રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/અવ્વઈ
← આણ્ડાલ | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો અવ્વઈ શિવપ્રસાદ દલપતરામ પંડિત |
રુકિમણી વા રુખમાબાઈ → |
१३०–अव्वइ
દક્ષિણ ભારતમાં જે સૌથી લોકપ્રિય કવિઓ અને કવયિત્રીઓ થઈ ગયાં છે, તેમાં એ અગ્રગણ્ય હતી. એને માટે દક્ષિણ હિંદુસ્તાનના લોકોને એટલું બધું માન અને પૂજ્યભાવ છે કે, કેટલાક સ્થળે મંગળવારને દિવસે તેની પૂજા થાય છે. એનાં કાવ્યો લોકોને મુખેથી વારંવાર વાતચીતમાં સાંભળવામાં આવે છે અને એનાં વચનનો ઉલ્લેખ કરવામાં આવે છે. એનાં કેટલાંક કાવ્યો તો કહેવતરૂપ થઈ ગયાં છે.
કહેવાય છે કે એના પિતાનું નામ ભગવાન અને માતાનું નામ આદિ હતું. બન્ને તીર્થયાત્રામાં જીવન ગાળતાં અને જ્યાં આગળ સંતાનનો જન્મ થાય ત્યાં જ એને છોડીને આગળ જતાં. આ પ્રમાણે વરિયુર ગામની ધર્મશાળામાં અવ્વઈનો જન્મ થયો. એ ગામ હાલના ત્રિચિનાપલ્લીની પાસે હતું અને એ વખતના રાજાનું પાટનગર હતું. ગામવાસીઓએ બાલકીને ઉછેરીને મોટી કરી. ભિક્ષુકની કન્યાને કેળવણી તો આપેજ કોણ ? પણ પૂર્વજન્મના સંસ્કારથી એને સંગીત અને કાવ્ય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન થઈ અને એ વિદ્યાઓમાં એણે સારી પ્રવીણતા મેળવી.
એણે પણ પોતાનું આખું જીવન ભિક્ષા માગવામાં અને પોતાની કવિતા તથા સંગીત દ્વારા જનસમાજને ઉપદેશ કરવામાં ગાળ્યું. લોકો એનો આદર કરતા અને બીજા કવિઓ મશ્કરીમાં કહેતા કે, “એ તો વાડકી રાબડીને સારૂ ગીત ગાય એવી છે.” આ વાત ખરી છે, લોકશિક્ષણ અને જનસેવાજ જેનો ઉદ્દેશ હોય તેને વધારે લોભલાલચની જરૂર શા માટે હોય ? ગરીબ અને ધનવાન સર્વના એ સમાગમમાં આવતી અને સંકટને સમયે બધાને મદદ કરતી.
અવ્વઈ લાંબુ આયુષ્ય ભોગવીને મરણ પામી હતી. ઈ૦સ૦ ના બારમા સૈકામાં એ થઈ ગઈ છે. એની કવિતા તામિલ ભાષામાં છે. એનાં કાવ્યો બોધજનક છે. ‘સદાચારનું મૂલ્ય’ એ વિષય ઉપર એ કહે છે કે,
“સદાચારી મનુષ્યો દુર્દશા પામે તો પણ તેઓ હંમેશાં સદાચારીજ રહેવાનાં.
“દુરાચારી દુર્દશાને પ્રાપ્ત થાય તો પણ તેઓ શા કામના ?
“સુવર્ણનો કળશ ભાંગી જાય તો પણ આખરે સુવર્ણ જ છે.
“માટીનો ઘડો ભાંગી જાય, તો શા કામનો છે એ ?”
મનુષ્યદેહની નિંંદા કરતાં એ લખે છે કે, “હાય ! આપણે ગુલામી વેઠીએ છીએ, ભીખ માગીએ છીએ, સાત સમુદ્ર પાર કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, શાસન કરીએ છીએ, કવિતા રચીએ છીએ અને ઊંચે સ્વરે ગીત ગાઈએ છીએ. આ બધું આપણા આ પાપી પેટને ભરવાને માટે કરીએ છીએ, કે જે એક મૂઠી ચોખાની ખાતર આપણને આટલાં કષ્ટ આપી રહ્યું છે.”
ધનના લોભીઓને ઉદ્દેશીને એ વિદુષી નારી કહે છે કે, “હે મૂર્ખ મનુષ્યો ! તમે ધનના લોભમાં સખ્ત પરિશ્રમ કરો છો અને જોખમથી બચાવવા સારૂ ધનને ભોંયમાં દાટો છો, પણ સાંભળો ! તમારા દેહપિંજરમાંથી આત્મારામ ચાલ્યો જાય છે, ત્યારે તમે મહામહેનતે એકઠું કરેલું એ ધન કોણ ભોગવશે ?”
અવ્વઈ સ્ત્રી હતી. આખું જીવન કવિતા દ્વારા ઉપદેશ આપવામાં ગાળ્યા છતાં સ્ત્રીઓ સંબંધી કાંઈ ન લખે એ અસંભવિત હતું. સારી ગૃહિણીની પ્રશંસામાં એ નીચે પ્રમાણે લખે છે :—
“જે ગૃહમાં સારી પત્ની છે તે ઘરને કશી વાતની ખોટ નથી; જો એવી સન્નારી ઘરમાં ન હોય અથવા એ ગૃહિણી કર્કશા હોય, મનને દુઃખવે એવા શબ્દો બોલનારી હોય તો એ ઘર વાઘની ગુફા સમાન છે.”