લીલુડી ધરતી - ૨/નિવેદન

વિકિસ્રોતમાંથી
લીલુડી ધરતી - ૨
નિવેદન
ચુનીલાલ મડિયા


નિવેદન

(પહેલી આવૃત્તિ)

‘જન્મભૂમિ’ દૈનિકમાં ૧૫મી નવેમ્બર ૧૯૫૬ થી ૧૪મી સપ્ટેમ્બર ૧૯૫૭ સુધી હપ્તે હપ્તે પ્રગટ થયેલી આ નવલકથાના લેખનમાં નિમિત્ત બનાવવાનો યશ એ અખબારના તંત્રીને ફાળે જાય છે. શ્રી સોપાને ‘જન્મભૂમિ’માં ચાલુ વાર્તા લખવાનો આગ્રહ ન કર્યો હોત — અથવા તો, એ સૂચન કર્યા પછી ચારેક મહિના સુધી મેં સેવેલા પ્રમાદ દરમિયાન એમની ધીરજ ખૂટી ગઈ હોત — તો આ કૃતિ ભાગ્યે જ આકાર પામી હોત. વળી, આરંભમાં, પાંચ-છ મહિનામાં પૂરી કરવા ધારેલી આ વાર્તા બમણો સમય ચાલી એ દરમિયાન પણ સંસ્થાના સંચાલકોની ધીરજ ખૂટી ન ગઈ, અને અઠવાડિક હપ્તાઓ તૈયાર કરવામાં મારી લગભગ અક્ષમ્ય ગણાય એવી અનિયમિતતા પણ નિભાવી લીધી, એ બદલ એમનો આભારી છું.

‘જન્મભૂમિ’ના સંપાદકો—અને મારા ભૂતપૂર્વ સાથીઓ—શ્રી હિંમતલાલ પારેખ, શ્રી મનુભાઈ મહેતા અને શ્રી મગનલાલ સતીકુમારે આ વાર્તાના લેખનમાં બહુ ઊંડો રસ લીધો છે તથા એના હપ્તાવાર પ્રકાશનની ઉમળકાભેર માવજત કરી છે એની નોંધ લઉં છું.

હપ્તાવાર મુદ્રણ દરમિયાન શ્રી જીવણલાલ જાની અને એમના સાથીઓએ તથા ગ્રંથપ્રકાશનમાં શ્રી ગોપાળરાવ વિદ્વાંસ અને ગ્રામલક્ષ્મી મુદ્રણાલયના કાર્યકરોએ જોડણીશુદ્ધિની જવાબદારી ઉઠાવીને મારું કામ ઘણું જ સરળ કરી આપ્યું છે.

સપ્ટેમ્બર, ૧૯૫૭ : મુંબઈ
ચુનીલાલ મડિયા
 
નોંધ

મારા પતિએ આ નવલકથામાં કોઈ ફેરફાર વિચાર્યો કે નોંધ્યો ન હતો. એથી આ કેવળ પુનર્મુદ્રણ છે.

દક્ષા મડિયા