રામ અને કૃષ્ણ/રામ/ઉત્તરકાણ્ડ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← યુદ્ધકાણ્ડ રામ અને કૃષ્ણ
ઉત્તરકાણ્ડ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
નોંધ →

ઉત્તરકાણ્ડ

વાલ્મીકિનું રામાયણ આટલેથી પુરૂં થાય છે. રાજા તરીકે રામચંદ્રની હકીકત ઉત્તરકાણ્ડ નામે રામાયણના છેલ્લા પ્રકરણમાં આવે છે, પણ તે આખો કાણ્ડ પ્રક્ષિપ્ત છે એવો વિદ્વાનોનો મત છે. તો પણ એની પ્રસિદ્ધિને લીધે એ ભાગ પ્રમાણે રામના જીવનની હકીકત અમે આપીયે છીયે.

સીતા-વનવાસ
આગળ જતાં સીતાને ગર્ભ રહ્યો ત્યારે કુટુંબમાં ઘણો આનંદ થયો. એક દિવસ સીતાએ રામને આ પ્રસંગ નિમિત્તે ગંગાતીર પર રહેનારા બ્રાહ્મણોને વસ્ત્રો ભેટ કરવાની ઇચ્છા દર્શાવી. રામ તરત જ એને મોકલાવાની વ્યવસ્થા કરવાનું વચન આપી રાજ સભામાં ગયા. સભામાં એક દૂત નગરચર્ચા કરી તરત જ આવ્યો હતો. લોકો પોતાને વિષે શું બોલે છે, એ વિષે રામે તેને સહજ પ્રશ્ન પૂછ્યો. તે હાથ જોડી બોલ્યો કે લોકો એમનાં પરાક્રમનાં ઘણાં વખાણ કરતા હતા. સમુદ્ર પર સેતુ બાંધવાનું એમનું કાર્ય, રાવણ અને કુમ્ભકર્ણ જેવા રાક્ષસોનો વધ, વાનરો અને રીંછો સાથે મૈત્રી કરવાની કુશળતા વગેરેથી લોકો આશ્ચર્યચકિત થતા હતા. પણ રાવણના ઘેર એક વર્ષ સુધી કેદ રહેલી સીતાને છોડાવી પાછી તેને રામે અંગીકાર કરી તેથી લોકો તેમને દોષ દેતા હતા, અને એમ પણ કહેતા હતા કે જ્યારે રામે પોતે આ પ્રમાણે કર્યું તો પ્રજાને તેમ કરવામાં શી હરકત છે ?

દૂતનાં આવાં વચનો સાંભળી રામચંદ્રને ઘણું દુ:ખ થયું. સભા બરખાસ્ત કરી અને લાંબો વખત સુધી એકાન્તમાં બેસી એમણે વિચાર કર્યો. પછી કાંઇક નિશ્ચય ઉપર આવી તેમણે પોતાના ભાઇઓને તેડાવી મંગાવ્યા. ભાઇઓને લોકાપવાદ સંભળાવી કહ્યું : "સત્કીર્તિને માટે હું તમારો પણ ત્યાગ કરતાં અચકાઉં નહિ, તો સીતાની તો શી જ વાત ? માટે લક્ષ્મણ, કાલે સવારે સીતાને રથમાં બેસાડી ગંગાપાર તમસા નદીને કિનારે વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે અરણ્યમાં મુકી આવ. સીતાએ ત્યાં જવાની ઈચ્છા દર્શાવી છે, એટલે તે ખુશીથી આવશે."

બીચારા લક્ષ્મણ શોકાતુર ચહેરે અને રડતી આંખે બીજે દિવસે સવારે શંકા વિનાની સીતાને રથમાં બેસાડી વાલ્મીકિના આશ્રમ તરફ ચાલ્યા. એ પ્રદેશમાં પહોંચતાં જ લક્ષ્મણે સીતાને સાષ્ટાંગ દંડવત કર્યા અને હાથ જોડ્યા. એ બોલવા ગયા, પણ 'હે સીતા માતા' એટલું જ બોલી શક્યા. એનો સાદ બેસી ગયો. સીતા એના શોકનું કારણ વારે વારે પૂછવા લાગ્યા, ત્યારે ઘણા કષ્ટે તેણે રામની આજ્ઞા સીતાને જણાવી. બન્ને જણાએ અરણ્યમાં પુષ્કળ વખત સુધી શોક કર્યો. અન્તે સીતાએ ધૈર્ય પકડી લક્ષ્મણને વિદાય કર્યા. તેણે કહાવ્યું : "સર્વે સાસુને મારા પ્રણામ કહેજો, અને તે પરમ ધાર્મિક રાજાને મારી તરફથી સન્દેશો કહેજો કે 'મહારાજ, સર્વ લોકો સમક્ષ મેં અગ્નિમાં પડી મારી શુદ્ધિ સાબીત કરી આપી, તે છતાં લોકાપવાદની બ્હીકથી તમે મારો ત્યાગ કર્યો તો તે મને સર્વથા કબુલ છે.લોકાપવાદથી સત્કીર્તિને કલંક લાગે નહિ, એ તમારી ઇચ્છા શોભા આપનારી છે; અને રાજા તરીકે એ તમારો પરમ ધર્મ છે. તમારી કીર્તિને કલંક ન લાગે એવી મને પણ ઇચ્છા છે, તેથી તમે મારો ત્યાગ કર્યો તેનો જરા પણ દોષ દેતી નથી. આપ પત્ની તરીકે મારા પર હવે પછી પ્રેમ રાખો નહિ તો યે આપના રાજ્યની એક સાધારણ તપસ્વિની તરીકે પણ મારા ઉપર કૃપાદૃષ્ટિ રાખજો."

પુષ્કળ અશ્રુપાત કરી લક્ષ્મણ છેવટે પાછા ફર્યા અને સીતાએ પછી એક ઝાડ નીચે બેસી રુદન ચલાવ્યું. વાલ્મીકિના કેટલાક શિષ્યોએ તે રુદન સાંભળ્યું. તેમણે વાલ્મીકિને જાણ કરી. કરુણમૂર્તિ વાલ્મીકી ત્યાં આગળ આવી પહોંચ્યા, અને સીતાને દિલાસો આપી પોતાના આશ્રમમાં લઇ આવ્યા. એમણે સીતાને માટે એક ઝુંપડી બંધાવી રહેવાની વ્યવસ્થા કરાવી.ત્યાં સીતાને બે પુત્રો થયા. વાલ્મીકિએ તેમનાં નામ લવ અને કુશ પાડ્યાં, અને તેમને ભણાવી ગણાવી હોશીયાર કર્યા. બન્ને ભાઇઓ ક્ષાત્રવિદ્યામાં તેમ જ સંગીત વિદ્યામાં નિપુણ થયા.

ચાર દહાડે લક્ષ્મણ અયોધ્યા પાછા ફર્યા અને રામને સીતાનો સન્દેશો કહ્યો. રામે આ ચારે દિવસ અતિશય શોકમાં ગાળ્યા હતા, અને રાજકાજમાં કશું લક્ષ્ય આપ્યું ન હતું. પણ જે રાજા પ્રજાની ફરિયાદ સાંભળતો નથી તે નરકમાં પડે છે, એવું શાસ્ત્રવચન યાદ કરી એમણે ધૈર્ય ધારણ કર્યું અને પાછા રાજકાર્યમાં લાગ્યા. એમની કારકીર્દીમાં શત્રુઘ્ને મથુરા પાસેના પ્રદેશના લવણ રાજાને મારી એ દેશ પોતાને તાબે કર્યો. તેના પરાક્રમના બદલામાં રામે તેને એ પ્રાન્તનું રાજ્ય સોંપ્યું.

જે સમયે ઉત્તરકાણ્ડ લખાયો હશે તે સમયમાં ત્રિવર્ણોની શૂદ્ર સામે કેવી તિરસ્કારવૃત્તિ હશે તે નીચેના પ્રસંગ પરથી જણાય છે.

શમ્બુકવધ
એક દિવસ એક બ્રાહ્મણ બાર-તેર વર્ષના પોતાના બાળકનું પ્રેત લઈ રાજસભામાં આવ્યો, અને માબાપનં જીવતાં અલ્પવયના બાળકનું મૃત્યુ થવાનો અધટિત પ્રસંગ બનવાનું રામને કારણ પૂછવા લાગ્યો. એણે કહ્યું કે અમે -માબાપે- કદી પણ અસત્ય ભાષણ કિંવા બીજું કાંઇ પાપ કર્યું હોય એમ અમને યાદ નથી. માટે આ અનર્થ રાજાના દોષને લીધે આવ્યો હોવો જોઇયે. જે પાપ રાજા કરે છે અથવા તેના અમલ નીચે કરવામાં આવે છે તેનું દુષ્ટ ફળ પ્રજાને વેઠવું પડે છે. ન્યાયપ્રેમી રાજા વિચાર કરવા લાગ્યા કે એનું એવું કયું પાપ હશે, કે જેને પરિણામે આ બ્રાહ્મણનો બાળક પુત્ર અલ્પાયુ બન્યો. કથા કહે છે કે એટલામાં નારદે રામને કહ્યું કે તારા રાજ્યમાં કોઈ શૂદ્ર તપ કરતો હોવો જોઈયે. પૂર્વે કૃતયુગમાં બ્રાહ્મણો જ તપશ્ચર્યા કરતા. તે યુગમાં સર્વ લોક દીર્ઘદૃષ્ટિવાળા, નીરોગી અને દીર્ઘાયુષી હતા. પછી ત્રેતાયુગમાં ક્ષત્રિયો પણ તપ કરવા લાગ્યા. તેથી બ્રાહ્મણ તેમજ ક્ષત્રિયો તપ અને વીર્યથી સંપન્ન થયા; પણ તે સાથે જ અધર્મે પોતાનો એક પગ પૃથ્વી પર મુક્યો. અસત્ય ભાષણ, હિંસા, અસન્તોષ અને ક્લેશ એ અધર્મના ચાર પગ છે. તેમાંનો એક પગ પૃથ્વી પર પડતાં જ ત્રેતાયુગમાં માણસોના આયુષ્યની મર્યાદા કમતી થઈ. આગળ જતાં દ્વાપરયુગમાં વૈશ્ય લોક પણ તપ કરવા લાગ્યા. તેથી અધર્મનો બીજો પગ-હિંસા જમીન પર પડ્યો, અને મનુષ્યના આયુષ્યની મર્યાદા અધિક કમતી થઇ. તથાપિ શૂદ્રને કદાપિ તપ કરવાનો અધિકાર ન હતો. મારા મત પ્રમાણે હાલ કોઈ શૂદ્ર આ પૃથ્વી ઉપર તપ કરતો હોવો જોઇયે." આ સાંભળી બાળકના શબને તેલમાં રખાવી રામ શૂદ્ર તપસ્વીની શોધમાં નીકળ્યા. ફરતાં ફરતાં દક્ષિણ દેશમાં શમ્બુક નામના એક શૂદ્રને સ્વર્ગપ્રાપ્તિમાટે તપ કરતો જોઇ રામે એનું શિર ઉડાવી નાંખ્યું.

આ કાર્યના બચાવમાં ઉત્તરકાણ્ડમાં એવી દલીલ આપેલી છે કે તપ સિવાય સિદ્ધિ મળતી નથી એ સિદ્ધાન્ત જેટલો ખરો છે, તેટલો જ પાત્રતા વિના તપનો અધિકાર નથી એ સિદ્ધાન્ત પણ ખરો છે.

શમ્બુકના વધથી બ્રાહ્મણનો પુત્ર જીવતો થયો એ કહેવાની જરૂર નથી.

અશ્વમેધ
ત્યાર પછી રામે અશ્વમેધ યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો. સીતાને ઠેકાણે સુવર્ણની મૂર્તિ કરી યજ્ઞ આરંભ્યો. એક વર્ષ સુધી એ યજ્ઞ ચાલ્યો. એ યજ્ઞ જોવા વાલ્મીકિ પણ પોતાના શિષ્યો સહિત આવ્યા. તેમની સાથે લવ અને કુશ પણ હતા. વાલ્મીકિએ પોતાનું રામાયણ બે કુમારોને ભણાવ્યું હતું, અને વાદ્ય સહિત ગાતા ગાતા તે શહેરમાં અનેક ઠેકાણે સંભળાવતા હતા. એમના સુન્દર ગાનની તારીફ રામને કાને પહોંચી. રામે તે બાળકોને તેડાવ્યા, બધાના દેખતાં યજ્ઞમંડપમાં રામાયણ ગાવાની આજ્ઞા કરી.
રામાયણનું
ગાન
બે બાળકો રામના કેવળ પ્રતિબિમ્બ જ હતા. રામને એ પોતાના પુત્ર જ હોવા જોઇયે એમ શંકા થઇ. તેથી એમણે વાલ્મીકિને સંદેશો કહેવડાવ્યો કે આપની પરવાનગી હોય તો સીતાએ પોતાની શુદ્ધતા વિષે દિવ્ય કરાવવું. વાલ્મીકિએ માગણી કબુલ કરી. બીજે દિવસે યજ્ઞમંડપમાં સભા ભરાયા પછી મહાકવિ વાલ્મીકિની પાછળ હાથ જોડી, આંખમાંથી આંસુ ઢાળતાં, નીચા વદને સીતા સભામાં આવ્યાં. સભા વચ્ચે વાલ્મીકિ બોલ્યા: "હે દાશરથિ રામ, આ તારી પતિવ્રતા, ધર્મશીલ પત્ની સીતાને તેં લોકાપવાદની બ્હીકથી અરણ્યમાં મોકલી દીધી, ત્યારથી તે મારા આશ્રમમાં રહેલી છે. આ બે તારા જ પુત્રો છે. આજપર્યંત હું કદી ખોટું બોલ્યો નથી. હું કહું છું કે આ વૈદેહી સર્વ પ્રકારે નિષ્પાપ અને શુદ્ધ છે. એ જો અસત્ય હોય તો મારી હજારો વર્ષની તપસ્યા નિષ્ફળ જાઓ. એ સીતા પણ તને પોતાની પવિત્રતા વિષે ખાત્રી કરી આપશે."
સીતાનું
બીજું દિવ્ય
પછી ભગવાં વસ્ત્ર ધારણ કરેલાં, શોક અને તપથી અત્યંત કૃશ થયેલાં, દૃષ્ટિને જમીન પર ઠરાવીને ઉભેલાં સીતા આગળ આવ્યાં, અને બે હાથ જોડી મોટે સ્વરે બોલ્યાં : "હે પૃથ્વીમાતા, જો રામચંદ્ર સિવાય બીજો કોઇ પણ પુરુષ આજ સુધી મનમાં મેં ચિંતવ્યો ન હોય, તો મને તારા ઉદરમાં આશ્રય આપ. જો મન, કર્મ અને શબ્દથી મેં આજપર્યંત રામચંદ્ર પર પ્રેમ રાખ્યો હોય, અને રામચંદ્ર સિવાય બીજા કોઇ પુરુષને હું ઓળખતી સુદ્ધાં નથી એ અક્ષરશ: ખરૂં હોય, તો મને તારા ઉદરમાં આશ્રય આપ." આમ ત્રણ વાર સીતાએ કહ્યું, અને તેની સાથે જ પૃથ્વીના બે ભાગ થયા અને સીતા તેમાં સમાઇ ગયાં. આ રીતે સીતાનું બીજું કઠોર દિવ્ય રામ અને તેની પ્રજાને જન્મ પર્યંત અનુતાપ કરાવતું પૂર્ણ થયું. રાજા-પ્રજાએ પુષ્કળ શોક કર્યો, પણ સીતા તો ગયાં જ.
લક્ષ્મણનો
ત્યાગ
રામનો અન્તકાળ પણ દુ:ખરૂપ જ હતો. એક્ દિવસ એક મુનિ રામની જોડે એકાન્તમાં સંભાષણ કરવા આવ્યા. એમની વાતચીતમાં ભંગાણ પાડે તો દેહાન્ત દંડની શિક્ષા થાય એવી તેણે પહેલેથી માગણી કરી હતી, અને તે પ્રમાણે રામે લક્ષ્મણને દરવાજા પર ચોકી કરવા બેસાડ્યા હતા. બે જણા વાત કરતા હતા એટલામાં, ક્રોધીપણાનું કલંક જેને માથે ચઢેલું છે એવા દુર્વાસા મુનિ ત્યાં આવી લાગ્યા અને રામને મળવા ઉતાવળા થયા. લક્ષ્મણે આનાકાની કરી એટલે એણે આખા રાજ્યને શાપ આપવાની ધમકી અપી. બિચારા લક્ષ્મણને તો સુડી વચ્ચે સોપારી જેવું થયું. પછી, સઘળાં પર વિપત્તિ આવી પડે તેના કરતાં પોતાના એકલા પર જ આવી પડે તે વધારે સારૂં એમ વિચારીને એ રામ પાસે ગયા, અને દુર્વાસાના આગમનના સમાચાર આપ્યા. દુર્વાસા તો માત્ર તપ કરી ભૂખ્યા થવાથી ભિક્ષા માગવા આવ્યા હતા, પણ એની ભિક્ષામાં લક્ષ્મણના પ્રાણ વ્હોરાશે એવો એણે ખ્યાલ ન કર્યો. રામને માથે ધર્મસંકટ આવ્યું. પ્રતિજ્ઞા પ્રમાણે લક્ષ્મણને દેહાંત દંડની સજા કરવી જોઇયે. પણ લક્ષ્મણ જેવા ભાઇને એવી શિક્ષા ફરમાવતાં કોની હિમ્મત ચાલે ? શું કરવું તે સુઝે નહિ. છેવટે એમણે સભા ભરી સર્વ હકીકત વસિષ્ઠ અને પ્રજાજનને કહી સંભળાવી. વસિષ્ઠે એવો તોડ કાઢ્યો કે સજ્જનનો ત્યાગ એ વધ સમાન છે, માટે રામે લક્ષ્મણનો ત્યાગ કરવો. રામે એ પ્રમાણે લક્ષ્મણને પોતાથી દૂર્ થવાની સજા ફરમાવી. આજ્ઞા સાંભળતાં જ લક્ષ્મણ રામચંદ્રને નમસ્કાર કરી, પરભાર્યા સરયૂતટ પર ગયા; અને સ્નાન કરી, પવિત્ર થઈ, દર્ભાસન પર આસન માડી, પોતાનો શ્વાસ ચડાવી દઈ દેહ છોડ્યો. આ રીતે બંધુભક્તિપરાયણ શૂર સુમિત્રાનંદનનો અન્ત આવ્યો. એણે પોતાના હૃદયમાં ઉભરાતી રામભક્તિથી પ્રેરાઇને વૈભવ, માતા અને પત્નીનો ત્યાગ કર્યો, બાર વર્ષ સુધી ઉજાગરો કર્યો, ચૌદ વર્ષ સુધી વનવાસ ભોગવ્યો અને જીવનનો અંત થયો ત્યાં સુધી રામની સેવા કરી. બંધુભક્તિનો આદર્શ બેસાડી લક્ષ્મણે લોકહિત માટે મૃત્યુની ભેટ લીધી.
રામનો
વૈકુંઠવાસ
રામે તે જ દિવસે પોતાના રાજ્યનો લવ, કુશ તથા ભરત,લક્ષ્મણ વગેરેના પુત્રોમાં યથાયોગ્ય વિભાગ કર્યો, અને દરેકનો અભિષેક કરી મહાપ્રસ્થાન માટે ઘરમાંથી ચાલી નીકળ્યા. એની પાછળ અન્ત:પુરની સર્વે સ્ત્રીઓ, સંબંધીજનો અને પ્રજાજનો પણ ગયાં. રામે સરયૂમાં પોતાનો દેહ છોડી દીધો, અને એની પાછળ ભરત, શત્રુઘ્ન અને પ્રજાએ પણ એ જ ગતિ લીધી. આ રીતે રામચરિતની પૂર્ણતા થઈ.
રામાયણનું
તાત્પર્ય
રામાયણમાં વાલ્મીકિએ આર્યોના આદર્શો ચિતરેલા છે. દશરથ એ આર્યોનો આદર્શ પિતા છે, સુનિત્રા માતા, રામ આદર્શ પુત્ર અને રાજા, ભરત આદર્શ બંધુ-મિત્ર, અન્યાયોમાં અસહકારી લક્ષ્મણ આદર્શ સેવક-બંધુ, હનુમાન આદર્શ દાસ, સીતા આદર્શ પત્ની, વિભીષણ આદર્શ સલાહકારક અને અસહકારી. તે જ પ્રમાણે માનવજાતિમાં વસતા આસુરી ભાવોનો પણ વાલ્મીકિએ મૂર્તિમંત ચિતાર આપ્યો છે. કૈકેયી ઇર્ષાની મૂર્તિ, રાવણ સામ્રાજ્યમદની મૂર્તિ, વાલી શારીરિક બળના મદની મૂર્તિ અને સુગ્રીવ પરાવલંબી સ્વભાવથી ઉપજતી સર્વ પ્રકારની માનસિક નિર્બળતાની મૂર્તિ છે. અન્યાય જાણ્યા છતાં, એ માટે તિરસ્કાર છતાં એની સામે થવા માટે જોઈતી જરૂરી હિમ્મતનો અભાવ મારિચમાં પ્રત્યક્ષ થાય છે; ઉંઘ, આળસ, ખાઉધરાપણું અને મોહ કુમ્ભકર્ણમાં ગોચર થાય છે; ઈંદ્રજિતમાં આસુરી સંપત્તિનો સાર અને આંખને આંજી નાખનારો પ્રકાશ છે. આ સાથે જ વાલ્મીકિએ રાજકીય અને કૌટુમ્બિક વ્યવસ્થાનો આદર્શ પણ અત્યંત મનોહરપણે ચિતર્યો છે. એ આદર્શ પ્રમાણે આર્ય રાજાનું જીવન સુખોપભોભોગ માટે નથી, પ્રજા એના સુખનું સાધન નથી; પણ પ્રજાના સુખાર્થે રાજાનો જન્મ છે.પોતાના શરીર, કુટુંબ, સુખ, સંપત્તિ અને સર્વસ્વનું અર્પણ કરીને એણે પ્રજાનું પાલન કરવાનું છે.ગુરુ અને પ્રજાની ધર્મયુક્ત સલાહ મુજબ એણે રાજકારભાર ચલાવવો જોઇયે. પ્રજાને પ્રિય હોય એવો જ પુરુષ રાજા થઈ શકે, એટલે રાજાની નીમણૂક પ્રજાની સંમતિથી થવી જોઇયે. અત્યંત પ્રમાણિકપણે અને શુદ્ધ ભાવે પોતાનું કર્તવ્ય બજાવ્યાથી પ્રજાનો સંતોષ અને વિશુદ્ધ પ્રેમ એ જ એની સેવાનું ઇનામ છે. એ પોતાના મુકુટથી કે સિંહાસન અથવા છત્ર-ચામરથી પ્રજાનો પૂજ્ય નથી, પણ એની ધાર્મિકતા, કર્તવ્યનિષ્ઠા, શૂરતા, પરદુ:ખભંજનતા, ન્યાય અને પરાક્રમથી પૂજ્ય ગણાય છે. એની પ્રજા એણે કાઢેલાં આજ્ઞાપત્રોની અમલબજાવણી કરાવી ન થઇ શકે, પણ સંતુષ્ટ પ્રજાના ચિત્તમાં ઉભરાતા નૈસર્ગિક પ્રેમથી જ થાય. અનેક સ્ત્રીઓ કરવાનું દુષ્ટ પરિણામ એણે દશરથના દુ:ખકારક અંતકાળથી દર્શાવ્યું છે, અને રામના ચરિતથી એકપત્નીવ્રતપણાનો આદર્શ બેસાડ્યો છે. જનક અને રામનો સસરા-જમાઈ અને કૌશલ્યા તથા સીતાનો સાસુ-વહુનો સંબંધ પણ ક્લેશ વિનાનો પ્રેમયુક્ત છે. કુટુંબ અને રાજ્યનો કર્તા પુરુષ સત્યનિષ્ઠ, ધાર્મિક, નિ:સ્વાર્થી, શૂર અને પ્રેમળ હોય તો સર્વેને કેવો આશીર્વાદરૂપ થઇ પડે એ રામચરિતનો બોધ છે.