લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં
Appearance
ગંગાસતીના ભજનો લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં ગંગાસતી |
લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં
લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં, ત્યાં લગી ભગતી નૈ થાય
શરીર પડે વાકો ધડ લડે પાનબાઈ ! સોઈ મરજીવા કહેવાય…
લાગ્યા ભાગ્યાની ભે...
પોતાનું શરીર માને નહિ મનમાં, શરીરના ધણી જોને મટી જાય
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવે, ત્યારે પૂરણ નિજારી કહેવાય…
લાગ્યા ભાગ્યાની ભે...
નવધા ભગતીમાં નિરમળા રહેવું, મેલી દેવી મનની તાણાતાણ
પક્ષાપક્ષી નહિ હરિના દેશમાં, એનું નામ પદની ઓળખાણ…
લાગ્યા ભાગ્યાની ભે...
અટપટો ખેલ ઝટપટ સમજાય નૈ, એ તો જાણવા જેવી છે જાણ
ગંગાસતી એમ બોલિયાં રે, ત્યારે મટી જાય ચારે ખાણ…
લાગ્યા ભાગ્યાની ભે...