વનવૃક્ષો/ગાંડો બાવળ

વિકિસ્રોતમાંથી
← બોરડી વનવૃક્ષો
ગાંડો બાવળ
ગિજુભાઈ બધેકા
લીલો બાવળ →



ગાંડો બાવળ

જેને લાંબા લાંબા કાંટા છે, જેનો છાંયો કછાંયો એટલે ખરાબ છાંયો કહેવાય છે, જેની છાલ કાળી ખરબચડી છે. તેને લોકો ડાહ્યો બાવળ કહે છે. ડાહ્યો બાવળ એટલે જેનાં આપણે દાતણ કરીએ છીએ તે બાવળ. લોકોને ઉપયોગમાં આવ્યો એટલે તે ડાહ્યો. લોકોનું ધોરણ જ એવું. પોતાના કામમાં આવે તે ડાહ્યો; પોતાને કામમાં ન આવે તે ગાંડો. નાનાં છોકરાં ઝટઝટ કામ કરી આપે તે માબાપને મન ડાહ્યાં, પણ આળસુ માબાપને પોતાને ઊઠીને કામ કરવું પડે ત્યારે છોકરાં ગાંડાં !

ગાંડો બાવળ મેં જોયેલો છે. હું તેના ઉપર ચડેલો છું. તેને છાંયે બેઠેલો છું. તેની શીંગો ખાધેલી છે. તેના કાંટા કોઇ દી લાગ્યા નથી. મને તે કોઈ દિવસ ગાંડો લાગ્યો નથી. પણ ઊલટું નાના હતા ત્યારે તે બહુ ડાહ્યો લાગેલો અને હજી પણ લાગે છે.

ગાંડો બાવળ નાનો હતો ત્યારે બકરાં તેની ઉપર ઝાડ થઇ તેને ખાતાં, અને તે કોઈ દિવસ કાંઇ બોલતો નહિ.

તેની ડાળો અને તીરખીઓ અને તેના ઉપરની ઝીણીઝીણી પાંદડીઓ લીલીછમ હોવાથી આંખને ઠારતી. તીરખીઓ ઉપરથી લીલી પાંદડીઓ બે આંગળીઓ વચ્ચેથી સુરરર કરી ઉતારી નાખવાની બહુ મજા પડતી. પછી મોઢામાં તીરખીનો એક છેડો રાખી, તાણીને બીજે છેડેથી ખેંચીને તીરખીનું વાજું બનાવી લેવાતું. ખેંચાઈને તંગ થયેલી તીરખી ઉપર તંબૂરાના તાર પર આંગળી ચલાવવાથી જેમ અવાજ આવે તેવો અવાજ આવતો. ગામડાના છોકરાઓ ભાતું લીધા વિના વનમાં વગર પૂછે ઉજાણીએ ઉપડી જાય છે. આંબલી તેમને કાતરા આપે છે, બોરડી બોર આપે છે, પીલુડી પીલુ આપે છે અને ગાંડો બાવળ પોતાની શીંગો આપે છે. ચોળીની શીંગો જેવી લાંબી અને ભરાવદાર દાણાવાળી ગાંડા બાવળની શીંગોના લૂમખાના લૂમખા બાવળ ઉપર સુંદર દેખાય છે. ગધેડાની પીઠ ઉપર ટેકો દઈ બાવળ પર ચડી જનારા ગામડિયા છોકરાઓ લૂમખાના લૂમખા નીચે પાડે છે.

શીંગોમાંથી મીજ કાઢી, મીજમાંથી ધોળું પડ કાઢી છોકરાઓ તે હોંશે હોંશે ખાય છે, જે જરા ગળ્યું ગળ્યું લાગે છે. કૂણાં બીયાંને વઘારીને પણ નાનાં બાળકો ખાય છે.

માબાપોને આની ખબર જ નથી હોતી, પણ ગાંડા બાવળને તેની પૂરેપૂરી જાણ છે. લોકોએ તેને ગાંડો બાવળ એટલા માટે કહ્યો હોય કે તે છોકરાઓ ભેગા કરે છે અને ખવરાવે છે. માબાપોને મન નિશાળ જેવું કોઈ ડાહ્યું નથી અને છોકરાઓને મન આ ગાંડા બાવળ જેવાં કેટલાં ય જણ બહુ ડાહ્યાં લાગે છે ! મને તો ગાંડો બાવળ બહુ ડાહ્યો લાગે છે.