લખાણ પર જાઓ

લીલુડી ધરતી - ૨/ઘૂઘરિયાળો ધૂણ્યો

વિકિસ્રોતમાંથી
← મેલડીનો કોપ લીલુડી ધરતી - ૨
ઘૂઘરિયાળો ધૂણ્યો
ચુનીલાલ મડિયા
અજાણ્યાં ઓધાન →





પ્રકરણ આઠમું
ઘૂઘરિયાળો ધૂણ્યો

‘હાલો’ ભૂતેસરની વાડીએ... ઓલ્યો ઘૂઘરિયાળો ધૂણે છે.’

‘ઈ તો ધૂણે ય છે ને મોઢામાંથી નાડાછડી ય કાઢે છે.’

‘ફીંડલાંનાં ફીંડલાં નાડાછડિયું નીકળે છે... ફીંડલાનાં ફીંડલાં...’

‘હાલો, ભૂતેસરની વાડીએ ઓલ્યા ઘૂઘરિયાળાને મેલડીમા સરમાં આવ્યાં છે.’

સાંજ પડતાં તો ગામની શેરીએ શેરીએથી હાલરાં નીકળી પડ્યાં. કોઈના હાથમાં નાળિયેર, કોઈના હાથમાં ચૂંદડી, કોઈના હાથમાં મોડિયો... સહુને મોઢે એક જ વાત :

‘મેલડી મા કોપ્યાં છે.’

'પૂછ ને મૂછ ઉપર ભાર છે.’

'ગામમાં એકે ય મૂછાળો કે એકે ય ઢોર સાજું નઈં રિયે.’

જોતજોતામાં તો ગામને એકેએક ઘેરેથી માણસોના ઘેરા પાદરની દિશામાં હાલી નીકળ્યા : પાદરથી ભૂતેશ્વરની વાડી સુધી માનવપ્રવાહ રેલાઈ રહ્યો.

‘જુવો, સાંભળો, મેલડીમાના હાકોટા સંભળાય !...’

‘જુવો, ડાકલાં સંભળાણાં !’

‘ઈ ઘૂઘરિયાળો હૂક હૂક કરે !’

‘માડી ! આ તો વરૂડી કે શીતળામા નંઈ; મેલડી મા કોપ્યાં છે ! એને રાજી નો કરીએ તો ગામનું ધનોતપનોત નીકળી જાય !’  ભૂતેશ્વરની વાડીના મેદાનમાં મનખો માતો નહોતો. વચ્ચોવચ્ચ ઘુઘરિયાળો બાવો વરણાગિયા વેશે ધૂણતો હતો અને અડખેપડખે કૂંડાળે વળીને ગામના મોવડીઓ બેઠા હતા અને એ કૂંડાળાની આજુબાજુ ભયભીત પ્રેક્ષકો ઊભાં હતાં.

ઘુઘરિયાળાની સન્મુખ મુખી ભવાનદા ચિંતાગ્રસ્ત ચહેરે બેઠા હતા. એમની બાજુમાં ઓઘડ ભૂવો ડાકલું વગાડતો હતો. આ ઓઘડભાભો ગુંદાસરનો સાર્વજનિક ભૂવો હતો. ગામમાં કોઈને ઝપટ જેવું હોય, વળગાડ હોય, કોઈ નજરાઈ ગયું હોય, કોઈ નવોઢાને એની આગલી શોક નડતી હોય, કોઈને કામણટુમણ થયાં હોય, કોઈની સરમાં જિનાત-ખવિસ આવતાં હોય, કોઈનાં પિતૃઓ રૂઠ્યાં હોય, કોઈના ઘરમાં રોજ સાપ નીકળતા હોય ત્યારે રતાંધળો ઓઘડભાભો એનું ચાર દાયકાનું જુનું ડાકલું વગાડતો ને ધૂણનાર માણસને સવાલ-જવાબ કરતો. અત્યારે પણ ઘુઘરિયાળાને મોંઢેથી મેલડીનો ‘જવાબ’ મેળવવા એણે ચાર ચાર નાળિયાંની નાળમાં સૂકાં મરચાની ધુંવાડી કરીને ડાકલું વગાડવા માંડ્યું હતું.

બાવો હુઉઉઉ હુઉઉઉ કરીને ધૂણતો હતો ને ઓઘડ ડાકલા પર થાપી મારી મારીને એને તાલ આપતો હતો. પ્રેક્ષકો કુતૂહલ અને ભયની મિશ્ર લાગણી વડે આ નાટક નિહાળી રહ્યાં હતાં.

જોતજોતામાં તો લગભગ ગામ આખું અહીં ઠલવાઈ ગયું. ગામની બધી જ ગણનાપાત્ર વ્યક્તિઓ હાજર થઈ ગઈ હોવાથી હાદા ઠુમરની ગેરહાજરી આપોઆપ જણાઈ આવી. કર્ણોપકર્ણ ધીમી પૂછગાછ પણ થઈ :

‘હાદો પટલ ક્યાં રોકાણા ?’

‘ઈ ડેલીએ બેઠા.’

‘કોઈએ બરક્યા નંઈ ?’

‘એ સાદ કર્યો, તો કિયે કે આવા તો ઘણા ય બાવાને ધૂણતા જોઈ નાખ્યા.’  ‘પણ આ બાવો અટાણે ઘુઘરિયાળો નથી; એને તો ઘણા મેલડી મા સરમાં આવ્યાં.’

‘ઈ એ ય કહી જોયું, પણ ન માન્યા. બોલ્યા, કે મારે ખેતરે સતીમાનું થાનક છે, એમાં હંધી ય માવડીયું સમાઈ ગઈ... માણહને મા એક હોય ઝાઝી ન હોય.’

‘ઓ હો હો ! મિજાસ કાંઈ મિજાસ ! મેલડી ઠીકાઠીકની કોપશે તંયે ખબર્ય પડશે.’

‘ને તંયે ઓલ્યાં સતીમા આડા હાથ દેવા નંઈ આવે.’

હાદા પટેલ જેવી જ નોંધપાત્ર ગેરહાજરી રઘાની જણાઈ આવી.

‘એલા જીવાભાઈએ ડેબાં ભાંગી નાખ્યાં પછી રઘોબાપો ઊંબરા બાર્યો જ નથી નીકળતો કે શું ?’

‘ના રે ના, ઠેઠ શાપર લગણ જઈને જુબાની આપી આવ્યો, ઈ આંહી વાડી લગણ આવતાં બીએ ?’

‘તો પછી ઘરમાં શું કામે ઘલાણો છે ?’

‘ઈ તો કિયે છ કે ઘુઘરિયાળો ને ઓઘડ ભૂવો ને મેલડી, ઈ બધાં ય પાખંડ છે પાખંડ !’

‘મેલડી મા રઘાને મન પાખંડ છે ? એના ગિરજાને ભરખી જશે તંયે ખબર્ય પડશે કે એને પાખંડ કેમ કે’વાય છે ?’

‘અટાણે તો ગિરજા કરતાં રઘા ઉપર જ ભાર લાગે છે. મેલડી પૂછ ને મૂછ ઉપર રૂઠી છે, તી રઘો ય સોડાની બાટલિયુંના મારામાંથી માંડ માંડ બચ્યો છે.’

‘બચ્યો છે ? હજી તો જીવતો રિયે તંયે બચ્યો ગણું. પૂછ ને મૂછ ઉપર ભાર છે ઈ કાંઈ અમથો થોડો ઊતરશે ? રઘા જેવા દસવીસના રામ રમાડી દેશે. મા મેલડી રૂઠી છે ઈ કાંઈ જેવીતેવી વાત કહેવાય ?’

ત્યાં તો એકાએક બાવાની ઘુઘરમાળો ધમ્મ્‌ ધમ્મ્‌ ગાજી ઊઠી, ડાકલાંના અવાજો વધારે જોશીલા બન્યા. ધૂણતા બાવાના હુહુકારા  વધારે ઉગ્ર થવા લાગ્યા.

‘આવી ! આવી !’ પ્રેક્ષકો એકી અવાજે પોકારી ઊઠ્યાં. કોણ આવી એ પ્રશ્ન પૂછવાની જરૂર જ નહોતી. ‘આવી’ ક્રિયાપદ જોડે મેલડી અધ્યાહાર હતી.

નળિયાંની ધૂપદાનીઓમાં મરચાં ઉમેરીને ધુમાડો વધારવામાં આવ્યો; ચારે ય તરફ ખોં...ખાં થઈ રહ્યું. કેટલાંકની આંખો બળવા લાગી. કોઈ કોઈ દમિયલ માણસોને તો ધાંસ પણ ચડી.

મુખી આ બધી લીલા વ્યગ્ર નજરે નિહાળી રહ્યા.

ઓઘડભાભાએ ઘોઘરે સાદે પૂછ્યું : ‘કોણ છો તું ?’

ઘુઘરિયાળે જવાબ આપવાને બદલે સામો હુહુકારો કર્યો.

ઓઘડભાભાએ આદત મુજબ વધારે ઘોઘરે સાદે ફરી વાર પૂછ્યું :

જવાબમાં જાણે કે ડાચિયું કરતો હોય એ રીતે ઘુઘરિયાળો બમણા જોરથી હુંકારી ઊઠ્યો.

આજુબાજુમાંથી સૂચનાઓ આવવા લાગી :

‘એમ સીધેસીધું નઈં માને, લોઢાની સાંકળું તપાવો.’

‘ઠીકઠીકના ડામ દિયો !’

‘ઈ તો સાંકડા ભોણમાં આવે તયેં જ સર૫ સીધો હાલે.’

ઓઘડે નળિયામાં ભભૂકતા દેવતામાં વધારે મરચાં હોમ્યાં. ને આખી વાડીમાં એના તીખા ધુમાડા ગોટાઈ રહ્યા. ચારે ય ખૂણેથી મોટે અવાજે ખોં...ખોં કરતી ધાંસ ઊઠી.

ડાકલા ઉપર બમણા જોરથી ડાંડીઓ મારીને ઓઘડભાભાએ પૂછ્યું : ‘બોલી નાખ્ય તું કોણ છે, નીકર તારી ખેર નથી આજે ! મીઠામાં બોળી બોળીને ચાબખા મારીશ... રણગોળિયો કરીશ... ખેતરમાં લઈ જઈને ઘીંહરું કરીશ...’

કેમ જાણે ભૂવાની આ આકરી દમદાટીથી જ ગભરાઈ ગયો હોય, એમ ‘બોલી નાખ !’ના ત્રીજા પડકારના ઉત્તરમાં બાવો બોલી ઊઠ્યો : ‘હું મેલડી છઉં !’  અને પ્રેક્ષકોમાં ભયસૂચક ગણગણાટ ફેલાઈ ગયો : ‘મેલડી...’ મેલડી... ચોંસઠ જોગણિયુંવાળી... ખોપરિયું પરોવેલી રૂંઢમાળાની પેરનારી... માતા મેલડી... રૂઠે તો રાન રાન ને પાન પાન કરી મેલનારી...’

ભૂવાએ હવે બમણા શૂરથી પૂછ્યું :

‘આંયાંકણે શું કામ આવી છો ?’

હુહુકાર વચ્ચે ઉત્તર મળ્યો :

‘મારાં ગોઠિયાં ભૂખ્યાં... મને મલીદો...’

સાંભળીને શ્રોતાઓમાં ફરી ભયસૂચક ગણગણાટ શરૂ થઈ ગયો : ‘મલીદો... મેલડીને મલીદો... ભોગ ચડાવ્યા વન્યા એનું પેટ ભરાય જ નઈં...’

ભૂવો બોલ્યો : ‘મલીદો જોતો હોય તો બીજે ગામ જઈને માગ્ય ! આંયાંકણે તારું શું દાટ્યું છે ?’

જવાબ મળ્યો : ‘આ ગોંદરે જ મારું બેહણું.... આ ગામમાંથી જ મારું ખપ્પર ભર શ.’

‘આ ગામનો કાંઈ વાંકગનો ?’ ભૂવાએ કહ્યું : ‘બીજું કો’ક સારું ગામ જોઈને સોંઢી જાની ?’

‘નઈં સોંઢું... નઈં સોંઢું... હું તો ગોંદરે બેહીને જ ગામનાં પૂછ ને મૂછ ભરખીશ.’

સાંભળીને શ્રોતાઓમાં જાણે કે સોપો પડી ગયો. હવે તો કોઈને ટીકાટિપ્પણ રૂપે ગણગણાટ કરવાના ય હોશ ન રહ્યા.

ઓઘડભાભો ઉત્કંઠાથી પૂછતો રહ્યો : ‘તને બીજું કોઈ ગામ ન જડ્યું’તી આ ગોંદરે જ આવીને બેઠી ?’

‘આ ગામે મને અભડાવી છે.’ ઘુઘરિયાળે ઘટસ્ફોટ કરી નાખ્યો.

શ્રોતાઓ સ્તબ્ધ બની ગયાં.

ભૂવાને બદલે હવે ધૂણનારો જ રંગમાં આવી ગયો. એનું ડોલન વધી ગયું, દમામ વધી ગયો.  મેલડી માતાને ઝનૂનપૂર્વક હુહુકાર કરતાં જોઈને કેટલાંક લોકો તો પૂજ્યભાવથી ને બાકીનાં કેટલાંક ભયપ્રીતથી પ્રણિપાત રહ્યાં. ભાવુક સ્ત્રીવૃન્દે માતાનું સ્તવન કરતાં ધોળ પણ ગાવા માંડ્યાં.

ઓઘડભાભાએ યાચના કરી :

‘મા ! ગામનો એક ગનો માફ કરો.’

‘નઈં કરું... નઈં કરું...’ માતાને વધારે શૂર ચડ્યું.

હવે મુખીની હિંમત હાથ ન રહી. એમણે ઓઘડભાભાને સૂચન કર્યું : ‘ભૂવા ! પૂછો તો ખરા કે કોણે તમને અભડાવ્યાં છે ?... ઠાલો પાડાને વાંકે પખાલીને ડામ દેવાઈ રિયો છ.’

‘મા ! કોણે તમને અભડાવ્યાં ?’ ભૂવાએ સીધો પ્રશ્ન ફેંક્યો.

આખું શ્રોતાવૃન્દ એકકાન થઈને ઉત્તરની રાહ જોઈ રહ્યું.

ઓઘડભાભાએ ફરી પૂછ્યું : 'મા ! ચોખ્ખું ફૂલ નામ પાડી દિયો. કોણે તમને અભડાવ્યાં ?’

‘મારા થાનકને ઠેકનારીએ.’

‘હેં ?’ એક સામટો સહુના મોઢામાંથી શબ્દ નીકળી ગયો.

‘કોણે માના થાનકને ઠેક્યું ?’

‘કોને એની અવળમત સૂઝી ?’

‘કોણ હતી ઈ માથાની ફરેલી ?’

‘માની આણ્ય ઉથાપનારી ઈ અવળચંડી છે કોણ ?’

ભવાનદા પોતે ગભરાઈ ગયા. એમણે વધારે ખુલાસો મેળવવાની ભૂવાને સૂચના કરી.

‘મા તમે તો સાગરપેટાં... ને અમે રિયાં કાળાં માથાનાં માનવી...’ ઓઘડભાભાએ ફરી દીન વદને યાચના શરૂ કરી. ‘કોઈ છૈયુંછોકરું રમત્યરોળાં કરી ગ્યું હોય તો ગનો માફ કરો !’

સામેથી જવાબ મળ્યો :

‘કોઈ છૈયુંછોકરું નો’તું... આ તો પૈણેલી ને પશટેલીએ મારા થાનક ઉપર ઠેક લીધી... હાય રે, મને અભડાવી ગૈ !’ ‘ઈ છોકરમત્યને ગણકારો મા, ને ગામ ઉપર કીરપા કરો.’

‘છોકરમત્ય ! છોકરું તો એના પેટમાં હતું.’

સાંભળનારાઓ ફરી સ્તબ્ધ થઈ ગયાં. ડાકલા પર પડતી તાલબદ્ધ થાપી પણ ઘડીભર બંધ થઈ ગઈ. સહુ મનશું વિચારવા લાગ્યાં : ‘કોણ હશે એ બેજીવસુ બાઈ ? કોને આવી કમત સૂઝી ! કોને પાપે મેલડી મા કોપ્યાં ?

ભવાનદાની ધીરજ ખૂટી ગઈ. બોલ્યા : ‘ભૂવા ! માને મોઢેથી નામ પડાવો નામ; આ તો એક તિખારો સો મણ જાર્ય સળગાવશે.’

‘મા ! ઈ બાઈનું નામઠામ... બોલો ઈ ભેગી ઈને પાંહરી દોર કરીએ...’

‘સૌ જાણો છો, ને ઠાલાં મને પૂછો છો ?’ ઘુઘરિયાળે ઘમ્મ્ કરતાકને ઘૂઘરા રણકાવીને એવી તો ત્રાડ નાખી કે કાચાંપોચાં માણસો તો થડકી ઊઠ્યાં.

*