લખાણ પર જાઓ

લાવો લાવો કાગળિયો ને દોત (૧)

વિકિસ્રોતમાંથી
લાવો લાવો કાગળિયો ને દોત (૧)
મીરાંબાઈ


પદ ૧૧ રાગ પરજ,

લાવો લાવો કાગળિયો દોત, કે લખિયે હરિનેરે,
એવો શિયો છે અમારો વાંક, કે નાવ્યા ફરીનેરે. ૧.
વાલે દૂધ સાકર ઘોળી પાઇ, ઉછેર્યાં અમનેરે;
હવે વિખડાં ઘોળીને શું પાઓ, ઘટે નહીં તમનેરે. ૨.
વ્હાલે આછી પછેડી ઓઢાડી, રમાડ્યાં અમનેરે;
હવે તાણી તુંણી શું લ્યો છો, ઘટે નહીં તમનેરે. ૩.
વ્હાલા અઘોર વનમાં આજ, મેલી ચાલ્યા અમનેરે;
એવો કુવામાં છેતરી વાઢ્યો વરત, ઘટે નહી તમનેરે. ૪.
મળ્યા ખીમ રવિને ભાણ કે, ત્રિકમ તાર્યાંરે;
મુરારની પકડી બાંહ્ય, ભવસાગર ઉતાર્યાંરે. ૫.


અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

લાવો લાવો કાગળિયો ને દોત‚ લખીએ હરિને રે ;
એવો શિયો રે અમારલો દોષ ‚ નો આવ્યા ફરીને રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦

વ્હાલા ! દૂધ ને સાકરડી પાઈ‚ ઉછેર્યાં અમને રે ;
હવે વખડાં ઘોળો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦

હે જી હરજી ! હીરને હીંચોળે રાજ‚ હીંચોળ્યાં અમને રે‚
હવે તરછોડો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦

હે જી હરજી ! પ્રેમના પછેડા રાજ ! ઓઢાડેલ અમને રે‚
હવે ખેંચી લિયો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦

હે જી વ્હાલીડા ! ઊંડેરા કૂવામાં આજ‚ ઉતાર્યાં અમને રે‚
હવે વરત વાઢો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦

ગુણલા ગાય છે રવિ ગુરુ ભાણ‚ ત્રીકમ બેડી તારો રે‚
એવી પકડો મોરારની બાંય‚ ભવસાગર ઉતારો રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦