રૂપ તમારું રસિયાજી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રૂપ તમારું રસિયાજી
પ્રેમાનંદ સ્વામી



રૂપ તમારું રસિયાજી, નીરખતાં સુખદાઈ વહાલા;
ચિહ્ન તણો નહિ પાર વધારે, વા'લપ ઉરમાંહી વહાલા.

ડાબા ખભાથી હેઠો, વાંસામાં છે મરમાળો વહાલા;
રોમ સહિત મોટો તિલ રૂડો, જોતાં રૂપાળો વહાલા.

એ તિલથી હેઠો વાંસામાં, એક તિલ છે બીજો વહાલા;
તેને હેઠે જોયા જેવો, એક તિલ છે ત્રીજો વહાલા.

કરોડની જમણી કોરે, ડોક થકી હેઠે વહાલા;
સુંદર એક તિલ જોયા જેવો, બે તસુ છેટે વહાલા.

જમણી ખરપડી ઉપર નૌતમ, એક તિલ છે નાનો વહાલા;
પ્રીત કરીને રાખું મારા, મનમાંહી છાનો વહાલા.

કરોડની જમણી કોરે, વાંસામાં સારા વહાલા;
ચાર તિલ છે જોયા જેવા, લાગે બહુ પ્યારા વહાલા.

દાઢીથી હેઠે એક તિલ છે, અતિશે અનૂપ વહાલા;
દાઢી ઉપર કેશની રેખા, સુંદર સુખરૂપ વહાલા.

મધુર અધર પર શોભે રૂડી, રોમ તણી રેખું વહાલા;
હસતું કમળ સરીખું મુખ, ઓરા આવો દેખું વહાલા.

મુખમાંહે જમણી કોરની, હેઠલી જે દાઢ વહાલા;
તેમાં શ્યામ સુભગ ચિહ્ન એક, જોઉં રાખી ચાડ વહાલા.

શ્યામ ચિહ્ન છે જોયા જેવું, જીભમાં સુખકારી વહાલા;
સુંદર વદન કમળ પર જાયે, પ્રેમાનંદ વારી વહાલા. ૧૦