રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/અક્કાદેવી
← અવંતિસુંદરી | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો અક્કાદેવી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
નર્મદા → |
१०६–अक्कादेवी
ગુપ્તવંશી રાજાઓનું મહારાજ્ય નષ્ટ થયા પછી હિંદુસ્તાનમાં જે અનેક રાજવંશીઓએ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી, તેમાંના કોઈએ સોલંકીઓના જેવું પ્રભાવશાળી અને વિસ્તારવાળું રાજ્ય સ્થાપ્યું નહોતું. આપણા દેશના ઘણા રાજવંશોનો પ્રાચીન ઇતિહાસ મળી આવતો નથી, પણ સદ્ભાગ્યની વાત છે કે સોલંકી વંશના ઘણા રાજાઓ વિદ્યાના શોખીન અને વિદ્વાનોના આદરસત્કાર તથા વિદ્યાની વૃદ્ધિ કરનારા થઈ ગયા છે; આથી તેમની પ્રશંસામાં લખેલાં અનેક પ્રાચીન પુસ્તકોમાંથી એમનો થોડોએક વૃતાંત મળી આવે છે.
સોલંકી રાજપૂતો પોતાને અગ્નિવંશી ગણે છે અને વસિષ્ઠ ઋષિદ્વારા તેમનો મૂળ પુરુષ ચૌલુક્ય અથવા ચાલુક્ચ આબુ પર્વત ઉપર દુપન્ન થયો હતો, એમ માને છે.
જૂનાં તામ્રપત્રો, શિલાલેખ તથા પુસ્તકો ઉપરથી જણાય છે કે, સોલંકીઓનું રાજ્ય પહેલાં અયોધ્યામાં હતું. ત્યાંથી તેઓ દક્ષિણમાં ગયા. ત્યાંથી પાછા ગુજરાત, રજપૂતાના, વાઘેલ ખંડ આદિ દેશોમાં ફેલાયા.
જે સન્નારીનો ટૂંકો પરિચય આ ચરિત્રમાં અમે આપવા માગીએ છીએ, તેનો જન્મ દક્ષિણના સોલંકી રાજવંશમાં થયો હતો. એ સત્યાશ્રય રાજાના નાનાભાઈ દશદર્માની પુત્રી અને વિક્રમાદિત્ય પાંચમાની બહેન થતી હુતી. સત્યાશ્રય રાજાનું મૃત્યુ વિક્રમ સંવત ૧૦૬૫, ઈ૦ સ૦ ૧૦૦૯ ની લગભગમાં થયું હતું અને તેને કોઈ પુત્ર ન હોવાથી તેની ગાદી તેના ભત્રીજા વિક્રમાદિત્યને મળી હતી. અક્કાદેવીની માતાનું નામ ભાગ્યવતી હતું. કેટલીક જગ્યાએ તેનું નામ ભાગલદેવી પણ લખ્યુ છે.
અક્કાદેવીને તેનાં માતાપિતા તરફથી સારૂં શિક્ષણ મળ્યું હતું. એ ઘણી વીર પ્રકૃતિની સ્ત્રી હતી. રાજકાર્યમાં પણ એ ઘણી નિપુણ હતી. તેનું લગ્ન કદંબવંશી કોઈ સામંત સાથે થયું હતું. તેના સ્વામીનું નામ જાણ્યામાં નથી.
બેલુર સ્થાનમાંથી મળી આવેલા શક સંવત ૯૪૪ (વિક્રમ સંવત ૧૭૯, ઈ. સ. ૧૦૨૨) ના કાનડી ભાષાના એક લેખ ઉપરથી જણાઈ આવે છે કે એ સંવતમાં (ઈ. સ. ૧૦૨૨) માં એ “કિસુકાડ સપ્તતિ” નામના પ્રદેશ ઉપર રાજ્ય કરતી હતી. સિત્તેર ગામના કિસુકાડ પ્રદેશને “કિસૂકાડ સપ્તતિ” કહેતા હતા. એ પ્રદેશ બાદામી તાલુકામાં આવેલો છે.
અક્કાદેવી ઘણી સદ્ગુણી અને એકવચની સ્ત્રી હતી. યુદ્ધ કળામાં તે ઘણી પ્રવીણ હતી. રણભૂમિમાં તે ભેરવીની સમાન શત્રુઓનો સંહાર કરતી હતી. ઘણા ઉદાર સ્વભાવની હતી. કોઈ પણ ધર્મ ઉપર તેને દ્વેષ નહોતો. જૈન, બૌદ્ધ, શૈવ તથા વૈષ્ણવ સંપ્રદાયોનો એ એકસરખો આદર કરતી હતી.
પોતાનાના મોટાભાઈ વિક્રમાદિત્ય પાંચમાના સ્મરણાર્થે તેણે એક ગામનું દાન કરી દીધું હતું અને એક મંડપ બનાવ્યો હતો.
બીજા કેટલાક પ્રાચીન લેખો ઉપરથી જણાય છે કે એક વાર અક્કદેવીએ ગોકાગે (બેલગામ જિલ્લામાં આવેલું ગોકાક)ના કિલ્લા ઉપર ઘેરો ઘાલ્યો હતો અને ઉપર જણાવેલી સિત્તેર ગામ “કિંસુકાડ સપ્ત્તતિ” ઉપરાંત ત્રણ બીજા પ્રદેશ પણ તેના અધિકારમાં આવ્યા હતા. તેની જાગીરનું મુખ્ય સ્થાન વિક્રમપુર (બિજાપુર જિલ્લામાં) હતું. શ૦ સં૦ ૯૭પ (વિ૦ સં૦ ૧૧૧૦, ઈ૦ સ૦ ૧૦૫૩) સુધી તે રાજ્ય કરતી હતી, એવું પ્રમાણ મળી આવે છે. આગળની કાંઈ ખબર નથી. તેના પુત્રનું નામ મહામંડલેશ્વર કાદંબ તોયિમદેવ હતું. એ ઈ૦ સ૦ ૧૦૬૬ માં વનવાસી અને પાનુંગલ નામના સ્થાનોમાં રાજ્ય કરતો હતો.