લખાણ પર જાઓ

વનવૃક્ષો/બાવળ

વિકિસ્રોતમાંથી
← લીલો બાવળ વનવૃક્ષો
બાવળ
ગિજુભાઈ બધેકા
ખીજડો →



બાવળ


પગમાં બાવળનો કાંટો લાગ્યો હશે તેણે તો બાવળનું ઝાડ જોયું હશે.

બાવળ કાઠિયાવાડ અને ગુજરાતમાં ઠેકઠેકાણે થાય છે.

કુદરતે ઘણાં ઝાડો ઉગાડ્યાં છે, તેમ બાવળને પણ ઉગાડ્યો છે.

બાવળની લાંબી સૂળો પગમાં ભૉકાઈ જાય તેટલા માટે નહિ, પણ તેનું લાકડું બહુ કામનું છે માટે બાવળ ઉપયોગી છે.

બાવળનું લાકડું કઠણ છે. તે જલદી સડતું નથી. બળતણ તરીકે બાવળનાં લાકડાં બહુ વપરાય છે. લાકડું કઠણ હોવાથી લાંબો વખત બળે છે ને તેની આંચ સખત લાગે છે.

બીજાં બળતણ બળીને રાખ થઈ જાય છે, બાવળના લાકડાના કોલસા પડે છે. એ કોલસા ફરી વાર સગડીમાં બાળી શકાય છે.

જંગલોમાં મોટા પાયા પર કોલસા બનાવવામાં આવે છે તે મોટે ભાગે બાવળનાં લાકડાંના. જંગલનાં મોટાં મોટાં ઝાડો સળગાવી મૂકે છે; લગભગ સળગી રહેવા આવે છે ત્યારે તેના પર ધૂળ વગેરે વાળી દેવામાં આવે છે, અગર તે દાટી દેવામાં આવે છે. આ કોલસા શહેરમાં વેચાતા મળે છે તે.

બાવળની સૂળો ધોળી અને લાંબી છે. બે સૂળો એક છેડે જોડાયેલી રહે છે. નાનાં બાળકો તેનું એક ઉખાણું નાખે છે :--

"બે ભાઈ વચ્ચે એક મુખ."

બાવળનો કાંટો એકાએક પેસી જાય તો તે ઊંડે જાય છે. બાવળના કાંટાને કેટલાક લોકો ટાંકણીઓ પેઠે ગામડામાં વાપરે છે. કોઈ વાર છોકરાઓ મોટર કે સાયકલમાં પંચર પાડવા બાવળના કાંટાને રસ્તામાં વેરે છે. બાવળની સૂળોને ગામડામાં ભીંતે કાંઈ ચોડવું હોય તો ખીલી પેઠે વાપરે છે.

બાવળની લાંબી લાંબી શીંગો થાય છે, તેને પરડા કહે છે. પરડાનો સ્વાદ તૂરો લાગે છે. કાઠિયાવાડનાં ગામડાઓમાં લોકો તેનું અથાણું કરે છે. એ અથાણું સારું લાગે છે.

બાવળનો ગૂંદર વધારે મોંઘો અને વધારે ઉપયોગી છે. એ દવામાં પણ કામ આવે છે. શિયાળામાં લોકો પાક કરીને ખાય છે, તેને ગૂંદરપાક કહે છે.

પણ પેલો માસ્તર નિશાળિયાને 'ગૂંદરપાક' આપે છે તે જુદો. એ ગુંદરપાક એટલે તો ઠોંસા અને થપાટ !

બાવળના થડ કે ડાળી ઉપર કુહાડીથી કાપા પાડવામાં આવે છે; તેમાંથી રસ નીકળે છે અને જામી જાય છે. એનું નામ ગૂંદર.

બાવળ ઉપયોગી છે છતાં લોકો તેની નિંદા કરે છે. ગધેડાને કઢોર, કળથીને કધાન અને બાવળને કઝાડ કહે છે. લોકો પણ છે ને કાંઈ !

શું કામ એને કઝાડ કહેતા હશે ? કેમકે એને છાંયે બેસી શકાતું નથી; એની નીચે એટલા બધા કાંટા હોય છે; એને છાંયે અનાજ પાકે નહિ ને ખેતી બગડે.

બાવળને ઝાડે સુગરી પોતાના માળા ખાસ કરીને બાંધે છે. સુગરીને એમ તો અક્કલ બહુ છે. એનું નામ સુગૃહી, સારા ઘરવાળી. એનો માળો સાચે જ સુંદર હોય છે. પણ શા માટે એ કાંટાળા બાવળે જઈને બાંધતી હશે ? પણ એમ તો બુલબુલને પણ બાવળ ગમે છે. એમ તો એવું બહુ યે હશે. આપણે પક્ષીનું ક્યાં જાણીએ છીએ ?

અને આટલું બધું લખ્યું પણ એક વાત તો રહી જ ગઈ. બાવળનાં રોજ રોજ દાતણ કરીએ છીએ એ તો યાદ રહ્યું જ નહિ ! બાવળનું દાતણ બહુ સારું ગણાય છે. તે ચાવવાથી મોં, જીભ, ગળું સુંવાળું રહે છે ને તેનો કૂચો પોચો મજાનો થાય છે.

બાવળનું વાંકું વાઘરી નહિ બોલે; વાઘરીને તો એના ઉપર રોટલો છે.

હું આ લખું છું તે વખતે મારી પાસે બેઠેલો એક વૈદ કહે છે: "અરે! તમે બાવળની પાલી-પાંદડાની વાત તો ભૂલી જ ગયા ! માણસનું મોઢું આવે ત્યારે બાવળની પાલી મૂકવાથી મોઢું મટી જાય છે."

બાવળ વિષે ઘણું લખ્યું. હવે બસ.