લાલકિલ્લાનો મુકદ્દમો/કામચલાઉ સરકારનું જાહેરનામું
← લેફ૦ નાગની જુબાની | લાલકિલ્લાનો મુકદ્દમો કામચલાઉ સરકારનું જાહેરનામું ઝવેરચંદ મેઘાણી ૧૯૪૬ |
'આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની' → |
'૧૭૭૫ માં બંગાળમાં અંગ્રેજોને હાથે પહેલીવાર પરાજય પામ્યા પછી, હિંદુસ્તાનની પ્રજા એકસો વર્ષના ગાળા દરમિયાન આકરી અને ઘોર લડાઈએાની એક પરંપરા લડી હતી. આ કાળનો ઇતિહાસ અજોડ વીરતા અને સ્વાર્પણની કથાઓથી ભરપૂર છે. બંગાળના સિરાજુદુલ્લા અને મોહનલાલ, દક્ષિણ હિંદના હૈદરઅલી, ટિપ્પુ સુલતાન અને વેલુ તામ્પી, મહારાષ્ટ્રના અપ્પા સાહેબ ભોંસલે અને પેશ્વા બાજીરાવ, ઔંધની બેગમો, પંજાબના સરદાર શ્યામસીંઘ અટારીવાલ, અને છેલ્લે, પણ કોઈથી ય ઊતરે નહિ તેવાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, દુમરાવનના મહારાજ કુંવરસીંઘ અને નાના સાહેબ તથા બીજાએા – આ બધા યોદ્ધાઓનાં નામ એ ઇતિહાસનાં પાનાં ઉપર સદાને માટે સોનેરી અક્ષરોમાં કોરાઈ ચૂક્યાં છે. આપણાં કમભાગ્યે આપણા પૂર્વજો પહેલેથી જ એ ન સમજી શક્યા કે અંગ્રેજો આખા હિંદુસ્તાન માટે એક મહાન ભય સમાન છે; અને તેથી દુશ્મન સામે એમણે સંયુક્ત મોરચો ઊભો કર્યો નહિ.
આખરે, સંજોગો સાચે જ કેવા છે તેનું ભાન જ્યારે હિંદી પ્રજાને થયું ત્યારે એમણે ભેગા થઈને પગલું ભર્યું. અને ૧૮પ૭ માં બહાદુરશાહના નેજા હેઠળ, આઝાદ માનવીઓ તરીકેની એમની છેલ્લી લડાઈ તેઓ લડ્યા. આ લડાઈના શરૂઆતના કાળમાં મળેલા ઝળહળતા વિજયોની પરંપરા છતાં, બદકિસ્મત અને ખામીભરી આગેવાનીને પરિણામે ધીમે ધીમે તેમનાં આખરી પરાજય અને પરાધીનતા આવી પડ્યાં. તેમ છતાંય, ઝાંસીની રાણી, તાત્યા ટોપે, કુંવરસીંઘ અને નાના સાહેબ જેવા શુરવીરો રાષ્ટ્રની યાદદાસ્તમાં શાશ્વત તારા તરીકે જીવતા રહેશે અને બલિદાન તથા વીરતાનાં હજીય મહાન કાર્યો કરવાની આપણને પ્રેરણા આપશે.
૧૮૫૭ પછી અંગ્રેજોને હાથે બળજબરીથી નિ:શસ્ત્ર બનાવાયેલી અને ત્રાસ અને નિર્દયતાનો ભોગ બનાવાયેલી હિંદી પ્રજા થોડા વખત માટે તો નિઃસહાય હાલતમાં પડી રહી. પણ ૧૮૮૫ માં હિંદી રાષ્ટ્રીય મહાસભાના જન્મ સાથે જ એક નવી જાગૃતિ પેદા થઈ. ૧૮૮૫થી તે ગયા વિશ્વયુદ્ધના અંત સુધીમાં, પોતાની ગુમાવેલી સ્વાધીનતા પાછી મેળવવા માટે હિંદની પ્રજાએ જેહાદ અને પ્રચાર, બ્રિટિશ માલનો બહિષ્કાર, ત્રાસવાદ અને ભાંગફોડ, અને છેવટે સશસ્ત્ર બળવા જેવા શક્ય તેટલા તમામ માર્ગો લઈ જોયા, પણ થોડા સમય માટે તો આ બધા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. આખરે ૧૯૨૦ માં નિષ્ફળતાની લાગણીથી ત્રાસેલી હિંદી પ્રજા જ્યારે કોઈ નવા માર્ગ માટે ફાંફાં મારી રહી હતી ત્યારે અસહકાર અને સામુદાયિક કાનૂનભંગનાં પોતાનાં નવાં શસ્ત્રો લઈને મહાત્મા ગાંધી આગળ આવ્યા.
તે પછીના બે દાયકા દરમિયાન જલદ દેશપ્રેમી ચળવળના એક તબકકામાંથી હિંદી પ્રજા પસાર થઈ આઝાદીનો સંદેશો હિંદુસ્તાનના ઘરેઘરમાં પહોંચાડ્યો. આઝાદીને કાજે સહન કરવાનું, ભોગ દેવાનું અને મરવાનું પ્રજાને વ્યકિતગત દૃષ્ટાંતોથી શીખવવામાં આવ્યું. મધ્યબિંદુથી તે દૂર દૂરનાં ગામડાં સુધીના હિંદીઓને એક જ રાજકીય સંસ્થામાં ગૂંથી લેવામાં આવ્યા. આ રીતે હિંદી પ્રજાએ પોતાની રાજકીય જાગૃતિ પાછી મેળવી. એટલું જ નહિ, પણ ફરી એકવાર એ એક જીવંત રાજકીય તાકાત બની. હવે, એક ધ્યેય માટે તે એક જ અવાજે બોલી શકતી હતી અને એક જ મકસદથી મથી શકતી હતી. ૧૯૩૭થી ૧૯૩૯ સુધીમાં આઠ પ્રાંતોમાંનાં કોંગ્રેસી પ્રધાનમંડળો દ્વારા તેણે પોતાનો વહીવટ કરવાની શકિત અને તૈયારીની સાબિતિ આપી.
આ રીતે આ વિશ્વયુદ્ધની આગલી સંધ્યાએ હિંદુસ્તાનની સ્વાધીનતાના આખરી સંગ્રામ માટેની પૂર્વભૂમિકા રચાઈ ચૂકી હતી. આ લડાઈ દરમિયાન જર્મની અને તેના સાથીએાએ મળીને આપણા દુશમન ઉપર યુરોપમાં સજજડ પ્રહારો કર્યા છે, અને જાપાન અને તેના સાથીઓએ મળીને આપણા દુશ્મનને પૂર્વ એશિયામાં ધૂળ ચાટતો કર્યો છે. ઘણા જ શુભ સંજોગેાના એકીકરણને લીધે આજે હિન્દી પ્રજાની સામે પોતાની રાષ્ટ્રીય મુક્તિ મેળવવાની એક અજબ તક આવી છે.
તાજેતરમાં ઇતિહાસમાં પહેલી જ વાર પરદેશેામાં વસતા હિંદીઓમાં પણ રાજકીય જાગૃતિ આવી છે. અને એક સંસ્થામાં તેઓ એકત્ર બન્યા છે. વર્તનમાંના પોતાના દેશભાઈએાની સાથે એક સૂરે તેઓ વિચાર કરી રહ્યા છે. અને લાગણીઓ અનુભવી રહ્યા છે. એટલું જ નહિ, પણ આઝાદીને મારગે એમની સાથે કદમ મિલાવીને એ કૂચ કરી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ એશિયામાંના વીસ લાખથી વધુ હિંદીઓ કુલઝપટ લશ્કરી ભરતીના પોકારથી ઉત્સાહ પામીને એક નક્કર લશ્કર બની ઊભા છે. અને એમની સામે ખભેખભા મિલાવીને ખડી છે હિંદુસ્તાનની સ્વાધીનતાની સેના એમના હોઠ ઉપર છે. 'ચલો દિલ્હી'નો નાદ.
પોતાની દાંભિકતાથી ઘેાંચપરોણો કરી કરીને હિંદીએાને અધીરા બનાવનાર અને પેાતાની લૂંટથી એમને ભૂખમરા અને મોત ભેગા કરનાર હિંદમાંના બ્રિટિશ રાજે હિંદી પ્રજાની ભલી લાગણી સંદતર ગુમાવી છે. અને હવે એ જોખમી જિંદગાની ગુજારી રહ્યું છે. એ દુ:ખદ રાજના છેલ્લા અંશનો પણ નાશ કરવા માટે એક જ્વાલાની જ જરૂર છે એ જ્વાલા જલાવવાનું કામ હિંદુસ્તાનની સ્વાધીનતાની સેનાનું છે. વતનમાંના નાગરિક પ્રજાજનો તેમજ બ્રિટનના હિંદી લશ્કરના મોટા ભાગના ઉત્સાહજનક પીઠ બળની જેને ખાતરી છે અને પરદેશના બહાદુર અને અજેય મિત્રોનો જેને ટેકો છે, પણ જે પ્રથમ પહેલાં તો પોતાની તાકાત ઉપર જ આધાર રાખે છે, તે હિંદુસ્તાનની સ્વાધીનતાની સેના પોતાનો ઐતિહાસિક ભાગ ભજવી શકશે એવો એને વિશ્વાસ છે.
હવે જ્યારે આઝાદીનું પ્રભાત હાથવેંતમાં જ છે. ત્યારે હિંદી પ્રજાની ફરજ છે કે એ પોતાની એક કામચલાઉ સરકારની સ્થાપના કરે; અને તેના ઝંડા નીચે પોતાની આખરી લડતનાં મંડાણ કરે. પણ તમામ હિંદી નેતાઓ જેલમાં છે, અને વતનમાંના લોકો સંપૂર્ણપણે નિઃશસ્ત્ર છે, ત્યારે હિન્દુસ્તાનમાં કોઈ કામચલાઉ સરકાર સ્થાપવી, કે એ સરકારના નેતૃત્વ હેઠળ લડત ઉપાડવી એ શક્ય નથી. એટલે વતનમાંના અને પરદેશેામાં તમામ દેશપ્રેમી હિંદીએાના ટેકા સાથે પુર્વ એશિયાના હિંદી સ્વાતંત્ર્ય સંઘની એ ફરજ છે કે આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના કરવાનું આ કામ ઉપાડી લેવું, અને સંઘે તૈયાર કરેલી સ્વાધીનતાની સેનાની મદદથી આઝાદીની આખરી લડતનું સંચાલન કરવું.
પૂર્વ એશિયામાંના હિંદી સ્વાતંત્ર્ય સંઘ તરફથી અમારી આઝાદ હિંદની કામચલાઉ સરકાર બનાવવામાં આવેલ છે. અમારા ઉપરની જવાબદારીના પૂરા ભાન સહિત અમે અમારી ફરજ બજાવવાની શરૂઆત કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા કાર્યને અને માતૃભૂમિની મુક્તિ માટેની અમારી લડતને ઈશ્વરના આશીર્વાદ મળે. એની આઝાદી, એની આબાદી અને જગતનાં રાષ્ટ્રો વચ્ચે એના ઉચ્ચતર સ્થાનની પ્રાપ્તિ માટે અમે અમારા જાન અને અમારા સશસ્ત્ર સાથીએાના જાન આપવાના સોગંદ લઈએ છીએ.
અંગ્રેજો અને તેના મિત્રોને હિંદની ધરતી ઉપરથી જે હાંકી કાઢી શકે એવી લડત શરૂ કરવાની, અને તેને ચાલુ રાખવાની આ કામચલાઉ સરકારની ફરજ રહેશે. તે પછી, હિંદી પ્રજાની ઈચ્છા પ્રમાણે રચાયેલી અને તેનો વિશ્વાસ ધરાવતી આઝાદ હિંદની કાયમી રાષ્ટ્રીય સરકાર ઊભી કરવાનું કામ આ કામચલાઉ સરકારનું રહેશે. અંગ્રેજો અને તેમના મિત્રોને હાંકી કાઢ્યા પછી આઝાદ હિંદની કાયમી રાષ્ટ્રીય સરકારની સ્થાપના થાય ત્યાં સુધીના કાળ દરમિયાન આ કામચલાઉ સરકાર હિંદી પ્રજાના 'ટ્રસ્ટી' તરીકે દેશને વહીવટ ચલાવશે.
કામચલાઉ સરકાર પોતાની જાતને દરેક હિંદીની વફાદારીની અધિકારી માને છે, અને આથી એ વફાદારી માટે દાવે કરે છે. તેના દરેક પ્રજાજનને ધાર્મિક સ્વાતંત્ર્ય અને તમામ હક્કો અને અનુકૂળતાએાની એ ખાતરી આપે છે. આખા ય રાષ્ટ્ર અને તેના તમામ ભાગોની સુખાકારી અને આબાદી માટે મથવાને પોતાનો મક્કમ નિર્ધાર એ જાહેર કરે છે, એમ કરવામાં રાષ્ટ્રના તમામ સંતાનોને તે સમાન ગણશે, અને પરદેશી સરકારે ભૂતકાળમાં ચાલાકીપૂર્વક પેદા કરેલા સૌ મતભેદોથી એ પર રહેશે.
ઈશ્વરને નામે, હિંદી પ્રજાનું જેમણે એક રાષ્ટ્ર તરીકે ઘડતર કર્યું છે એ પાછલી પેઢીઓને નામે અને આપણને વીરતા અને સ્વાર્પણનો વારસો આપી જનારા મરેલા શુરવીરોને નામે અમે હિંદી પ્રજાને સાદ કરીએ છીએ કે અમારા નિશાન નીચે એકત્ર થાવ, અને હિંદની આઝાદી માટે તૂટી પડો. અંગ્રેજો અને હિંદમાંના એમના તમામ સાથીઓ સામે આખરી લડત માંડવાનો, અને હિંદની ધરતી ઉપરથી દુશ્મન હાંકી ન કઢાય તથા હિંદી પ્રજા ફરી વાર એક આઝાદ રાષ્ટ્ર ન બને ત્યાં સુધી આખરી વિજયમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને બહાદુરી અને ખંતપૂર્વક એ લડત ચાલુ રાખવાનો સાદ અમે હિંદી પ્રજાને કરીએ છીએ.'
આઝાદ હિંદની કામચલાઉ સરકાર વતી સહી કરનાર :
સુભાષચંદ્ર બોઝ (સરકારના વડા, વડા પ્રધાન, યુદ્ધ-પ્રધાન, પરદેશ–ખાતાના પ્રધાન).
કૅપ્ટન કુ. લક્ષ્મી (સ્ત્રીઓની સંસ્થા).
એસ. એ. અય્યર (જાહેરાત અને પ્રચાર ખાતું).
લેફ્ટેનન્ટ કર્નલ એ. સી. ચેટરજી(નાણાં ખાતું).
લેફ્ટેનન્ટ કર્નલ અઝીઝ અહમદ, લેફ૦ ક૦ એન. એસ. ભગત, લેફ૦ ક૦ જે. કે. ભોંસલે, લેફ૦ ક૦ ગુલઝારાસીંધ, લેફ૦ ક૦ એમ. ઝેડ. કિયાની, લેફ૦ ક૦ એ. ડી. લોનાથન, લેફ૦ ક૦ એહસાન કાદીર, લેફ૦ ક૦ શાહનવાઝ (ફોજીદળેાના પ્રતિનિધિઓ).
એ. એમ. સહાય (પ્રધાન-દરજજાના મંત્રી). રાશબિહારી બોઝ (સર્વોચ્ચ સલાહકાર). કરીમ ગની, દેવનાથ દાસ, ડી. એમ. ખાન. એ. યેલાપ્પા, જે. થિવી, સરદાર ઈશા૨સીંઘ(સલાહકારો). એ. એન. સરકાર (કાનૂની સલાહકાર).
- શેનાન : એકટોબર ૨૧, ૧૯૪૩.