિવાહના આનંદમાં નિશ્ચિંત કેવી રીતે બેસી રહું ? બધા બખ્તર પહેરીને, ઢાલતલવાર બાંધીને, ઘોડેસવાર થઈને યુદ્ધમાં જઈ રહ્યા છે અને હું કોમળ વરરાજાના વેશમાં વરાસન ઉપ૨ કોમળ રમણીનોને હાથ પકડીને  કેવી રીતે બેસી રહું?” એવા એવા વિચારો એના મનમાં આવવા લાગ્યા. વિવાહની ક્રિયા સમાપ્ત થઈ રહ્યા પછી, તેણે પોતાનો ઘોડો મંગાવ્યો અને વિવાહની ચોરીમાંથી વરરાજાના વેશમાંજ પિતાના સૈન્યને જઈ મળવા માટે તે ઘોડેસવાર થઈને ચાલ્યો.

સસરાએ, ગોરે તથા બીજા સંબંધીઓએ નવી પત્નીની ખાતર એક દિવસ રોકાઈને જવાનો ઘણો આગ્રહ કર્યો, પણ એણે જરા પણ વિલંબ કરવાનું યોગ્ય ધાર્યું નહિ. જતી વખતે તરુણ પત્નીના સામું જોઈને કહ્યું: “વહાલિ ! હું રજપૂત વીર છું. પત્નીની સાથે વાતચીત કરવાના લોભમાં ક્ષણભરને માટે પણ લડાઈમાં જવાનું મુલતવી રાખી શકું એમ નથી. ઈશ્વરેચ્છા હશે તો આ જીવનમાં મળીશુ. તું રજપૂત બાળા છે. જરા પણ ખોટું લગાડીશ નહિ. ઉદાર મનથી મને વિદાય આપ. કદાચ મારું મોત પણ થાય. આ જીવનમાં આપણે એકબીજાને જોવા ન પણ પામીએ, તો તેથી દિલગીર થતી નહિ. બીજા જન્મમાં આપણે પાછાં જરૂર મળીશુ. આપણું આ લગ્ન આ જન્મને માટે નથી, પણ આવતા જન્મને માટે છે એમ ધારજે.”

કુમારીએ કહ્યું: “તમે રજપૂત વીર છો, તેમ હું પણ રજપૂતનીજ કન્યા છું અને તમારા જેવા વીર રજપૂતની સહધર્મિણી થઈ છું. વીરધર્મ શો છે, તે હું સારી પેઠે સમજું છું. પાર્થિવ સુખને માટે વીર ધર્મની વિરુદ્ધ આચરણ હું કદી નહિ કરું. તમે બેલાશક જાઓ. મારો વિચાર આણશો નહિ. મારી કાંઈ પણ ચિંતા કર્યા વગર વીરતાથી દુશ્મનનાં શિર કાપી નાખજો. આજના આ બનાવથી નિરાશ થવાનું કાંઈ પણ પ્રયોજન નથી. કદાચ ભવિષ્યમાં આપની સાથે મેળાપ ન પણ થાય, તો એ દુઃખ હું આપના વીરત્વ અને આપના ત્યાગનું સ્મરણ કરીને, સહેલાઈથી સહન કરીશ અને તમારી અનુગામિની થઇને પરલોકમાં હું તમને આવી મળીશ.”

મેહત્રીકુમારે તરતજ ઘોડો મારી મૂક્યો. તેના પિતા પોતાના સૈન્ય સાથે યુદ્ધમાં જવાને તૈયાર થઈને બેઠા હતા, તે જગ્યા ત્યાંથી એંશી ગાઉ દૂર હતી. બે રાત અને એક દિવસમાં એંશી ગાઉનો રસ્તો કાપીને વીરયુવક યુદ્ધમાં સામેલ થયો. વરરાજાના વેશમાં તેને યુદ્ધક્ષેત્રમાં આવેલો જોઈ, બધા આશ્ચર્ય પામી ગયા. કાનમાં ઉજ્જવળ મોતી, ગળામાં સુવર્ણનો હાર, એવા વેશમાં એંશી કોશ રસ્તો કાપીને આવવા માટે ભાટ કવિએ તેનાં ઘણાં વખાણ કર્યા.

સ્વામીના ચાલ્યા ગયા પછી, નીરકીકુમારી પણ પિયેરમાં રહી શકી નહિ. તરતજ તેણે પોતાને સાસરે વળાવવાનો માતપિતાને આગ્રહ કર્યો.

યુદ્ધનું શું પરિણામ આવ્યું છે તે જાણ્યા વગર, એવા લાંબા રસ્તે કન્યાને મોકલવાની તેનાં માતાપિતાને ઇચ્છા નહોતી. માતાએ તેને ઘણું સમજાવી, પણ તેણે માતાને જવાબ આપ્યો કે, "મા ! હવે મારાથી અહીંયાં કેવી રીતે રહેવાય ? સ્વામી તો યુદ્ધમાં ગયા છે અને હું નિશ્ચિંત કેવી રીતે બેસી રહું? હું તો જવાની. જો એક દિવસ પણ તેમને જીવતા જોઈશ, તો મારો આ જન્મારો સાર્થક થશે. કદાપિ તેમનું મૃત્યુ થશે, તો પણ ત્યાં હોવાથી હું એકજ ચિતામાં તેમની સાથે બળી શકીશ. આ જીવનમાં ફક્ત એટલા જ સુખની આશા બાકી છે. મને અહીંયાં રાખી મૂકીને મારી એટલી આશા પણ પૂર્ણ નહિ થવા દો ?”

માતાએ હવે આનાકાની કરી નહિ. નીરકીસરદારે વગર વિલંબે કન્યાને સાસરે વળાવી. નીરકીકન્યાએ સાસરે પહોંચતાં વારજ શું જોયું? જોયું કે ચિતા તૈયાર છે અને તેના ઉપર સ્વામીનો મૃતદેહ સુવાડવામાં આવ્યો છે. એક વાર પણ સ્વામીને જીવતા જોવાની આશામાં બિચારી અહીં સુધી આવી હતી, પણ ક્રૂર કાળે તેની એ આશા પણ સફળ થવા દીધી નહિ. ક્ષણભરને માટે પતિને જોયા હોત, તો એ આ જીવનનું સાર્થક સમજત; પણ વિધાતાએ તેને એટલા જરા સરખા સુખથી પણ વંચિત રાખી. નીરકીકુમારીએ એ વખતે સ્વામીના મૃત દેહની તરફ જોઈને કહ્યું: “પ્રભુ આ જીવનમાં તો હું તમને મળી શકી નહિ. પરલોક સન્મુખ છે, ત્યાં આપણને મળતાં કોણ રોકી શકનાર છે ?”

એમ કહીને મુરબ્બીઓના ચરણની રજ લઈને નવવધૂ નીરકીકુમારી સ્વામીને આલિંગન દઈને, સળગતી ચિતામાં સ્વામીની સાથેજ સૂઈ ગઈ.

આંસુભરી આંખે સગાંઓએ ચિતામાં આગ મૂકી.

વર–વહુનું પ્રથમ આણું ચિતામાંજ થયું. અગ્નિદેવે એ શય્યામાંજ વરવહુના પવિત્ર દેહને ભસ્મરૂપ બનાવી દીધો.