લખાણ પર જાઓ

લક્ષ્મી નાટક/પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
લક્ષ્મી નાટક
પ્રસ્તાવના
દલપતરામ
સ્વાંગ ૧લો →


પ્રસ્તાવના

વિક્રમાજીતના જન્મથી પેહેલાં આશરે સાડાત્રણસેં વર્ષ ઉપર ગ્રીક લોકના દેશમાં આથેનાઇ નામે મોટું નગર હતું અને સર્વે ઠેકાણે ગ્રીક લોકો ઘણા જ વિદ્યાવાળા હતા તો પણ આથેનાઇ નગરના લોક જેવા ડાહ્યા લોક કોઈ ઠેકાણે નહોતા. તે નગરમાં કવિ વગેરે સારા સારા ગ્રંથ બનાવવાવાળા ઘણા, અને આટલાં વર્ષ વહી ગયાં છે, તોપણ આજ દિવસ સુધી વિલાયતના તથા બીજા ફીરંગી લોકના દેશના તમામ નિશાળોમાંના બાળકો એ મોટા નામીચા કવિયોના ગ્રંથ ભણે છે, તે ઉપરથી લોક કહે છે કે આથેનાઇ રૂપી સ્ત્રી પોતે નાશ પામી છે; પણ વિદ્યા રૂપી જીવનથી, આજ સુધી દુનિયાને જીવાડે છે. તે સમે તે દેશમાં લોક ઘણાએક દેવોને માનતા હતા, અને વળી તેમની મૂર્ત્તિયો બનાવીને સારા સારા દેરાંમાં રાખી હતી; તે મૂર્ત્તિયો ઘણી જ શોભાવાળી ને તેમનાં દેરાં પણ જોવા જેવાં હતાં. તે દેરાંમાંના કેટલાંએક દેરાં આજ સુધી ઉભાં છે પણ તેમના દેવની માનતા બીલકુલ બંધ થયેલી છે, અને દેવની મૂર્ત્તિયો વિલાયત આદિક દેશોમાં લોક લેઈ ગયા છે.

તે સમે આથેનાઇ નગરમાં અરીસ્તોફનીસ નામે એક કવિરાજ હતો, તેણે ઘણા ગુણ ભરેલાં નાટક બનાવ્યાં, તેમાંના એક નાટક ઉપરથી અમે આ લક્ષ્મીનાટક બનાવ્યું છે, પણ ગુજરાતી લોકોના સમજ્યા બરાબર આવે એટલા સારૂં આ ગ્રીક લોકની ચાલ છોડીને હિંદુ લોકની ચાલ લીધી છે, આ મૂળ નાટકનું નામ પ્લાતસ છે તે પ્લોતસ તેમનામાં ધનનો દેવ હતો, માટે અમે અમારા નાટકને લક્ષ્મી નામ આપ્યું છે.

ઉપર લખેલી વાત વાંચ્યાથી સૌ લોકોને માલુમ પડશે કે આ ચોપડીમાં લક્ષ્મીની કાંઈ સ્તુતિ નથી, પણ નાટકની ચાલ પ્રમાણે વાત બનાવી છે.

અસલ આ નાટક બનાવનારનો વિચાર એવો હતો કે પોતાના દેશમાં લોકો અન્યાયથી જુઠપણાથી તથા કોઈ પાપમાર્ગથી ધન ભેળું કરતા હતા; માટે તેઓની મશ્કરી કરવા ઇચ્છતા હતા. તે કારણથી એક ગરાશિયો ધીરસિંહજી બનાવ્યો તે વૃદ્ધ તથા ધર્મવાળો અને સારા કુળવાળો હતો. પણ તેની પાસે ધન થોડું હતું; તે ગરાશિયો તિર્થવાસ થઈને મહાદેવ પાસે આવ્યો તેની સાથે એક ચાકર ભીમડો હતો, તે વગર ભણેલો અને નિર્લજ હતો, તે ગરાશિયાના જોવામાં આવ્યું, કે જે માણસ દુષ્ટ આચરણ કરે છે તે જ ધનવંત થાય છે અને જે સારે માર્ગે ચાલે છે, તે દરિદ્રી થાય છે. તે ઉપર મહાદેવજીને પુછ્યું કે મારા દીકરાને કીએ માર્ગે ચલાવું કે જેથી એનું કલ્યાણ થાય ? ત્યારે દેવે કાંઈ પ્રગટ ઉત્તર આપ્યો નહીં પણ એટલું કહ્યું કે આ દેવળમાંથી નિસરતાં જે માણસ પહેલું નજરે આવે, તેનો કેડો મેલશો નહીં, પછી દેવળમાંથી નિસરતાં એક ડોશી નજરે પડી ત્યારે દેવના કહ્યાથી તે ડોશીને પછવાડે બંને જણ ચાલ્યા, પણ એ ચાકર કાંઈ સમજ્યો નહીં; તેથી રાજાને પુછ્યું કે દેવે તમને કશું કહ્યું ? ત્યારે રાજાએ જેમ થઈ તેમ વાત કહી, ત્યાર પછી ડોશીના કહ્યાથી જાણ્યું કે એ ડોશી તે લક્ષ્મી છે, અને ઇન્દ્રે ફલાણા કારણથી એની આંખ્યો ફોડી છે. તે વાત સાંભળીને બંને જણા પ્રસન થયા, તાર પછી વિચાર કીધો કે; ધનવંતરી પાસે જઈને આંખ્યો સારી કરાવવી; પછી આંખ્યો સારી કરવાથી બંને જણને તથા સર્વે સારા લોકને ધનની પ્રાપ્તિ થઈ. અને દુષ્ટ લોકો દરિદ્રી થયા.

આ નાટક વાંચીને સજ્જન લોકો સારાંશ એટલો લેશે કે અન્યાયથી, અધર્મથી તથા ચાડિયાપણાથી ધન પેદા કરવું નહીં.

હવે ધીરસિંહજી મહાદેવજીના કહ્યાથી આંધળી ડોશીને પછવાડે ચાલ્યા તે જોઈને ભીમડો બોલ્યો. ત્યાંથી વાત ચલાવીએ છીએ.