રૂડા શોભે રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
રૂડા શોભે રે
પ્રેમાનંદ સ્વામીરૂડા શોભે રે, નાહીને ઊભા હોયે;
વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નીચોવે.

પગ સાથળને રે, લુહીને સારંગપાણી;
કોરા ખેસને રે, પહેરે સારી પેઠે તાણી.

ઓઢી ઉપરણી રે, રેશમી કોરની વહાલે;
આવે જમવા રે, ચાખડિયે ચઢી ચાલે.

માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા;
કાન ઉઘાડા રે, રાખે મુજને ગમવા.

જમતાં ડાબા રે, પગની પલાંઠી વાળી;
તે પર ડાબો રે, કર મેલે વનમાળી.

જમણા પગને રે, રાખી ઊભો શ્યામ;
તે પર જમણો રે, કર મેલે સુખધામ.

રૂડી રીતે રે, જમે દેવના દેવ;
વારે વારે રે, પાણી પીધાની ટેવ.

જણસ સ્વાદુ રે, જણાયે જમતાં જમતાં;
પાસે હરિજન રે, બેઠા હોય મનગમતાં.

તેમને આપી રે, પછી પોતે જમે;
જમતાં જીવન રે, હરિજનને મન ગમે.

ફેરવે જમતાં રે, પેટ ઉપર હરિ હાથ;
ઓડકાર ખાય રે, પ્રેમાનંદના નાથ. ૧૦