રામ અને કૃષ્ણ/રામ/નોંધ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઉત્તરકાણ્ડ રામ અને કૃષ્ણ
નોંધ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
ગોકુળપર્વ →
નોંધ

બાલકાણ્ડ

પૃ.૭. લી. ૯ : રાક્ષસ - એટલે બહુ જંગલી માણસો. એમનામાં મનુષ્યના શુભ ગુણોનો વિકાસ નહિ, નીતિજીવનનો ખ્યાલ નહિ. એ ક્રૂર અને નરમાંસભક્ષક હતા. જેમ સર્પ અને સિંહ વગેરે પ્રાણીઓનો મનુષ્યને જૂના કાળમાં ઘણો ઉપદ્રવ વેઠવો પડતો અને તેથી એનો શિકાર કરી નાશ કરી નાંખવામાં આવતો, તેમ વધારે પરાક્રમી અને નગરો તથા શહેરો વસાવવાની ઇચ્છાવાળી પ્રજાઓ આવી રાક્ષસપ્રજાઓનો શિકાર કરતી. એ રાક્ષસોનું શરીરબળ ભારે. કાયા ઉંચી,પણ બુદ્ધિ મંદ અને શસ્ત્રબળ નામનું. વિશ્વામિત્રનો હેતુ કોઇ નવી વસાહત કરવાનો હોય, અને તેમાં દેવોની મદદ મળે એ કામનાથી યજ્ઞારંભ કર્યો હોય એમ સંભવે છે. એ રાક્ષસો ભારતવર્ષની જૂની પ્રજા આર્યોએ વસાહતો કરવી એટલે રાક્ષસોની જમીન લૂંટવી અને એમને મારી નંખવા કે હાંકી કાઢવા. આથી એમને આર્યો સાથે વેર હોવું એ સ્વાભાવિક છે, અને તેથી તેઓ વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન નાંખે જ. એક કલ્પના આ છે. બીજી કલ્પના એ છે કે ઉપર કહ્યા તેવા રાક્ષસોની મોટી વસ્તી લંકામાં હતી. રાવણ એમનો રાજા હતો. એ હિન્દુસ્તાન ઉપર પોતાનું રાજ્ય સ્થાપવા ઇચ્છતો હતો, અને દેશના ઘણા માણસોમાં એણે રાક્ષસોને વસાવ્યા હતા.એ આર્યો પર જુલમ ગુજારતા અને એમને કોઇ ઠેકાણે સુખે રહેવા દેતા નહિ. પણ એમ હોય તો રાક્ષસો મંદ બુદ્ધિના કે શસ્ત્રાદિક સાધન વિનાના નહિ, પણ અત્યંત બુદ્ધિશાળી, અને યુધ્ધકળા તથા યુદ્ધની સામગ્રી બનાવવામાં અને માયાવી (જાદુઇ-યાંત્રિક) વિદ્યાઓમાં કુશળ હતા.

રાક્ષસ અને અસુરમાં ભેદ છે. અસુર એટલે સામાન્ય માણસ જેવો માણસ જ; પણ અતિશય કામી, ક્રોધી, લોભી, અન્યાયી, નિર્દય, સ્વાર્થ માટે પારકાનું સર્વસ્વ નાશ કરતાં ન અચકાનાર. રાક્ષસ એ સિંહ-વાઘ જેવો વનચર બળવાન મનુષ્ય; અસુર એટલે સદ્‍ગુણ રહિત મનુષ્ય. અસુર તે મનુષ્યત્વનો શત્રુ, અને રાક્ષસ તે જંગલી માણસ. રાવણ પોતે અસુર હોઈ રાક્ષસોને પરાધીન કરી એમનો રાજા થયો હશે, એમ સંભવે છે.

પૃ.૮, લી. ૧૯ : જનક - એ ખરૂં જોતાં કોઇ એક રાજાનું નામ નથી, પણ મિથિલાના સર્વે રાજાઓની પદવી છે. યોગ્ય લાગે તો શિક્ષકે જનક અને એના તત્ત્વજ્ઞાન વિષે વિશેષ વાતો કહેવી. કર્મ કરતાં મોક્ષ દશાએ પામવાવાળામાં જનક પ્રથમ ગણાય છે. જુઓ ગીતા અ.૩. શ્લો. कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।

પૃ.૮, લી.૧૯:સીતાની ઉત્પત્તિ વિષે યોગ્ય લાગે તો તો વિશેષ કહી શકાય. પણ્ આવી વાતોમાં વાલ્મીકિને અનુસરીને જ કહેવું ઠીક છે.

પૃ.૮, લી.૨૦: શૈવ ધનુષ્ય - એટલે શિવે આપેલું, કે ધનુષ્યના કોઈ પ્રકારનું નામ ? જેમ બનાવનાર ઉપરથી બંદુકોનાં નામ પડે છે તેમ ? શંકાનું કારણ એ છે કે રામાયણમાં બે વાર રામને વૈષ્ણવી ધનુષ્ય મળ્યાની વાત આવે છે. એ શૈવ કરતાં વધારે જબરું ગણાતું, અને લંકાના યુદ્ધમાં રામે એનો જ ઉપયોગ કર્યો હોય એમ લાગે છે. એ પણ કોઇક ખાસ પ્રકારનું ધનુષ્ય હોય એમ સંભવ છે.

પૃ.૫, લી.૮:દશરથ - એમની રાજ્યપદ્ધતિ, ન્યાયાન્યાય બુદ્ધિ તથા એમના મંત્રીઓ વગેરે શિક્ષકે વિદ્યાર્થીઓની ગ્રાહકશક્તિ તપાસી ઘટે તે કહેવું.

પૃ.૧૦, લી.૧૨: તપશ્ચર્યા - એટલે શરીર શોષવું, નિરાહાર રહેવું, વાયુ ભક્ષણ કરી રહેવું એમ નહિ, પણ પોતાનું ધ્યેય પાર પાડવા માટે બીજી સર્વ ક્રિયાઓ છોડી દઇ, ધ્યેયનું અને એને પાર પાડવાના સાધનોનું જ અનન્યપણે ચિંતન કરવું તે. એ તપશ્ચર્યામાં યોગ્ય ગુરુનું સેવન આવી જાય. આગળ ઉપર મંત્રસિદ્ધિમાં લોકોની શ્રદ્ધા વધતી ગઇ ત્યારે ગુરુના મંત્રનું અનુષ્ઠાન, અથવા દેવોની ઉપાસના પણ તપશ્ચર્યામાં સમાયાં. અનન્ય ઉપાસના અથવા ચિન્તનમાં ઇન્દ્રિયોનો સંયમ અને વિષયોનો ત્યાગ તો આવશ્યક હોય જ; પણ જેમ જેમ સાધક ઉપાસનામાં લીન થતો જાય, તેમ તેમ સ્વાભાવિકપણે ક્યારેક એવી સ્થિતિ આવે કે જે સમયે ખાવાપીવાનું ભાન ન રહે અને ટાઢતડકા તરફ દુર્લક્ષ્ય થાય. એવા એકાગ્ર ચિન્તનમાંથી સંકલ્પોની સિદ્ધિ સર્વત્ર થાય છે. એ ભૂલી ગયા ત્યારે જબરદસ્તીથી છોડેલા આહાર અને સહન કરેલાં ટાઢતડકો તપશ્ચર્યા રૂપે મનાયાં. અતિશય વિચાર, વિવેક, ચિંતન એ જ શ્રેષ્ઠ તપ છે. એ ચિંતન દેહભાન ભુલાવે તે ઇષ્ટ જ છે. ગીતા અ.૧૮, શ્લો.૧૪ થી ૧૬માં આ ત્રણ પ્રકારનું તપ કહ્યું છે તે વિચારવું.

યુદ્ધકાણ્ડ

પૃ.૫૩,લી.૧૮-૧૯: વિભીષણનું આવી મળવું - 'ઘર ફુટે ઘર જાય' એ કહેવત ખરી, અને વિભીષણના ઉપર બન્ધુદ્રોહનો આરોપ પણ મુકવામાં આવે છે. પણ જો એક માણસને પોતાના ભાઇનો પક્ષ અન્યાયયુક્ત લાગતો હોય, અને તેને વારવાનો પ્રયત્ન નિષ્ફળ જાય તો એનું કર્તવ્ય શું? અન્યાયી પક્ષ સાથે કામ કરવું એ ચિત્તની ચોખ્ખી અપ્રમાણિકતા જ થાય. તટસ્થ રહેવું તેમાં પણ ચિત્તની અપ્રામાણિકતા છે જ. સત્યનો-ન્યાયનો પક્ષ લેવો એ પુરુષાર્થી અને ધર્મનિષ્ઠ મનુષ્યનું લક્ષણ છે. અસત્ય અને અન્યાયનો કેવળ વિરોધ કરવાથી અથવા અસહકાર કરવાથી મનુષ્યનું પૂર્ણ કર્તવ્ય બજાવાઇ જતું નથી. આ કાળમાં યુદ્ધ એ જ ન્યાય પ્રાપ્ત કરવાનો માર્ગ રહેલો હોઇ સમાજે એ માર્ગને ધર્મ ગણેલો હતો, અને એ સંજોગોમાં વિભીષણે ન્યાયના પક્ષને વધારેમાં વધારે મદદ કરવી એટલે રામને જ મદદ કરવાની હોય. એથી બન્ધુદ્રોહ થાય તો એને માટે લાચાર. વિભીષણ રાજ્યલોભથી રામને આવી મળ્યો એવું ગૃહીત કરી લેવામાં આવે છે ત્યારે વિભીષણનો બન્ધુદ્રોહ અન્ય રૂપે ભાસે છે. પણ વાલ્મીકીએ વિભીષણમાં રાજ્યલોભનું આરોપણ નથી કર્યું એ યાદ રાખવું ઘટે છે. કેવળ શુદ્ધ ન્યાયપ્રિયતા મનુષ્યમાં હોઇ જ ન શકે એમ માનીને આપણે વિભીષણને દોષિત ઠરાવીએ છીએ.

ઉત્તરકાણ્ડ

પૃ.૬૨, લી.૧૯ : સત્કીર્તિ - રામે ભાઇઓને જે શબ્દો કહ્યા, તેમ જ સીતાએ રામને જે સંદેશો મોકલ્યો (જુઓ પૃ.૬૩, લી.૧૭) તે બન્નેમાં સીતાના ત્યાગનું એક જ કારણ આવ્યું છે - રામની સત્કીર્તિનું રક્ષણ. સત્કીર્તિની અભિલાષા ગમે તેટલી ઉચ્ચ હોય, છતાં જો કોઇ નિર્દોષ વ્યક્તિને અન્યાય કરવાથી સત્કીર્તિનું રક્ષણ થતું હોય તો તે સત્કીર્તિની રક્ષા યોગ્ય ન ગણાય એમ હું માનું છું. રામે કહ્યું કે સત્કીર્તિ માટે એ ભાઇઓનો ત્યાગ કરે તો સ્ત્રીની તો શી જ વાત! ઉત્તરકાણ્ડ લખાયો ત્યારે તે વખતે સમાજમાં સ્ત્રી જાતિ પ્રત્યે આદર ઘટી ગયો હશે, તેમજ લોકમાં સારા ગણાવા માટે ગમે તેવો અન્યાય કરી શકાય એવી ભાવના વધી હશે એમ જણાય છે. આ કાણ્ડ ભારતવર્ષની સંસ્કૃતિ ઝાંખી પડવા માંડી ત્યાર પછી લખાયો હોવો જોઇયે એમ આ ઉપરથી માલુમ પડે છે.

પૃ.૬૬,લી.૫: નારદ - પરમ ભાગવત નારદના નામની આજુબાજુ કેટલાયે પ્રકારની સારી નરસી કથાઓ જોડી દેવામાં આવી છે. શૂદ્રને તપનો અધિકાર નથી એવું પ્રતિપાદન કરતા જેને અહીં જણાવ્યા છે, અને ભાગવતમાં વસુદેવનાં બાળકોનો વધ કરવા કંસને પ્રેરનારા તરીકે જણાવ્યા છે, તે જ નારદ વાલ્મીકિ જેવા લૂંટારાના અને દૈત્યપુત્ર પ્રલ્હાદના તારક હતા.

નારદ વિષેની અનેક પૌરાણિક કથાઓ વિચારતા મને એમ લાગ્યું છે કે ઘણીખરી જગ્યાએ નારદ રૂપે મનુષ્યના મનનું જ વર્ણન કરેલું છે. માણસનું મન જ કલહ કરાવવાવળું છે. એ સારા વિચારો પણ ઉત્પન્ન કરે છે અને દુષ્ટ વિચારો પણ ઉપજાવે છે. એ જ શંકાઓ કાઢે છે, બ્હીવડાવે છે અને હિમ્મત આપે છે.

* * *

તપથી અધર્મનો પગ પૃથ્વી ઉપર પડી જ કેમ શકે એવી શંકા ઉપજવાનો સંભવ છે. તપનો હેતુ તો સત્યની શોધ કરવાનો જ હોવો જોઇયે. તેને બદલે જ્યારે મલિન આશયો સિદ્ધ કરવા, બીજાને પીડવા કે સાંસારિક સુખ, બળ ઇત્યાદિ માટે તપ કરવામાં આવે ત્યારે તપનો અર્થ પણ ફેરવાય, પ્રકાર પણ બદલાય અને એ અધર્મને પોષક પણ થાય. પોતાનો કોઈક સંકલ્પસિદ્ધ કરવા માટે એકાગ્ર ચિત્તે જે જે ઉપાયો યોજવામાં આવે એ સર્વેનું નામ તપ. ગીતાના અ. ૧૭ શ્લો.૧૭ થી ૧૯ માં સાત્ત્વિક, રાજસ અને તામસ તપનું વિવેચન છે તે જોવું.

સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણોમાંથી એક્ કે બેની પ્રધાનતા પરથી મનુષ્યના ચાર વર્ણો સ્વાભાવિકપણે પડ્યા છે એવી આપણી માન્યતા છે. તે પ્રમાણે સત્ત્વપ્રધાન મનુષ્ય તે બ્રાહ્મણ, સત્ત્વ-રજસ્-પ્રધાન ક્ષત્રિય, રજસ્તમસ્-પ્રધાન વૈશ્ય અને તમસ્-પ્રધાન તે શૂદ્ર. કોઇ તમસ્-પ્રધાન મનુષ્ય મલિન આશયથી તપ કરતો હોયે તેને પ્રજારક્ષાણાર્થે રાજાએ અટકાવવો જોઇયે, નહિ તો અધર્મ વધે એમ આ કથાનું તાત્પર્ય હોવાનો સંભવ છે.

પૃ.૬૭, લી.૨૯:તપના અધિકારનો સિદ્ધાન્ત - આ દલીલ વજુદ વિનાની છે એમ નહિ કહી શકાય. જેટલાં ગુરુગમ્ય જ્ઞાન છે તેમાં જિજ્ઞાસુનો અધિકાર તપાસવાની પ્રથા આપણા દેશમાં પ્રાચીન કાળથી ચાલી આવી છે. અધિકાર તપાસવામાં બે દૃષ્ટિઓ હતી. શિષ્યની ચિત્તશુદ્ધિ અને બુદ્ધિ. પોતે સંપાદન કરેલી વિદ્યાનો દુરુપયોગ કરે એટલા શુદ્ધ અંત:કરણવાળો શિષ્ય છે કે નહિ તે તપાસ કરવામાં ગુરુ અત્યંત કાળજી લેતા. એ દૃષ્ટિએ અધિકારી શિષ્ય ન મળે તો પોતાની વિદ્યા પોતાની સાથે જ મરી જાય એ બહેતર, પણ અશુદ્ધ હૃદયના માણસને જ્ઞાન ન જ આપવું એવો આગ્રહ મનાતો. વિદ્યા જગત કલ્યાણાર્થે છે, ઉચ્છેદાર્થે નહિ. ગુરુની ગફલતીને લીધે વિદ્યા કુશિષ્યને પ્રાપ્ત થવાથી જો લોકનું અહિત થાય તો તેનું પ્રાયશ્ચિત ગુરુને કરવું પડે. અધિકાર તપાસવામાં દૃષ્ટિ બુદ્ધિના વિકાસની છે. પણ એ માટે ગુરુને ઓછી ચિંતા રહેતી. બુદ્ધિની સ્થૂળતા વિશેષ મહેનતથી ટાળી શકાય અથવા બુદ્ધિ જેટલી પહોંચી શકે તેટલી જ વિદ્યા શીખવી શકાય. શુદ્ધ ચિત્તની સાથે સુક્ષ્મ બુદ્ધિનો સંયોગ એ સોનું ને સુગંધ મળ્યા જેવું ગુરુને લાગે.

તપનો વિધિ બતાવવામાં પણ એ રીતે ગુરુ અધિકાર તપાસે એ યોગ્ય છે. પણ કોઇ પોતે જ પોતાનો ગુરુ બની શકે એમ કંઈ નથી. અને અકાદ દુષ્ટ આશય સિદ્ધ કરવા પોતાની મેળે જ કોઇ સાધના કરતો હોય, તો એની સાધના રાજાએ ચાલવા દેવી કે કેમ એ પ્રશ્ન ઉભો થાય.

આ કથામાં શમ્બુકના તપનો આશય દુષ્ટ હતો કે કેમ તે જણાવ્યું નથી, અને એનો અનાધિકાર કેવળ એની જાતિ પર જ ઠેરવ્યો છે, એટલે આધુનિક દૃષ્ટિએ આ કૃત્ય આપણને રુચિકર લાગતું નથી.