રામ અને કૃષ્ણ/કૃષ્ણ/ગોકુળપર્વ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નોંધ રામ અને કૃષ્ણ
ગોકુળપર્વ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
મથુરાપર્વ →
ગોકુળપર્વ

આસરે ૫૧૦૦ વર્ષ પરના ભારતવાસીઓએ શ્રીકૃષ્ણનું અદ્‍ભૂત જીવન પોતાની નજર સમક્ષ નિહાળ્યું હતું. જોકે અનેક પવિત્ર ગ્રંથોમાં એમની લીલાઓનું વર્ણન છે, અનેક ભક્તો એમને પોતાની પ્રેમવૃત્તિનું અલૌકિક પાત્ર બનાવી એમની કીર્તિને ચિરંજીવ રાખી રહ્યા છે; છતાં એ ગાનો ઉપર ચમત્કારિક રૂપકોનાં એવાં જબરાં થર ચઢી ગયાં છે કે એ કાવ્યમય અને ગૂઢ ભાષામાંથી સાદો અર્થ અને અલંકારરહિત હકીકત નિશ્ચયપૂર્વક શોધી કાઢવાનું કામ અતિશય કઠણ થાય છે, અને જુદા જુદા લેખકોને એમ કરવા માટે પોતાની કલ્પનાશક્તિનો જ બહુધા ઉપયોગ કરવો પડ્યો છે.
માતાપિતા
કૃષ્ણના પિતા વસુદેવ યદુવંશી ક્ષત્રિય હતા; અને મથુરાની પાસેની કેટલીક જમીનના માલીક હોય એમ લાગે છે. ગાયો એ યાદવોનું મુખ્ય ધન હતું. વસુદેવ પાસે પુષ્કળ ગાયો હતી. ઠરાવેલું દાણ લઇ એ ગાયો આહિરોને સોંપવામાં આવતી. આથી આહિરોનાં ઘણાં કુટુંબો (વ્રજો) મથુરાની આસપાસ રહેતાં. વસુદેવ એક શૂર યોદ્ધા અને ન્યાયપ્રિય પુરુષ હતા. એમની ધર્મનિષ્ઠાને લીધે સર્વે યાદવો એમને પૂજ્ય ગણતા. રોહિણી અને દેવકી નામે એમને બે પત્નીઓ હતી. દેવકી એ મથુરાના રાજા ઉગ્રસેનની ભત્રીજી થતી હતી.
કંસ
ઉગ્રસેનના મોટા પુત્રનું નામ કંસ હતું. એ રાજ્યનો અતિ લોભી હતો. પિતાના મરણ સુધી વાટ જોવાની એનામાં ધીરજ ન હતી. એ મગધ (દક્ષિણ બિહાર)ના રાજા જરાસંધની બે દીકરીઓ સાથે પરણ્યો હતો. જરાસંધ તે વખતનો સૌથી બળવાન રાજા હતો; તેથી કંસને તેની મદદની હૂંફ હતી. વળી જરાસંધને સાર્વભૌમ થવાની મહત્ત્વાકાંક્ષા હતી; એટલે કંસને રાજ્ય અપાવવામાં એનો સ્વાર્થ પણ રહેલો હતો. જતે દહાડે કંસ પોતાના બાપને કેદ કરી એનું રાજ્ય પચાવી લીધું. યાદવોને આ વાત પસંદ પડે તેમ ન હતું, તેથી એણે યાદવોને પણ પીડવા માંડ્યું. જે કોઇ એની સામે માથું ઉપાડે એવા એને લાગ્યા, તેના ઉપર તેણે જુલમ કરવા માંડ્યો. વસુદેવ-દેવકીને પણ નજરકેદ કર્યાં. વસુદેવને પોતાની સ્ત્રી રોહિણીને પોતાના મિત્ર નંદ ગોપને ત્યાં સંતાડી રાખવી પડી.

જુલમીઓ બીજા બળવાન પુરુષોથી બ્હીએ છે; પણ એથી યે વધારે બ્હીક તો એમને સત્યનિષ્ઠ પુરુષોની લાગે છે. એનું કારણ એ છે કે બીજા બળવાનો સામે એ સામાદિક ઉપાયો વડે પહોંચી વળી શકે એવી એમને શ્રદ્ધા હોય છે, પણ સત્યનિષ્ઠ પુરુષને જીતવા તો એને પોતાને સત્યનિષ્ઠ થયે જ છૂટકો; અને એમ થવાની તૈયારી ન હોવાથી તેની આગળ એનાં શસ્ત્રો હેઠાં પડે છે. સત્યનિષ્ઠ પુરુષને મારી નાંખવાની એની એકાએક હિમ્મત થતી નથી; કારણકે જાલિમને પણ ન્યાય અને ધર્મનો બાહ્ય વેષ બતાવવાની વારંવાર ફરજ પડે છે, અને નિ:સ્વાર્થી સત્યનિષ્ઠ પુરુષ ઉપર કંઇ પણ આળ ચડાવવું એને કઠણ થઇ પડે છે. એ જ ન્યાયથી વસુદેવ-દેવકીને નજરકેદ કરવા ઉપરાંત બીજું કશું કરવાની કંસની છાતી ચાલી નહિ. બીજા યાદવો અનેક રીતે એના ભોગ થઇ પડ્યા. કેટલાક નાસી છૂટ્યા, કેટલાકે અનુકૂળ સમય આવે ત્યાંસુધી પોતાનો અણગમો છુપાવી રાખ્યો અને કેટલાકે નવીન પ્રદેશોમાં પરાક્રમ કરી સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યાં.

વસુદેવ-દેવકીને મારવાની કંસની હિમ્મત ન હતી, પણ એની ખૂની છરી એમનાં બાળકોને મારતાં અચકાતી ન હતી. જાલિમો અનેક રીતે દુષ્ટ હોય છે, ધર્માધર્મના વિચારથી શૂન્ય હોય છે, અકારણ વૈરી, દુષ્ટ કર્મો કરતાં ક્ષણભર પણ આંચકો ન ખાનારા હોય છે, પણ તેથી વ્હેમ વિનાના હોય છે એમ કંઈ નથી. જગતને અનીશ્વર અને કેવળ પોતાની પાપી વાસનાઓને તૃપ્ત કરવાના સાધનરૂપ માનતા છતાં એમના હૃદયમાં કોઇ એક એવી નિર્બળતા રહી હોય છે કે એ નિર્બળતા એમને કોઇ નજીવા શકુન ઉપર કે કોઇ શૂદ્ર દેવદેવીના વર ઉપર અથવા કોઇ નજીવી વિધિના બરાબર પાલન ઉપર અપાર શ્રદ્ધા રખાવે છે. જે મોટાં મોટાં સૈન્યોથી ડરતા નથી, ગમે તેની સામે દ્વંદ્વ યુદ્ધ કરવામાં પાછી પાની કરતા નથી, સિંહ અને સર્પ સામે થવાથી બ્હીતા નથી, તે એક છીંકના અપશુકનથી, ભૂતના આભાસથી, બીહામણા સ્વપ્નથી, જોશીના જોશથી કે હૃદયમાં સંભળાયલી અણધારી આકાશવાણીથી એવા નાહિમ્મત થઈ જાય છે કે કોઇ પણ રીતે તે એ વિષયમાં શ્રદ્ધાવાન અને નિશ્ચિન્ત થઇ શકતા નથી.

દેવકી-પુત્રોનો
નાશ
કંસે પણ એવી એક આકાશવાણી સાંભળી હતી. દેવકીનો આઠમો ગર્ભ પોતાનો નાશ કરશે, એવો તેને વહેમ ભરાયો હતો; અને તેથી સર્વે ડરપોક માણસો કરે છે તેમ એણે દેવકીનાં બાળકોને જન્મતાં જ મારી નાખવાનો ક્રમ માંડ્યો. આઠમો ગર્ભ કયો એ ગણવામાં કદાચ ભૂલ થાય, આઠમું બળક મરે પણ બીજાં જીવતાં રહે તો કદાચ એ પણ બાપને કનડવા અને ભાઈને મારી નાંખવા માટે એના ઉપર વેર વાળે, કદાચ એ યાદવોના નેતા થાય, એવી ધાસ્તીથી એણે વાસુદેવના એક પણ બાળકને જીવતું ન રાખવાનો નિશ્ચય કર્યો. આ રીતે તેણે દેવકીના છ પુત્રોનો અન્ત આણ્યો. રોહિણીના ગર્ભના પણ એ જ હાલ થાય, એ ધાસ્તીથી એને
બળરામ
દહાડા રહેતાં જ વસુદેવે એને નંદને ત્યાં મોકલવાની પેરવી કરી દીધી. ત્યાં એને એક ઉજળો દૂધ જેવો પુત્ર થયો. એનું નામ રામ પાડ્યું. પાછળથી એના અતિશય બળથી એ બળરામ અથવા બળદેવને નામે ઓળખાયા. દેવકીનો સાતમો ગર્ભ ગળી પડ્યો. આગળ જતાં દેવકીને આઠમી વાર ગર્ભ રહ્યો. આ બાળકને ખસુસ કરીને મારવા કંસ તલપી રહ્યો હતો. તેમ એને કોઇ પણ રીતે બચાવી લેવાની વસુદેવ-દેવકીને પણ તીવ્ર અભિલાષા હતી. યોગ એવો બન્યો કે આઠમે મહિને જ દેવકીને પ્રસવવેદના શરૂ થઇ. એ સમય શ્રાવણ વદી આઠમની મધરાતનો હતો. વરસાદ જોરથી પડતો હતો. પ્રસૂતિકાળને હજુ ઘણા દિવસની વાર છે એવું લાગતું હોવાથી ચોકીદારો ઘોર નિદ્રામાં પડ્યા હતા. આવે સુયોગે દેવકીએ પુત્રને પ્રસવ્યો.
કૃષ્ણજન્મ
ચતુર વસુદેવે તરત જ પુત્રને ઉપાડી લીધો, અને ચોકીદારોની ઉંઘનો તથા વરસાદના ઘોંઘાટનો લાભ લઇ, નદી ઉતરી, સામે કાંઠે નંદના વ્રજ તરફ પ્રયાણ કર્યું. તે જ વખતે નંદની સ્ત્રી યશોદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો. યશોદા મૂર્ચ્છિત અવસ્થામાં હતી. વસુદેવે છાનામાના યશોદાની શય્યા પસે જઈ, છોકરાને મૂકી છોકરીને ઉપાડી લીધિ અને પાછા દેવકી પાસે હાજર થયા.[૧] બાળકોની અદલાબદલીની વાત વસુદેવ-દેવકી સિવાય બીજા કોઇએ જાણી નહિ. છોકરીએ રડવા માંડ્યું; એટલામાં કદાચ રાત્રી પણ લગભગ પૂરી થઇ હશે, એટલે ચોકીદારો જાગી ઉઠ્યા અને કંસને પ્રસૂતિના સમાચાર કહ્યા. આટલી છોકરીને તો જીવતી રાખ, એમ દેવકીએ ભાઈને આજીજી કરી; પણ કઠોર હૃદય ઉપર એની કશી અસર થઇ નહિ અને એક શિલા ઉપર પછાડી એણે બાળકીનો પ્રાણ લીધો. અત્યાર સુધી એણે છ બાળહત્યા કરી હતી. જોકે હૃદયનો અત્યંત નિષ્ઠુર
  1. *શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છોકરાંઓની આ પ્રમાણેની અદલબદલીની વાત માનતા નથી. વસુદેવે કૃષ્ણને અત્યંત બાળપણમાં નંદને ત્યાં સંતાડી રાખ્યા એટલું જ આ કથા પરથી ખાત્રીપૂર્વક કહી શકાય એમ એ માને છે. વસુદેવ પુત્રીને ચોરી શકે એ વાત અસંભવિત લાગે છે જ. પન્નાના જેવી સ્વામીભક્તિ નંદ-યશોદાએ બતાવી હોય એ અસંભવિત નથી, પણ એમ કલ્પના કરવાને આજે આધાર નથી.
બનાવી એણે એ બાળાને પણ મારી નાખી ખરી, પરંતુ આ તો ક્રૂરતાની હદ થઇ એમ એનું પાપી હૃદય પણ એને કહેવા લાગ્યું.એ વિષેના કાંઇક પશ્ચાતાપથી એણે પાછળથી વસુદેવ-દેવકીને કેદખાનામાંથી છોડ્યાં અને એમનું કાંઇક માન પણ રાખવા લાગ્યો.
શિશુ અવસ્થા
યશોદાને પુત્ર પ્રસવ્યો એવી વાત સવાર પડતાં જ આખા વ્રજમાં ફેલાઇ ગઇ. ઘરડી ઉમરે ગોપોના મુખી નંદને ત્યાં પુત્ર અવતર્યો જાણી વ્રજમાં ઘેર ઘેર આનંદ ફેલાઇ ગયો. ગોવાળણીઓ હર્ષભેર વધામણાં લાવી ગીતો ગાવા લાગી. આ પુત્ર રામના જેવો ઉજળો ન હતો, પણ શ્યામ હતો. એના રંગ ઉપરથી એનું નામ કૃષ્ણ પાડ્યું. એ પણ રામના જેવો જ મનોહર ગાત્રોવાળો હતો. ગોવાળીયાના છોકરામાં આવું સૌન્દર્ય ક્યાંથી આવ્યું એનું સર્વેને આશ્ચર્ય લાગ્યું. પરમેશ્વર જ પ્રસન્ન થઇને નંદને ત્યાં ઉતર્યા છે એમ ભોળા ગોપોને લાગે એમાં શી નવાઇ ? દુનીયામાં કોઇ બાળક એવું અવતર્યું નથી કે જે એનાં માબાપ અને આડોશીપાડોશીને કાંઇ વિશેષ લક્ષણોવાળું લાગ્યું ન હોય. પોતાનું છોકરૂં કાંઇ બીજા જ પ્રકારનું છે, એનું તોફાન, બુદ્ધિ, ડહાપણ સદ્‍ગુણો છોકરાંમાત્રથી જુદાં પડે છે, એવું ન લાગ્યું હોય એવી માતા પૃથ્વીતળ ઉપર ભાગ્યે જ થઇ હશે. તેમાં વળી એ બાળક મોટપણે નામ કાઢે, એટલે તો એના બાલ્યજીવનના બારીક પ્રસંગો પણ અદ્‍ભુત થઇ જાય છે અને એની સ્મૃતિઓ આનંદદાયી થાય છે. તેમાં આ બાળકો વિશેષ લાગે એમાં નવાઈ ન હતી. એ ગોપોમાં ઉછરતા હોવાથી સર્વે એમને ગોપકુમાર માનતા, અને એ પોતે પણ પોતાના ક્ષાત્રવંશને જાણતા ન હતા. છતાં અગ્નિને લાકડાની પેટીમાં કેવી રીતે સંતાડી શકાય ? તેમ કાળી કામળીમાં આ ભાઇઓનું ક્ષાત્રતેજ પણ ઢાંક્યું રહ્યું નહિ. નાનપણથી જ એમની બુદ્ધિમતા અને સાહસિક વૃત્તિ એમની રમતોમાં દેખાઇ આવતી. છાશની દોણી ફોડવામાં, સીકાં પરથી માખણ ચોરવામાં, વાછડાંને છોડી મુકવામાં, એમની પુછડી પકડી એમને આમથી તેમ ફેરવવામાં એ કેવળ પોતાની રજસ્ ક્ષત્રિય વૃત્તિનુ દર્શન કરાવતા હતા. પોતાના માનીતા મુખીના છોકરા, સૌન્દર્યના ભંડાર અને પોતાનાં તોફાનથી જબરીથી ધ્યાન ખેંચી રાખનાર, એના ઉપર પ્રજાપ્રેમી ગોપીઓ ઘેલી થવા લાગી. સરખી ઉમરના છોકરાઓ માં એ સહજ 'વડા ગોવાળીયા' થયા. જંગલમાં રહેનાર લોકો ઉપર અનેક નૈસર્ગિક ઉપદ્રવ આવી પડે છે. ગામ ઉપર મોટા વંટોળીયા ફરી વળવા, મદોન્મત ગોધાનું વિફરવું, અજગર, શ્વાપદો વગેરેનો ઉપદ્રવ થવો ઇત્યાદિ અકસ્માતો કૃષ્ણને પણ થયા, પણ એ સર્વેમાંથી એ બચ્યા. જેમ જેમ એના ઉપર પ્રકૃતિકોપ થતો અને એ તેમાંથી સહીસલામત પાર પડતા તેમ તેમ વ્રજવાસીઓને આશ્ચર્ય થતું. અકસ્માતો કોઇ અસુર તરફથી થાય છે એવી તેમની માન્યતા થાય તે સ્વાભાવિક હતું. એમાંથી એ બચી જનાર એ કોઈ દેવ અથવા પરમેશ્ચર છે એમ એમને લાગવા માંડ્યું અને તેથી નાનાંમોટાં સર્વનો કૃષ્ણ ઉપરનો પ્રેમ એની મોહક મૂર્તિ તથા પરાક્રમી, તોફાની અને વિનોદી સ્વભાવને લીધે જ કેવળ ન રહેતાં, ધીમે ધીમે આદરનું અને ભક્તિનું સ્વરૂપ પકડવા લાગ્યો. તેમાં કૃષ્ણની પરોપકારિતા પણ કારણભૂત હતી.
કૌમાર
જેમ શિશુકાળમાં માખણ ચોરવામાં, ગોરસની માટલી ફોડવામાં, પાણીનું બેડલું કાણું કરવામાં, કૃષ્ણની પહેલ તેમ જ કૌમારા વસ્થામાં છાશ વલોવવામાં, વાછરડાં ચારવામાં ખોવાયલાં જનાવર ખોળી કાઢવામાં, ગોપકુમારોની સંભાળ લેવામાં, એમના ઉપર કોઇ પણ ભયનો પ્રસંગ આવી પડતાં ભયમાં પોતે ઝંપલાવી એમને બચાવી લેવામાં પણ એની જ પહેલ હતી.

જેમ જેમ ભાઇઓની ઉમર વધતી ગઇ તેમ તેમ રામ-કૃષ્ણનાં બુદ્ધિ અને બળ પણ વધતાં ગયાં, અબે એ બન્નેનો ઘરડા ધરડા ગોપોને પણ સારો ઉપયોગ થતો અગયો. વાણીયાનો બાર વર્ષનો છોકરો ઘરડા ધારાળા કે કણબીને સલાહ આપી શકે છે, તો ક્ષાત્રકુળની સંસ્કૃતિનો વાર્સો લઈ ઉતરેલા રામ-કૃષ્ણ ગોપોના સલાહકાર થાય એમાં શું આશ્ચર્ય?


પૌગણ્ડાવસ્થા
જેમ જેમ એમનું બળ વધતું ગયું તેમ તેમ એમની અને વિશેષે કરીને કૃષ્ણની પરદુઃખભંજતા પણ વધવા લાગી, એમણે પોતાની જ શક્તિથી બે વાર ગોપોને દાવાનળમાંથી બચાવ્યા, અતિવૃષ્તિમાંથી રક્ષણ કર્યું, કાલિનાગનું દમન કરી યમુનાને નિર્વિષ કરી વનને ભયરહિત કર્યું. વળી એમનો પ્રેમળ સ્વભાવ પણ દિવસે દિવસે વિકાસ પામતો ગયો. એમની મધુર મોરલીમાંથી નીકળતો સ્નેહરસ ગાયોને પણ સ્થિર કરી દેતો. એમના રાસોમાં અદ્ભુત આનંદરસ પ્રગટી નીકળતો.
કૃષ્ણ-ભક્તિ
ગોપીઓની કૃષ્ણ વિષે પરમેશ્વરપણાની નિષ્ઠા દિવસે દિવસે દૃઢ થવા લાગી અને કૃષ્ણનું માહાત્મ્ય પીછાણી તેઓ એની ભક્તિમાં એવી આકર્ષાવાલાગી કે સાંસારિક વાસનાઓમાંથી એમની વૃત્તિ સહજ પણે તૂટવા માંડી. કૃષ્ણની પવિત્ર પ્રેમળતાએ એમનાં ચિત્ત એવાં નિર્મળ કરી નાંખ્યાં કે એમને માટે સંસારરસ ખારો થઈ ગયો. પડતીના કાળમાં જ્યારે આપણા દેશમાં ભાવનાઓનો શુદ્ધ વિકાસ થતો અટકી પડ્યો, અને એનું પાવિત્ર્ય સમજવાની આપણી શક્તિ એટલી ક્ષીણ થઈ ગઇ કે કોઇ પણ ઠેકાણે પરસ્ત્રીપુરુષ વચ્ચે પરિચય દેખાતાં જ એમાં આપણને અપવિત્રતાની જ ગંધ આવવા લાગી, તે સમયમાં કૃષ્ણ પ્રતિની આ અત્યંત સ્વાભવિક પ્રેમભક્તિની કથાએ આપણા દેશમાં વિકૃત સ્વરૂપ લીધું; અને વળી વિકૃત સ્વરૂપને આદર્શમાનવાનું સાહસ ભક્તોએ ખેડ્યું. જ્યારે કૃષ્ણના નિર્દોષ ચરિત્રનો જાર રૂપે અનુવાદ થયો તે વખતે આપણા દેશની સામાજિક દશા કેવી હશે તેનો જ ખ્યાલ કરવો યોગ્ય છે. યશોદાનંદનના ચારિત્ર્ય વિષે એ ઉપરથી અનુમાન બાંધવું એ સાહસ ગણાય.
કૃષ્ણનો
સર્વાંગી
વિકાસ
કૃષ્ણમાં કેવળ ભાવનાનો ઉત્કર્ષ ન હતો, કેવળ બુદ્ધિકૌશલ્ય અને શારીરિક બળ ન હતાં, પણ એમની સદસદ્ વિવેકબુદ્ધિ પણ જાગ્રત હતી. એ સમજણા થયા ત્યારથી જ એને ધર્મ અને અધર્મનો વિચાર રહેતો. ઈંદ્રની શા માટે પૂજા કરવી જોઇયે, એવી એને બાળપણથી જ શંકા થઇ. ગોપોનાં જીવનનો આધાર ગાયો અને ગોવર્ધન છે. મેઘ કાંઇ ગોપો માટે વરસતો નથી, તેમ ગોપોના અન્નકૂટથી વરસાદ વધી-ઘટી શક્તો નથી; પણ ગાયોની પવિત્રતા સમજવામાં અને જેને આધારે પોતાનો નિર્વાહ બરાબર ચાલે છે તેની પૂજ્યતા જાણવામાં તેમની સમૃદ્ધિનો આધાર છે. આવા કાંઇક વિચારથી એમણે ઈંદ્રપૂજા બંધ કરાવી અને ગાય તથા ગોવર્ધન પૂજા ચલાવી.
યૌવન પ્રવેશ
આવી રીતે રામ-કૃષ્ણનાં ૧૭-૧૮ વર્ષ ગોકુળમાં વીત્યાં. ઉંચા શરીર અને મજબૂત સ્નાયુવાળા તથા મલ્લ યુદ્ધમાં પ્રવીણ એવા બે ભાઇઓની જોડી શ્વેત અને કાળા હાથીના જેવી શોભતી હતી. એમનાં બળ અને પરાક્રમની વાતો ચોમેરે પ્રસિદ્ધ થઇ ગઇ. કંસે પણ એમને વિષે વાતો સાંભળી. વસુદેવે સગર્ભા રોહિણીને નંદને ત્યાં મોકલી આપીહતી એમ એને ખબર પડી. કૃષ્ણ પણ વસુદેવનો પુત્ર તો ન હોય એવી એને શંકા થઈ. એ શંકા એણે એક વાર ભરસભામાં વ્યક્ત કરી
કંસની શંકા
વસુદેવને તોછડાં વચનો સંભળાવ્યાં. વસુદેવે કશો જવાબ વાળ્યો નહિ એટલે એની ખાત્રી થઇ જ ગઇ. પણ એણે હવે બાહ્ય ડોળ બદલ્યો. ભાણેજને જોવા એને પ્રેમ ઉભરાઇ આવ્યો. એમની મલ્લ યુદ્ધની નિપુણતા જોવા એ ઉત્સુક થયો. એણે એક મોટો અખાડો રચવા આજ્ઞા કરી. મુષ્ટિક અને ચાણુર નામે એના બે બળવાન મલ્લ હતા. તેની જોડે મલ્લયુદ્ધ કરવા એણે રામ-કૃષ્ણને નિમન્ત્રણ મોકલવાનું ઠરાવ્યું.
કેશી વધ
એક બાજુથી કંસે મલ્લયુદ્ધના અખાડાની તૈયારી કરાવી, પણ બીજી બાજુથી એણે રામ અને કૃષ્ણ મથુરા આવે તે પહેલાં જ એમનું કાસળ કાઢવાની યુક્તિ રચી. એણે કૃષ્ણને ઠાર મારવા માટે પોતાના ભાઈ કેશીને ગોકુળ મોકલ્યો. કૃષ્ણ ગાયો ચારતા હતા ત્યાં એક જબરદસ્ત ઘોડા ઉપર બેસી કેશી કૃષ્ણની સામે ધસ્યો. બીજા ગોપોએ કૃષ્ણને ભયસૂચક ચેતવણી આપી. ઘોડો બેધડક કૃષ્ણ ઉપર ધસી આવ્યો, પરંતુ કૃષ્ણ જરા પણ ગભરાયા વિના સ્થિર ઉભા રહ્યા. ઘોડાએ જેવી કૃષ્ણને બચકું ભરવા ગરદન લંબાવી કે તરત જ કૃષ્ણે એના લમણા ઉપર એવા જોરથી મુક્કી મારી કે ઘોડાના દાંત ઉખડી પડ્યા. આથી ચીડાઇને ઘોડાએ કૃષ્ણને લાત મારવા પાછલા પગ ઉંચક્યા. તરતજ કૃષ્ણે એ પગ પકડી લ‌ઇ ઘોડાને એવા જોરથી ઉછાળ્યો કે એ ધડીંગ દ‌ઇને નીચે પડ્યો અને સાથે કેશીને પણ પછાડ્યો. કેશી જમીન પર પડતાં જ યમદ્વાર પામ્યો અને ઘોડો પણ થોડાં તરફડીયાં ખાઈ એ જ માર્ગે ગયો. આ સમાચાર સાંભળી કંસના હોશકોશ જ ઉડી ગયા. એ ભૂખ, તરશ ને ઉંઘ ખોઇ બેઠો. એનું હૃદય એને ડંખવા લાગ્યું. ચિન્તાથી એ ઘરડા જેવો થ‌ઇ ગયો. જાગતાં અને સ્વપ્નમાં એ ભયને જ જોવા લાગ્યો. છતાં, અખાડાનો મંડપ તૈયાર થતાં એણે અક્રૂર નામે એક યાદવને રથ લ‌ઇ રામ અને
અક્રૂરગમન
કૃષ્ણને તેડવા મોકલ્યો, અને ગોપોને પણ નોતર્યા. સાથે સાથે એણે પોતાના મલ્લોને રામ-કૃષ્ણને રમતમાં મારી જ નાંખવાની સૂચના કરી રાખી.

અક્રૂર વસુદેવનો પિતરાઈ હતો. એ બહારથી કંસનો રાજસેવક છતાં અંદરથી વસુદેવના પક્ષનો હતો. એટલે બે ભાઈઓને મથુરા લાવતાં પહેલાં ત્યાંના રાજપ્રકરણથી વાકેફ કરવા વસુદેવના પક્ષના યાદવોએ અક્રૂરને સમજાવી રાખ્યો.

અક્રૂરનો રથ નંદના આંગણાંમાં આવી લાગ્યો. ગોપોએ રાજદૂતનો યથાયોગ્ય સત્કાર કર્યો. અક્રૂરે નંદ-યશોદાને કૃષ્ણજન્મ વિષેની ખરી હકીકત ઉઘાડી પાડી કહી. કૃષ્ણ પોતાનો પુત્ર નથી એ જાણતાં જ બિચારાં નંદ અને યશોદા સ્તબ્ધ જ થ‌ઇ ગયાં. ગોપોને પણ આકાશ તૂટી પડવા જેવું થયું. અત્યાર અગાઉ વ્રજ ઉપર ઘણાંયે તોફાનો ચડ્યાં હતાં, પણ આ અક્રૂરનું આગમન તો જાણે વ્રજને જીવતાં દાટવા માટે થયું હોય એમ સર્વેને લાગ્યું.

અક્રૂરે રામ-કૃષ્ણ જોડે એકાન્તમાં ઘણી વાતો કરી. કંસના જુલમની હકીકત કહી; વસુદેવ-દેવકી પર થયેલા અત્યાચારો સંભળવ્યા; રામ-કૃષ્ણને મલ્લયુદ્ધમાં નોતરવામાં કંસનો આન્તરિક ઉદ્દેશ પણ જણાવ્યો, અને રામ-કૃષ્ણ જો કંસનો અન્ત લાવે તો યાદવો સર્વે એના પક્ષમાં જ રહેશે એવી ખાત્રી પણ આપી.

રામ અને કૃષ્ણે સર્વે હકીકત સાંભળી લીધી. કંસનો ભાર પૃથ્વી પરથી હલકો કરવાનો એમને ધર્મ પ્રાપ્ત થયો છે એમ એમને સ્પષ્ટ ભાસ્યું. એમણે અક્રૂર જોડે જવાનો નિશ્ચય કર્યો.

વિદા ગીરી
રામ અને કૃષ્ણને વિદાય કરવાનો વખત આવ્યો. વિદાય એટલે લગભગ નિરન્તરનો જ વિયોગ હતો. એ વેળાનું દૃશ્ય શુષ્ક હૃદયને પણ રડાવે એવું હતું. નંદ-યશોદાને તો વગર મોતે એકના એક પુત્રને ખોઇ બેસવા જેવું થયું. વ્રજવાસીનાં ચિત્તને કનૈયાએ એવાં આકર્ષી લીધાં હતાં, કે શરીરના રંગથી સાર્થક થયેલું નામ એની પ્રેમની શક્તિથી પણ યોગ્ય ઠર્યું. વ્રજવાસીને મન મધુરી મોરલીવાળા સિવાય કોઇ શ્રેષ્ઠ દૈવત હતું જ નહિ. કૃષ્ણે એમનાં મન તો લ‌ઇ જ લીધાં હતાં, અને તન-ધન પણ એ પોતા પાસે રાખવા ઇચ્છતાં ન હતાં. પતિપુત્રાદિક પરનો નૈસર્ગિક મોહ પણ કૃષ્ણના દિવ્ય માધુર્ય આગળ હારી ગયો. કૃષ્ણે વ્રજવાસીઓનું જીવન જ ફેરવી નાંખ્યું હતું. વેદાન્તના અધ્યયન વિના, સૂક્ષ્મ બુદ્ધિથી થતા સાંખ્યવિચાર વિના, યોગના અભ્યાસ વિના, પ્રાણના વિરોધ વિના વ્રજનાં અસંસ્કારી અને અણઘડ ગોપગોપીઓ કેવળ નિર્દોષ પ્રેમના અત્યુત્કર્ષથી પોતાનાં ચિત્ત શુદ્ધ કરી પાર પામી ગયાં અને જગતને ભક્તિયોગનો પદાર્થપાઠ આપતાં ગયાં.
કૃષ્ણ અને
ગોપીઓ
કૃષ્ણનો ગોપિકાઓ પ્રત્યેનો પ્રેમ કેવો હશે ? માતા સિવાયની અન્ય સ્ત્રીઓ પર પાંચ વર્ષના બાળકની કેવા ભાવથી દૃષ્ટિ પડતી હશે ? આપણે સંસારીઓ એમ જાણીયે છીયે કે સમજણો માણસ પરસ્ત્રીમાં મા-બેન કે દીકરીના સંબંધની ભાવના પ્રયત્નથી બાંધીને જ નિર્દોષ રહી શકે. આનું કારણ એ છે કે આપણે બાલ્યાવસ્થાની નિર્દોષતા ગુમાવી બેઠા છીયે. બાળકને એવી ભાવના ઘડવી પડે છે ? જેના હૃદયમાં કુવિચાર જાગ્યો છે તેને નિર્દોષતા ફરીથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો પડે છે. બાળકને એ સહજ છે, પણ આપણે એમ માનીયે છીયે કે અમુક વય પછી ચિત્તની નિર્દોષ સ્થિતિ કલ્પી જ ન શકાય. આપણા યુગના મલિન વાતાવરણનું જ આ પરિણામ છે. જ્યારે ચિત્તની પુનઃશુદ્ધિ કરી વયે મોટા છતાં પાંચ વર્ષની ઉમરનો અનુભવ આપણે ફરીથી કરી શકીશું ત્યારે જ આપણે કૃષ્ણનો અલૌકિક પ્રેમ સમજવાને યોગ્ય થ‌ઇશું. પછી કૃષ્ણ પર કલંક લગાડવાની, એ કલંકને દિવ્ય ગણવાની કે એના ઉપર કાંઇ ભાષ્ય કરવાની જરૂર નહિ રહે; જે સહજ હોવું જોઇયે, તે જ જણાશે-અનુભવાશે. ત્યારે આપણી ખાત્રી થશે કે ગોપીજનપ્રિય કૃષ્ણ સદા નિષ્કલંક અને બ્રહ્મચારી હતા, યુવાન છતાં બાળક જેવા હતા અને ગોપીઓનો એમના પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ નિર્દોષ હતો.