લીલુડી ધરતી - ૧/અડદનું પૂતળું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આંસુની આપવીતી લીલુડી ધરતી - ૧
અડદનું પૂતળું
ચુનીલાલ મડિયા
વારસ  →

પ્રકરણ બારમું
અડદનું પૂતળું

ગુંદાસર ગામમાં ગ્રામોફોન હતું, પણ રેડિયો હજી નહોતો આવ્યો. છતાં લોકોની જીભ જ એવી તો જોરદાર હતી કે વૃત્ત–વિતરણનું કામ એ વાયુ કરતાં ય વધારે વેગથી કરી શકતી. વેજલ રબારીએ રઘાની આંખમાં આંસુ જોયાં એ વાત થોડા દિવસમાં તો લગભગ ઘેર ઘેર પહોંચી ગઈ.

જે જે ઘેર વેજલનું દૂધનું લગવું બાંધેલું તે તે આંગણે આ રબારીએ કહી દીધું : ‘મેં રઘાબાપાને રોતાં ભાળ્યા !’

ઠુમરની ખડકીમાં આ સમાચાર વેજલને બદલે ધનિયા ભરવાડે પહોંચાડ્યા. વેજલ ને ધનિયો એક જ ખડકીના પડોસી એટલે રાત પડ્યે ફળિયામાં ખાટલા ઢાળીને બન્ને જણ સુખદુઃખની વાતો કરે. એ રીતે વેજલે રઘા મહારાજના કોઈક અદૃષ્ટ દુઃખની ને ભેદી આંસુની વાત કરેલી અને ધનિયાએ ઠુમરની ખડકીમાં ઢોર છોડવા જતી વેળા ઊજમને એ સમાચાર આપ્યા.

નીચું જોઈને, ઉદાસીન ચહેરે ગમાણમાંથી ગાયને છોડતી ઊજમને ઉદ્દેશીને ધનિયો બોલ્યો :

‘સાંભળ્યું ઊજમભાભી ? થોડાક દિ’ મોર્ય વેજલિયો રઘા માં’રાજની હોટરે દૂધ દેવા ગ્યો તંયે ગોરબાપા એકલા એકલા રોતા’તા !’

આવા મહત્વના સમાચારમાં ય ઊજમે કશો ઉત્સાહ ન બતાવ્યો તેથી ધનિયાને પુનરોક્તિનો દોષ વહેરીને ય ભારપૂર્વક કહેવું પડ્યું :  ‘સાંભળ્યું ? બીજું કોઈ નંઈ ને રઘો બાપો જ રોતો’તો !’

નીચે મોઢે ગમાણમાં વાસીદું કરતી ઊજમે આ સમાચાર પ્રત્યે અણગમો વ્યક્ત કરવા સહેજ ઊંચું જોયું અને ધનિયાના મોઢાં પરથી આ વૃત્તાંતનિવેદનનું બધું જ નૂર ઓસરી ગયું. ઊજમની આંખ જાણે મૂંગો ઉત્તર આપતી હતી : આજે મારી પોતાની આંખમાંથી આંસુ સુકાતાં નથી, ત્યાં પારકાનાં રુદનમાં હું શાનો હર્ષ અનુભવી શકું ?

નિરાશ થયેલો ધનિયો ઢોરને હાંકતો ખડકી બહાર નીકળ્યો એટલે ઊજમે સાડલાના છેડા વતી બન્ને આંખો લૂછી અને રોઈ રોઈને રાતું થઈ ગયેલું નાક છીંકાર્યું.

અત્યારે હાદા પટેલ અડદ ખરીદવા ગિધાની હાટે ગયા હતા. ગોબર ગામના મુખી અને નાતીલાઓને બોલાવવા ગયો હતો, સંતુ અંદર રાંધણિયામાં ખેતરના રખોપિયાઓ માટેના રોટલા ઢીબતી હતી, તેથી ફળિયામાં સારું એકાંત હતું. ઊજમને ક્યારને ગળે ભરાઈ રહેલો ડૂમો મુક્ત રુદન માટેની મોકળાશ માગી રહ્યો હતો પણ એને આ ભર્યા ઘરમાં ક્યાંય એકાંત મળતું નહોતું. અત્યારે અનાયાસે જ આવું એકાંત સાંપડી જતાં ક્ષોભ કે શરમના સઘળા અવરોધો દૂર થઈ ગયા અને પ્રોષિતભર્તૃકા મોટેથી રડી પડી. બાર બાર વર્ષના રુદ્ધ રુદનને અત્યારે મોકળો માર્ગ મળી રહ્યો. ક્રંદન આ ચિરવિયોગિનીનાં કાળજાંને આટઆટલાં વર્ષથી કરી રહ્યું હતું એને અત્યારે પૂરેપૂરી વાચા સાંપડી...

ઊજમના અંતરની જ્વાળાનું આજે ઉત્કર્ષબિંદુ આવી રહ્યું હતું. આજે દેવશીનું શ્રાદ્ધ સારવા કામેસર ગોર આવવાના હતા. પૂરાં બાર વર્ષની અવધિ પછી પાછો ન આવનાર દેવશી હવે મરી પરવાર્યો છે એમ સમજીને એના નામના અડદના પૂતળાને અગ્નિદાહ દેવાનો હતો અને એની મરણોત્તર ક્રિયા પણ કરવાની હતી. આજે આ અભાગિની સ્ત્રીને છતે પતિએ સૌભાગ્યનષ્ટા જાહેર કરવાની હતી.

‘આજથી મારો ભીમો છતે બાપે ન–બાપો ગણાશે ?’ એમ મન–શું વિચારીને ઊજમે ઠૂઠવો મૂકી દીધો.

સારું થયું કે ઘરના ઊંડાણમાં આવેલા રાંધણિયા સુધી એ ક્રન્દન પહેાંચી શકતું નહોતું, નહિતર સાંભળીને સંતુ બહાર દોડી આવી હોત તો ઊજમને હૈયાભાર હળવો કરવા માટે સાંપડેલું સરસ એકાંત ટળી ગયું હોત.

ઘર છોડી ગયેલા પતિને પાછો લાવવા માટે તો ઊજમે પોતાના ભાગ્યદેવતાને રીઝવવા કેટકેટલા પ્રયત્નો કર્યા હતા ? જપ–તપ, બાધા–આખડી, માનતાઓ અને સંકલ્પો, ગ્રહશાંતિ ને પ્રાયશ્ચિત્ત, કશું જ એણે બાકી રાખ્યું નહોતું. પતિના પુનરાગમનની આશાએ એ પથ્થર એટલા દેવ કરી ચૂકી હતી. દેવશીનું મોઢું જોયા વિના ઘી ન ખાવું એવી આકરી બાધાને આજ બાર બાર વર્ષથી ચૂસ્તપણે પાળતી આવી હતી. પતિ પાછો આવે ત્યારે પગે ચાલતાં ગિરનાર પર જવું અને અંબામાને સોનાનું છત્તર ચડાવ્યા પછી જ ધોળું અનાજ મોઢામાં મૂકવું એવી માનતા માની હતી.

રોજ સવારે ઊઠીને ઊજમ ઓતરાદી દિશામાં અંબામાની ટૂંક ભણી તાકી રહેતી. દેવશી કેમ જાણે એ ડુંગર પરથી જ ઊતરવાનો હોય એમ મુગ્ધ ઉત્સુકતાથી તાકી રહેતી. દયાર્દ્ર ચહેરે દેવીને વિનવી રહેતી : મા, હવે તો મારા ઉપર ત્રુઠમાન થાવ, મા ! આગલે ભવ મેં અભાગણીએ કેટલીક ગવતરિયુંની હત્યા કરી હશે તી આ ભવે મારે આવા વિજોગ વેઠવા પડે છે ? આગલે ભવ મેં ભૂંડીએ કેટલાંક વહાલાંમાં વિજોગ કરાવ્યા હશે, તો આ ભવે એનાં ફળ ભોગવવાં પડે છે ?

અને એક દબાયેલા ડૂસકા સાથે ઊજમે મણ એકનો નિસાસો મૂક્યો : અરેરે...અંબામા બચાડી આમાં શું કરે ? મેં જ અભાગણીએ આગલે ભવ પાપ કરવામાં પાછું ભાળીને નહિ જોયું હોય, કોણ જાણે કેટલી ય બ્રહ્મહત્યા કરી હશે, કેટલાં ય ગરીબનાં ગળાં લુહ્યાં હશે, ઘણાં ય રાંક માણસને રોવરાવ્યા હશે, આગલે  ભવ મેં જ કોઈ નિયાણીના નિસાસા લીધા હશે, કળોયાંનાં કાળજાં કકળાવ્યાં હશે, તી આ ભવમાં મારાં કાળજાં કકળે છે !

‘કાં ઉજમવવ !’ ખડકીના ઊંબરામાંથી અવાજ આવ્યો, અને ઊજમ સત્વર સાબદી થઈ ગઈ.

હાથમાં છાશ લેવાના ખાલી લોટાને મેલાઘાણ સાડલાની ઓથમાં ઢાંકીને ઝમકુ ખડકીમાં પ્રવેશી. ઠુમરની ખડકીની આ પછીતની પડોશણ સાથે ઊજમને વાડકા–વ્યવહારની જેમ છાશના લોટાનો એકમાર્ગી વ્યવહાર હતો.

‘આજ તો કંઈ વે’લાં આવ્યાં. ઝમકુભાભી !’ ઊજમે સ્વસ્થ થઈને વાતચીત શરૂ કરી.

‘ઈ મુવા મોહલને આજ વે’લું વે’લું જોહંટવું છે...’

ઝમકુએ પોતાના પતિ ગિરધર માટે ‘મોહલ’ શબ્દ યોજ્યો હતો અને જોહંટવું ‘જમવા’ ના પર્યાય તરીકે વાપરતી.

‘ગિધોભાઈ તો રાજ રોંઢાટાણે જ રોટલો ખાવા આવે છે ને !’ ઝમકુએ કહ્યું.

‘અરે ઘણી ય દાણ તો રોયો રોટલો ખાવાનું જ સંચોડું ભૂલી જાય–રૂપિયા ગણવા આડ્યે...પણ આજે તો શેજાદાને વેલું’ વે’લું જોહંટીને શાપર જવું છે...’

‘શાપરના આંટાફેરા હમણાં બવ વધી ગ્યા છે કાંઈ ?’

‘અમથો અમથો તો હાટડીને ઊંબરેથી ક્યાં ય આઘો ખહે એમ નથી.’ ઝમકુ એ મર્મવાક્ય ઉચ્ચાર્યું. ‘આ તો લાલો લાભે લોભે શાપર લગણ લાંબે થાય છે–’

‘શાપરના સંધી લોકુંમાં ગિધેભાઈએ બવ ધીરધાર કરી છે એમ સાંભળ્યું છે. ઉઘરાણી સાટુ ધોડાં કરવાં પડતાં હશે–’

‘ઉઘરાણીનું નામ ને છાનું છપનું કામ.’ કહીને ઝમકુએ વળી પતિ અંગે પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો. ‘પીટડિયો જેટલો બાર્ય દેખાય છે એટલે જ હજી ભોંમાં પડ્યો છે. તમને પારકાં  પાડોશીને શું ખબર્ય પડે એનાં કરતૂકની...?’

ઝમકુના ઘરમાં રોજેરોજ જામતી રામાયણના લંકાકાણ્ડથી ઊજમ પરિચિત હતી. અત્યારે પોતાની ઉદ્વિગ્ન મનઃસ્થિતિમાં આ પડોશણે જે પ્રકરણ ઉખેળ્યું હતું. એથી ઊજમને વધારે ઉદ્વેગ થયો. પોતે પતિવિયોગે ઝૂરી રહી છે, ત્યારે આ સ્ત્રી છતે પતિએ પરેશાન થઈ રહી છે.

‘બાઈ ! જેવો છે એ ઘણી તો છે ને ? સોના જેવો ગણ્ય મારી બેન !’

‘સોના જેવો ? મૂવો કથીર છે, કથીર !’

‘કથીર તો કથીર, પણ માથાનો મોડ છે, મારી બાઈ !’ ઊજમે વધારે આશ્વાસન આપ્યું. ‘આપણે ગમે એવી અજવાળી તો ય રાત્ય...આપણું માથાંઢાંકણ આપણો પૈઈણો ધણી.’

‘મૂવો પૈઈણો ધણી ! આને તો પીટડિયાને બીજી પૈણવી છે.’

‘સાચે જ ?’

‘હા, એટલા સારું તો નત્ય ઊઠીને શાપરની ખેપ ઉપર ખેપ કરે છે.’

‘પણ હવે ઊતર્યે કાળે ઊજાણી જેવું ? શું કામે ?’

‘ઈ ને રૂપાળાને હવે ઘરઘવાના કોડ થ્યા છે. હું હવે એને ગલઢી લાગું છું. મારાં સેંથકનાં છોકરાં એને ગમતાં નથી, તી હવે નછોરવી બાર વરહનીને ઘરમાં બેહાડવી છે.’

‘મરની બેહાડે ! આવનારી ય એનાં નસીબ લખાવીને આવશે ને ?’

‘અરે, હું જોઉં તો ખરી કે કેમ કરીને આવે છે ? ઈ નવી નખરાળીનો ટાંટિયો જ ન વાઢી નાખું !’

છાશનો છલોછલ કળશો ભરીને ઝમકુ પોતાના દામ્પત્યની દુર્દશા વર્ણવવા ઓસરીની કોર ઉપર નિરાંત કરીને બેસી ગઈ તેથી ઉજમ અસ્વસ્થ બની રહી. આજે કામના ઢગલા પડ્યા છે.  ને પતિને પિંડ આપવાનો છે, ત્યારે આ પાડોશણ પિતાની પારાયણ માંડીને ક્યાં બેઠી ?

‘એલી વવ ! આ ભાયડાની જાત્યનો શભાવ તો જો, શભાવ ? મૂવો હજી સાવ હાથેપગે હતો ને પારકે કાંટે–છાબડે ડુંગળી જોખતો’તો તંયે હું બવ વાલી લાગતી’તી, ને હવે ઘેરે ખેતરવાડી થ્યાં એટલે હું દવલી થઈ ગઈ ને દીઠી ય નથી ગમતી !’

ઝમકુ પોતાના હૈયાની એક પછી એક અગનઝાળ ઓકતી જતી હતી. એને કોણ સમજાવે કે ઊજમ આજે એને સાંત્વન પણ આપી શકે એવી સ્થિતિમાં નથી !’

‘એ ઝમકુકાકી ! તમારો ભનકો જાગ્યો છે, ને ભેંકડો તાણ્યો છે !’ અંદરના રાંધણિયામાંથી સંતુએ બૂમ મારી.

‘આ છોકરાં ય મૂવાં કાળનાં કાઢેલ છે...એના બાપની જેમ સહુ મારા લોહીનાં ઘરાગ...’ કરતીકને ઝમકુ કટાણું મોઢુ કરીને અત્યંત અનિચ્છાએ ઊભી થઈ.

છાશના લોટા ઉપર સાડલાનો છેડો ઢાંકીને ડેલી બહાર જતાં પણ એ અસ્પષ્ટ બબડતી ગઈ : ‘ઓલ્યા ભવનાં લેણિયાત હંધાંય...જીવું છઉં ન્યાં લગણ લોઈ પી લ્યો, ઘૂંટડેઘૂંટડે...મરી જઈશ પછે સંભારશો સૌ મને...’

ઝમકુ ગઈ પછી ઊજમે એક ઊંડો ઉચ્છૂવાસ મૂક્યો. ‘અરરર ! આ હું દિનરાત મારા ધણીને ઝંખુંઝૂરું છું. ને આ ઝમકુડીને દેહોદ જેવો ધણી બેઠો છે, તો ય રોજ ઊઠીને આવા લોઈઉકાળા થાય છે ? આ દુનિયામાં સુખી કોણ ? આ તો, ઈશ્વરગિરિ મહારાજ કથા કરતાં કહે છે એવો તાલ છે : ‘રાંડી રૂવે માંડી રૂવે, સાતમાટિયાળી મોં ન ઉઘાડે.’

સવારના પહોરમાં આ પડોશણના ટૂંકા સહવાસથી ઝમકુને તો કશી શાતા ન સાંપડી પણ ઊજમને એમાંથી ઘણું ઘણું આશ્વાસન મળી રહ્યું. આ સંસારમાં કોઈ સુખી નથી. કોઈને સાચું સુખ નથી, આ ગામમાં મારી નજર સામે જ આટલાં માણસ જીવે છે : દરબાર તખુભા ને ઠકરાણાં સમજુબા; ગિધા ને એની વહુ ઝમકુ; માંડણિયો ને એની જીવતી; સહુના સંસાર ભડકે બળે છે. ૨ઘો મા’રાજ ગામઆખામાં ફક્કડ ગિરધારી જેવો થઈને ફરે છે, ને નફકરો હોવાથી સુખી લાગે છે, પણ ધનિયો ગોવાળ હમણાં જ કહી ગયો કે થોડાક દિ’ મોર્ય રોતો’તો ! રઘા જેવા રોનકી માણસને ય છાને ખૂણે રોવું પડે તો મારા જેવી કરમફૂટીને રોજ ઊઠીને રોદણાં હોય એમાં શી નવાઈ ?’

‘જજમાનની જે કલ્યાણ !’

‘ડેલી બહારથી ઘોઘર બિલાડા જેવો અવાજ સંભળાયો અને તુરત ઊજમ મનશું ગણગણી : ‘આવ્યો મારો ઓલ્યા ભવનો વેરી !’ અનેક ગામપરગામની ધૂળ વડે રજોટાયેલો અને વર્ષોથી નહિ ધોવાયેલો ખડિયો ખભે નાખીને, શાપરવાળા કામેસર મહારાજે ખડકીમાં પ્રવેશ કર્યો.

બ્રહ્મદેવતાનાં ખાસડાં ઉપર દસવીસ ગાઉની પગપાળી દડમજલની ધૂળના દાબા જામ્યા હતા. શ્રાવણ મહિનો નહોતો છતાં દાઢી ચોમાસાની ધ્રો જેટલો ઊગી નીકળી હતી. ચહેરા પરની નિસ્તેજતા કહી આપતી હતી કે ગોર મા’રાજને બેચાર મહિનાથી ચૂરમાના લાડુ મળ્યા જ નથી.

‘પગ ધોવાનું ચોખ્ખું પાણી લાવો. જલપાન કરવા તાંબાની ગોળીનું પાણી કાઢો. રસોઈ માટે અબોટ બેડું ભરી આવો. ચોકો કરવા ગૌછાણ હાજર કરો...’

લાંબી દડમજલનો શ્વાસ પણ હેઠો મૂક્યા પહેલાં કામેસરજીએ ઊજમને આટલી આજ્ઞાઓ તો સંભળાવી દીધી.

આજ્ઞા મુજબની સામગ્રીઓનો પ્રબંધ કરવા ઊજમ ધરમાં ગઈ ત્યાં થોડી વારે સંતુ રોટલા ઘડીને બહાર નીકળી એને જોઈને ગોર દેવતાએ ફરમાવ્યું :  ‘સ્નાનાદિકર્મ પહેલાં ક્ષૌરકર્મ થવું ઘટે. સારો જોઈને વાણંદ બરકો.’

આ સાંભળીને સંતુને ચીડ ચડી. બોલી : ‘ગોરબાપા ! શાપરમાં કોઈ વાણંદ જીવે છે કે હંધાય ઓલી વાર્તા માંયલા ટપુડાની જાનમાં જઈને કપાઈ મૂવા છે !’

‘વાણંદ તો ઘણા ય પાડાં મૂંડે છે શાપરમાં. પણ ઠુમર જેવા જજમાનના વહવાયા જેવું છોલતાં ન આવડે કોઈને. સાસ્તરમાં કીધું છે વાણંદે વાણંદે ફેર; એક લાખુ દેતાં ન મળે, ને એક તાંબિયાનાં તેર.’ કહીને કામેસરજીએ તુરત બીજી આજ્ઞા પણ આપી દીધી : ‘ધૂળિયે મારગે ધોડાં કરીકરીને સવા શેર ધૂળ પેટમાં ગઈ છે, ને સાદ બેસી ગયો છે. શ્રાદ્ધકર્મ વખતે શાસ્ત્રવચનોના શુદ્ધ ઉચ્ચાર કરવામાં અંતરાય આવશે માટે, શુદ્ધ ધાતુપાત્રમાં સારી પટ શુદ્ધ ઘી મેલીને રાબ બનાવો !’

‘ભામણ કીધાં એટલે ભૂખ્યાંડાંસ !’ સંતુ મન-શું ગણગણી. ‘જાણે છપનિયામાં જ જનમેલાં. ફલાણું ખવડાવો, ને ઢીકણું પાવ ને પૂંછડું પહેરાવો, ને—’

પ્રમાણમાં અર્વાચીન ગણાય એવી સંતુ આ લાલચુ કુળગોર પ્રત્યે ચિડાતી હતી, પણ ઊજમને તો આ બ્રહ્મપુત્ર, પોતાના નાસી ગયેલા પતિના કહેવાતા મૃત્યુની ગતિમુક્તિ કરાવી આપનાર, એને આત્મશાંતિ અર્પનાર સાક્ષાત્‌ દેવ હતા. તેથી જ તો, આ મુક્તિદાતાની આજ્ઞાનુસાર વિવિધ ઉપયોગ માટે વિવિધ પાત્રોમાં વિવિધ પ્રકારનાં પાણી રજૂ કરીને ઊજમ લાજનો ઘૂમટો તાણીને ઊભી રહી કે તુરત નવીન હુકમ છૂટ્યા :

‘પાકા સીધાંનો પ્રબંધ કરો ! દીવી જેવો તાપ થાય એવાં મજાનાં સૂકાં છાણાં લાવો ! સારીપટ ઘી પિયે એવા ગોરડિયા ઘઉંનો લોટ લાવો ! સોનાની વીંટી જેવો પીળો ધરખમ ગોળ ભાંગો ! મજાની લીલી ઝાંય પડે એવું ભરડેલાં મોતી જેવું કણીદાર ઘી લાવો ! પછી ગિધાની હાટથી પાંચ ભાર ખસખસના દાણા મંગાવી લ્યો એટલે ઝટ થઈ જાય ચૂરમેશ્વરો પરમેશ્વરો !’

અઠવાડિયા આગોતરી જ તૈયાર કરી ચૂકેલી ‘ચૂરમેશ્વર-પરમેશ્વર’ માટેની આ સીધા સામગ્રીઓ એકઠી કરવા ઊજમ રાંધણિયા તરફ વળી એટલે સંતુ આ ખાધોડકા ભૂદેવ ભણી કાતરનજરે તાકી રહી. મનમાં ને મનમાં સમસમી રહી. અરેરે, સસરાજીને આવી કમત તે ક્યાંથી સૂઝી કે દેવશીનું પિંડદાન કરવા માટે આ પાખંડીના પેંતરામાં સપડાયા ? ઊજમની જેમ સંતુને પણ આ ક્રિયા કરાવવા સામે સખત વિરાધ હતો. એમ તો, ખુદ હાદા ઠુમર પણ પાકે પાયે ક્યાં માનતા હતા કે દેવશી ખરેખર મરી પરવાર્યો છે ? સતીમાને થાનકે જઈને દાણા જોયા, એમાં ય બે વાત આવતી હતી : દીકરો જીવતો ય હોય ને મરી પણ ગયો હોય; દેવશી પાછો આવે ય ખરો, ને ન પણ આવે; આવી બેવડી વાત હતી, પણ દેવ જેવા સસરા ય આખરે તો સામાજિક પ્રાણી જ હતા ને ? સંતુનું આણું કરવાની બાબતમાં લોકાચારને ઠોકર મારનાર એ માણસ દેવશી પાછળ પિંડદાન ને શ્રાદ્ધ કરવાની બાબતમાં લોકાચાર સમક્ષ લાચાર બની ગયા.

ગિધાની હાટેથી અડદનો કોથળો લઈને હાદા પટેલ ડેલીમાં દાખલ થયા ત્યારે રડી રડીને લાલઘૂમ થઈ ગયેલી એમની આંખમાં આ લાચારી સ્પષ્ટ વરતાતી હતી. દેવશીનું શ્રાદ્ધ કરવાનો નિર્ણય લેતાં પહેલાં એમણે ભયંકર મનોમંથન વેઠેલું. અત્યંત આકરી માનસિક તાવણીમાંથી તેઓ ૫સાર થયા હતા. ઊજમ કરતાં ય અદકી યંત્રણાઓ આ વયોવૃદ્ધ પિતાએ અનુભવી હતી. આખરે એમણે પોતાના જ ‘માંહ્યલા’ને મનાવવા માટે એક સમાધાન યોજ્યું હતું : દિકરો જીવતો હશે તો તો આ શ્રાદ્ધક્રિયા નિરર્થક જ છે. સો-બસો રૂપિયાનું ખરચ થશે એ સમજીશ કે ખેતરમાં કોઈ ડફેર આવીને એકાદુ કાલરું સળગાવી ગયા હતા... ને આટલાં વરસમાં રખડી રખડીને દેવશી મરી જ ગયો હશે તો આ બધી ક્રિયા એને પહોંચશે ને આત્માની ગતિ થશે. ને ઊજમના છોકરાનાં નસીબ જોર કરશે ને જાતે દિવસે એનું મોઢું જોવા માટે બાપ ઘેર પાછો આવશે, તો એનાથી રૂડું બીજું શું ?

કામેસરજીએ નહાઈ-ધોઈને રસોઈ માટે ફળિયા વચ્ચે ચોકો કર્યો ત્યાં તો ગામના નાતીલાઓને ખબર કરીને ગોબર આવી પહોંચ્યો. સંતુએ રાંધણિયામાંથી ચોર નજરે એની સામે જોયું તો ઊજમના હૃદયની સઘળી મૂંગી વેદના જાણે કે ગોબરના મુખ પર અંકિત થઈ ગઈ હોય એવું લાગ્યું. થોડા મહિના પહેલાં જ પરબતને અગ્નિદાહ દઈ ચૂકેલ ગોબર આજે જાણે બીજા એક બાંધવની અંત્યેષ્ટિક્રિયા કરી રહ્યો હોય એવી વ્યથા એની આંખો માંથી ઊભરાતી હતી.

‘ઘડો પાણી બાંધ્યું હોય તો ય ટીપું ય ટપકે નહિ એવો મજબૂત પાટિયા જેવો મુગટો લાવો !’ ગોરબાપાએ મહિના અગાઉથી જ સૂચવી રાખેલી સામગ્રીઓમાંની એકની માગણી કરી.

સાંભળીને ગોબર ઘરમાં પટારો ઉઘાડવા ગયો ત્યારે સંતુએ એને ધીમે સાદે ફરિયાદ કરી :

‘આ મા’રાજ તો મૂવો શરાધ કરાવવા આવે છે કે આપણને લૂંટવા ?’

ગોબરને અત્યારે કશો ઉત્તર આપવાનો અવકાશ જ ક્યાં હતો એના વ્યથિત હૃદયે આંખમાંથી એક આંસુ જ ખેરવ્યું.

બપોર ઢળતાં તો મુખી ભવાનદા અને નાતના અગ્રેસરો આવી પહોંચ્યા. ઉપ૨ગામડેથી ઊજમનાં માવતર પણ આવ્યાં. ઠુમરની ખડકી ઠાંસોઠાંસ ભરાઈ ગઈ. સંતુની ઢગની જેમ આ પ્રસંગે પણ માંડણિયો મોખરે થયો હોવાથી આજે ચિડાયેલી સંતુ વધારે ચિડાતી હતી. આવી વિલક્ષણ અંત્યેષ્ટિક્રિયામાં ગામનું સમસ્ત મહાજન હાજર રહ્યું. નથુ સોની અને ભૂધર મેરાઈ આવી  પહોંચ્યા; નાતજાતનાં બંધનો બહુ ઉગ્ર હોવા છતાં ગામ નાતે ભાણો ખોજો આવ્યો; ગામને સારે ને માઠે પ્રસંગે મોખરે થનાર રઘો તો અત્યારે ગેરહાજર રહે જ શાનો ? છનિયાને હૉટેલનો ‘ચાર્જ’ સોંપીને એ મોડો મોડો પણ આવ્યો ત્યારે સહુ એની સામે તાકી રહ્યા. પેલા વેજલ રબારીએ વહેતી મૂકેલી રઘાના ગુપ્ત રુદનની વાત યાદ આવી જતાં સહુ વધારે બારીકાઈથી આ બ્રાહ્મણને અવલોકી રહ્યાં. આ સંતપ્ત માણસની મુખમુદ્રા પર સુકાયેલા આંસુની ધાર જાણે કે હજી ય અકબંધ ન હોય !

‘વેજલ રબારીની વાત તો સાચી લાગે છે. રઘો રોતો ભલે ન હોય, પણ એની મોકળા તો મોળી પડી જ ગઈ છે !’

‘પડે, ભાઈ પડે ! શેરની માથે ય સવા શેર હોય. રઘાને ય કો’ક જડી ગયો હશે એના માથાનો.’

‘સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો ય આવે ને ? આજ લગણ ગામ આખાને રોવરાવતો’તો; હવે પંડ્યને જ રોવાને વારો આવ્યો—’

કામેસર મહારાજે દેવશીના પ્રતીક તરીકે અડદનું પૂતળું તૈયાર કર્યું એટલે વાતચીતનો પ્રવાહ રઘા તરફથી વળીને દેવશી તરફ વળ્યો.

નથુ સોનીએ કહ્યું : ‘હું ને દેવશી એક જ હેડીના, ઓઝતની ઉગમણી પાડમાં અમે ભેગા નહાવા પડતા, ને ગામેતીની તરકોસીમાં અમે ભેગા પલાંઠિયા ધૂબકા મારતા.’

‘એક સાલ હોળીને દિ’ હું ને દેવશી નાળિયેર રમ્યા’તા ઈ તો હજી ય મને સાંભરે છે.’ ભાણા ખોજાએ સંભારણું રજૂ કર્યું. ‘આંખે પાટા બાંધીને ગઢની ગોખબારીમાં નાળિયેર નાખી દેવાની અમે શરત કરી’તી, દેવશીના દસ ઘા ખાલી ગયા પણ અગિયારમે ઘાએ નાળિયેર સીધું ગોખબારીમાં !’

‘સંસાર કોણ જાણે કેવોક કડવો ઝેર લાગ્યો હશે, તી ભર  જુવાનીમાં ઘર છોડીને હાલી નીકળ્યો !’

ભૂધર મેરાઈએ પોતાનું સંભારણું રજૂ કર્યું: ‘લૂગડાં શીવડાવાનો શોખીન તો ગામ આખામાં એક દેવશી જ જોયો’તો. મારા સંચા ઉપર ઊભા રઈને કેડિચે કસું ટંકાવે... કેળનું પાંદડું મેલીને ય માંડ માંડ પહેરાય એવી તસતસતી ચોરણી સિવડાવે—’

ફળિયામાં દેવશીનાં સંભારણાં રજૂ થતાં રહ્યાં ને ઘરને ખૂણે આંસુ સારતી બેઠેલી ઊજમ પોતાનું આખું ય લગ્નજીવન જાણે કે ફરી વાર જીવી રહી. દેવશીનાં મિત્રો પોતાની યાદદાસ્ત તાજી કરી કરીને ઊજમની આંખ સામે પતિનું એક સળંગસૂત્ર જીવન વહેણ બતાવી રહ્યા. આ વિયોગિનીની વ્યથિત મનોદશામાં આ વિલક્ષણ અનુભવ બહુ વસમો લાગતો હતો.

દેવશીના પ્રતીક તરીકે તૈયાર કરાયેલ અડદના પૂતળાને ગોબરે અગ્નિદાહ દીધો ને પછી એ મૃતાત્મા પાછળ પિણ્ડદાન દીધું.

લોકધર્મને અનુસરીને ઊજમ આજે સૌભાગ્યનષ્ટા બની. પણ એનો હૃદયધર્મ તો એને અંતરમાં ઊંડે ઊંડેથી કહી જ રહ્યો હતો : ‘તારું સૌભાગ્ય અખંડ છે, તું ચિરસૌભાગ્યવંતી છે.’

*