લખાણ પર જાઓ

લીલુડી ધરતી - ૧/વારસ

વિકિસ્રોતમાંથી
← અડદનું પૂતળું લીલુડી ધરતી - ૧
વારસ
ચુનીલાલ મડિયા
આડો ઘા  →





પ્રકરણ તેરમું

વારસ


અંત્યેષ્ટિક્રિયા દેવશીની થઈ હતી, પણ એની ચોંટ જાણે કે ગોબરને લાગી હતી. આવો આઘાત તો એણે પરબતના મૃત્યુ પ્રસંગે પણ નહોતો અનુભવ્યો. દિવસો સુધી ગોબર દિગ્મૂઢ જેવો થઈને ફરતો રહ્યો એ જોઈને ઘરનાં માણસો તો ઠીક, પણ ગામલોકોને ય નવાઈ લાગતી હતી.

ઘરમાં ગોબર સૌથી નાનેરો હેવાથી સ્વાભાવિક રીતે જ લાડચાગમાં ઊછરેલો. જીવનનો કે મૃત્યુનો કશો જ અનુભવ એને નહોતો. એ અંગેનો સાચો ખ્યાલ પણ નહોતો. જીવન એને મન બિડાયેલી કિતાબ હતી, મૃત્યુ માત્ર કલ્પનાનો જ વિષય હતો. પણ જિંદગીની કિતાબનું હજી તો પહેલું પૃષ્ઠ ઊઘડે એ પહેલાં તો એને મૃત્યુનું સમાપન પ્રકરણ જોવા મળ્યું. મોટાભાઈ પરબતને જમણે અંગૂઠે એણે આગ ચાંપવી પડી. એ વરવી વાસ્તવિકતાની ભયંકર ચોટમાંથી એ હજી પૂરેપૂરો મુક્ત થાય એ પહેલાં તો અદૃશ્ય દેવશીની અંતિમ ક્રિયા આવી પડી. પરબતના મૃત્યુનો આઘાત તો થોડોઘણો સહ્ય હતો, કેમ કે એની અંતિમ ઘડીઓ ગોબરે નજરોનજર નિહાળી હતી. દેવશી માટે કરવી પડેલી અંતિમ ક્રિયા વધારે હૃદયદ્રાવક બની રહેલી, કારણ કે એના મૃત્યુની ઘટના ઇન્દ્રિયગમ્ય નહોતી. એ તો કેવળ કલ્પનાનો જ વિષય હતો અને તેથી જ તો એની યાદ ગોબરના અંતરને કોઈક ભયંકર દુ:સ્વપ્નની જેમ વારે વારે વલોવી રહી હતી.

સંતુની મનોદશા પણ ગોબર કરતાં બહુ સારી નહોતી. અનેક હર્યાંભર્યાં સોણલાં સાથે એણે આ ઘરને આંગણે પગ મૂક્યો હતો. આરંભમાં થોડો સમય તો એ સ્વપ્નમાં જ વિહરી રહી હતી. આ નવવિવાહિતા માટે આવતી કાલનું ચિત્ર એક વાંચ્યા વિનાના તાજા અખબાર જેટલું કુતૂહલભર્યું હતું. એમાં પાને પાને ભરેલાં આશ્ચર્યો અનુભવવા માટે કલ્પનાની પાંખો ઊડી રહી હતી ત્યાં જ કોઈકે એની પાંખો કાપી નાખી હોય એવો અનુભવ થયો. ઊજમે સૌભાગ્યનષ્ટ બનીને સંતુને સ્વપ્નભંગ કરાવ્યો. પતિ એટલે શું ને પતિનો અભાવ એટલે શું, એ હવે સંતુને સમજાયું. માથાનો મોડ જતાં સ્ત્રીત્વ કેટલું માસૂમ, કેટલું ઓશિયાળું ને આશરાગતિયું બની જાય છે એનો ખ્યાલ આવ્યો. હતપ્રભ બનેલી ઊજમની અંતરવ્યથા સંતુની આંખમાંથી વ્યક્ત થતી હતી. કાલ સવારે ગોબરને કાંઈ રજાકજા થાય તો હું પણ આવી જ નોધારી બની રહું ને ?

નવપરિણીત દંપતી એક અદૃષ્ટ મૃત્યુના ઓછાયાઓ વચ્ચે ગૂંગળાતાં હતાં એવામાં હુતાશણીના તહેવારો આવી લાગ્યા.

હોળીના દિવસોમાં નાળિયેરની રમતો રમવામાં ને એવી મોટી મોટી શરતો બકવામાં ગોબર આખા ગુંદાસરમાં તો ઠીક, પણ આજુબાજુનાં ગામોમાં પણ જાણીતો હતો. દેવશીની જુવાનીના દિવસમાં બાળક ગોબરે મોટાભાઈને આવી શરતોમાં ઊતરતા જોયેલા. દેવશી ગયા પછી ગોબરે એ રમતનો શોખ વિકસાવ્યો હતો. અકેક રાતમાં સો–બસો નાળિયેરની હારજીત તો એને મન રમતવાત હતી. ગુંદાસરમાં આવો જ હોંશીલો બીજો એક ખેલાડી હતો ભૂધર મેરાઈનો વલભ. વલભ ને ગોબર સામસામા શરતમાં ઊતરે ત્યારે પાંચસાત કોથળા નાળિયેરનો ભૂક્કો બોલી જાય ને ગિધાના ઈસ્કોતરામાં તે દિવસે તડાકો પડે.  આ વર્ષે પણ ગિધાએ હુતાશણી આવતાં પહેલાં એક મહિનાથી ગાડાં ભરીને નાળિયેર મંગાવી રાખ્યાં ને પોતાની હાટડીની સામે એક થાંભલો ખોડીને એના ઉપર પેટ્રોમેક્ષ પણ ટાંગી દીધી. આરંભમાં લોકોને પ્રોત્સાહિત કરવા માટે ગિધો પોતે જ અકેક બબ્બે નાળિયેરનું જોખમ ખેડીને રમવા લાગ્યો. અને એ રીતે ગામમાં આ વિશિષ્ટ પ્રકારના જુગારની હવા જમાવવાનો પ્રયત્ન કરી જોયો, પણ એમાં એ બહુ ફાવ્યો નહિ. વલભ એકલો રમવા આવતો હતો પણ જ્યારે મોટી મોટી હોડ બકે ત્યારે એની સામે ટક્કર ઝીલનારો કોઈ ના હોવાથી રમતમાં હજી રગ જામતો નહોતો.

ગિધો પણ જરા ચિંતામાં પડી ગયો. ધારણા પ્રમાણે નાળિયેરનો ઉપાડ નહોતો થતો. ગાડાંમોઢે મગાવેલા કોથળાનાં મોં સીવેલા રહી જશે ને બધો માલ પડ્યો રહેશે કે શું, એની ઉપાધિમાં હવે એ પૂરું ઊંઘી પણ નહોતો શકતો. નાળિયેર પડ્યાં રહેશે તો ઓછે અદકે ભાવે પણ વહેલામોડાં વેચાશે, પણ રોજ રાતે આ જબરજસ્ત પેટ્રોમેક્ષ બત્તીમાં જે ઘાસલેટ બાળું છું એનું શું ? એ બળતણ ક્યારે લેખે લાગે ? .

ગોબર રમવા આવે તો જ !

હોળી આડે હવે માંડ આઠ દિવસ રહ્યા છે. કેસૂડાંનાં રંગકૂંડાં ઘોળાવા લાગ્યાં છે. ગિધાની હાટેથી માખીમકોડા મિશ્રિત ખાંડના હારડા ને મીઠાઈની ખપત થવા માંડી છે. કણબીપાને નાકે હોળીમાતા પ્રગટાવવા માટે પંચાઉનો ફાળો ઉઘરાવાઈ રહ્યો છે, પણ આ દિવસમાં તો રોજ રાતે કોથળાબંધ નાળિયેર ફૂટવાં જોઈએ, એનાં કાચલાં–છોતરાંના ખાસ્સા ઢગલા થવા જોઈએ–એ ક્યાં થાય છે ? ગામનાં ટાબરિયાંઓને ખોબે ને ખોબે ટોપરાં ક્યાં મળે છે ? અને ગિધાની હાટડીના બરકતવાળા ગણાતા ઈસ્કોતરામાં રૂપિયાની ટંકશાળ ક્યાં પડે છે ?

કારણ ?  કારણ કે, ગોબર રમવા નથી આવતો...

પણ એ શા માટે રમવા નથી આવતો ? ભાઈબંધોને કુતૂહલ થયું. મોટેરાઓને પણ જિજ્ઞાસા થઈ. ઠુમરને ખોરડેથી શોગ પણ હવે તો ઉતારી નાખ્યો છે. દેવશીની પાછળ બ્રાહ્મણોએ ભરપેટ જમી લીધું છે, અને ગરુડપુરાણ વંચાઈ ગયું છે. પરબતના મૃત્યુ પછી બાકી રહી ગયેલ તે સપ્તાહ–પારાયણ પણ હવે તો પતી ગયું છે. બાર મહિનાનું આ પરબ ન ઊજવવાનું કોઈ જ કારણ રહ્યું નથી. તો પછી તેવાતેવડા ભાઈબંધો જોડે એ રમવા કેમ નથી આવતો ?

સાંજે વાડીએથી પાછા ફર્યા બાદ ગોબર વાળુપાણી પતાવીને રોજના નિયમ મુજબ ‘બીડીબાકસ’ લેવા બજારમાં નીકળે છે. ગિધાની હાટથી એ ઊભાંઊભાં ખરીદી કરે છે. ગિધો એને બેસાડવા મથે છે, નાળિયેર રમવાનો આગ્રહ કરે છે, પણ આ જુવાન કશુ સાંભળતો જ નથી. મૂંગો મૂંગો ખરીદી કરીને એ ઘરભેગો થઈ જાય છે.

એકબે વાર તો ખુદ હાદા પટેલે પણ પુત્રને કહી જોયું :

‘તારે નાળિયેર રમવા નથી નીકળવું ?’ ત્યારે ગોબરે એકાક્ષરી ઉત્તર જ આપી દીધેલો : ‘ના.’

પુત્રનો આ અવસાદ પિતાથી અજાણ્યો નહોતો. એ ઉદાસીમાંથી એને મુક્ત કરાવવા તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. આ નિર્દોષ રમતને નિમિત્તે પણ ગોબરનો હૈયાભાર ઓછો થાય એ ઉદ્દેશથી તેઓ વારંવાર રમવા જવાનું સૂચન કરી રહ્યા હતા. પણ પુત્રને મોઢેથી એકને એક નનૈયો સાંભળીને હાદા પટેલને થયું ગોબર પણ દેવશીની જેમ વૈરાગી થઈ જાશે કે શું ?

 ***

રાતના અગિયારેકનો સુમાર હતો. ગિધાની હાટડીની બહાર થાંભલે ટાંગેલી પેટ્રોમેક્ષી બત્તી ફુંફાડા નાખતી બળતી હતી. ગામના  દસબાર જુવાનિયાઓ નાળિયેરની નાની નાની શરતો લગાવતા હતા. રમનારાઓમાં વલ્લભ મોખરે હતો, એની સાથે માંડણિયો હતો, જેરામ મિસ્ત્રી હતો, ભાણો ખોજો પણ શામિલ થયો હતો. ઘરડેરાઓ બંધ હાટડીઓના ઉંબરા પર પ્રેક્ષક બનીને બેઠા હતા.

માંડણિયો જીવતીને ઢોરમાર મારીને એના કાનનાં ઠોળિયાં કાઢી લાવ્યો હતા. ગિધાની હાટે એ ઘરેણાં ગિરવી મૂકીને એ વલભ સામે રમતમાં ઊતર્યો હતો. ડાબા હાથની મૂઠી વડે એણે દસ નાળિયેર ભાંગી નાખ્યાં હતાં ને બદલામાં સો નાળિયેર જીત્યો હતો. પગના ફણા ઉપર નાળિયેર મૂકીને પંદર ઘાએ એ ઓઝતના ભમ્મરિયા ઘૂનામાં નાખી આવ્યો હતો. એક પાણીચા પર છ વાર કોણી મારીને એણે કોપરું કાઢી નાખ્યું હતું...

આવી નાના પ્રકારની રમતો ડોસાંડગરાઓ માટે પ્રેક્ષણીય હતી, પણ સંતોષપ્રદ નહોતી. તેઓ તો અત્યારે ભૂતકાળમાં આ જ સ્થળે ખેલાઈ ગયેલી મોટી મોટી શરતો સંભારતાં હતાં :

‘આવું ટચૂક ટચૂક રમવામાં શું મઝા ? આવાં છોકરાંના ખેલ જોવામાં ય શું મઝા ?’

‘રમનારો તો ગામ આખામાં એક જ હતો – ઠુમરનો દેવશી. ભાર્યે છાતીવાળો જણ. એણે નથુ સોની હાર્યે સરત મારી’તી – ગુંદાસરને ઝાંપેથી અઢીસેં ફણે જુનેગઢ ઠેઠ અડીકડીની વાવ્યમાં નાળિયેર નાખી આવવાની. સહુ સાંભળનારાં તો ઠેકડી કરતાં’તાં કે અઢીસે ફણે તો ગુંદાસરની સીમ વળોટવાનું ય દેવશીનું ગજું નથી. પણ જુવાન પાણિયાળો નીકળ્યો. એણે અઢીસેમાં ય આઠ-દસ ઓછે ફણે અડીકડીના કુવામાં પાણીચું પધરાવી દીધું, ભાઈ !’

આવી ટચૂક ટચૂક રમતમાં પણ માંડણિયો એક વાર હારી ગયો. શરત હતી, સૂકા ખડખડિયા નાળિયેરને અદ્ધર ઉલાળીને એનો ગોટો રેડવી દેવાની, પણ એ શરતમાં ય મહત્ત્વની પેટા શરત એ હતી કે નાળિયેરમાંથી છૂટા પડનાર કોપરાનો ગોટો સાવ અકબંધ  અક્ષત રહેવો જોઈએ. આ કામ કેવળ બાહુબળનું નહોતું, બલકે કાચલી ભાંગે પણ કોપરું ન ભાંગે એ રીતે ઓછું બળ વાપરવાની જરૂર આ કસોટીમાં હતી, અને એ કસોટીમાં માંડણિયો નિષ્ફળ ગયો ને હાર્યો, ત્યારથી એની હાર બેઠી – અથવા તો, માંડણિયાના પોતાના જ શબ્દોમાં કહીએ તો, ‘બૂંધ બેઠી.’ એ હારતો જ ગયો, સતત હારતો ગયો. જીવતીનાં સોનાનાં ઠોળિયાં પેટે મળેલી રકમ તો બધી ગુમાવી બેઠો, પણ માથેથી ગિધાનું પચાસેક રૂપિયા જેટલું દેવું ચડી ગયું. હવે તો માંડણિયો ફરી વાર જીવતીને ઢોરમાર મારીને કાંઈક બીજુ ઘરેણું લાવે નહિ ને ગિધાની હાટે ગિરવે નહિ ત્યાં સુધી એને નવાં નાળિયેર ઉધાર આપવાની આ શાણા વેપારીએ સોઈઝાટકીને ના પાડી દીધી.

જીવતીના અંગ ઉપર તો હવે વાલની વાળી ય બાકી રહી નહોતી તેથી માંડણિયો નિમાણો થઈને બેઠો હતો. એવામાં ગામના પાદરમાં સાઇકલની ટોકરીઓ રણઝણી ઊઠી. થોડી વારમાં જોરદાર ડાયનેમો બત્તીના શેરડા ઝબક્યા. ચાર સાઇકલો ગિધાની દુકાને આવીને ઊભી રહી.

‘ઓહોહો ! દલસુખભાઈ ! કાંઈ બવ અસૂરા ?’ ગિધાએ આવનારાઓમાંના એક બાંકે બિહારી જેવા જુવાનને ઓળખી કાઢ્યો.

‘આખું અમરગઢ આંયાંકણે આવી પૂગ્યું ને શું !’

દલસુખ અમરગઢના એક નવા નવા શ્રીમંત બનેલ વેપારીનો ઉઠેલપાનિયો પુત્ર હતો. બોલ્યો :

‘રમવા આવ્યા છીએ. ક્યાં છે હાદા પટેલનો ગોબર ?’

‘ગોબર તો ઓણસાલ નાળિયેરને અડ્યો જ નથી—’

‘એમ કેમ ?’

‘ભગવાન જાણે.’ ગિધાએ કહ્યું, ‘પણ બીજા ઘણા ય છે ૨મવાવાળા...આ રિયો વલભ.’

દલસુખ ‘બાપ મૂવે બમણા’ના ભાવની હૂંડીઓ લખી આપનાર  ફતનદિવાળિયો હતો. એના ગુંજામાં કડકડતી લીલી નોટો ઊભરાતી હતી. રૂપિયા ઉપરાંત છરીચાકાં પણ ખિસ્સામાં જ લઈને ફરતો, વાતવાતમાં સામા માણસને હુલાવી દેવાની હુડબડાઈઓ મારતો. પાંચસાત ગુંડા જેવા સાગરીતોને એ પોતાના અંગરક્ષકો તરીકે સાઇકલ પર જ ફેરવતો.

ગિધાએ વલભની ઓળખાણ કરાવી એટલે દલસુખનો ભાઈબંધ વેરસી બોલ્યો :

‘દલાભાઈ દાળિયામમરા જેવી પાંચપચી નાળિયેરની રમતમાં હાથ નથી બગાડતા. અમારે તો સામો રમનારો અમારા જેવો જાખી જોઈએ.’

વલભે વેરસીનો આ પડકાર ઉપાડી લીધો : ‘બોલો, ઓઝતના ઘૂનામાં નાળિયેર નાખી આવું ?’

‘ઈ તો નાનાં છોકરાંની મોઈદાંડિયા જેવી રમત થઈ. અમે તો અઢીસે, પાનસેંથી ઓછા ઘાની વાત જ નથી સાંભળતા.’ દલસુખે કહ્યું, ‘કરો અવાજ કોઈનામાં પાણી હોય તો—’

વલભે કહ્યું : ‘પોણોસો ઘાએ ગોપેસર મહાદેવની ધજાએ નાળિયેર અડાડી દઉં ?’

‘ગોપેસર તો આંઈથી પગડે ઘા થિયો કહેવાય. એમાં જીતવું શું ને હારવું શું ? ઠાલી મહેનત માથે પડે. મરદનો દીકરો કોઈ હોય તો ગરનારને માથે અંબામાના મંદિરે નાળિયેર પૂગાડવાની વાત કરો !’

દલસુખની આ દરખાસ્ત સાંભળીને સહુ હેબત ખાઈ ગયાં. અહીંથી ગિરનાર છેક ત્રીજી ટૂક ઉપર અંબામાના મંદિર સુધી નાળિયેર પહોંચાડવું ? અરે, કેટલાં ગાડાં નાળિયેરનાં છોતરાં ઊડી જાય ! આવી શરત બકવાનું ગજું કોનું ? દોઢેક દાયકા પહેલાં ઠુમરના દેવશીએ ગામના પાદરમાંથી અડીકડી વાવ સુધીની શરત મારી હતી; અને એમાં એ સફળ પણ થયો હતો. પણ આ તો અડીકડી વાવને બદલે ઠેઠ અંબાજીની ટૂક સુધીની વાત છે. હજાર નાળિયેરનાં કાચલાં ફૂટે તો ય આરો ન આવે !’

સહુની નજર વલભ ઉપર ઠરી. પણ વલભે તો નિખાલસતાથી જ કહી દીધું : ‘ના, ભાઈ ! એવડી મોટી શરત રમવાનું મારું ગજું નંઈ!’

‘તો પછી, નાળિયેરની રમત તો ગુંદાસરની જ, એવી ખાંડ શેના ખાવ છો ?’ દલસુખે સંભળાવી.

સાંભળીને વલભને બદલે માંડણિયો સમસમી રહ્યો. એને થયું કે આ પરગામનો માણસ અત્યારે ગુંદાસરનું નાક કાપી રહ્યો છે.

‘શું કરું કે અટાણે મારા ગુંજામાં રાતું કાવડિયું ય રિયું નથી; જીવતીનાં ઘરેણાં તો સંધાંય વેચાઈ ગયાં છે, પણ હવે તો જીવતીને આખેઆખી જીવતી ગિરવું તો ય આવડી મોટી શરત ૨માય એમ નથી.’

દલસુખે હાંકેલી હુદબડાઈ સાંભળીને વાતાવરણમાં જાણે કે સોપો પડી ગયો. ડોસાંડગરાં પણ મનમાં ને મનમાં ઓઝપાઈ ગયા. આખરે એક જણે જુવાનિયાઓને ઉદ્દેશીને કહ્યું :

‘એલાવ ભાઈ ! કો’કનું તો રુંવાડું ઊભું થવા દિયો ? આમાં તો ગામ આખાની આબરૂ જાય છે. તમારું સહુનું પાણી મપાઈ જાય છે !’

‘પાણી ભલે મપાઈ જાય,’ વલભ બોલ્યો, ‘બાકી પાનસેં સાતસેં રૂપિયાનું પાણિયારું કરવાની મારામાં ત્રેવડ્ય નથી.’

‘અરે આજે ઠુમરનો દેવશી જીવતો હોત તો ત્રીજી ટૂંકે શું સાતમી ટૂંકે કાળકામાતાની ગુફામાં નાળિયેરનો ગોટો રેડવી આવત,’ એક ડોસાએ દેવશીને સંભાર્યો.

‘દેવશી મરની હાજર ન હોય ? એનો નાનો ભાઈ તો હજી છે ને ! ગોબરિયો રમશે આજે.’ માંડણે ઉત્સાહભેર કહ્યું. ‘હાલો, હાદા બાપાની ખડકીએ, ગોબરને જગાડીએ !’  એવામાં મુખી ભવાનદા આવી ચડ્યા. પૂછયું : ‘એલાવ, આ ગોકીરો શેનો છે ?’

માંડણે આખી પરિસ્થિતિ સમજાવી. મુખી પણ સંમત થયા કે ‘આમાં તો અમરગઢવાળા આપણા ગામનું નાક કાપી જાય છે. હાલો, હાદા ઠુમરને જગાડો. હું તમારી ભેગો આવું છું.’

અને આમ આખું હાલરું ઠુમરની ખડકીએ પહોંચ્યું.

ડેલી બહાર થતો દેકારો સાંભળીને હાદા પટેલ જાગી ગયા. મુખી અને માંડણના કહેવાથી એમણે ગોબરને જગાડ્યો.

ઠુમરના ફળિયામાં હકડેઠઠ્ઠ માણસો ભરાઈ ગયાં.

મુખીએ સમજાવ્યું : ‘આ પરગામના રમનારા આવ્યા છે. ગિરનાર ઉપર અંબામાની ટ્રંકે નાળિયેર પુગાડવાની શરત રમવી છે. ગામ આખામાં ગોબર સિવાય બીજા કોઈનું ગજું નથી.’

‘પણ ગોબર તો ઓણ સાલ નાળિયેરને અડતો જ નથી, એનું શું ?’

‘એમ ન હાલે. હવે તો વાત ચડસે ચડી છે. ગામનું નાક રાખવા ય ગોબરે રમવું જોઈએ.’ કહીને મુખીએ હાદા પટેલના હૃદયના મર્મ સ્થાને સ્પર્શ કર્યો.’ આજે દેવશી જીવતો હોત તો ગિરનાર તો શું, ઓસમ ઉપર હેડમ્બાને હીંચકે કે શત્રુંજાને શિખરે નાળિયેર નાખી આવત. પણ હવે ગોબર વિના બીજા કોઈનું ગજુ નથી—’

સાંભળીને હાદા પટેલ વિચારમાં પડી ગયા. ઓસરીમાં લાજના ઘૂમટાની આડશમાંથી આ સંવાદો સાંભળી રહેલાં સંતુ અને ઊજમ પણ દેવશી અને ગોબર વચ્ચેની આ વિલક્ષણ સળંગસૂત્રતાના દોર વિષે વિચાર કરી રહ્યાં.

હાદા પટેલે કહ્યું : ‘ગોબર, થઈ જા સાબદો ! કહી દે, કેટલા ઘાએ અંબામાને આંબીશ’

‘ના બાપુ ! મારું ગજું નહિ. આમાં તો ગાડાંમોઢે નાળિયેરનો  સોથ વળી જાય.’

‘એની ફકર્ય તું શું કામ કર છ !’ ગિધો બોલ્યો. ‘મારી હાટનો મેડો ઠાંહોઠાંહ ભર્યો છે, ને ઘટશે તો જૂનેગઢ જઈને વખાર્યું ઉઘડાવશુ.’

‘વખાર્યુ કાંઈ અમથી થોડી ઊઘડશે ?’ ગોબરે આ શરતમાં થનાર સેંકડો રૂપિયાના ખર્ચની વાત કરી.

‘અરે ગાંડા ! કાવડિયાની ચિંતા તું શું કામ કર છ ?’ કહી મુખીએ તોડ કાઢ્યો. ‘આ તો તારે ગામવતી રમવાનું છે. હારજીત હંધું ય ગામને માથે લઈ લઉં છું. હવે કાંઈ ?’

‘અરે પણ એટલો બધો ભાર—’

‘મારી માથે ગણજે, જા ! હું સવારમાં ઊઠીને પંચાઉ ફાળો કરી નાખીશ. હવે છે કાંઈ ? ચૂલા દીઠ બેપાંચ ઊઘરાવી લઈશ, લે ! હવે તો રમવા જાઈશ ને ?’

ગોબર પાસે ન રમવાનું હવે કોઈ જ બહાનું ન રહેતાં એણે કહ્યું : ‘ના, મારાથી હવે મોર્ય જેવું રમાતું નથી. મારા ઘા હવે પહેલાં જેટલા આઘા ક્યાં જાય છે ? હવે તો નાળિયેર નાખું છું તંયે ઈ બે રાશ્યવા ય પૂરું નથી સેલતું.’

‘અરે ગાંડા ભાઈ ! બે રાશ્યવા ગામમાં કોનો ઘા સેલે છે !’ મુખીએ કહ્યું, ‘આ તો તારા ઉપર દેવશી હાથ મેલતો ગ્યો છ, એટલે વળી બાવડામાં આટલું ય જોર છે. બીજા જુવાનિયા તો રઘાબાપાની રાતીચોળ ચાયું પી પીને પોચા પાપડ જેવા થઈ ગ્યા છે.

હવે દલસુખે વચમાં મમરો મૂક્યો : ‘ગામમાં કોઈનું ગજું લાગતું નથી—’

‘એલા મોટા ! બવ અથરો થા મા.’ મુખીએ દલસુખને ટપાર્યો. ‘શેરની માથે ય સવાશેર જડી રે’શે, જરાક ધીરો ખમ્ય !’ અને પછી ગોબરને કહ્યું, ‘કરી નાખ્ય ગણતરી. માપી લે આંઈથી ગરનારની તળાટી લગીના ગાઉ ને ગણી લે ત્રણ ટૂંકનાં પગથિયાં. એકેક ઘાની બબે રાશ્ય જેટલી જગ્યા ગણીને ભાંગી નાખ્ય... ને દઈ દે જબાપ આ દલસુખભાઈને !’

‘દઈ દે જબાપ !’ હાદા પટેલ પણ બોલ્યા, તેથી સહુને નવાઈ લાગી.

‘નીકર અમે સમજશું કે ગુંદાસરમાં કોઈ પાણિયાળો છે નહિ !’ વેરસીએ વચમાં ટમકો મૂક્યો.

‘હવે જરાક ધીરો ખમ્ય ને ? અબઘડીએ જ દેખાડી દઉં છું ગામનું પાણી !’ કહીને મુખીએ હવે હાદા પટેલને આગ્રહ કર્યો કે પુત્રને સમજાવો.

પિતાના ચિત્તમાં જુદી જ પ્રક્રિયા ચાલી રહી હતી. તેઓ આજના પ્રસંગમાં દેવશી અને ગોબર વચ્ચેની સળંગસૂત્રતા નિહાળી રહ્યા હતા. ગિરનારનું પ્રસ્થાન જાણે કે અનેકાનેક સંભારણાંઓ, ભાવનાઓ અને આશા–ઓરતાઓ વચ્ચેની એક કડી બનતું હતું.

‘ગોબર ! તારે રમવા જાવું પડશે. જા, વીંટી લે માથે ફેંટો. આ બહાને અંબામાને જુવારતો આવ્ય, જા !’ પિતાએ આદેશ આપી દીધો. . અને અંબામાને જુવારતા આવવાની સૂચના સાચે જ, હાદા પટેલ, ઘડીભર ખિન્ન થઈ ગયા. દેવશી ગયો તે દિવસથી ઊજમે માનેલી અંબામાની માનતા યાદ આવી ગઈ...

આજે દેવશી પાછો આવ્યો હોત તો ઉઘાડે પગે અંબામાને છતર ચડાવવાનો યોગ થયો હોત; ઊજમે ધામધૂમથી બારબાર વરસની બાધા છોડી હોત. પણ કમનસીબે આજે જુદે જ નિમિત્તે ગોબર ગિરનાર ચડશે.

પણ આ વિષાદયોગમાંથી તુરત મુક્ત થઈને હાદા પટેલે કહ્યું :

‘દીકરા ! આ દલસુખભાઈ તો આપણા ગામના મહેમાન ગણાય. અમરગઢથી હોંશે હોંશે આંઈ રમવા આવ્યા છે તો એને રમાડવા જોઈએ. અંબામાના મંદિરને પગથિયે નાળિયેર વધેરવાની એને હુબ થઈ છે, તો હવે ના ન ભણાય. હાલો ઝટ, હવે કેટલા ઘાયે નાળિયેર નાખવું એનો આંકડો બોલવા માંડો !’  સંતુ સરવા કાન કરીને આ બધી વાતચીત સાંભળી રહી હતી; ગોબર આવી મોટી શરતમાં વિજેતા બને એ જોવાને પોતે ઝંખી રહી હતી, પણ ત્યાં તો માંડણિયાનો અવાજ સંભળાયો : ‘હાલો ઝટ નાળિયેરના નંગ નક્કી કરી નાખો તો રાતોરાત ગાડાં જોડીએ.’ અને તુરત આ શરત અંગે સંતુનો ઉત્સાહ ઓસરી ગયો. મનમાં સંશય પણ જાગ્યો : માંડણિયો કાંઈ કાવતરું તો નથી કરતો ને ? મુખીને ચડાવીને અમને શીશીમાં તો નહિ ઉતારતો હોય ને ? સંતુને એક ભયંકર પ્રશ્ન પજવી રહ્યો : માંડણિયો મિત્ર છે કે શત્રુ ?

ઊજમનો ચિત્તપ્રવાહ વળી જુદી જ દિશામાં વહી રહ્યો હતો. એ આજે દેવશીને સંભારતી હતી. અડીકડી વાવમાં દેવશી નાળિયેર નાખી આવ્યો એ પ્રસંગને સંભારતી હતી, પોતાના પતિએ પ્રાપ્ત કરેલા વિજયને યાદ કરતી હતી. અરે, ગામનાં માણસ પણ કેવાં નિષ્ઠુર છે ! આવી આવી નાળિયેરની રમતો યોજીને શા માટે મારી સૂતેલી સ્મૃતિઓને જગાડતાં હશે ? અંબામાની ટૂક પર પગપાળા પહેાંચવાના મનોરથ તો મારા હતા. ત્યાં નાળિયેર વધેરવાની બાધા-આખડી તો મેં લીધેલી. હાય રે દેવી ! એ માનતા તો અધૂરી જ રહી ! એ બાધા-આખડી તો અફળ જ રહેવા પામી ! ગિરનાર જવાનો—પગપાળા પહોંચવાનો યોગ તો આવ્યો, પણ મને નહિ, ગોબરને.

‘બોલ, દલુભાઈ ! કેટલા ઘાએ ત્રીજી ટૂકે નાળિયેર નાખશો ?’ માંડણિયે પૂછ્યું.

‘મારા વતી મારો વેરસી રમશે.’ દલસુખે કહ્યું. ‘બોલી નાખ વેરસી ! કેટલા ઘાએ શરત લેવી છે ?’

‘મારે ડુંગરનાં પગથિયાંની અટકળ કાઢવી પડશે—’

‘અમારી તો કાઢેલી જ છે.’ ગોબરે કહ્યું, ‘તમે બોલો પછી અમે બોલીએ—’  સંતુને ઘડીભર થયું કે ગોબરને બોલતા અટકાવું, શરતમાં ઊતરવાની જ ના કહું...પણ એ પહેલાં તો આખું ય હાલરું ડેલી બહાર નીકળી ગયું હતું.

ગિધાને હાટે જઈને રમનારાઓએ સામસામી ‘બીટ’ બોલવા માંડી. દલસુખ વતી વેરસીએ પાંચ હજાર ઘા માગ્યા; ગોબરે તરત જ ગણતરી કરીને ચાર હજાર માગ્યા. પછી સામસામો ઉતારો ચાલ્યો. ગોબરનો આત્મવિશ્વાસ જોઈને વેરસી નહિ પણ દલસુખ ડગી ગયો; એણે વેરસીને ઈશારો કરી દીધો કે હવે વધારે ઉતારો કરવામાં માલ નથી, આ રમત જીતી શકાય એમ નથી.

તુરત મુખીએ ગોબરને હિંમત આપી : ‘ગભરાજે મા, હારજીત ગામને માથે છે. પાંચ ઘા ઘટાડવા પડે તો ઘટાડજે, પણ રમવું છે તો આપણે જ.’

ગોબરે અઢી હજાર ઘાનો પ્રસ્તાવ મૂક્યો કે તુરત વેરસી મૂંગો થઈ ગયો. દલસુખ બોલી ઊઠ્યો : ‘દીધી, દીધી.’

અને તુરત તૈયારીઓ શરૂ થઈ. નાળિયેરના ઢગલા થયા. નાસ્તાનો બંદોબસ્ત થતાં લગભગ પરોઢ થવા આવ્યું. ‘હવે તો શિરામણ કરીને જ નીકળીએ,’ એવો મુખીએ પ્રસ્તાવ મૂકતાં ગામમાંથી બીજા માણસો પણ ગિરનાર ચડવા તૈયાર થયા. હાર−જીતનું જોખમ પણ મોટું હતું : જે પક્ષ હારે એણે આ શરતનું નાળિયેર–નાસ્તાનું તમામ ખર્ચ તથા ગોંદરે એકસો એક રૂપિયાનું ઘાસ નાખવાનું હતું. દલસુખને ખાતરી હતી કે ગોબર હારશે; ગોબર અને મુખીને શ્રદ્ધા હતી કે ‘અમે જીતીશું’.

હાદા પટેલની છાતી ગજ ગજ ફૂલતી હતી. અત્યારે જાણે કે દેવશી જ રમવા જઈ રહ્યો હોય એ આહ્‌લાદ તેઓ અનુભવી રહ્યા હતા.

વહેલી પરોઢે લાવલશ્કર ગામના પાદરમાં એકઠું થયું ને ગોબરે ગિરનારની દિશામાં નાળિયેરનો પહેલો ઘા ફેંક્યો.


*