રામ અને કૃષ્ણ/રામ/આયોધ્યાકાણ્ડ

વિકિસ્રોતમાંથી
રામ અને કૃષ્ણ
આયોધ્યાકાણ્ડ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અરણ્યકાણ્ડ →





અયોધ્યાકાણ્ડ

યુવરાજપદ
કેટલાંક વર્ષ આનન્દમાં ચાલ્યાં ગયાં. દશરથ દિવસે દિવસે ઘડપણથી અશક્ત થતા હતા. તેથી એમણે એક દિવસ પોતાના રાજ્યના વિદ્વાન બ્રાહ્મણો, માંડલિક ક્ષત્રિયો અને વ્રુદ્ધ પુરુષોની સભા ભેગી કરી અને રામને યુવરાજ નીમવા વિષે તેમનો અભિપ્રાય પૂછ્યો. સભાએ એકમતે પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બીજે જ દહાડે રામનો યુવરાજ તરીકે અભિષેક કરવાનો નિશ્ચય કર્યો.
કૈકેયીનો કલહ
આ વખતે ભરત પોતાને મોસાળ હતો. કૈકેયીની એક દાસી મન્થરાને ભરતની ગેરહાજરીમાં એકાએક થયેલા આ ઠરાવથી કપટનો વહેમ ગયો. એણે પોતાનો વહેમ કૈકેયીના ચિત્તમાં ભર્યો અને આ અભિષેક ગમે તેમ કરી અટકાવવા એને ઉશ્કેરી. એની શિખામણની કૈકેયી ઉપર પૂરી અસર થઇ. એણે કલહ કરવાનો નિશ્ચય કર્યો. એક વાર એક યુદ્ધમાં દશરથનું સારથીપણું કરી એણે બહાદૂરીથી રાજાનો પ્રાણ બચાવ્યો હતો. રાજાએ આથી પ્રસન્ન થઇ એને બે વર આપવા તે વખતે વચન આપ્યું હતું. એ વરો માગવાની આ સરસ તક છે એમ કૈકેયીને લાગ્યું. સાંજે દશરથ એના મહેલમાં આવે તે પહેલાં એણે ક્લેશ કરવા માંડ્યો. અલંકારો ફેંકી દીધા; વાળ છૂટા કીધા, નવાં કાઢી જૂનાં અને મેલાં વસ્ત્રો પહેરી લીધાં અને જમીન પર આળોટી મોટેથી રડવા માંડ્યું. દશરથને મહેલમાં જતાં જ ક્લેશનું દર્શન થયું. પુષ્કળ કલ્પાંત કર્યા પછી કૈકેયીએ દશરથને પોતાના બે વર આપવા માગણી કરી. દશરથે તેમ કરવા વચન આપ્યું. વચનથી બાંધી લીધા પછી કૈકેયીએ પહેલા વરમાં રામને બદલે ભરતનો યુવરાજ તરીકે અભિષેક અને બીજા વરમાં રામને ચૌદ વર્ષ દેશનિકાલ ફરમાવવાની માગણી કરી. આવી માગણીનો દશરથને જરાયે ખ્યાલ ન હતો. એ તો બીજે દિવસે પોતાના પ્રિય પુત્રને યુવરાજ નીમવાના ઉમંગમાં હર્ષભેર પોતાની માનીતી રાણીને મહેલ આવ્યા હતા. પોતાના જ પ્રસ્તાવથી સવારે રામને યુવરાજપદ આપવા નક્કી કરી, અભિષેકને જ દિવસે એને કાંઇ પણ દોષ વિના ચૌદ વર્ષ વનવાસની શિક્ષા કેવી રીતે કરી શકાય ? એક બાજુથી પ્રતિજ્ઞાનો ભંગ અને બીજી બાજુથી અન્યાયી કાર્ય કરવાના સંકટમાં દશરથ આવી પડ્યા.[૧] એમાંથી છુટવા એણે કૈકેયીને ઘણી સમજાવી. એને પગે પડ્યા. એની ધર્મબુદ્ધિ જાગ્રત કરવા પ્રયત્ન કર્યો. રામને આવી આજ્ઞા કરવાથી લોકોનો એમના ઉપર કેટલો અણગમો થાય તેનું ભાન કરાવ્યું. પણ કૈકેયી એકની બે થઈ નહિ, એ આખી રાત દશરથે શોકમાં અને કૈકેયીએ કંકાસમાં ગાળી.



  1. દશરથે આ સુદ્ધાં બે વાર, માગણી કેવા પ્રકારની થશે, એ વ્યાજબી હશે કે નહિ એનો વિચાર કર્યા વિના એ સ્વીકારવાની પ્રતિજ્ઞા કરવાની ભૂલ કરી અને તેથી સંકટમાં આવી પડ્યા. વિચાર્યા વિના કોઇની માગણી સ્વીકારવાની પ્રતિજ્ઞા કરી શકાય ? અને તેમ કર્યા પછી એ પ્રતિજ્ઞા જાળવવા કોઇ નિર્દોષને અન્યાય કરી શકાય? પ્રતિજ્ઞા કર્યા પહેલાં કેટલો વિચાર કરવો જોઇયે, એ દશરથે શીખવ્યું છે.

સવારના પહોરમાં અભિષેક માટે વસિષ્ઠે તૈયારી કરવા માંડી. ઘણો વખત થઇ ગયા છતાં દશરથ તૈયાર થઇ આવ્યા નહિ, તેથી તેણે એક સૂતને દશરથ રાજાને જગાડવા મોકલ્યો. સૂતે દશરથ અને કૈકેયીના સૂતકીના જેવી દશા જોઇ, પણ કશું સમજી શક્યો નહિ. રાજા પણ શોક અને શરમના ઉભરાને લીધે કશું બોલી શકતો ન હતો. અન્તે કેટલીક વારે તેણે રામને તેડી લાવવા આજ્ઞા કરી. રામ તરત જ આવી રાજાની સામે ઉભા રહ્યા.પણ દશરથની જીભ જ ઉપડતી ન હતી. એમની આંખમાંથી આંસુ ચાલ્યાં જતાં હતાં. રામ આ જોઇ ગભરાઇ ગયા અને કૈકેયીને કારણ પૂછવા લાગ્યા. દશરથ બોલે નહિ અને લાજ રાખી કૈકેયી મૂંગી રહે તો પોતાનો સ્વાર્થ બગડે, એ બીકથી કૈકેયીએ જ રાજા વતી બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું :"રામ, તારી બીકથી રાજા કંઇ બોલી શકતા નથી. પોતાના પ્રિય પુત્રને કડવી આજ્ઞા સંભળાવતાં એમની જીભ ઉપડતી નથી, માટે તે વાત હું તને કહું છું તે સાંભળ. પૂર્વે રાજાએ મને બે વરદાન આપવા વચન આપ્યું હતું. તે મેં આજે માગ્યાં અને એમણે મને આપ્યાં. પણ હવે પ્રાકૃત પુરુષની માફક એ પશ્ચાતાપ કરે છે. એ વરો સત્ય કરવાનું તારા હાથમાં છે. રામ, સર્વ ધર્મનું મૂળ સત્ય છે, એ તું અને સર્વ સજ્જનો જાણે છે. તે સત્ય તારે માટે રાજા કેમ છોડી શકે ?"

આ સાંભળી રામ બહુ દુ:ખિત સ્વરે બોલ્યા :"દેવિ, હું જો રાજાની આજ્ઞા ન પાળું તો મને ધિક્કર છે. રાજની આજ્ઞાથી હું અગ્નિમાં પણ પડવા તૈયાર છું. મને કહો રાજાની આજ્ઞા શી છે ? રામ એકવચની, એકબાણી અને એકપત્નીવ્રતી છે. એ કોઇ દિવસ અસત્ય બોલતો જ નથી."

આ પ્રમાણે રામને વચનથી બાંધી લઇ કૈકેયીએ પોતાને મળેલાં વરદાનો કહી સંભળાવ્યાં, અને રાજાની પ્રતિજ્ઞાને સત્ય કરવા તુરત જ અયોધ્યા છોડી જવા જણાવ્યું. રામે એકદમ નીકળી જવા ખુશી બતાવી. આ સંવાદ સાંભળતાં જ દશરથ મૂર્છાવશ થઇ ગયા. આથી રામને બહુ દુ:ખ લાગ્યું. એણે કૈકેયીને કહ્યું : "દેવિ, મને કોઇ સામાન્ય માણસના જેવો અર્થલુબ્ધ જાણો નહિ. ઋષિઓની જેમ હું પણ પવિત્ર ધર્મને પાળવાવાળો છું.માતાપિતાની સેવા કરવી અને એમની આજ્ઞા ઉઠાવવી, એથી હું કોઇ વધારે મોટો ધર્મ સમજતો જ નથી. તમે મને ખરેખરો સદ્‍ગુણી જાણ્યો નથી, નહિ તો તમે રાજાને આ દુ:ખમાં નાંખત નહિ. તમારે જ મને વનવાસમાં જવાની આજ્ઞા કરવી ઘટતી હતી. જેમ રાજાની આજ્ઞા મને માન્ય છે, તેમ તમારી આજ્ઞા પણ મારી માથે છે. હશે. હવે હું માતાની આજ્ઞા લઇ, સીતાને સમજાવી હમણાં જ નીકળી જાઉં છું. ભરત બરાબર પ્રજાને પાળે અને રાજાની સેવા કરે એ જોજો, કારણ કે એ આપણો સનાતન ધર્મ છે."

ત્યાંથી નીકળી રામ લાગલા જ કૌસલ્યાને મન્દિરે ગયા અને બનેલી સર્વે હકીકત કહી. આવું અણધાર્યું સંકટ આવવાથી કૈસલ્યાને જે દુ:ખ થયું તેમાંથી એને શાન્ત કરવાં એ સહેલું ન હતું. પણ પ્રિય વચનોથી રામે એમને ધીરજ આપી અને એમના આશીર્વાદ લઈ એ સીતાની પાસે જઈ પહોંચ્યા. સીતાએ રામ સાથે વનમાં જવા આગ્રહ કર્યો. પતિના ભાગ્યમાં પત્ની તરીકેનો અર્ધો હિસ્સો ભોગવવાનો એણે હક બતાવ્યો. રામ તેની વિનંતિનો અસ્વીકાર કરી શક્યા નહિ, તેથી એમને પણ સાથે જવાનું ઠર્યું. લક્ષ્મણે પણ રામના સાથી થવા ઈચ્છા દર્શાવી. સુમિત્રાની આજ્ઞા લઈ તેમ કરવા રામે તેને અનુમતિ આપી. વીરમાતા સુમિત્રાએ તરત જ રજા આપી અને કહ્યું : "દીકરા, રામને દશરથ ઠેકાણે ગણજે, મારે ઠેકાણે સીતાને ગણજે અને અરણ્યને અયોધ્યા માનજે."

પોતાની સર્વ સંપત્તિનું દાન કરી દઈ રામ, લક્ષ્મણ અને સીતા દશરથની છેલ્લી આજ્ઞ માગવા ગયાં. દશરથે સર્વે કુટુમ્બીઓ અને મન્ત્રીઓને ભેગાં કર્યાં. થોડી વારમાં રામના વનવાસની વાત આખા શહેરમાં ફેલાઇ ગઇ અને અનેક્ નગરજનોની પણ રજવાડા આગળ ભીડ થઇ. કૈકેયીએ ત્રણેને માટે વલ્કલો લાવી મૂક્યાં. રામ અને લક્ષ્મણે એ પહેરી લીધાં, પણ સીતાને એ પહેરતાં આવડ્યાં નહિ. આથી છેવટે રામે એ વસ્ત્રો એના રાજાશાહી પોષાકની ઉપર જ બાંધી દીધાં. આ દેખાવ જોઇ બધાં લોકોને કૈકેયીની નિષ્ઠુરતા માટે અતિશય ખોટું લાગ્યું. વસિષ્ઠે પણ તેનો તિરસ્કાર કર્યો. એણે એમ પણ કહ્યુ કે, રામ ભલે વચનથી બંધાઇને વનવાસ જાય, પણ સીતાએ એની સાથે જવાની જરૂર નથી. રામની અર્ધાંગના તરીકે એની વતી રાજ્ય ચલાવવાનો અધિકાર એનો છે. કૈકેયી પોતાની હઠ ન છોડે તો નગરવાસી સહિત પોતે પણ અરણ્યમાં જવાની ધમકી આપી. પણ કૈકેયીના ઉપર આ પ્રહારોની કશી અસર થઇ નહિ. એનું હૃદય પથ્થર બની ગયું હતું.

વનવાસ
અન્તે તેમને એક રથમાં દેસાડી દેશની બહાર છોડી આવવાની તૈયારીઓ થઈ. સર્વે વડીલોને પ્રણામ કરી ત્રણે જણ રથમાં બેઠાં. હજારો લોકો રથની ચારે બાજુએ ફરી વળ્યા, અને પાછળ દોડવા લાગ્યા. પિતા પણ પાછળ દોડવા મડ્યા, પણ મૂર્છા ખાઇ જમીન પર પડ્યા. રામથી પિતાની આ સ્થિતિ જોઈ શકાતી ન હતી, છતાં એ પણ સહન કર્યે જ છુટકો એમ વિચારી એમણે સૂતને રથ હાંકી મૂકવા આજ્ઞા કરી. કેટલાક લોકો રામની પાછળ જંગલમાં ગયા. રામે એમને પાછા વળવા કેટલીયે વાર સમજાવ્યા, પણ પ્રેમની અતિશયતાથી કોઇ માન્યું નહિ. છેવટે સાંજને સુમારે તમસા નદી આગળ એક ઝાડ નીચે રામે રથ છોડાવ્યો. પ્રજાજનો પણ બીચારાં ત્યાં જ સુઇ રહ્યા. કોઇએ તે દિવસે અન્ન ખાધું ન હતું. સવારના પહોરમાં રામે લક્ષ્મણને ઉઠાડ્યા, અને પ્રજાજનો જાગે તે પહેલાં રથ હંકાવી મૂક્યો હોય તો જ લોકો પાછા ફરે એમ બન્નેએ વિચારી સૂતને તૈયાર થવા આજ્ઞા કરી. લોકોએ સવારના રામને ન દેખ્યા, એટલે શોક કરી નિરાશ થઇ પાછા અયોધ્યા ફર્યા.

સંધ્યાકળને સુમારે રથ કોસલ દેશ વટાવી ગયો અને ભાગીરથીના તટ પર આવી ઉભો રહ્યો. અહીં ભીલોનું એક સંસ્થાન હતું. ત્યાંનો રાજા ગુહ રામનો મિત્ર થતો હતો. એણે રામની સારી રીતે આગતા સ્વાગતા કરી. બીજે દિવસે સવારે રામે સૂતને પાછો વાળ્યો. ગુહે રામને ગંગાપાર પહોંચાડવા વ્યવસ્થા કરી.

દશરથનું મૃત્યુ
સૂત અયોધ્યા પહોંચ્યો ત્યારે દશરથ કૌસલ્યાના મહેલમાં પુત્રવિરહથી માંદા થઇ પડેલા હતા. ઘણા વર્ષ પહેલાં પોતાને હાથે મરેલો ઋષિપુત્ર શ્રવણ[૧] અને એનાં અંધ માબાપ એની નજર આગળ આવ્યાં કરતાં હતાં, અને તેમ તેમ એને રામનો વિયોગ વધારે સાલતો હતો. અન્તે મધરાત વીત્યા બાદ 'રામ રામ'નું રટણ કરતા



  1. શ્રવણની વાત વિદ્યાર્થીએ જાણી લેવી.
વૃદ્ધ રાજાએ પ્રાણ છોડ્યા. દશરથ ગયા પણ અન્તકાળે રામનું રટણ કરવાનો પાઠ ભારતવર્ષને શિખવતા ગયા. જે પોતાને મુખેથી મરણકાળે દશરથના જેટલી જ આર્તિથી રામનું રટણ કરતાં પ્રાણ છોડે તે મહા ભાગ્યશાળી મનાય છે.
ત્રણ
રાણીઓની
દશા
બીચારાં કૌસલ્યા અને સુમિત્રાને પતિ-પુત્ર બન્નેનો સાથે વિયોગ થયો. કૈકેયીને દશરથ પર પ્રેમ ન હતો એમ નહિ, પણ હજી એનો રાજ્યપ્રાપ્તિ માટેનો મોહ ઉતર્યો ન હતો, અને એ મોહે એની બુદ્ધિ અને શુભ ભાવનાઓને દાબી નાંખી હતી. તેથી વૈધવ્ય પ્રાપ્ત થતાં તેને ઝાઝું દુ:ખ થયું નહિ.

દશરથના મરણ પછીની વ્યવસ્થા વસિષ્ઠને માથે આવી પડી. એણે તરત જ ભરતને તેડાવવા દૂત મોકલ્યો, પણ અયોધ્યાના કશા ખબર ન કહેવા એને સૂચના કરી; કારણ કે કૈકેયીના પિતાના કુળમાં કન્યાવિક્રયનો રિવાજ હતો, અને તેથી આ સંધિ જોઇને એનો પિતા દિકરીનું રાજ્ય પચાવવા હલ્લો કરે એવો સંભવ હતો.

ભરતનું
આગમન
અને
કૈકેયીને ઠપકો
ભરત અને શત્રુઘ્ન થોડા દિવસમાં આયોધ્યા આવી પહોંચ્યા. શહેરમાં સર્વત્ર શોકદર્શક ચિહ્‌નો જોઈ એમને અનેક પ્રકારની અમંગળ શંકાઓ થવા લાગી, પણ સારથિ તરફથી કશી ચોક્કસ બાતમી મળી નહિ. ભરત સીધો કૈકેયીને મન્દિરે જઇ માતાને પગે પડ્યો અને પિતાના કુશળ સમાચાર પૂછ્યા. જાણે એક પારકા માણસને એના પિતાના મરણના સમાચાર સંભળાવી ધૈર્ય રાખવા દિલાસો આપતી હોય તેમ કૈકેયીએ દશરથના ખબર આપ્યા. સાથે સાથે રામ, લક્ષ્મણ અને સીતાના વનવાસની હકીકત પણ કહી, અને ભરતને રાજા તરીકે સંબોધન કરી અભિનન્દન આપવા લાગી. કૈકેયીની ધારણા કરતાં ભરત જુદા જ પ્રકારનો પુત્ર નીકળ્યો. કૈકેયીનું દુશ્ચરિત્ર સમજવામાં આવતાં જ એના સંતાપનો પાર ન રહ્યો. એણે કૈકેયીનો એના રાજ્યલોભ અને કઠોરતા માટે ખૂબ તિરસ્કાર કર્યો. રાજ્ય સ્વીકારવાની એણે ચોખ્ખી ના પાડી.

કૈકેયી પાસેથી એ લાગલો જ કૌસલ્યાને મળવા ગયો. કૈકેયીના અપરાધમાં એનો પણ હિસ્સો હશે જ એમ માની લઈ કૌસલ્યાએ ભરતને કઠોર વચન કહ્યાં. ત્યારે તે મહાત્મા મોટા સંતાપ અને આવેશથી બોલ્યો : "માતા, જો હું નિષ્પાપ ન હોઉં, જો મને આમાંનું કાંઇ પણ ખબર હોય, જો મારી સમ્મતિથી રામ વનવાસ ગયા હોય, તો હું લોકોના ગુલામનો ગુલામ થાઉં; તો મને સુઇ ગયેલી ગાયને લાત માર્યા બરાબર પાપ લાગો; છઠ્ઠા ભાગથી અધિક કર લેતાં છતાં પ્રજાનું પાલન ન કરનારા રાજાને જે પાપ લાગે છે તે મને લાગો." આવા ભીષણ શપથ લઇ ભરત દુ:ખથી જમીન પર ફસડાઇ પડ્યો. ક્રોધરહિત થયેલી કૌસલ્યાએ મધુર વચને તેનું સાન્વન કર્યું.

રાજ્યનો
અસ્વીકાર
બીજે દિવસે વસિષ્ઠે ભરતની પાસે દશરથની પ્રેતક્રિયા યથાવિધિ કરાવી. સર્વ પ્રજાગણે ભરતને મુકુટ ધારણ કરવા વિનંતિ કરી, પણ ભરતે દૃઢતાથી ઉત્તર આપ્યો :" રામ અમારા સર્વેમાં વડિલ છે; તે જ આપણા રાજા થશે. માતાએ પાપ કરી મેળવેલું રાજ્ય હું લેવાનો નથી. હું હમણાં જ વનમાં જઈ મારા પ્રિય બન્ધુને પાછો લાવીશ."
રામને પાછા
લાવવા પ્રયાણ
એણે તરત જ ચતુરંગ સેના સાથે રામને તેડવા જવાની તૈયારી કરવા માંડી. એની આ ઉદારતાથી સર્વે લોકોએ એને અતિશય ધન્યવાદ આપ્યો.[૧] સર્વ સૈન્ય, રાણીઓ, મંત્રીઓ, પ્રજાજન તથા ગુરુ વસિષ્ઠ અને ભાઈ શત્રુઘ્ન સહિત ભરત ગંગા કિનારે આવી પહોંચ્યા. ત્યાં સુમંત્રે ભરતને જણાવ્યું કે "આ જગાએ રામ અને લક્ષ્મણે વડનો ચીક માથે લગાડી જટા બાંધી હતી અને વલ્કલ ધારણ કરી જમીન પર સુતા હતા." આ સાંભળી ભરતે પણ તરત જ રાજદરબારી પોષાક કાઢી નાંખી રામ પાછા આવે ત્યાં સુધી વનમાં રહેવાનું અને જટા તથા વલ્કલ ધારણ કરવાનું વ્રત લીધું.

આટલા સમયમાં રામ પ્રયાગ પાસે ભારદ્વાજના આશ્રમ આગળ થઇ ચિત્રકૂટ પર્વત પર જઇ રહ્યા હતા. ભરતને સસૈન્ય આવેલો જોઈ કદાચ એ રામનો સમૂળગો નાશ કરવા જતો હોય તેવી સર્વેને શંકા



  1. 'ભાઇ હજો તો ભરત જેવો' એવી આપણામાં કહેવત પડી ગઇ છે. પણ એનો અર્થ એવો નથી કે આપણો ભાઇ ભરત જેવો થાય એવી અપેક્ષા રાખવી; આપણે ભરત જેવા થઇયે એટલે બસ છે.
થતી હતી, અને તેથી રામ ક્યાં રહ્યા છે તેની ભાળ આપવા કોઇ તૈયાર થયું નહિ. પણ વસિષ્ઠની સમજાવટથી સર્વેને ભરતની બંધુભક્તિ વિષે ખાત્રી થઇ અને એમને રામની ભાળ લાગી. ચિત્રકૂટ પર રામની પર્ણકૂટી દેખતાં જ ભરતે સૈન્યને ઊભું રાખ્યું, અને શત્રુઘ્નની સાથે રામ ભણી નાના બાળકની જેમ પ્રેમથી દોડવા લાગ્યા. સૈન્યને દૂરથી જોઇને ભરત વૈરભાવથી આવતો હશે એમ લક્ષ્મણને શંકા ગઇ અને એ ભરતનો વધ કરવા તૈયાર થયો. પણ રામે તેને વાર્યો અને કહ્યું: "ભલા મણસ, એકવાર ભરતને રાજ્ય આપવાની પ્રતિજ્ઞા કર્યા પછી તેને ઠાર મારવાથી શો લાભ થવાનો હતો ? ભરત વગર, લક્ષ્મણ વગર કે શત્રુઘ્ન વગર જે કાંઈ મને સુખ કરનારી વસ્તુ હોય તે તત્કાળ અગ્નિમાં બળી જજો." એને ભરતની નિષ્પાપતા અને બન્ધુભક્તિમાં પૂર્ણ શ્રદ્ધા હતી. એની સાથે નિષ્ઠુર અને અપ્રિય ભાષણ ન કરવા લક્ષ્મણને ચેતવ્યો.


ભરત અને
રામનો મેળાપ
ભરતે આવતાંવેંત જ રામનાં ચરણમાં માથું નાખ્યું અને ડુસકે ડુસકે રડવા માંડ્યું. કેટલીક વારે શાન્ત થઇ છેવટે એણે અયોધ્યાની સઘળી હકીકત કહી. પિતાના મરણની વાત સાંભળી રામ.લક્ષ્મણ અને સીતાને ઘણો શોક થયો. શોકનો વેગ શમ્યા પછી ભરતે રામને અયોધ્યા પાછા ફરવા વિનંતિ કરી. એણે કહ્યું કે "રાજાએ કૈકેયીનું સાન્તવન કરવા માટે મને રાજ્યપદ આપ્યું તે હું આપને પાછું અર્પણ કરૂં છું, એટલે પાછા ફરવામાં આપની પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી." પણ રામે કહ્યું : "પિતાનું વચન સત્ય કરવું એ જ પુત્રનું કર્તવ્ય છે. સર્વ વસ્તુ કરતાં સત્ય જ મને વધારે પ્રિય છે, કારણ કે સત્યની બરાબરી કોઇ પણ ચીજ કરી શકે એમ નથી. રાજાએ તો તેમાં ખાસ કરી સત્ય હંમેશાં પાળવું જોઇયે; કારણ રાજ્યની ઇમારત સત્યના પાયા પર રચાઇ છે. જે રીએ રાજા ચાલે છે તે જ રીતે પ્રજા ચાલશે. રાજા જો સત્યનો ત્યાગ કરે તો પ્રજા સત્યને માર્ગે શી રીતે ચાલે? સત્ય એ જ સર્વ ધર્મનું મૂળ છે; માટે લોભ કિંવા મોહને વશ થઈ હું સત્ય રૂપી સેતુને છોડનાર નથી."

બેમાંથી કોની ઉદારતાનાં વધારે વખાણ કરવાં એ ઠરાવવું મુશ્કેલ હતું. પ્રજાજનો બન્ને ઉપર ફિદા થઇ 'ધન્ય ધન્ય'ના પોકાર કરી રહ્યા હતા. છેવટે એમ ઠર્યું કે ભરત રામની પાદુકા રાજ્યાસન પર મૂકીને રામને નામે રાજ્ય ચલાવવું. ભરતે સાથે સાથે કહી દીધું કે જો ચૌદ વરસ પૂરાં થતાં જ તમે નહિ આવો તો હું ચિતાપ્રવેશ કરીશ. એણે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે વનવાસીને વેષે રાજકારભાર ચલાવવા માંડ્યો.