વનવૃક્ષો/અરણિ
← બીલી | વનવૃક્ષો અરણિ ગિજુભાઈ બધેકા |
આમળી → |
અરણિ
નાનપણમાં જોયેલું ભૂંસાતું નથી. અમારા ગામની પોસ્ટ ઑફિસના ચોગાનમાં અરણિનું ઝાડ હતું.
એકવાર મેં એક માણસને મૂંગો મૂંગો તેનાં સુકાં ડાંખળાંને તોડતો જોયો. મેં તેને બોલાવ્યો; પણ તે બોલ્યો નહિ. પાછળથી મને માલૂમ પડ્યું કે એ પોતાના છોકરાના ગળામાં ડાળખાંની માળા કરી પહેરાવવા માટે તે લેતો હતો. વાંચનારને આ વાત વિચિત્ર લાગશે; મૂંગાં મૂંગાં અરણિ લેવાનું સમજાશે નહિ. પણ તમે જાણજો કે હજી પણ લોકોમાં વહેમો ઘણા ચાલે છે; અને મૂંગા મૂંગા દવાનાં ડાળખાં લેવાં પણ એક વહેમ જ હોય.
જોકે આપણા જૂના વૈદકશાસ્ત્રમાં તો અમૂક ઔષધિ મૂંગા મૂંગા લેવી એવું લખેલું છે. કોઈ સારા જૂના વૈદને પૂછજો; વખતે કાંઈ વાજબી કારણ નીકળે !
અરણિના ઘણા ઉપયોગ છે, પણ તેમાં બહુ કામનો ઉપયોગ એ છે કે વાઘ કરડે ત્યારે અરણિનો પાલો મીઠું નાંખી વાટીને બાંધવો. દવા તો સારી છે અને સાચી પણ હશે; પણ મૂશ્કેલી છે કે વાઘ અને અરણિ એ બે નજીક નજીક રહેતા હોય તો જ દવા થઈ શકે !
સીમમાં હોઈએ ત્યારે અરણિનાં ફૂલોથી મઘમઘેલી સીમ નાકને આનદ આપશે. બારડોલીમાં ફરતી વખતે ગુજરાતના ફળદ્રુપ ખેતરોની વાડે ઊભેલી અરણિના ફૂલોની સુવાસ અમને બહુ મળી હતી. એક વાર અમે ગાડામાં બેસી એક જગાએથી બીજી જગાએ જતા હતા. ધીમે ધીમે ઊંગતો ચાંદો પૃથ્વી ઉપર અજવાળું અને વાડે ઉગેલી અરણિ ધીમે ધીમે સુવાસ ફેલાવતા હતાં.
અરણિમાં ફૂલ પાંચ પાંખડીનાં, બહારથી ઢાંકણથી ઢંકાયેલ હોય છે. તેમાં પુંકેસર અને સ્ત્રીકેસર હોય છે.
અરણિ વિષે આટલી વિગત હું માંડમાંડ જાણું છું તો પછી વિશેષ તમને ક્યાંથી કહું ? એ તો અમે ગામડામાં રહેતા એટલે ઝાડની કંઈક ખબર; બાકી તમે જેઓ શહેરમાં રહેતા હશો તેમણે તો અરણિનું નામ પણ નહિ સાંભળ્યું હોય.
પણ તમારા ઘરમાં કોઈ સંસ્કૃત ભણ્યા હોય તો એમને પૂછશો તો ખબર પડશે કે અરણિને સંસ્કૃત ભાષામાં અગ્નિમંત કહે છે.
અસલના વખતમાં દીવાસળી નહોતી; અને ચકમક પણ કોણ જાણે લોકોને હાથ આવ્યો હોય તો ! એ જૂના વખતના લોકો અરણિના બે લાકડાંને ઘસીને તેમાંથી અગ્નિ પેદા કરતા ! હજી પણ અરણિમાંથી ઉત્પન્ન કરેલો અગ્નિ પવિત્ર મનાય છે. યજ્ઞના કામમાં આરંભ વખતે યજમાન પાસે અરણિનાં લાકડાં ઘસાવી અગ્નિ ઉત્પન્ન કરાવે છે. ખેરના લાકડાંમાંથી પણ અગ્નિ પેદા કરી શકાય છે; એનો અગ્નિ પણ પવિત્ર લેખાય છે. અરણિ, ખેર, ખીજડો, પીપળો, આકડો અને ખાખરો, એના લાકડાંને યજ્ઞકામમાં સમિધરૂપે અગ્નિહોત્રી બ્રાહ્મણો વાપરે છે.