રામ અને કૃષ્ણ/રામ/યુદ્ધકાણ્ડ

વિકિસ્રોતમાંથી
← સુન્દરકાણ્ડ રામ અને કૃષ્ણ
યુદ્ધકાણ્ડ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
ઉત્તરકાણ્ડ →






યુદ્ધકાણ્ડ

હવે રામે યુદ્ધને માટે કપિસૈન્યને તૈયાર કરવા માંડ્યું. રામેશ્વર આગળ વાનરોની છાવણી પડી.

આ બાજુ રાવણ પણ રામ ચઢાઇ લાવે તો શું કરવું તે વિષે વિચારમાં પડ્યો. એણે પોતાના ભાઇઓ અને મંત્રીઓની સભા ભરી. મંત્રીઓ રાવણનો સ્વભાવ જાણતા હતા. અભિમાની અને સમૃદ્ધિ ભોગવનારા માણસો સલાહ માગે છે, પણ ખરી સલાહ સહન કરી શકતા નથી. પોતાની ભૂલ બતાવે એવી શિખામણ એમને રુચતી નથી. જે એમની હામાં હા ભેળવે, એમની ભૂલોને મુત્સદ્દી

-ગિરી અને બળની નિશાની ઠરાવે, તે એમને સાચા સલાહકાર લાગે છે. અનુભવી મંત્રીઓએ રાવણને રુચે એવી જ સલાહ આપી. માણસ અને વાનરોથી રાક્ષસોને ડરવાની જરૂર નથી માટે નિશ્ચિન્ત રહેવું, એમ રાવણનાં બળ અને પરાક્રમની ભાટાઇ કરી સમજાવ્યું. પણ રાવણના ભાઈ કુમ્ભકર્ણ અને વિભીષણને આ સલાહ રુચી નહિ. એમણે સીતાના હરણને વખોડી કાઢ્યું, અને સીતાને પાછી સોંપી આખા દેશ પર આવનારી આફતને ટાળવા તથા ન્યાય્ય વર્તનનો રસ્તો લેવા સમજાવ્યો. કુમ્ભકર્ણ તો સલાહ આપી મૂંગો રહ્યો. ન માને તોયે ભાઇનો જ પક્ષ રાખવો એ એનો મત હતો. વિભીષણે વિશેષ આગ્રહ ધર્યો. એણે એટલા આગ્રહપૂર્વક રાવણને ઠપકો આપ્યો, કે રાવણ એના પર છંછેડાઈ ગયો અને કુળકલંક કહી એનો તિરસ્કાર કર્યો.

રાવણને સમજાવવો શક્ય નથી એમ જોઈ વિભીષણ એના ચાર મિત્રો સહિત લંકા છોડી ગયો, અને રામને જઈ મળ્યો. વિભીષણના પ્રામાણિકપણાની ખાત્રી કરી લઇ રામે એની લંકાના રાજા તરીકે ઘોષણા કરી. વિભીષણનું આ પ્રમાણે આવી મળવું રામને અતિશય ઉપકારક થઈ પડ્યું. એની તરફથી એને રાવણના બળની પૂરેપૂરી માહિતી મળી શકી. એની સલાહથી અને નળ નામના એક ઉત્તમ વાનર શિલ્પીની મદદથી રામે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, અને તે ઉપર થઇ લંકામાં સૈન્ય ઉતાર્યું. સુવેલુ નામના પર્વત ઉપરથી રામ, લક્ષ્મણ, સુગ્રીવ, વિભિષણ વગેરે લંકાનું સારી રીતે નિરીક્ષણ કરી શકતા હતા.

રામે તરત જ લંકાની ચારે પાસ સખ્ત ઘેરો ઘાલ્યો.એક ચલીયું પણ અંદર પેસવા ન પામે એવો એણે બંદોબસ્ત રાખ્યો હતો. પણ કિલ્લા પર હલ્લો કર્યા પહેલાં છેવટનો સામ-ઉપાય લેવાના ઇરાદાથી અંગદને વિષ્ટિ કરવા રવાના કર્યો. અંગદ રાવણ પાસે ગયો, તેને સમજાવ્યું, પણ અભિમાની અસુરે કશુંયે માન્યું નહિ.

યુદ્ધ
રામે લંકા પર તૂટી પડવાની સૈન્યને આજ્ઞા આપી. બન્ને બાજુએ ભયંકર યુદ્ધ ચાલ્યું. એક પછી એક રાવણના વીરો પડવા લાગ્યા. છેવટે કુમ્ભકર્ણ પણ રામને હાથે પડ્યો. રાવણનો જ્યેષ્ઠ પુત્ર ઈન્દ્રજિત, જે અજિત ગણાતો હતો, અને બાર વર્ષ જાગરણ કરી બ્રહ્મચર્ય પાળનાર પુરુષ જ એને મારી શકે એવું એણે વરદાન મેળવ્યું હતું, પણ તે લક્ષ્મણને હાથે માર્યો ગયો. રાવણને પોતાને હવે લડાઇમાં ઉતરવું પડ્યું. એણે એક તીક્ષ્ણ શક્તિ લક્ષ્મણના ઉપર ફેંકી. તે એની છાતીમાં પેસી ગઇ અને એ મૂર્છા ખાઈ પડ્યો. આથી રામ બહુ હતાશ થયા. પણ હનુમાનના પરાક્રમથી સંજીવની નામે ઔષધિથી તેનું શલ્ય નીકળી ગયું, અને પાછો સચેત થયો. લક્ષ્મણ સજીવન થયા જાણી રાવણનો ક્રોધ વધ્યો. "હું મરૂં પણ સીતાને તો રામના હાથમાં ન જ જવા દઉં" એમ કહી એ સીતાને મારવા દોડ્યો. પણ આટલા પાપમાં સ્ત્રીહત્યાનું પાપ ન વધારવા એના સચિવે રાવણને સમજાવ્યો, અને તેથી એ વળી પાછો રામની સામે લડવા આવી ઉભો. રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. છેવટે રાવણની નાભિમાં રામે એક અચુક બાણ માર્યું, અને તેની સાથે જ રાવણનું શરીર રણ પર મડદું થઈ પડ્યું. આ રીતે રાજ્યલોભી, ગર્વિષ્ઠ અને કામાન્ધ રાજાએ પોતાના અન્યાય અને અધર્મની શિક્ષા સહન કરી.
સીતાની દિવ્ય
કસોટી
રામ અને વિભીષણનો જયજયકાર થયો. રામે લક્ષ્મણ પાસે વિભીષણનો અભિષેક કરાવ્યો. સીતાને સ્નાન કરાવી, ઉત્તમ વસ્ત્રાંલંકાર પહેરાવી પોતા પાસે મોકલવા એણે આજ્ઞા કરી. સીતાની ઈચ્છા શરીર શણગાર્યા વિના રામ પાસે જવાની હતી, પણ આજ્ઞા માથે ચડાવી એણે વસ્ત્રાલંકાર ધારણ કર્યાં. વિભીષણે એમને પાલખીમાં બેસાડી રામ પાસે મોકલ્યાં. સૈન્યની વચ્ચેથી આવતાં પાલખીને લીધે વાનરોને બહુ ત્રાસ થવા લાગ્યો. રામ એ સહન કરી શક્યા નહિ અને પગે ચાલીને આવવા ફરમાવ્યું. સદૈવ પતિઆજ્ઞાપરાયણ દેવી સીતા રામ આગળ પગે ચાલીને આવ્યાં અને હાથ જોડીને ઉભાં રહ્યાં; પણ આ વખતે રામ કાંઇ બદલાઇ જ ગયા હતા. 'સીતા, સીતા' કહી શોકમાં જે ઝૂરી મરતા હતા, તેને પાછી મેળવવા આટલાં પરાક્રમ કર્યાં હતાં, તે રામે સીતા જ્યારે પ્રત્યક્ષ આવીને ઉભાં રહ્યાં ત્યારે તેની સામે દૃષ્ટિ પણ માંડી નહિ. ઉલટું પોતાના સાદમાં ગંભીર કઠોરતા આણી એમણે કહ્યું : "સીતા, આ બધી ખટપટ મેં કરી તે તારે માટે નહિ. મારા પુરુષાતન પર અને મારા કુળના નામ પર તારા હરણથી જે કલંક ચઢ્યું હતું, તેને ધોઇ નાંખવા જ મેં આ મહાપરિશ્રમ વેઠ્યો છે. પણ તું શુદ્ધ છે કે નહિ તે વિષે મને સંશય છે, માટે હું તારો સ્વીકાર કરીશ નહિ. તને જ્યાં જવું હોય ત્યાં જવાની પરવાનગી આપું છું. "નિરન્તર પ્રેમાળ અને મધુરભાષી રામના મુખમાંથી આવાં કઠોર વચનો સાંભળવાની સીતાએ મુદ્દલે આશા રાખી ન હતી.એનું શરીર રોષ અને દુ:ખથી કંપવા લાગ્યું. છેવટે એણે અગ્નિપ્રવેશથી પોતાની શુદ્ધિનો પુરાવો આપવાનો નિશ્ચય કર્યો. એક ચંદનના કાષ્ઠની ચિતા રચવામાં આવી. સીતાએ બે હાથ જોડી અગ્નિની અને રામની પ્રદક્ષિણા કરી, દેવ અને બ્રાહ્મણને નમસ્કાર કરી કહ્યું " "હે અગ્નિદેવ, જો મારૂં ચિત્ત શ્રી રામચંદ્રના ચરણ વિના બીજા કોઇ પણ વિષે કદી ન ગયું હોય તો જ મારૂં રક્ષણ કરજો." આટલું બોલી એણે અગ્નિમાં ઝંપલાવી દીધું. એની પરીક્ષા પૂરી થઇ. અગ્નિએ એને નિર્બાધીત રાખી એની નિષ્પાપતાની સર્વેને ખાત્રી કરાવી આપી. રામ, લક્ષ્મણ અને સર્વ વાનર સૈન્યના હર્ષનો પાર રહ્યો નહિ. રામે અતિ આનંદથી સીતાનો સ્વીકાર કર્યો.
અયોધ્યાગમન
હવે ચૌદ વર્ષ પૂરાં થવાને પણ વાર ન હતી. વિભીષણે પોતાનું પુષ્પક વિમાન સજાવી સર્વેને અયોધ્યા પહોંચાડવા તૈયારી કરી. પોતે અને વાનરો પણ રામની સાથે અયોધ્યા જવા તૈયાર થયા. વિમાન આકાશમાર્ગે ઉડ્યું, અને થોડા વખતમાં કોસલ દેશ નજીક આવી પહોંચ્યું. અયોધ્યા દૃષ્ટિએ પડતાં જ સર્વે એ પોતાની પુણ્ય માતૃભૂમિને નમસ્કાર કર્યા. ભરદ્વાજ આશ્રમનાં દર્શન કરવા સર્વે વિમાનમાંથી પૃથ્વી પર ઉતર્યાં. એક દિવસ ત્યાં રહી બીજે દિવસે સર્વે એ અયોધ્યા જવાનું ઠરાવ્યું. આગળથી ભરતને સૂચના આપવા અને તેના મનોભાવની પરીક્ષા કરવા રામે મારુતિને આગળ મોકલ્યા. હનુમાને ભરતને એક અરણ્યમાં, વ્રતથી સુકાઇ ગયેલા, શિર પર જટાના ભારવાળા, પ્રત્યક્ષ ધર્મની મૂર્તિ હોય એવા નિહાળ્યા. રામના આગમનના શુભ સમાચાર સાંભળતાં જ ભરતને આંનદના આવેશથી મૂર્છા આવી ગઇ. થોડી વાર પછી સાવધ થઇ એ હનુમાનને જોરથી ભેટી પડ્યા, અને એને હજાર ગાયો અને સો ગામ ઇનામમાં આપ્યાં. શહેરમાં તુર્ત જ સન્દેશો મોકલી દીધો, અને રામને આવકાર આપવા ધામધુમ મચી. એ દિવસ અયોધ્યાના રાજ્યમાં દિવાળીનો થયો. રાજા-પ્રજા, માતા-પુત્ર, સાસુ-વહુ, ભાઇ-ભાઇ, ગુરુ-શિષ્ય, પતિ-પત્ની અને સ્નેહી-સ્નેહીઓનો આજે મેળાપ થવાનો હતો. ચૌદ વર્ષ અપાર દુ:ખ વેઠ્યા પછી આનંદનો દિવસ આવ્યો તેનો મહોત્સવ અવર્ણનીય થયો. "રાજા રામચંદ્રની જય" એવી ગર્જના જે તે દિવસે ઊઠી તે હજી સુધી શમી નથી. તે જ દિવસે વસિષ્ઠે રામચંદ્રનો રાજ્યાભિષેક કર્યો. રામે સુગ્રીવ, વિભીષણ, જામ્બુવાન, હનુમાન વગેરે સર્વે પરોણાઓને પુષ્કળ રત્નાલંકાર આપ્યા. સીતાએ પોતાનો મોતીનો હાર મારુતિના ગળામાં પહેરાવ્યો અને એનો જયજયકાર કરાવ્યો. એનાં નૈષ્ઠિક બ્રહ્મચર્યના ફળ સ્વરૂપ એનાં બળ, બુદ્ધિ, તેજ , ધૈર્ય, વિનય અને પરાક્રમથી જ સીતાને સ્વાતંત્ર્ય મળ્યું હતું. ત્યારથી રામ,લક્ષ્મણ અને સીતા સાથે હનુમાનનું નામ પણ અમર થયું.

પછી શ્રી રામચંદ્રે એવી ઉત્તમ રીતે રાજ્ય કર્યું કે સર્વે પ્રજા સુખ અને આનંદમાં રહેવા લાગી. રામરાજ્યમાં એક પણ વિધવા સ્ત્રી નજરે ચડતી ન હતી. સર્પ કે રોગનો ભય ન હતો. કોઈ માણસ બીજાનો માલ ચોરીથી કે અન્યાયથી લેતો નહિ. એના રાજ્યમાં સર્વ પ્રકારના અનર્થો દૂર થયા. વૃદ્ધની પહેલાં જુવાન મરવાના અનિષ્ટ પ્રસંગો બંધ થયા. ધન, ધાન્ય, ફળ, ફુલ અને બાળ-બચ્ચાંઓની વૃદ્ધિ થવા લાગી. આ પ્રમાણે આખા રાજ્યમાં સુખ અને નીતિનો વધારો થઇ લોક આનંદ પામ્યા. શ્રી રામચંદ્રે દશ અશ્વમેધ કરી અક્ષય કીર્તિ પ્રાપ્ત કરી અને દીર્ઘાયુષ્ય ભોગવી તેઓ વૈકુંઠમાં ગયા.