લખાણ પર જાઓ

રામ અને કૃષ્ણ/રામ/અરણ્યકાણ્ડ

વિકિસ્રોતમાંથી
← આયોધ્યાકાણ્ડ રામ અને કૃષ્ણ
અરણ્યકાણ્ડ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
કિષ્કિન્ધાકાણ્ડ →






અરણ્યકાણ્ડ

વિરાધનો નાશ
વનમાં પ્રવેશ કર્યા પછી રામ જુદા જુદા આશ્રમો જોતા જોતા દક્ષિણ તરફ ચાલતા હતા. તેવામાં એક દિવસ એમને એક જંગલમાં વિરાધ નામે એક પ્રચંડ રાક્ષસ મળ્યો. એણે રામ વગેરે પર હલ્લો કર્યો. રામ અને લક્ષ્મણને એક એક હાથમાં ઉપાડી લીધા. એવો એ બળવાન હતો. બાણો તો એની જાડી ચામડીમાં પેશી જ શકતાં નહિ. પણ રામ અને લક્ષ્મણે તલવાર વતી જે હાથે એણે એમને ઉપાડ્યા હતા તે કાપી નાંખ્યા, અને એવી રીતે છૂટા થઇને એના પગ પણ કાપી નાંખ્યા. પછી તેને એક ખાડામાં દાટી દીધો.
દંડકારણ્ય
ત્યાંથી તેઓ દંડકારણ્ય તરફ ગયા. ત્યાંના મુનિઓએ રામ અને લક્ષ્મણને પોતાની પાસે જ રહી એમનું રક્ષણ કરવા વિનંતિ કરી. દંડકારણ્યમાં તે વખતમાં રાક્ષસોની ઘણી જ વસ્તી હતી. ચિત્રકૂટથી માડીને પમ્પા સરોવર સુધી માણસનું માંસ ખાનારા રાક્ષસો તાપસોને ત્રાસ આપી રહ્યા હતા. રામે જુદા જુદા આશ્રમોમાં જઇ ચાર કે છ મહિના કે વર્ષ સુધી ત્યાં ત્યાં રહીને રાક્ષસોનો ઉપદ્રવ ઓછો કર્યો. આ રીતે વનવાસનાં દસ વર્ષ વીતી ગયા.
પંચવટી
ત્યાર પછી રામ દક્ષિણમાં અગસ્ત્ય મુનિના આશ્રમમાં ગયા. અગસ્ત્યે ત્રણે જણાનો સારી રીતે સત્કાર કર્યો અને રામને એક મોટું વૈષ્ણવી ધનુષ્ય, એક અમોઘ બાણ, અખૂટ બાણથી ભરેલા બે ભાથા અને સોનાના મ્યાનમાં મૂકેલી એક તલવાર ભેટ કર્યાં; અને એમને પંચવટીમાં રહેવાની સલાહ આપી.


જટાયુ
પંચવટી જતાં રસ્તામાં એમને જટાયુ નામે ગીધ સાથે મિત્રતા થઇ. તેને સાથે લઇ ગોદાવરીને કાંઠે તેઓ આવી પહોંચ્યા. ત્યાં લક્ષ્મણે એક સુંદર પર્ણકુટી બનાવી. લક્ષ્મણની મહેનતથી પ્રસન્ન થઇ રામ તેને ભેટી પડ્યા અને બોલ્યા "તારા આ શ્રમ માટે આલિંગન સિવાય બીજું કાંઈ આપવાને મારી પાસે નથી." એ પર્ણકૂટીમાં ત્રણે જણા રહેતા, અને જટાયુ ઝડ પર બેસીને તેમનો ચોકી પહેરો કરતો.
શૂર્પણખા
એક દિવસ શિયાળામાં રામ, લક્ષ્મણ અને સીતા નદીમાં સ્નાન કરી પાછાં ફરતાં હતાં, તેટલામાં શૂર્પણખા[] નામે એક રાક્ષસી ત્યાં આવી ચઢી. એ લંકાના રાજા રાવણની બ્હેન થતી હતી અને દંડકારણ્યમાં ખર અને દુખર નામે પોતાના સગા ભાઇઓ સાથે રહેતી હતી. રામને જોઈ એ એના પર મોહ પામી અને એની સાથે લગ્ન કરવાની માગણી કરી. રામ-લક્ષ્મણે પહેલાં એની વાત હસી કાઢવા માંડી. પણ પછી એનું અતિશય જંગલીપણું જોઇને એમને એના પર તિરસ્કાર આવ્યો, અને રામની પ્રેરણાથી લક્ષ્મણે એનાં નાક કાન કાપી નાંખ્યાં. શૂર્પણખા ચીસ પાડતી અને રડતી ખરની પાસે જઇ પહોંચી. રામ, લક્ષ્મણ અને સીતાને ઠાર મારી, તેમનું લોહી શૂર્પણખાને



  1. શૂર્પણખા એટલે સૂપડા જેવા નખવાળી. એ રાવણની મસીયાઇ બ્હેન હોય એમ લાગે છે.
પીવડાવવાની ખરે ચૌદ બળવાન રાક્ષસોને આજ્ઞા કરી. રાક્ષસો સહિત શૂર્પણખા પાછી રામના આશ્રમ પાસે ગઇ. તેમને જોતાં વેંત જ રામે લક્ષ્મણ અને સીતાને પર્ણકૂટીમાં મોકલી દીધાં, અને રાક્ષસો હલ્લો કરે તે પૂર્વે જ તેમના પર બાણ છોડી એમનો નાશ કર્યો. શૂર્પણખા પાછી ખર પાસે નાઠી. હવે ખર, સેનાપતિ દુષણ અને ચૌદ હજાર રાક્ષસોનું સૈન્ય લઇ પંચવટી પર હુમલો લઇ ગયો. કાંઇક રમખાણ જાગવાનું જ એમ ખાત્રી હોવાથી રામે પ્રથમથી જ સીતાને ડુંગરોમાં મોકલી દીધાં હતા અને પોતે લડવા સજ્જ થઇ રહ્યા હતા. એક તરફ એકલા રામ અને બીજી તરફ ચૌદ હજાર રાક્ષસોનો ભયંકર સંગ્રામ શરૂ થયો. આખરે રામે તે સર્વેનો નાશ કરી જય મેળવ્યો.
રાવણ
એક જ પુરુષના હાથે પોતાના ભાઇ અને આટલા બધા રાક્ષસોનો સંહાર થયેલો જોઇ, શૂર્પણખા લંકામાં રાવણ પાસે દોડી. રાવણ તે વખતે સૌથી બળવાન રાજા હતો. એનો રાજ્યલોભ ત્રણે લોકમાં સમાતો ન હતો. વળી એ જાતે બ્રાહ્મણ હોવાથી વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હતો. સર્વ પ્રકારની મંત્રવિદ્યા અને વિજ્ઞાનવિદ્યામાં તે કુશળ હતો. રાજ્યપદ્ધતિ રચવામાં નિપુણ હતો. એનું રાજ્ય માત્ર લંકામાં જ નહિ, પણ ભરતખંડના ઘણા ભાગમાં હતું અને ત્યાં એનું લશ્કર પડ્યું રહેતું. એના રાજયમાં દશે દિશાઓમાં શું થાય છે તેની એને ઝીણામાં ઝીણી ખબર પડતી; અને તેથી એ દશાનન એટલે દશે દિશાએ મુખવાળો કહેવાતો. એનું રાજ્ય પ્રજાને ત્રાસ રૂપ અને પૃથ્વીને ભાર રૂપ હતું. એ અત્યંત મદાંધ અને કામી હતો. હજારો સ્ત્રીઓને એણે પોતાને ત્યાં પુરી રાખી હતી. તપસ્વીઓ અને બ્રાહ્મણો પાસેથી પણ એ કર લેતો. એના બળનું એને એટલું અભિમાન હતું કે પિશાચ, રાક્ષસ, દેવ કે દૈત્ય કોઇને હાથે પણ મરવાની એને બીક ન હતી. એટલે માણસ જાતને તો એ ગણકારે જ શાનો ? શૂર્પણખાએ એની આગળ જઇ લક્ષ્મણે કરેલાં અપમાનની અને રામનાં પરાક્રમની વાત કહી. પણ એ અપમાન અને યુદ્ધનું ખરૂં કારણ ન જણાવતાં રાવણને સમજાવ્યું કે "રામની સુંદર સ્ત્રી સીતાને તારે માટે હું હરણ કરી લાવતી હતી, તેથી મને આ ખમવું પડ્યું."
સુવર્ણ મૃગ
રાવણે શૂર્પણખાને દિલાસો આપ્યો અને સીતાને ગમે તે રીતે હરી લાવી રામ ઉપર વેર વાળવાનો નિશ્ચય કર્યો. મારીચ નામનો એક રાક્ષસ તપ કરતો હતો તેને રાવણ મળ્યો અને એક સુવર્ણ મ્રુગ બની સીતાને લલચાવવા એને સમજાવ્યો. મારીચે આ દુષ્ટકૃત્યમાંથી રાવણને વારવા પ્રયત્ન કર્યો; પણ એણે માન્યું નહિ અને ઉલટો મારીચને મારવા તૈયાર થયો. તેથી અંતે ગભરાઇ મારીચ રાવણની ઇચ્છા પ્રમાણે વર્તવા તૈયાર થયો. રંગબેરંગી સુવર્ણ મ્રુગનું રૂપ ધારણ કરી, તે સીતાની દૃષ્ટિ પડે તેમ ઝાડોનાં કુમળાં પાન ખાતો ખાતો રામના આશ્રમ પાસે ફરવા લાગ્યો. ફુલ વીણતાં સીતાએ એને જોયો, અને તુરત જ રામને બોલાવી એને જીવતો અથવા મારીને પણ લાવવા આગ્રહ કર્યો. પત્નીને ખુશ કરવા, રામ તુરત જ ભાઇને સીતાને સંભાળવાનું કહી હરણની પાછળ દોડ્યા. મારીચ દોડતો દોડતો રામને દૂર સુધી ખેંચી ગયો અને છેવટે નાસવાનો લાગ શોધવા લાગ્યો. જીવતો હાથમાં આવી નહિ શકે એમ જોઇ રામે એના ઉપર બાણ મારી વીંધ્યો. મરતાં મરતાં એણે પોતાનું રાક્ષસી સ્વરૂપ[] ધારણ કર્યું, અને રાવણ જોડે કરી રાખેલા સંકેત પ્રમાણે રામના જેવો જ સાદ કાઢી 'હે સીતા, હે લક્ષ્મણ' એમ ચીસ પાડી. મૃગને ઠેકાણે રાક્ષસને પડેલો જોઇ, આ કાંઇક રાક્ષસી દગો છે એમ રામને લાગ્યું અને સીતાની સહીસલામતી વિષે ચિંતાતુર થયા. પણ ધૈર્ય રાખી એક બીજું મૃગ મારી રામ ઝડપથી જનસ્થાન તરફ પાછા ફર્યા.

આણી તરફ સીતાએ મારીચની મરતી વેળાની ચીસ સાંભળી અને લક્ષ્મણને રામની વહારે ધાવા કહ્યું. રામની આજ્ઞા વિના જો તે સીતાને છોડી જાય તો રામ નારાજ થાય, તેથી લક્ષ્મણે સીતાને ધીરજ રાખવા કહ્યું. પણ એક બાજુનો જ વિચાર કરવાવાળી અને ઉતાવળા સ્વભાવની સીતાને આથી ક્રોધ ચઢ્યો, અને લક્ષ્મણ પર અઘટિત શંકા લાવી ન છાજે એવા શબ્દ સંભળાવ્યા. આથી અતિશય દુ:ખિત થઇ લક્ષ્મણને ધનુષ્ય-બાણ લઇ રામની પાછળ જવું પડ્યું.


  1. રાક્ષસો ઇચ્છા પ્રમાણે માયાવી રૂપો ધારણ કરી શકે છે, પણ મરતી વખતે મૂળ રૂપમાં જ ફેરવાઇ જાય છે એવી માન્યતા છે.
સીતાહરણ
લક્ષ્મણ ગયા પછી થોડી વારમાં જ સંન્યાસીનું રૂપ ધારણ કરી રાવણ પર્ણકુટી આગળ આવી પહોંચ્યો. સીતાએ એને સાધુ જાણી સત્કાર આપ્યો, અને પોતાનાં કુળ-ગોત્ર વગેરે જણાવ્યાં. રાવણે પણ પોતાની ઓળખાણ આપી, અને પોતાનાં રાજ્ય, સંપત્તિ, પરાક્રમ વગેરેનું વર્ણન કર્યું. પછી એ સીતાને પોતાની પટરાણી કરવાની લાલચ આપવા લાગ્યો. સાધુ વેશમાં અસુરને જોઇ સીતાએ એનો ખૂબ ક્રોધથી તિરસ્કાર કર્યો. આથી રાવણે પોતાનું રાક્ષસી સ્વરૂપ પ્રગટ કર્યું, અને એક હાથે તેનો ચોટલો પકડી, બીજે હાથે ઉંચકી લઇ પોતાના મોટા ખચ્ચરના રથમાં બેસાડી ચાલતો થયો. સીતાએ રામ અને લક્ષ્મણને ખૂબ બૂમો પાડી, પણ રામ-લક્ષ્મણને તે સંભળાઈ નહિ. આશ્રમથી થોડે દૂર વૃદ્ધ જટાયુ લંગડે પગે બેઠો હતો.સીતાએ તેને બૂમ પાડી. ઘરડો છતાં એ રામનો શૂરો મિત્ર સીતાની મદદે ઉડ્યો. એણે પોતાની ચાંચથી રાવણનાં ખચ્ચરો મારી નાખ્યાં અને રથના ફ્રુરચે ફુરચા બોલાવી દીધા. રાવણના હાથ પણ એણે ચાંચ મારી ઘાયલ કર્યા એટલે રાવણે સીતાને જમીન પર મૂકી એની સામે લડવા માડ્યું. જટાયુએ પોતાનું સર્વ જોર રાવણ ઉપર અજમાવ્યું; પણ એક બાપડા વૃધ્ધ પક્ષીનું રાક્ષસ આગળ કેટલું ચાલે ? છેવટે દુષ્ટ રાવણે તલવારથી એની પાંખો કાપી નાંખી, એટલે એ નિર્બળ થઇ જમીન પર પડી ગયો. આ રીતે અબળાના રક્ષણાર્થે પોતાનો પ્રાણ અર્પણ કરી, આ પક્ષીરાજે પોતાનું જીવન ધન્ય કર્યું.

રાવણ વળી સીતાને લઈને લંકા તરફ દોડવા લાગ્યો. રસ્તામાં પમ્પા સરોવર પાસે ઋષ્યમુક પર્વતના શિખર પર પાંચ વાનરોને[] બેઠેલા જોઇ એ લોકો પોતાની હકીકત રામને કહેશે એ આશાથી


  1. એ મનુષ્યની એક બીજી અપૂર્ણ જાત. એમની રહેણી કંઇક અંશે મનુષ્યને અને કંઇક અંશે પશુને મળતી. રાક્ષસ જેવી ભયંકર નહિ, અને છેક બુદ્ધિ વિનાની પણ નહિ. કાંઇક ટોળાં બાંધીને રહેનારી, અને સદાચાર, નીતિ, સાદાઈ અને વફાદારીના ગુણો ધરાવનારી. રાક્ષસનાં શરીર પ્રચંડ, ત્યારે એનાં હલકાં અને ચપળ; કાઠાં નાનાં પણ બળ બહુ. ફળફૂલનો આહાર કરનારી, ઝાડોમાં અને કોતરોમાં રહેનારી આ પૂછડીવાળા માણસોની પ્રજા લાગે છે.
સીતાએ પોતાના વસ્ત્રનો છેડો ફાડી તેમાં થોડા અલંકારો બાંધી તે વાનરો તરફ ફેંક્યો.

નદી અને પર્વતો ઓળંગી, સમુદ્રને પાર કરી, રાવણ ઝપાટાબંધ લંકામાં આવી પહોંચ્યો. પછી તે સીતાને પોતાની સર્વ સમ્પત્તિ બતાવી પટરાણી થવા લલચાવવા લાગ્યો. પણ રામ જેવા સિંહની પત્ની એ એક ચોરને ગણકારે ? એણે કઠોર શબ્દોથી રાવણનો તિરસ્કાર કર્યો. તેથી રાવણે એને એક વર્ષની મહેતલ આપી, અને તેટલા વખતમાં ન સમજી જાય તો એના ટુકડા કરી ખાઇ જવાની ધમકી આપી. અશોક નામે એક વનમાં રાક્ષસીઓના સખ્ત ચોકી પહેરામાં એને રાખવામાં આવી.રામમાં પૂર્ણ ભક્તિવાળી અને એનાં પરાક્રમ તથા શૌર્યમાં શ્રધ્ધાવાળી સીતા એ ધીરજથી આ દુ:ખના દિવસો કાઢવા હિમ્મત બાંધી.

રામનો શોક
આ તરફ રામ અને લક્ષ્મણ પાછા ફર્યા ત્યારે સીતાને ન જોઇ અતિશય ગભરાયા. રામનો શોક તો કેમે કર્યો માય નહિ. 'સીતા, સીતા' કરતા એ ગાંડા થઇ ગયા. ઝાડ, પાન, પશુ, પક્ષી સર્વેને સીતાના સમાચાર પૂછવા લાગ્યા. લક્ષ્મણે રામને ધૈર્ય ધારણ કરવા અને સીતાની શોધ માટે પ્રયત્ન કરવા સલાહ આપી. બન્ને જણા આશ્રમ છોડી સીતાને ખોળવા નીકળી પડ્યા. રસ્તામાં ઘાયલ પડેલો જટાયુ મળ્યો. તેણે સીતાનું હરણ કરનાર રાવણ છે એમ બાતમી આપી. થોડી વારમાં ઘાની વેદનાથી એ ગતપ્રાણ થયો. આવા દુ:ખમાં ખરા મદદગાર મિત્રના મરણથી બે ભાઇઓને ઘણો શોક થયો. એમણે એની યોગ્ય પ્રેતક્રિયા કરી અને પછી દક્ષિણ તરફ ચાલવા માંડ્યું. જતાં જતાં રસ્તામાં કબન્ધ નામે એક રાક્ષસના હાથમાં સપડાયા, પણ આખરે એનો નાશ કરી સહીસલામત આગળ વધ્યા. કબન્ધે પણ મરતાં પહેલાં રાવણ વિષે વિશેષ માહિતી આપીને રામ ઉપર ઉપકાર કર્યો.

આગળ ચાલતાં ચાલતાં તેઓ પમ્પા સરોવર પાસે મતંગ નામના ઋષિના આશ્રમ આગળ આવી પહોંચ્યા. ત્યાં શબરી નામે એક ભિલ્લ સ્ત્રીએ રામ-લક્ષ્મણનો સારી રીતે આદરસત્કાર કર્યો.