લક્ષ્મી નાટક/સ્વાંગ ૭ મો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  સ્વાંગ ૬ ઠ્ઠો લક્ષ્મી નાટક
સ્વાંગ ૭ મો
દલપતરામ


હનુમાન દરવાજાને ઠોકવા લાગ્યો.

ભીમડોઃ અરે કોણ બારણાં ઠોકે છે. આંઇ તો કોઇ જણાતું નથી ને બારણાં એની મેળે બોલતાં હતાં કે શું?

હનુમાનઃ ચાલો તમને સઊને બોલાવવા આવ્યો છું.

ભી.: અરે જાને તું વળી કોણ છું મોટા પુંછડાવાળો?

હનુમાનઃ હું હનુમાન છું અને તમે તુરત ચાલો તમારો રાજા, રાણી, કુંવર, કુંવરી, ગાય, બળદ, ઘોડા, ઘોડી સરવે સાથે લેવાં.

ભી.: શું કામ છે કહે તો ખરો?

હનુ.: અરે લુચ્ચાઓ રામજીની ઇછા એવી છે કે તમને સર્વેને એક ગાંસડીમાં બાંધીને પતાળમાં નાંખી દેવાં.

ભી.: અરે તારું મહો કાળું થાય. એવો મહેલો ક્યાંથી લાવ્યો અને કહેને ભાઈ શા માટે રામજીની એવી ખોટી નજર અમારા ઊપર થઇ છે?

હનુ.: તમે મોટું પપ કર્યું છે, જે દહાડેથી એ દેવીની આંખ્યો સારી કરી તે દહાડાથી અમારા દેવલોકના દેવને ધુપ, દીવો, બળીદાન કોઈ માણસ આપતું નથી.

ભિ.: અરે દૈવ, એ તો હવે કોઈ આપનાર નથી કેમ જે અમે જ્યારે આપતા હતા ત્યારે એનું ફળ કાંઈ અમને મળ્યું નહોતું.

હનુ: બીજા દેવની વાત તો તે દેવ જાણે પણ હું તો દેરામાં બેઠો ભૂખે મરૂં છું.

ભીમ: હા તે ભૂખે મરતા હશો.

હનુ.: મહોરે કેટલીક બાયડીઓ સવારના પહોરમાં આવીને ખીર, વડાં, બાકળા તમારી આગળ મૂકી જતીઓ અને હવે તો ભુખમાં બેઠા બેઠા બગાસાં ખાવાં પડે છે.

ભીમ: તમે એ જ લાગના છો, આગળ કેટલાએક ચોર લોકોની માનગ તો આઈ ગયા અને બીચારાઓના ભુંડા હાલ કર્યા એવા હતા.

હનુ.: અરે મારા રામ હવે મુને કાળીચઉદશને દહાડે બાકળા કોણ આપશે?

ભી.: અતીદુર્લભ વસ્તુ ચહે ǁ થાય અધીક ઉદાશ ǁ તે નર ઉભા શુકશે ǁ થાય ન પુરી આશ ǁ ૧

હનુ.: અરે હાય. હાય.હવે મને શીંદુર તેલ પણ મળશે કે નહીં મળે?

ભી.: તમારા પેટમાં કાંઈ દરદ હોત તો લ્યો. આટલું તેલ પીયો (પછી પીધું) હવે જાઓ છો?

હનુ.: પણ તમે મારા ઉપર સારી નજર રાખશો તો?

ભી.: તો શું.

હનુ.: મને કાંઈ દેવીની પાસેથી ખાવાનું લાવી આપો તો.

ભી.: બહાર ન લવાય. એ તો શીવનિર્માલ્ય જેવું છે.

હનુ.: પણ ભાઈ સાહેબ, આ વખતમાં મારી બરદાસ તમારે રાખી જોઈએ. આગળ તમે તમારા ઠાકોરના ઘરમાંથી કાંઇ ધા દઈને લેઈ આવતા ત્યારે હું તમારી લાજ રાખતો.

ભી.: અરે લુચ્ચા, પણ તેમાંથી તમે ભાગ પડાવતા કે નહીં, તમારા પેટમાં તો હમેશ એટલી ભુખ રહે છે.

હ.: ભાગ તો આપતા હતા ખરા પણ ઘણું કરીને તમે ખાઈ જતા હતા.

ભી.: શા વાસ્તે ન ખાઈએ કોઈ વખત અમે પકડાઈએ ત્યારે ગેરબંધના માર ખાવા પડતા તેમાંથી તમે બરાબર ભાગ રાખતા નહીં.

હનુ.: ભાઈ હાલ, તમારો દહાડો ચડિયાતો થયો છે વાસ્તે એ ગઇ ગુજરી વાત કાંઇ સંભારવી ના જોઈએ અને મારી વિનતી ધ્યાનમાં લાવીને મને અહિ કોઈ જગો આપવી જોઈએ કે જ્યાં મારૂં ગુજરાન ચાલે.

ભી.: કેમ તમે સ્વર્ગ છોડીને અહિ નિવાસ કરશો?

હ.: હા. એમ જ કરીશું, એ સ્વર્ગ કરતાં અહિંયાં અમારૂં ગુજરાન સારૂં ચાલે છે.

ભી.: તમે તો બડાં હુંશિયાર જણાઓ છો કે પોતાના નાતજાતવાળા આપદકાળમાં પડે તો તેઓની સોબત છોડીને જુદા પડવાનું ધારો છો.

હ.: તમે શું એતો આખો વિશ્વ કહે છે કે એ હુંશિયારીનું કામ છે.

ભી.: પણ તમે અહિ, શી ચાકરી ઉપર રહેશો?

હ.: હું માતાજીનો દવારપાલ થઈશ.

ભી.: હવે જગતમાં કોઈ ચોરી કરનાર રહ્યો નથી એટલે દવારપાલનો શો ખપ છે?

હ.: હું તમારા રૂપિયા પરખનાર થઈશ.

ભી.: અરે હવે સારો ખોટો રૂપૈયો કોણ જોવા રહે છે, માપી માપીને લઈયે દેઈયે છીએ.

હ.: હું તમારો વકીલ થઈશ તે કોરટમાં ચહાય તેવો જુઠો મુકરદમો હોય તે સાચો કરી આપીશ.

ભી.: આ માતાજીની આંખ્યો સારી થઈ તે દિવસથી લોકો કોરટનું તો નામ જ ભુલી ગયા છે, તો હવે વકીલ શું કરવો?

હ.: હું તમને રસ્તો દેખાડીશ.

ભી.: આંખ્યો ઉધડી એટલે સારો રસ્તો એની મેળે સુજશે. દેખાડનારનું શું કામ છે?

હ.: હું તમારી દેવી આગળ નિરંતર નૃત્ય કરીશ પૈસાવાળાની શોભા છે કે સારા નૃત્ય કરનાર રાખવા.

ભી.: સારૂં ત્યારે એમ જ કરજો. પણ હમણાં તો અમારે રસોઈ કરનાર કોઈ નથી. વાસ્તે રસોઈયા બનો તો ઠીક.

હ.: ઠીક છે એ કામ કરવાની, પણ મારી ઇચ્છા છે. હું હાલ ભુખ્યો છું તેથી.(એવામાં ગોસાઈ અને ઠાકોર માંહોમાંહે વાદ કરતા આવ્યા.)

રાજા.: બાવાજી શી રીતે ખોટું છે?

ગોસાંઈઃ સુનો બાબુ, ખોટો નહીં તો ક્યા જબસે ઓ દેવી દેખતી થઇ તબસે હમકું એક આનાબી મીલા નહીં નીલકંઠ મહાદેવકી પૂજા કરેતે હે તોબી.

રાજાઃ તેનું કારણ શું? તે કહેવું જોઈએ.

ગો.: કારણ ઓઈ હે, જો કોઈ પૂજા કરનેકુ આતા નહીં.

રાજાઃ શા વાસ્તે આવતા નથી?

ગો.: સબ પૈસાવાળા હો ગયા. અબ પૂજાકી ગરજ કુંનકુ રહી.આગે કોઈ બંદી ખાંનેસે છૂટતા તો મહાદેવજીસે કુછ માનતા કરતા. કોઈ શાહુકાર ધંધે રોજગારમેં મહાદેવજીકા ભાગ રખતા. અબ કોઈ દેવળ સામાબી દેખતા નહીં, જબ જળ સુક ગયા તબ બગ કહાં જાય? મહાદેવકુ છોડકર અબ મહાદેવીકી ચાકરીમેં હમેરે રહેના હોયગા. પેસા મીલે નહીં તો, અબ ક્યા કરે?

રાજા.: મહારાજ તમારે પૈસા શું કરવા છે?

ગો.: દેખો બડચોદ કેસા બોલતા હે હમેરે બેટા બેટીકા લગ્ન કિયા ચઇતા હે કે નહીં? ફરજ હોતા હે તબ રંડી ખાના પીના કપડાં મંગતી હે કે નહીં, રંડી હમકુ છોડતી હે?

રાજાઃ મહારાજ તમારે વળી બેટા-બેટી છે?

ગો.: હમેરે પરતો પરમેશ્વરકી બડી મહેરબાની હે, બેટે સાત, ઓર બેટી તીન હે.

રાજાઃ તમારા દીકરા કાંઈ વિદ્યા ભણેલા છે?

ગો.: કાય પઢે બાબુ, સાલે કીસીકાય મૂતકા હે એતના બેટા ભય તોબી મહાદેવજીકા પાપ મેરે સીરસેં ઉતરા નહીં.

રાજાઃ મહાદેવજીનું પાપ શું?

ગો.: પાપ નહીં તો ક્યા રોજ ઉઠકર ઝાડુ કાઢના, પખાલ કરના, એતની શિવકી પૂજાબી કોઈ લડકા શીખતા નહીં.

રાજાઃ બાવાજી ધીરજ રાખો અહિ તો સાક્ષાત મહાદેવી આપની ખુશીથી પધાર્યાં છે.

ગો.: બાબુ તુમ અછી બાત બોલતે હો.

રાજાઃ હવે એટલું કરવું રહ્યું છે કે દેવીનો અભિષેક કરવો. અરે ભીમડા એક મશાલ પકડનાર હજામને બોલાવ્યા. વાજાં બજાવનારો અભિષેક કરનાર બ્રાહ્મણો, ગીત ગાનારીઓ સર્વેને બોલાવો.

(ભીમડો ગયો)

રાજાઃ તમે માતાજીને અહિ તેડી લાવીને રથમાં પધરાવો.

ફા.: અરે હમકું કુછ કામ સોંપતે નહીં.

રાજાઃતમે સારાં લુગડાં પહેરીને આવ્યાં છો વાસ્તે માથે મોહોડ ઘાલીને આ અભિષેક કરવાની ઝારી માથે લ્યો.

ફા.: હમ જીસ બાસ્તે આઇ હું ઇસકુ કયા બોલતે હો.

રાજાઃ ચલો, ચાલો, એ ઉઠાવો, સાંજે જુવાનખાંને તમારી પાસે મોકલીશું.

ફા.: ઉસબાતકા સોગન કરો તો હમ ઉઠાવે. નહીં તો નહીં ઉઠાયેંગે.

રાજાઃ ચાલો, ચાલો, સોગન છે. બીજી ઝારીઓમાં કચરો ઉપર તરી આવ્યો છે, અને આ ઝારીને તળે બેઠો છે.

(પછી ગોસાંઇએ દેવીને રથમાં પધરાવ્યાં. ભીમડો મશાલ પકડનાર વગેરેને તેડી લાવ્યો.)
વરઘોડો ચાલ્યો ભીમડો ગીત ગાવા લાગ્યો.
ગીત
ભમરો ઉડે રંગ મોહોલમાં રે,
ગડેડે નગારાની ઠોર;
લખમીબાઈની જાનમાં રે. ૧
દાદા વીના કેમ ચાલશે રે?
દાદોજી ધીરસિંહ હોય;
લખમીબાઈની જાનમાં રે. ૨
કાકા વીના કેમ ચાલશે રે?
કાકો દાજીભાઈ સાથે;
લખમીબાઈની જાનમાં રે. ૩
કાકી વીના કેમ ચાલશે રે?
કાકી ફાતમાબાઈ હોઅ;
લખમી બાઈની જાનમાં રે ૪
ગોરજી વીના કેમ ચાલશે રે?
ગોરજી શાસ્ત્રી બાવો સાથ;
લખમીબાઈની જાનમાં રે ૫


(પૂર્ણ)