રાધાજી તમારો નાવલિયો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રાધાજી તમારો નાવલિયો
પ્રેમાનંદ સ્વામીરાધાજી તમારો નાવલિયો,
નેણાં ભરી નીરખ્યા જેવો, ચિત્ત ધરી નીરખ્યા જેવો;
મંદિરિયામાં રાખો રે દઈ માન,
હવે નહિ રે જાવા દેવો; કદિ નહિ રે જાવા દેવો... ટેક

કમળા એના કરે રે જતન, હાંજી હાંજી કરતી ડોલે;
મીટેથી પલક ન મેલે, ખમા ખમા કહીને બોલે...

નવલ સનેહી રે નંદલાલો, વ્હાલો સૌને વ્રજપતિ;
હૈડાનો હાર નેણાંનો શણગાર, રાખો ઉર કરી વિનતિ...

રાધાજી તમારે ઓરડિયે, જાદવરાયના જતન કરો;
રાધા માધવ જોડ પૂરો કોડ, પ્રેમાનંદના તાપ હરો...