રૂડીને રંગીલી રે
Appearance
રૂડીને રંગીલી રે મીરાંબાઈ |
રૂડીને રંગીલી રે
રૂડીને રંગીલી રે વહાલા, તારી વાંદળી રે જી.
મીઠી ને મધુરી રે માવા, તારી મોરલી રે જી;
એ તો મારે મંદિરિયે સંભળાય. રૂડીને રંગીલી૦
કાનુડો એ કાળો રે બાઈઓ, મારે હ્રદયે વસ્યો રે જી;
મૂકી દે ને કહાન કુંવર, મારાં ચીર. રૂડીને રંગીલી૦
સરખીને સાહેલી રે સાથે પાણી નીસર્યાં જી;
બેડું મેલ્યું સરોવરિયાની રે પાળ. રૂડીને રંગીલી૦
ઈંઢોણી વળગાડી રે, આંબલિયાની ડાળમાં રે જી.
ઊભી રીરખું નટવર દીનદયાળ. રૂડીને રંગીલી૦
હું ને કામી સૂતી રે, બાઈઓ ભરનીંદરમાં રે જી;
મોરલી વાગી ઝબકીને જાગી મઝમ રાત. રૂડીને રંગીલી૦
ગુરુને પ્રતાપે રે, બાઈ મીરાં બોલિયાં રે જી;
દેજો અમને સાધુના ચરણોમાં વાસ. રૂડીને રંગીલી૦