લખાણ પર જાઓ

રામ અને કૃષ્ણ/રામ/કિષ્કિન્ધાકાણ્ડ

વિકિસ્રોતમાંથી
← અરણ્યકાણ્ડ રામ અને કૃષ્ણ
કિષ્કિન્ધાકાણ્ડ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
સુન્દરકાણ્ડ →







કિષ્કિન્ધાકાણ્ડ

વાનરો
હિન્દુસ્તાનમાં આ વખતે વાનર નામની એક જાતિ રહેતી હતી. એ પ્રાણીઓ દેખાવમાં કાંઈક માણસને અને કાંઈક વાંદરાને મળતાં હતાં. વાંદરાની માફક એમને ડીલે લાંબા કેશ અને પુચ્છ હતા. તેઓ ફળ, મૂળ અને કન્દ ઉપર રહેતા, અને ભાગ્યે જ વસ્ત્રોનો ઉપયોગ કરતા. પણ એમનામાં માણસોને મળતી રાજ્યવવસ્થા હતી, અને એમની વાણીની શક્તિ અને બુદ્ધિનો વિકાસ માણસના જેવો જ હતો. સદાચાર, શીલ, પ્રામાણિકતા, શૌર્ય વગેરે બાબતો જોઇયે તો વાનરોની માણસાઈ નર નામે ઓળખાતાં પ્રાણીઓ કરતાંયે ઉત્તમ પ્રકારની હતી. વાલી નામે એક વાનર એ સર્વે જાતિનો રાજા હતો. એણે પોતાના ભાઈ સુગ્રીવને દેશનિકાલ કરી એની સ્ત્રી તારાને રાણી બનાવી હતી. સુગ્રીવ ભાઇના ભયથી હનુમાન અને બીજા ત્રણ વાનરો સાથે ઋષ્યમૂક પર્વતમાં સંતાતો ફરતો હતો. હનુમાન એ સુગ્રીવનો પરમ મિત્ર અને સચીવ હતો. વાનરોમાં એ સૌથી બળવાન, બુદ્ધિવાન અને ચારિત્રવાન હતો. એ આ જન્મ બ્રહ્મચારી હતો.

ઋષ્યમૂક પર્વત ઉપરથી આ વાનરોએ રામ અને લક્ષ્મણને પોતાની તરફ આવતા જોયા. એ મિત્રપક્ષના છે કે વાલીપક્ષના છે તેની તપાસ કરવા સુગ્રીવે હનુમાનને રામ-લક્ષ્મણ પાસે મોકલ્યો. લક્ષ્મણે હનુમાનને પોતાની સર્વે હકીકત કહી અને સુગ્રીવની મદદ માટે વિનંતિ કરી. રામ અને લક્ષ્મણને જોયા ત્યારથી જ હનુમાનને રામના ઉપર અત્યંત ભક્તિ પ્રગટી. એ રામને પરમેશ્વર સમાન માનવા લાગ્યો અને એમની સેવામાં આયુષ્ય ગાળવું એ જીવન જીવવાનો એક મહાન લ્હાવો લેવા સમાન એને લાગ્યું. એ તરત જ બન્ને ભાઇઓને ઉચકીને સુગ્રિવ પાસે લઇ ગયો. રામ અને સુગ્રિવે એકબીજાના હાથ ઝાલી મિત્રતા દર્શાવી, અને પછી હનુમાને પ્રગટાવેલા અગ્નિની પ્રદક્ષિણા કરી બન્નેએ એકબીજાને વફાદાર રહેવાની અને મદદ કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાર પછી સીતાએ નાંખેલા જે અલંકારો પોતાના હાથમાં આવ્યા હતા તે સુગ્રીવે બે ભાઇઓને બતાવ્યા. રામે એ ઓળખી લીધા, પણ વિશેષ ખાત્રી કરવા લક્ષ્મણને પૂછ્યું. લક્ષ્મણે કહ્યું, "હું આ કડું કે કુંડળ ઓળખી શકતો નથી. ફકત આ પગનાં નુપૂર મારાં ઓળખીતાં છે, કારણકે રોજ હું સીતાને પગે પડતો ત્યારે તે મારી દૃષ્ટિ એ પડતાં."

સુગ્રીવની મદદ રામને મળે તે પહેલાં સુગ્રીવને વાલીનું કટક દૂર થવું જોઇયે. તેથી રામે વાલીને મારવાની પ્રતિજ્ઞા કરી. પણ એ પ્રતિજ્ઞાથી સુગ્રીવને ખાત્રી થઈ નહિ. એને વાલીના બળની બહુ ધાસ્તી હતી. એણે રામને વાલીનું બળ વર્ણવી બતાવ્યું અને પૂરતો વિચાર કરીને પ્રતિજ્ઞા લેવા કહ્યું. રામે એની ખાત્રી કરાવવા માટે હાડકાંના એક મોટા ઢગલાને પગના અંગૂઠાના હડસેલાથી દૂર ઉડાડી મૂક્યો. આથી પણ સુગ્રીવને ખાત્રી થઈ નહિ, એટલે રામે એક જ બાણથી શાલનાં વૃક્ષોને ઉડાડી મૂક્યાં આથી સુગ્રીવને રામના બળની ખાત્રી થઈ. પછી સર્વે મળી વાલી જ્યાં રહેતો હતો તે કિષ્કિન્ધા તરફ ચાલ્યા. સુગ્રિવે વાલીને યુદ્ધ કરવા બહાર બોલાવ્યો. વાલી તરત જ બહાર આવ્યો. ગામ બહાર ચોગાનમાં બન્ને ભાઇઓનું યુદ્ધ શરૂ થયું. રામ એક વૃક્ષ પાછળ રહી દૂરથી આ યુદ્ધ જોયા કરતા હતા. સુગ્રીવ યુદ્ધમાં હારવા લાગ્યો, પણ બન્ને ભાઇઓ રૂપમાં સરખા હોવાથી, એ સુગ્રિવ છે કે વાલી, તે રામ વર્તી શક્યા નહિ; તેથી કદાચ સુગ્રીવ માર્યો જાય એ બીકથી રામે બાણ મૂક્યું નહિ. આથી સુગ્રીવને નાસી આવવું પડ્યું. પછી ઓળખાણ માટે પીળાં ફુલોની માળા ઘાલી સુગ્રીવ પાછો યુદ્ધ કરવા ગયો. રામ, લક્ષ્મણ, હનુમાન વગેરે ઝાડની પાછળ સંતાઈ બે ભાઇઓની કુસ્તી જોવા લાગ્યા. સુગ્રીવ વળી હારવા લાગ્યો. ત્યારે રામે વાલી પર બાણ છોડી એને જમીન પર પાડ્યો. એ પડ્યો પણ મર્યો નહિ. રામ અને લક્ષ્મણ એની પાસે ગયા. વાળીએ રામને ઠપકો આપી કહ્યું :"હે રામ, તમે સત્યાચરણી, પરાક્રમી, ધર્મશીલ, તેજસ્વી અને સન્માગે જનારા કહેવડાવો છો, છતાં હું બીજા સાથે યુદ્ધ કરવામાં રોકાયેલો હતો તેવામાં એક બાજુ ભરાઇ જઇ તમે મને બાણ માર્યું એ વાત ન્યાય છે ? મેં તમારા રાજ્ય કિંવા નગરમાં આવી તમારો કાંઇ પણ અપરાધ કર્યો નથી. પાછળથી ભરાઇ રહીને શત્રપ્રહાર કરવો, કિંવા પોતાની સાથે યુદ્ધ ન કરનારને મારવો, એવું અધમકૃત્ય કરી તમે સજ્જનોમાં શું મોઢું બતાવશો ? હશે, જે થયું તે થયું. મારી પાછળ સુગ્રીવને ગાદીએ બેસાડજો. તમારૂં આ કૃત્ય નિંદ્ય છે, તથાપિ મારી પાછળ સુગ્રીવને ગાદી મળે એ વાજબી છે."

આ ઠપકાના જવાબમાં રામે કહ્યું : "ધર્માચરણ કાયમ રાખવા હું પૃથ્વી ઉપર ફરૂં છું. હાલ તું કામાન્ધ થઇ ધર્માચરણનો ત્યાગ કરી નિંદ્ય કર્મ કરતો હતો. બાપ, જ્યેષ્ઠ બન્ધુ અને ગુરુ એ ત્રણે પિતાને ઠેકાણે છે; પુત્ર, નાનો ભાઇ અને શિષ્ય એ ત્રણ પુત્રસ્થાને છે. તેં સજ્જનોનો ધર્મ છોડી પૂત્રવધૂ સમાન સુગ્રીવની સ્ત્રી સાથે અધર્મ કર્યો છે. તેને માટે તને મૃત્યુ સિવાય બીજી શિક્ષા યોગ્ય નથી. તને છુપાઇને મારવાનું કારણ એ જે કે તું વનચર પ્રાણી છે, અને મૃગયાના નિયમ પ્રમાણે ધર્મિષ્ઠ રાજાઓ પણ પ્રાણીઓને સંતાઈ રહીને, અથવા કપટથી ફસાવીને પણ મારે છે; માટે તેમ કરવામાં મેં કશો અધર્મ કર્યો નથી." વાલી અને સુગ્રીવ જેવા બુદ્ધિયુક્ત પ્રાણીને વનચર પશુઓની હારમાં ગણવા એ આજે કદાચ આપણને ગળે ન ઉતરે. પણ જે વખતે આ બનાવ બન્યો તે વખતના વિચારી મનુષ્યોની આવી જાતિ વિષે જે કલ્પના હોય તે ઉપરથી જ આપણે રામના આ કર્મની ન્યાયાન્યાયતાનો વિચાર કરી શકીયે. સ્પષ્ટ માલમ પડે છે કે વાલ્મીકિને રામનું આ કૃત્ય એટલું મૃગયા જેવું ન લાગ્યું કે એ ઉપર શંકા જ ન ઉઠાવે; પણ એકંદરે જોતાં એને એ અયોગ્ય પણ ન લાગ્યું. તેથી એણે એનો બચાવ પણ કર્યો. વાલ્મીકિને પણ તે દિવસે શંકા ઉઠી, એ ઉપરથી આજે એ વિચારનો પ્રવાહ કઈ દિશામાં જવો જોઇયે એની સૂચના મળે છે.

વાલી વીરને છાજે એવી રીતે મૃત્યુને શરણ થયો. મરતાં પહેલાં એણે સુગ્રીવના ગળામાં પોતાની માળા ઘાલી, અને પોતાના પુત્ર અંગદની સંભાળ લેવા જણાવ્યું. રામે અંગદને યુવરાજપદે સ્થાપવા સુગ્રીવને આજ્ઞા કરી. વાલી વીર પુરુષ હતો. એના મરણથી રામ-લક્ષ્મણને દુ:ખ થયું. સુગ્રીવ અને બીજા વાનરોએ પણ શોક કર્યો. વાલીની ઉત્તરક્રિયા થયા પછી કપિઓએ સુગ્રીવ અને અંગદનો, રાજા અને યુવરાજ તરીકે અભિષેક કર્યો. કેટલાક દિવસ આનંદમાં ચાલ્યા ગયા. એટલામાં ચોમાસું આવી લાગવાથી રામ-લક્ષ્મણ એક ગુફામાં રહેવા લાગ્યા. ચોમાસું પણ પૂરૂં થયું. પણ સુગ્રીવ તો ભોગવિલાસમાં પડી ગયો હતો. એ રામને મદદ કરવાની પતિજ્ઞા ભૂલી ગયો. રામ-લક્ષ્મણ આથી ચિંતા કરવા લાગ્યા. એમને સુગ્રીવ ઉપર તિરસ્કાર છૂટ્યો. છેવટે, એક દિવસે આકળા સ્વભાવનો લક્ષ્મણ ઉઠ્યો, અને સીધો સુગ્રીવના દરબારમાં પહોંચ્યો. એણે સુગ્રીવને ધમકાવી કહ્યું : "તારી પ્રતિજ્ઞા પૂરી કર; નહિ તો યાદ રાખજે કે વાલી મરણ પામી જે માર્ગે ગયો છે, તે માર્ગ હજુ બંધ થયો નથી."

સુગ્રીવની આંખો આ ધમકીથી ઉઘડી ગઈ. એણે તુરતજ ચારે દિશામાં દૂત મોકલી સર્વ વાનરદળને એકઠું થવા આજ્ઞા કાઢી.હિમાલય અને વિંધ્યાચળના દૂરના પર્વતોમાંથી કરોડોની સંખ્યામાં વાનરો ચાલી આવ્યા. કાળા મુખના, લાલ મુખના, ભૂરા, એવા સર્વે જાતના કપિઓ દક્ષિણમાં ભેગા થવા લાગ્યા. રીંછને મળતી જાતિઓનું પણ કેટલુંક સૈન્ય ભેગું થયું. સુગ્રીવે મુખ્ય મુખ્ય વાનરોને સીતાની બારીકીથી શોધ કરવા ચારે દિશામાં રવાના કર્યા. સર્વેને એક મહિનામાં બાતમી લાવવા, અને નહિ તો દેહાન્ત દંડ માટે તૈયાર રહેવા ધમકી આપી. ઘણું ખરૂં સીતા લંકામાં હશે એવી ધારણા હોવાથી એણે હનુમાન, અંગદ, જામ્બુવાન રીંછ વગેરે બળવાન વાનરોને એ દિશામાં મોકલ્યા. સીતા મળે તો એને ઓળખાણ આપવા રામે પોતાની વીંટી હનુમાનને આપી.

અનેક પરાક્રમો કરતા કરતા વાનરો રામેશ્વર આગાળ આવી પહોંચ્યા. સમુદ્ર ઓળંગી સામે જવાનું હતું. આટલો વિશાળ પટ કોનાથી ઓળંગાશે, એ વિષે સર્વે વિચારમાં પડ્યા. છેવટે જાંબુવાનની સલાહથી એ કામ હનુમાન ઉપર આવ્યું.