લખાણ પર જાઓ

લીલુડી ધરતી - ૨/વહેમના વમળમાં

વિકિસ્રોતમાંથી
← અપરાધ અને આળ લીલુડી ધરતી - ૨
વહેમના વમળમાં
ચુનીલાલ મડિયા
બે કલંકિની  →




પ્રકરણ બીજું

વહેમના વમળમાં

સીમમાંથી ગામ ભણી શ્વાસભેર દોડતી જતી સંતુ કણબી પા સુધી તો માંડમાંડ પહોંચી શકી હતી. આંખે અંધારાં આવતાં હતાં અને પગલાં પાછાં પડતાં હતાં, છતાં વાડીમાં ભજવાઈ ગયેલા હત્યાકાંડના સમાચાર શ્વશુર સુધી પહોંચાડવાનું દૃઢ મનોબળ જ એના હતપ્રાણ હૃદયમાં ચેતન સીંચી રહ્યું હતું. ધમણની જેમ શ્વાસ ઘૂંટતી એ ખડકીમાં પ્રવેશી અને હાદા પટેલને ઝડપભેર મિતાક્ષરી વાક્યોમાં વાડીએ બનેલી ઘટના વર્ણવી કે તુરત જાણે કે એના શ્રમિત પગ ભાંગી ગયા.

ફળિયામાં ઢાળેલા જે ખાટલા પરથી હાદા પટેલ ચોંપભેર ઊઠીને વાડીએ દોડી ગયા એ જ ખાટલા પર સંતુ લોથપોથ થઈને ઢળી પડી. આંખ આડે આવી રહેલાં અંધકારમય ભાવિના પ્રતીક સમાં અંધારાંને ક્યારની હટાવી રહેલી સંતુમાં હવે જાગૃતાવસ્થા જાળવવાના હોશ ન રહ્યા. કૂવાને તળિયે નિહાળેલા ભયાનક દૃશ્યની યાદ એકસામટી ધસી આવતાં એના આઘાતની ચોટ અનેકગણી તીવ્ર બની ગઈ. સ્થળ કે સમયનો એને કશો ખ્યાલ ન રહ્યો. મૂર્છિત અવસ્થામાં એનું મનોવહેણ દારુણ દુઃખથી ભરેલા ભાવિ જીવનની પગદંડીએ ચડી ગયું.

‘સંતુ, સંતુ ! શું થયું ? કેમ કરતાં થયું ? સરખી વાત તો કર્ય ?’ હાદા પટેલ દોડતા વાડીએ જવા નીકળ્યા પછી ઊજમે આ અણધારી ઘટના વિશે વધારે વિગતો જાણવા ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા માંડ્યા, પણ એના ઉત્તર આપવાના સંતુને હોશ રહ્યા નહોતા.’

આમે ય સમાચાર સાંભળીને બેબાકળી બની ગયેલી ઊજમ આ નવી ઘટનાથી વધારે ગભરાઈ ગઈ. ગભરામણ સાથે એ કેટલીક શંકાઓ પણ સેવી રહી. સંતુને વારંવાર ઢંઢોળવા છતાં ય એણે કશો જવાબ ન આપ્યો ત્યારે ઊજમના મનમાં રમી રહેલા સંશયો દૃઢ થયા :

ગોબરને કોણે મારી નાખે ? સુરંગમાં ધરબેલો દારૂ કોણે સળગાવ્યો ? માંડણે કે સંતુએ ?

ઊજમના ચિત્તસરમાં સંશયની આ નાની શી કાંકરીએ એક નાનું શું વમળ સરજ્યું અને ધીમે ધીમે એ વમળ વિસ્તરવા લાગ્યું. અને જોતજોતામાં તો એ વહેમનું વમળ એના આખા ચિત્તનો કબજો લઈ બેઠું.

ટોટાની વાટ સાચે જ માંડણિયે સળગાવી હશે ? કે પછી સંતુએ એને જામગરી ચાંપી હશે ?

ઊજમના પ્રકંપિત ચિત્તસરમાં આપોઆપ જ વહેમની બીજી એક કાંકરી આવી પડી.

સંતુને ગોબર ગમતો નહિ હોય, ને એણે જ જાણી જોઈને ધણીનો ઘડોલાડવો કરી નાખ્યો હશે ?

અને વળી પાછું વહેમનું આ નવું વમળ પણ પેલા વમળની જેમ જ વિસ્તરવા લાગ્યું.

સંતુનું મન શાદૂળિયામાં મોહ્યું હશે ? ભગવાન જાણે ! તે દિવસે ગઢની ડેલીએ એને લાદ લેવા મોકલી હતી ત્યારે એને સારીપટ અસૂરું થઈ ગયું હતું. શાદૂળિયે એને રોકી રાખી હશે કે પછી પોતે જ પોતાની મેળે રોકાઈ રહી હશે ? મેં પૂછ્યું એટલે કેવી અણોહરી થઈ ગઈ હતી ?

તે દિવસે દેરાણી–જેઠાણી વચ્ચે શાદૂળના પ્રશ્ન પર થઈ ગયેલી ચડભડને અત્યારે ઊજમ નવા જ સંદર્ભમાં સંભારી રહી. એ વેળા તો સામાન્ય લાગેલી ઘટનામાં અત્યારે એક નવા જ ભેદનું આરોપણ કરી રહી.

‘સંતુ ! સંતુ ! સરખીથી વાત તો કર્ય, કે વાડીએ શું થયું ? કેમ કરતાં થયું ?’

ઊજમે દેરાણીને ફરી ઢંઢોળવા માંડી, પણ મૂર્છિત સંતુ મૂંગી જ રહી તેથી ઊજમના મનમાં એક અત્યંત હીન ખ્યાલ આવ્યો :

સંતુ સાચે જ સાંભળતી નથી કે પછી ઢોંગ કરે છે ? પોતે વાડીએથી કાળું કામ કરીને આવી છે, ને હવે હંધો ય ઓળિયો-ઘોળિયો માંડણિયાને માથે ઓઢાડવાના આ ચેનચાળા તો નહિ હોય ?’

સ્ત્રીની દુશ્મન સ્ત્રી, એ ન્યાયે ઊજમ પોતાની દેરાણી વિશે આવાં નિષ્ઠુર અનુમાનો અને દોષારોપણો કરી રહી.

અને પોતે જ આવી ભયાનક કલ્પનાથી ભય અનુભવી રહી. સાચી વાત જાણવાનું કુતૂહલ હાથ ન રહેતાં એણે સંતુના હાથપગ, હડપચી હલબલાવી જોયાં, મોટે અવાજે સંબોધન કરી જોયાં, કશો ઉત્તર ન મળ્યો તેથી ઊજમે ગભરાઈ જઈને નવેળામાંથી પડોશણ ઝમકુને સાદ કરીને બોલાવી.

ઝમકુએ આવીને મૂર્છા વાળવાના કેટલાક ઘરગથ્થુ ઉપાય અજમાવી જોયા, પણ કશું કારગત ન નીવડ્યુ.

થોડી વારમાં તો શેરીમાંથી બીજી પડોશણો પણ સમાચાર સાંભળીને આવી પહોંચી અને જોતજોતામાં તો ઠુમરની ખડકી ઠાંસોઠાંસ ભરાઈ ગઈ.

ગોબરનું ધડ–માથું જુદું થઈ ગયું છે ને હાદા પટેલ ડોડતા વાડીએ ગયા છે, એ સમાચાર ગામમાં ફેલાતાં જ, પુરુષો બધા વાડીએ જવા નીકળી પડ્યા અને સ્ત્રીવર્ગ અહીં ડેલીએ એકઠો થવા લાગેલો. અને પછી તો, સંતુની મૂર્છા વાળવા માટે સહુએ પોતપોતાને સુઝતો ઉપાય સૂચવવા માંડ્યો.

આંખ પર પાણીની છાલક છાંટવાથી માંડીને ડુંગળી અને ખાસડાં સુદ્ધાં સુંઘાડાઈ ગયાં, છતાં સંતુ શુદ્ધિમાં ન આવી ત્યારે જંતરમંતર તે સૂટકાની વાતો શરૂ થઈ. અને ફરી ઊજમના મનમાં વહેમનાં વાદળો ઘેરાવા લાગ્યાં :

સંતુને સાચે જ મૂર્છા આવી ગઈ છે કે પછી ઢોંગધતૂરા કરે છે ? પોતે હાથે કરીને ગોબરને ગારદ કરી આવી છે ને હવે મોટી સતી થવાનું નાટક કરે છે ? સાચો જવાબ ન આપવો પડે એટલે મૂંગી થઈ ગઈ છે ?

ઊજમનું શંકિત માનસ આવાં અનુમાનો કરી રહ્યું હતું ત્યાં જ સોની ફળિયામાંથી અજવાળીકાકી આવી પહોંચ્યાં. એમણે તો સંતુના કશા ખબર પૂછવાને બદલે તોપનો ધડાકો જ કર્યો :

‘સંતુએ જ ટોટાની વાટ સળગાવી દીધી !’

‘સાચે જ ? કોણે કીધું ?’

‘વાડીએથી વાવડ આવ્યા છે.’

‘પણ સગી ધણિયાણી ઊઠીને આમ ધણીને મારી નાખે ?’

‘માંડણિયે નજરોનજર ભાળ્યું ઈ ખોટું ? કાસમ પસાયતાની મોઢે એણે કબૂલ કર્યું.’

ઊજમને જોઈતું હતું એ જ મળી રહ્યું. પોતાની શંકાઓની શૃંખલામાં ખૂટતી કડી સાંપડી રહી.

અજવાળીકાકીએ ઊજમ જોડે આંખની સાંકેતિક ભાષામાં થોડી ગુફતેગો પણ કરી લીધી. એ સંકેતોનો વાચ્યાર્થ આવો હતો : જોયુંને ? આપણો વહેમ સાચો પડ્યો ને ? સંતુડીએ મૂવા શાદૂળિયા હાર્યે જ ભેઠ બાંધી’તી, એટલે આ ગરીબડા ગોબરને ગૂડી નાખ્યો.

અજવાળીકાકીએ કરેલા આ તોપધડાકા પછી ખડકીનું વાતાવરણ જ પલટાઈ ગયું. અત્યાર સુધી જે લોકો સંતુને શુદ્ધિમાં લાવવા મથતાં હતાં, એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં હતાં, એ સહુ હવે એના ઉપર નરી નફરત વરસાવી રહ્યાં.  ‘અરરર... આવું રાખહ જેવું કામ કરતાં જીવ કેમ હાલ્યો હશે ?’

‘આ તી બાયડી કે ચૂડેલ ? સગા ધણીને ભરખી ગઈ !’

‘પણ પોતાના પરણ્યાને આમ હહલું ગૂડે એમ ગૂડી નાખતાં જરા ય વિચાર નહિ થયો હોય ?’

‘આનું નામ જ અસ્તરી ચરિતર ! એનાં પાપનો પાર કોઈ ન પામે.’

‘પણ માડી ! આવું કહાઈ જેવું કામ કરતાં એનો હાથ ધ્રૂજ્યો નહિ હોય ? એના રૂદામાં ભગવાને દયાનો છાંટો નહિ મેલ્યો હોય ?’

‘જેનું મન ચળ્યું ને બીજે ઠેકાણે બેઠું એને દયા કેવી ને વાત કેવી ? પીંગળા રાણીની કથા નથી સાંભળી ? ઈ તો ભરથરી રાજાને ભેખ જ લેવડાવે.’

કાસમ પસાયતો હજી વાડીએ પંચનામું કરે એ પહેલાં તો અહીં ખડકીમાં એકઠા થયેલા સ્ત્રીવૃન્દે પંચ એ જ પરમેશ્વર સમજીને આ હત્યા અંગેનો ચુકાદો આપી પણ દીધો.

‘સંતુડીએ ગોબરને ગૂડી નાખ્યો !’

જાણે કે મધપૂડા પર પથરો પડ્યો હોય એમ ખાડકીમાં ઠાંસોઠાસ જમા થયેલા ટોળામાં ધીમો ગણગણાટ ચાલ્યો :

‘સંતુલીએ સગા ધણીને ગૂડી નાખ્યો !’

ઊજમ અને અજવાળીકાકીને મોઢેથી વહેતો મુકાયેલો આ ગબારો ઊંચો ને ઊંચો ચડતો રહ્યો.

‘અરરર માડી ! સગી ધણિયાણીએ ઊઠીને ધણીને વાઢી નાખ્યો ?’

એકી અવાજે થઈ રહેલા આ ગણગણાટમાં એકલવાયો અવાજ સંતુની જનેતા હરખનો હતો.

‘એલી બાઈ ! જરાક તો ઉપરવાળાનો ભો રાખ્ય ? કોણે આ કાળો કામો કર્યો છે ઈ જાણ્યાકારવ્યા વિના આવાં આળ કાં ચડાવ્ય ?’  પણ પરમેશ્વર સમું પંચ બોલતું હોય ત્યાં હરખની તૂતી કોણ સાંભળે ?

થોડી થોડી વારે વાડીએથી સમાચાર આવ્યા કરતા હતા. સીમમાંથી પાછા ફરનાર માણસો જે વાતો લાવતા હતા એમાં ય આવું જ સનસનાટીભર્યું તત્ત્વ સમાયેલું હતું.

મોડી સાંજે વગડો કરીને પાછી આવતી વખતી ડોસી ઠુમરની વાડીએ થોભી ગઈ હતી. એણે મોડેથી ગામમાં આવીને ઠુમરની ડેલીએ કેટલાક ‘આંખે દેખા હાલ’ રજૂ કર્યા :

‘ગોબરની લાશનો કબજો નહિ સોંપાય...’

‘શંકરભાઈ ફોજદારને બરકવા વેઠિયો ગ્યો છે; પણ ફોજદાર શાપરમાં નથી...’

‘માંડણિયો તો દારૂના ઘેનમાં ચત્તોપાટ પડ્યો પડ્યો ઘોરે છે...’

‘ગોબરનું મડદું તો મોટે દવાખાને લઈ જાવું પડશે. દાગતરની ચિઠ્ઠી વન્યા એને દેન નઈં દેવાય.’

‘માંડણિયે કબૂલ કર્યું છ કે સંતુડીએ વાટ સળગાવીને ગોબરને મારી નાખ્યો છે. ફોજદાર આવીને સંતુને શાપરની જેલમાં લઈ જાશે.’

અત્યાર સુધી ફળિયામાં એકઠા થયેલા મહિલા પંચના પિષ્ટપેષણમાં જે એકવાક્યતા આવતી જતી હતી એમાં વખતીએ ચગાવેલા નવા ગબારાઓએ થોડી નવીનતાઓ ઉમેરી.

વખતીને પોતાનું એક જૂનું વેર વાળવાની આજે સરસ તક મળી ગઈ. મહિનાઓ પહેલાં પાણીશેરડે એને સંતુ સાથે જરા ચડભડ થઈ ગયેલી. સંતુએ અપંગ બનેલા માંડણનાં બે મોઢે વખાણ કરવા માંડેલાં, અને જીવતીના અગ્નિસ્નાન સામે માંડણનો બચાવ કરેલો ત્યારે વખતીએ એને સંભળાવેલું કે માંડણનું બહુ દાઝે છે, તો એ ઘરભંગ માણસનું ઘર માંડીને બેસ ની ? ...આના  ઉત્તરમાં સંતુએ વખતીને સારા પ્રમાણમાં ઊધડી લઈ નાખેલી. એ ઘટના આ ડોસી હજી ભૂલી નહોતી. દાવ આવ્યે સોગઠી મારવાનો લાગ શોધી રહેલી વખતીને આજે સરસ દાવ સાંપડી ગયો હતો.

‘મેં તો કે’દિ’નું માંડી રાખ્યું’તું કે આ ઊછળ્યું ધાન હવે ગોબરના ઘરમાં ઝાઝા દી ઠરશે જ નહિ. છેલછોગાળા શાદૂળભામાં જેનું મન મોહ્યું, એને ગરીબડો ગોબર જેવો ધણી શેનો ગમે ?’

 ***

આખી રાત ગુંદાસર જાગતું રહ્યું. ઠુમરની ખડકીએ બૈરાંઓની ઠઠ જામેલી રહી, વાડીએ વાડીએ પુરુષોની. અડખેપડખેનાં ગામોમાં સમાચાર ફેલાતા ગયા તેમ તેમ પરગામનાં કેટલાંક નવરાં માણસો પણ આ વિલક્ષણ ખૂનનો કિસ્સો નિહાળવા આવી પહોંચ્યાં.

શંકરભાઈ ફોજદારની રાહ જોતી ગોબરની લાશ વહેલી પરોઢ સુધી પડી રહી. ખીજડાના થડ જોડે દોરડા વડે મુશ્કેટાટ બાંધેલા માંડણને દારૂનું ઘેન ચડતું ગયું તેમ તેમ એ લથડતો ગયો અને આખરે એ ચકચૂર દશામાં કાસમ પસાયતાની નજર તળે આળોટતો રહ્યો. એના વાસ મારતા મોઢામાંથી વારેવારે સંભળાતી લવરીના સૂચક શબ્દો સહુ કાન માંડીને સાંભળતાં રહ્યાં :

‘એ જ લાગનો હતો શાદૂળિયો... સમજે છે શું એના મનમાં ?... ફટાયો થઈને ફાટ્યો ફાટ્યો ફરતો’તો તે લેતો જા હવે !...’

આખી રાત ઠુમરની ખડકીમાં ગામની સ્ત્રીઓ જાગતી બેઠી રહી અને સંતુના કહેવાતા અપરાધ ઉપર પોતપોતાના ચુકાદાઓ સંભળાવતી રહી.

સવારમાં ફોજદારે આવીને પંચક્યાસ કર્યો. માંડણને ગડદાપાટુ મારીને જાગ્રત કર્યો અને એની જુબાની નોંધી.

ફોજદારના પગરખાની એક લાત પડતાં જ માંડણ ફરી શૂધમાં આવી ગયો અને પુછાતા પ્રશ્નોના સ્વબચાવમાં એણે પહેલું જ વાક્ય નોંધાવ્યું :  ‘સંતુએ વાટ સળગાવી દીધી.’

‘એલા, તારું તો મોઢું ગંધાય છે !’ શંકરભાઈ ચોંકી ઊઠ્યા. ‘ક્યાંથી પી આવ્યો છે ?’

કાસમે બાતમી આપી કે સાંજને ટાણે મૂળગર બાવાને ઘરેથી ડબલું ઢીંચીને આવેલો, એટલે શંકરભાઈએ મૂળગરને પણ તેડાવ્યો. એની જુબાની નોંધ્યા પછી તેઓ સંતુની જુબાની લેવા ગામ તરફ ઉપડ્યા.

છેક સવારે શુદ્ધિમાં આવેલી સંતુએ ફોજદાર સમક્ષ જુબાની નોંધાવી :

‘માંડણિયે વાટ સળગાવી દીધી’તી.’

બન્ને જુબાનીઓ નોંધ્યા બાદ ફોજદારે લાશ સોંપી અને માંડણને હાથકડી પહેરાવીને શાપર લઈ ગયા.

 ***

સ્મશાનની કાળીભટ્ટ છાપરી તળે હાદા પટેલે પુત્રના શબને અગ્નિદાહ દીધો ત્યાં સુધીમાં તો ગામમાં જામેલું વહેમનું વાદળ ઘણું ઘેરાઈ ચૂક્યું હતું. પાણીશેરડે સ્ત્રીઓ છડેચોક બોલતી હતી :

‘માંડણિયો છૂટીને આવશે કે તરત સંતુ એનું ઘર માંડશે.’

‘અરે, ગોબરના જીવતાં જ સંતુએ તો નાતરે જાવાનું નક્કી કરી રાખ્યું હતું.’

‘મૂળ તો એનું મન શાદૂળમાં જ મોહ્યું’તું પણ શાદૂળિયાને તો જલમટીપ જડી, એટલે હવે માંડણના રોટલા ઘડશે.’

રફતેરફતે ખુદ હાદા પટેલ સુધી આ કાનસૂરિયાં પહોંચ્યાં. લોકવાયકાઓ એવી તો વ્યાપક બની ગઈ હતી કે આ ધીરગંભીર પિતાને પણ ક્ષણભર તો એ અફવામાં થોડું તથ્ય લાગ્યું. પુત્રની હત્યાથી હેબતાઈ ગયેલા હાદા પટેલ પોતાની સંતપ્ત મનોદશામાં સારાસાર તારવી શકવાની સ્થિતિમાં નહોતા, તેથી એમને પણ આ વાયકાઓમાં થોડો વિશ્વાસ બેઠો.  સાચે જ સંતુને ગોબર ગમતો નહિ હોય એટલે આ ત્રાગડો રચ્યો હશે ? એનું મન માંડણિયામાં મોહ્યું હશે ? સંતુ સાચે જ હવે નાતરે જાશે ? સુરંગની વાટ કોણે સળગાવી હશે ? માંડણે કે સંતુએ ? કોને ખબર ? વાડીમાં તો માંડણ ને સંતુ સિવાય ત્રીજું કોઈ નજરે જોનાર હતું જ નહિ... ના, ના, એક ત્રીજું જણ હતું... સતીમા પોતાના થાનકમાં બેઠાં બેઠાં આ હધું ય ઉઘાડી આંખે જોતાં હતાં...’ સાચી વાત તો એકલાં સતી મા જ જાણે. માંડણની વાતમાં વિશ્વાસ ન મૂકાય, સંતુની વાત પણ સાવ સાચી ન મનાય. આમાં તો એકલાં સતીમા બોલે ઈ જ સાચું માનવું...

આવી શ્રદ્ધાથી ભાવુક હાદા પટેલે ગામલોકોની કુથલીને ગણકારી નહિ, અને સંતુને હત્યારી ઠેરવી નહિ. છતાં એમની એ શ્રદ્ધાને ય ચલિત કરી નાખે અને પુત્રવધૂને માથે પતિહત્યાનું પાતક ઓઢાડવા પ્રેરે એવો એક સૂચક બનાવ થોડા દિવસમાં જ બનવા પામ્યો.

કાચી જેલમાં રહેલા માંડણ સામેનો મુકદમો શરૂ થાય અને સંતુ સહિત ગામનાં માણસો એમાં સાક્ષી આપવા જાય એ પહેલાં જ સંતુએ અત્યંત ક્ષોભ સાથે ઊજમને મોઢે સ્ફોટ કર્યો કે પોતે સગર્ભા છે, અને ભવિષ્યમાં માતા બનશે.

થયું, ઊજમના માનસમાં દિવસોથી ઘેરાઈ રહેલાં વહેમનાં વાદળોમાં એક નવો ઉમેરો થયો. અત્યાર સુધી એના ચિત્તમાં ઘોળાઈ રહેલા સઘળા સંશયોને સંતુના આ એક જ સમાચારથી સમર્થન મળી રહ્યું. પોતે આજ સુધી દેરાણી ઉપર પતિહત્યાનું જે પાતક ઓઢાડી રહી હતી એને અણધારી પુષ્ટિ મળી રહી.

સંતુને મોઢેથી આ નવા સમાચાર સાંભળતાં વાર જ ઊજમના મનમાં પ્રશ્નોની અને સંશયોની પરંપરા ઊઠી :

એ જન્મનાર બાળક કોનું ? શાદૂળનું કે માંડણનું ?

ગોબર જીવતો હતો ત્યાં સુધી અમને વાત કેમ ન કરી ? પોતે માતા બનનાર હતી, તો આટલા દિવસ મૂંગી કેમ રહી ?

દુઃખિયારી સંતુ પાસે આમાંના એકે ય પ્રશ્નનો ઉત્તર નહોતો.

સંતુનું આ સ્વાભાવિક મૌન જ ઊજમના સંશયોને વધારે ઘેરા બનાવી રહ્યું.

અને જોતજોતામાં તો આ હમેશનો ભેદ એવો તો જટિલ બની ગયો કે એની સમક્ષ પેલો હત્યાનો ભેદ પણ ઝાંખો પડી ગયો; બલકે, પેલા ભેદનું આડકતરું રહસ્ય આ નવા ભેદમાંથી સાંપડી રહ્યું. ...સંતુ માતા બનનાર હતી એ એક નક્કર હકીકત હતી, અને એના ભાવી બાળકનો પિતા ગોબર જ હતો, એ બાબતનો હવે આ દુનિયા પર કોઈ જ સાહેદ મળી શકે એમ નહોતો.

પોતાને શિરેથી પતિહત્યાનું એક આળ તો હજી દૂર થયું નહિ ત્યાં જ આ અણધાર્યું નવું આળ આવી પડતાં સંતુની સ્થિતિ અત્યંત વિષમ થઈ પડી.

*