લીલુડી ધરતી - ૨/પાપનું પ્રક્ષાલન ?

વિકિસ્રોતમાંથી
← મારું જીવતર લાજે ! લીલુડી ધરતી - ૨
પાપનું પ્રક્ષાલન ?
ચુનીલાલ મડિયા
ભવનો ફેરો ફળ્યો  →




પ્રકરણ પાચમું

પાપનું પ્રક્ષાલન ?

જુસ્બા ઘાંચીએ એના મુડદલ જેવા ઘરડા બળદને પૂંછડું આમળીને ડચકાર્યો અને નરસી મે’તાની વેલ્ય જેવો ખખડી ગયેલો એકો ઓઝતમાં ઊતર્યો ત્યારે કાંઠે ઊભેલાં સહુ લોકોને લાગ્યું કે રઘો મહારાજ હાથે કરીને મોતના મોઢામાં જઈ રહ્યો છે.

‘ઊંટ મરવાનું થાય તયેં મારવાડ ઢાળું મોઢું કરે.’

‘પંડ્યે એકલોલે મરતો હોય તો તો ભલેની મરે ! વાંહે ઓલ્યા ખોળે લીધેલા સિવાય બીજું કોઈ લોહીનું સગું રોવાવાળું નથી. પણ આ તો ભેગાભેગો જુસ્બા ઘાંચીને ય મારશે તો વાંહે એની એમણી ઘાંચણ સાવ નોંધારી થઈ જાહે—’

‘જસ્બો શું કામે ને મરે ભલા ? જીવા ખવાહને તો રઘા ઉપર વેર છે; જુસ્બા ઉપર ઝેર થોડું છે ?’

‘ઈ તો હંધીય આંયાં બેઠાં વાતું થાય. બાકી ઓલી જામગરીવાળી જોટાળીમાંથી ધડેડાટ કરતી ધાણી ફૂટવા મંડે તંયે માલીપાથી વછૂટતી ઓલી કાકી કાંઈ નામ પૂછવા રોકાય કે, ભાઈ ! તારું નામ રઘલો છે કે જુસ્બો ! ઈ તો સડેડાટ છાતી સોંસરવી નીકળી જાય ને ભલભલાનાં ઢીમ ઢાળી દિયે.’

‘અરરર ! તો તો આ ઘાંચલો જાહે ઘીંહોડાં ફૂંકતો....’

પણ એને રેંકડામાં પાલો ભરવાને સાટે રઘાનો ફેરો બાંધવાની કમત્ય ક્યાંથી સૂઝી ? આ તો સૂકા ભેગું લીલું ય બળી જાહે !’ ‘ઈ તો મોટાં વાંહે નાનાં જાય, તો મરે નહિ તો માંદાં તો થાય જ ને ?’

‘અરે, ગામનો સાત ખોટનો એક ઘાંચી મરશે તો આપણે તેલ વિના રખડી પડશું.’

ધીમે ધીમે રઘાને બદલે જુસ્બાના સંભવિત મૃત્યુ અંગે જ વધારે ચિંતા વ્યક્ત થવા લાગી. આગલી રાતની જોરદાર અફવા તો એવી હતી કે જીવો ખવાસ રઘાને ગુંદાસરનું પાદર જ વળોટવા નહિ દે. ભૂદેવને એવી તો ભાઠાવાળી થશે કે એને શાપર જવાની સોં જ નહિ ૨હે.’

પણ ‘સાચે ટાણે શાપર નો જાઉં તો મારું જીવતર લાજે !’ એવી ગર્વોક્તિ ઉચ્ચારીને રઘો ગામના પાદરમાંથી હેમખેમ રેંકડો હંકારાવી ગયો તેથી લોકોને હવે જુદા પ્રકારની આગાહીઓનો આશરો લેવો પડ્યો.

‘પાદરમાંથી મરની પાધર્યો નીકળી ગ્યો પણ હવે ઈદ મસીદ લગણ આંબી શકે તો મને કે’જો !’

‘મસીદાળી નેળ્યમાં બોકાનીબંધા નાકાં વાળીને બેઠા હશે—’

‘જોટાળિયુંમાં દાર તો ધરબી જ રાખ્યા હશે. આ રેંકડાના ગળિયલ બળદને ભાળશે ઈ ભેગા જ ઘોડા દબવશે, ને ધડ ધડ ધડ ધડ ગોળિયું વછૂટવા મંડશે.’

‘રઘલો ને જુસ્બો વિંધાઈ જાય એનો વાંધો નહિ પણ રેંકડે જુતેલા રતાંધળા જેવા બળદને બીચાડાને રજાકજા નો થઈ જાય તો સારું. નકામું, માણસની મારામારીમાં ઈ નવાણિયું ઢોર કુટાઈ જાહે—’

બપોર સુધી આવી પારકી ચિંતામાં લોકો દૂબળાં થતાં રહ્યાં. રોટલા ટાણે શાપરથી ટપાલ લઈને ખોડો હલકારો આવ્યો ત્યારે રાબેતા મુજબ ‘એલા કાગળપતર ?’ ‘કોઈનો મન્યાડર ?’ જેવી પૂછગાછ કરવાને બદલે, કે ‘કિયાટ–કોથળી’ ‘કોઈલાન’ની માગણી કરવાને બદલે સહુએ એક જ પ્રશ્ન પૂછ્યો.

‘એલા ખોડા ! મારગના કાંઈ માઠા વાવડ ?’

‘કોના ?’ ખોડાને નવાઈ લાગી.

‘આપણા રઘા મા’રાજને કાંઈ રજાકજા—’

‘રજાકજા થાય નંઈ રઘાબાપાના દુશ્મનને !’

‘તને ક્યાં ય સામા જડ્યા ?’

‘હં... ક...ને !’

‘સાવ સાજા સારા ?’

‘અરે રાતી રાણ્ય જેવા ! ઈને વળી શું દુ:ખ હોય ?’ કહી વળી ખોડાએ એનું વર્ણન કર્યું : ‘ઈ તો એ...ય...ને જુસ્બાના એકામાં સારીપટ પાથરેલા ખડની પથારીએ સુતા સુતા કિલકિલાટ કરતા જાતા’તા—’

‘એલા તને કયે ઠેકાણે રેંકડો સામે જડ્યો’તો ?’

‘જડેસરના વોંકળામાં... હું ખળખળડીમાંથી પાણી પીતો’તો ને જુસ્બાનો એકો ગેડીદડાની ઘોડ્યે દડદડ જતો’તો ને રઘોબાપો નરવે સાદે ભજન ગાતા જાતા’તા...’

મરે રે આ ખોડીયો હેલકારો ! એણે તો રઘા અંગેના આ આંખોદેખા હાલ રજૂ કરીને ગુંદાસરમાં ચગેલા બધા ગબારાઓને એક જ ઝાટકે હેઠા પાડી નાખ્યા.

પણ આવા હેલકારાના અહેવાલથી ય ગામલોકો નિરાશ થયાં નહિ. એમણે આગાહીઓનું અંતર લંબાવ્યું :

‘જડેસરનો વાંકળો તો આપણાં જ રાજની હદમાં ગણાય. રાજની હદમાં રહીને ખૂનખરાબી થોડી થાય ? વોંકળાનો કાંઠો વળોટવા દિયો... તોપું ખોડેલા ખૂંટાની ઓલીપા રેંકડો પોગવા દિયો... ને પછી જુઓ કે રઘાબાપાની કેવી રીગડી થાય છે !’

‘સાચું કીધું. આટલાં વરહ લગણ દરબારને હોકે દેવતા મેલનારો જીવો ખવાહ એટલું ય નો સમજે કે રાજની હદમાં રહીને આવો કામો નો કરાય ? ઈ તો પરહદમાં જ પડ બાંધીને ઊભા રે’વાય—’

‘તો તો હવે આ ભવમાં તો રઘાનો રેંકડો શાપરને પાદર પોગી રિયો !’

‘ને ભેગું ગુંદાહરનું પાદરે ય હવે આ ભવમાં તો ભાળી રિયો !’

‘ઈ તો હવે ઘા ભેગો જ ઘસરકો થઈ ગ્યો જાણોની ! તણ્ય સાવજ ધરાય એવડી ભૂદેવની કાયામાંથી કોઈને ગોટલું છોતરું ય હાથ આવવા દિયે તો એનું નામ જીવોભાઈ નઈ !’

‘દરિયામાં રિયે ને મઘરમચ્છ હાર્યે વેર બાંધવા જાય એના તો આવા જ હાલ થાય ને ?’

ઊગતાને પૂજનારાં લોકો જીવાની બહાદુરીને બિરદાવતાં હતાં અને રઘાની હેરાનગતિની હાંસી કરતાં હતાં. તેઓ જાણતાં હતાં કે હવે અંબાભવાની આથમી ગઈ છે અને રામભરોંસેનો ચડતો સિતારો છે; રઘાનાં હવે વળતાં પાણી થયાં છે અને જીવો ખવાસ ઠકરાણાંનો માનીતો બન્યો છે. ‘બેસતો વાણિયો ને ઊતર્યો અમલદાર’ની ઉપયોગિતા અને બિનઉપયોગિતાનો બરોબર આંકઅંદાજ કાઢીને, જીવા ખવાસની સિફારસ કરવામાં સહુને પોતાનું હિત દેખાતું હતું.

તેથી જ તો, રઘો શાપરની અદાલત સુધી હેમખેમ પૂગી ગયો છે એવા સમાચાર આવ્યા ત્યારે પણ જીવા ખવાસના પૂજકો નાસીપાસ ન થયા. એમણે એક નવો આશાતંતુ બાંધ્યો :

‘ઈ તો કોરટમાં ઊભીને રઘો કેવીક જીભાની દયે છે, ઈ જોયાજાણ્યા પછી જ જીવોભાઈ ઘા કરશે—’

‘હા, ભાઈ ! આવા મામલામાં તો તેલ જોવું જોયે; તેલની ધાર જોવી જોયેં, તે પછી જ હાથ ઉગામવો સારો.’

‘જીવાભાઈનું કામ હંધુ ય લાંબી ગણતરીવાળું જ હોય. આગળપાછળનો વિચાર કર્યા વન્યા ડગલું ભરે જ નહિ ને !’ સહુ ધારતા હતા કે અદાલતમાં જુબાની પૂરી થયા પછી જીવાના માણસો રઘાને ‘ઢાળી દેશે.’ માંડણિયાની વિરુદ્ધમાં એ એક હરફ પણ ઉચ્ચારશે તો એનું આવી બનશે. ભૂદેવ મોટે ઉપાડે સંતુની વહારે ચડવા ગયા છે, પણ એને ભોંય ભારે પડી જશે. જીવાભાઈ જેવા સાવજને છંછેડવામાં ઈ લોટની તાંબડી સાર નહિ કાઢે.

પણ રઘાએ તો આવા કોઈ પણ ભયને જરા સરખો ય વિચાર કર્યા વિના અદાલતમાં બેધડક જુબાની આપી. જુબાની આપી એટલું જ નહિ, માંડણ અને એના સહુ સાગરીતોની કારવાઈઓ પણ એણે ઉઘાડી પાડી દીધી...

રઘાની જુબાનીમાં શાદૂળનું નામ વારંવાર આવવા લાગ્યું એ સાંભળીને સાંભળનારાઓ સ્તબ્ધ થઈ ગયા. બચાવપક્ષના વકીલે એની ઘણી ય રોકટોક કરી, પણ એથી રઘો જરા ય ગભરાયો નહિ; એણે તો માંડણના અપરાધની અને સંતુની નિર્દોષતાની સાહેદી આપતી કડીબદ્ધ વિગતો સવિસ્તાર રજૂ કરી દીધી.

તાલુકાની અદાલતના એ ભાવુક ન્યાયાધીશને આ જુબાનીમાં અને એ જુબાની આપનાર વ્યક્તિમાં ઊંડો રસ જાગૃત થયો. તેથી જ તો, ઊલટતપાસ વેળા, હાથેપગે મૂઢમાર ખાધેલો રઘો અતિશય થાકને લીધે જરા લથડિયું ખાઈ ગયો અને સાક્ષીના પાંજરાના કઠેરાને ટેકે માંડ માંડ કાયા ટેકવી રહ્યો ત્યારે એની અસહાય સ્થિતિ જોઈને મેજિસ્ટ્રેટે હુકમ કર્યો :

‘સાક્ષીને બેસવાની ખુરશી આપો.’

સાંભળીને બચાવપક્ષના માણસો તો આંગળાં જ કરડતા રહ્યા !

ઊલટતપાસમાં એકેક પ્રશ્ન પુછાતો રહ્યો અને રઘો પણ જરા ય ગભરાટ વિના એનો ઉત્તર આપતો રહ્યો. પોતાની જુબાની કરતાં આ ઊલટતપાસ વેળા જ એ ખરો રંગમાં આવ્યો. એને પોતાને ય ખ્યાલ ન રહ્યો કે આવા વેધક ઉત્તરોની વાણી ક્યાંથી  આવી રહી છે, ગામમાં રચાયેલી પ્રપંચજાળને ભેદતી આ હાજરજવાબી કોણ પ્રેરી રહ્યું છે. શ્રોતાઓને લાગતું હતું કે રઘાની જીભ પર બેસીને પુનિતા પુત્રવધૂ સંતુ જ પોતાનું પાવિત્ર્ય સિદ્ધ ન કરી રહી હોય !

ગૂંચવનારા પ્રશ્નોના ઉત્તર આપતી વેળા રઘો જાણે કે કોઈ ઉચ્ચતર આધ્યાત્મિક ભૂમિકાએ વિહાર કરી રહ્યો હતો. બચાવપક્ષના એકેક આક્ષેપનો એ રદિયો આપતો હતો અને એના અંતરનાં રસાયણો જાણે કે પલટાતાં જતાં હતાં. હવે એ સંતુની નિર્દોષતા જ સિદ્ધ નહોતો કરી રહ્યો; બલકે સત્ય કથન વડે પોતાના અતીત જીવનનાં અનેકાનેક અઘટિત કૃત્યોનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો હતો ! સંતુને નિષ્કલંક સાબિત કરવાને નિમિત્તે જાણે કે પોતાનાં પાપનું પ્રક્ષાલન કરી રહ્યો હતો...

અદાલત ઊઠવાનો સમય થયો અને ચપરાસીએ આવીને ઘંટડી વગાડી છતાં ન્યાયાધીશે આદેશ આપ્યો :

‘ચાલુ રાખો.’

રઘાના વેધક ઉત્તરો નોંધાતા ગયા, તેમ તેમ બચાવપક્ષ નાસીપાસ થતો ગયો અને ઉત્તરોત્તર વધારે ઝનૂનથી ઊલટતપાસ થવા માંડી. પણ રઘો આજે પેલો હૉટેલ ચલાવનાર મામૂલી બ્રાહ્મણ નહોતો રહ્યો. આજે તો એ ગામની એક કલંકિતાની વહારે ચડેલો બ્રહ્મપુત્ર હતો. એની વાણીમાં પરંપરિત બ્રહ્મતેજ સોળે કળાએ પ્રકાશિત થઈ રહ્યું હતું.

દીવે વાટ ચડવા ટાણે અદાલત ઊઠી ત્યારે જ રઘો એની ખુરશીમાંથી ઊભો થયો. કમ્પાઉન્ડમાં છોડેલા એકા નજીક એ પહોંચ્યો ત્યારે જુસ્બા ઘાંચીએ સુચન કર્યું :

‘રઘાબાપા ! આજની રાત્ય ગામમાં ક્યાંક રાતવાહો રઈ જાવ ની ?’

‘કેમ ભલા ? તારા બળધને પગમાં દુખે છે ?’ ‘બળધ તો ખડેખાંગ છે, પણ રાત્યવરત્યનું જરાક ભો જેવું—’

‘ભો ? કોનો ભો ?’

‘તમારા કોઈ દશ્મન અંધારામાં તમરા ઉપર ઘા કરી લ્યે તો—’

‘મારા દશ્મન ? એની માવડિયુંએ હજી લગણ જણ્યા જ નથી !' કહીને રઘાએ જુસ્બાને હિંમત આપી : ‘હાલ્ય ઝટ, એકામાં બેહી જા મૂંગો મૂંગો. કોઈના બાપની દેન નથી કે આપણી સામે ઊંચી આંખ કરી જાય !’

જુસ્બાએ ગુંદાસરથી એકો જોડ્યો ત્યારે જ ગામલોકોએ એને ગભરાવી માર્યો હતો અને એમાં એણે અદાલતમાં રઘાની કડક જુબાની સાંભળી. ગામના ચૌદશિયાઓ સામેના પ્રહારો સાંભળ્યા, તેથી એનો ગભરાટ બમણો થઈ ગયો હતો. ધોંસરે બેસતાં બેસતાં એણે ફરી કહ્યું :

‘સૂરજ ઊગ્યા હાલ્યા હોત તો શું ખાટુંમોળું થઈ જાવાનું હતું ?’

‘મારો ગિરજો રાત્ય આખી એકલો તલખતો રિયે.’

‘પણ બાપુ ! આ રાત્યવરત્યનો સમો ને વચાળે આવે ઓલ્યો વાંકળો. કોઈ વેરી લાગ જોઈને જૂનાં વેર પતવી જાય—’

‘મેં તને કીધું નંઈ કે મારા વેરીની માએ હજી સવા શેર સૂંઠ નથી ખાધી ?’

‘પણ બાપા ! એ જોરૂકો જીવોભાઈ—’

‘હવે રાખ્ય, રાખ્ય ? જીવલા જેવા તો કૈંક જોઈ નાખ્યા આ જંદગીમાં. તું એાળખશ મને, હું કોણ છું ? મારું આ માથું ખંખેરું તો એમાંથી જીવલા જેવા તો દહ ટોલા ખરે એમ છે !’

‘પણ બાપા ! કે’તા નથી કે ભૂંડા માણહની પાનશેરી ભાર્યે... જીવા ખવાહના મળતિયા હંધા ય ઓલ્યા કાંટિયા વરણ માંયલા... લાગ ભાળીને ઘા કરી લિયે તો પછે શું એનો ટાંટિયો વાઢવા જવાય ?’

‘અરે... જુસબ ! તું તો સાવ હહલાં જેવો ફોસી નીકળ્યો !  ‘એલા, મેં દેશદેશાવરના દરિયા ડોળી નાખ્યા છે.’ ગાડીવાનને હિંમત આપવા રઘાએ પોતાની અતીત આત્મકથાનો એક અંશ કહી સંભળાવ્યો. ‘કાળી રાત્રે ધડાકાભડાકા કરીને આગબોટુંના જાંગલા કપ્તાનુંને હાથજીભ કઢવી છે, ઈ આવાં કાંટિયાં વરણથી ગભરાઈ જાઈશ ?’

થડકતી છાતીએ શાપરનું પાદર છાંડીને જુસ્બાએ એકો ગુંદાસરને કેડે ચડાવ્યો ત્યારે પણ એ ભય વ્યક્ત કરી રહ્યો હતો :

‘બાપા ! તમારી વાત હંધી ય સોળ આની સાચી, પણ સામાવાળા છે હથિયારવાળા, ને આપણે છંયે સાવ હાથેપગે—’

‘એલા જુસ્બા ! હથિયારુંની વાતું કરીને હવે મને બવ તપવ્ય મા ભલો થઈને—’

‘તપવતો નથી, પણ આમાં તો પહેલો ઘા રાણાનો ગણાય. સામાવાળા પરથમ ઘોડો દબાવીને ભડાકો કરી નાખે તો પછેં આપણે સાવ હાથેપગે ને હથિયાર વનાના માણહ શું—’

‘એલા, કંવ છું કે હથિયાર હથિયાર કરીને હવે મને વધારે તપવ્ય મા ભલો થઈને ?’ કહીને રઘાએ કરડાકીથી પૂછ્યું :

‘બોલ્ય, તારે હથિયાર જોવું છે ?’

જુસ્બાએ કુતૂહલથી ડોકું ફેરવીને પછવાડે નજર કરી.

રઘાએ એકામાં બિછાવેલા ખડ તળેથી હળવેક રહીને પોતાનો ખડિયો છોડ્યો અને એમાંથી એક શસ્ત્ર બહાર કાઢ્યું.

‘હેં ?... હા... હેં !’ જુસ્બાની આંખો ચાર થઈ ગઈ. રઘાબાપા, આ અટાણ લગણ ક્યાં સંતાડી’તી ?’

‘એની તારે શી પંચાત ?’

‘પણ આ કંઈ ભાત્યની બંધૂક ! આ ઈંગરેજવાળી છે કે પછી આફ્રિકેથી ભેળી લેતા આવ્યા’તા ?’

‘એલા તારે બંધૂકથી કામ છે કે એની નાત્યજાત્યથી ? તારે મમ્ મમ્‌નું કામ છે કે ટપ ટપનું ?’  ‘પણ બાપા ! આ બંધુક તો સંચોડી નવતર ભાત્યની ભાળું છઉં. હેં બાપા, તમને આ ફોડતાં આવડે ખરી ?’

‘એલા ઘેલહાગરા, કઉં છું હવે મને વધારે તપવ્ય મા, નીકર તારી છાતી ઉપર ભડાકો કરીને ફોડી દેખાડીશ—’

‘એ ના ભાઈશા’બ ! જો જો ક્યાંક ભૂલમાં ય ઘોડો દબાવી દેતા ! મારો સાત ખોટનો છોકરો રઝળી પડશે. સતીમાને છત્તર માન્યું તંયે માંડ કરીને દીકરો દીધો છે—’

‘તંયે પછી આવી ગધાડાને તાવ આવે એવી વાતું ન કરતો હો તો ?’ રઘાએ કહ્યું. ‘મને તેં સાવ લોટમંગો ભ્રામણ જ ગણી લીધો ? અરે ભૂંડા ! આ જનોઈના તાંતણા તો ગુંદાહરમાં આવ્યા કેડ્યે ઘાલ્યા — ઈ મોર્ય તો આ ડોકમાં કારતૂસના હારડા ઝૂલતા, હારડા, સમજ્યો ?’

‘બાપા ! તમે તો બવ પોંચેલ નીકળ્યા !’ ગરીબડો જુસબ હવે અહોભાવ વરસાવી રહ્યો.

‘પોંચેલ ન થાઉં તો તો આ પેધી ગયેલા માણસના ગામમાં રે’વાય કેમ કરીને ?’

‘પણ બાપા ! તે દિ’ હૉટરમાં રામભરોંહાવાળાં આવીને હંધુંય ભાંગી–ફોડી ગ્યાં ને તમને ને ગરજાભાઈને મારી ગ્યાં ઈ ટાણે—’

‘ઈ ટાણે આ હથિયાર હાજર નો’તુ, જુસબ !’ કહીને રઘો એકાએક મૂંગો થઈ ગયો.

 *