વનવૃક્ષો/વડ
← પરિચય | વનવૃક્ષો વડ ગિજુભાઈ બધેકા |
સાગ → |
વડ
ઘણાં રળિયામણાં ઝાડોમાં વડ એક રળિયામણું ઝાડ છે.
વર્ષોથી અખંડ તપ તપતા દાઢી અને જટાવાળા યોગીરાજ જેવો વડ પૃથ્વી ઉપર બહુ વર્ષો સુધી તપે છે. વટેમાર્ગુ ઉપર આશીર્વાદની છાયા વરસાવતી લાંબી જાડી ડાળીઓ કાઢતાં વડ થાકતો નથી.
ડાળે ડાળે પક્ષીઓને રાત અને દિવસ વડનો સદાનો આવકાર છે. રાતા અને લીલા, પાકા અને કાચા વડના ટેટાની પક્ષી માત્રને પ્રેમભરી મિજબાની છે.
" આવો, કુદરતનાં બાલુડાંઓ ! આવો. આ ડાળીઓ તમારી છે; આ પાંદડાં તમારાં છે; આ ટેટા તમારા છે. ડાળે બેસી કલ્લોલ કરો; કુદરતનાં મીઠાં ગીત ગાઓ. ડાળે ડાળે માળાઓ કરો અને એકએક ટેટાને તમારે માટે સ્વીકારો.
" મને ધરતી માતા આપે છે અને હું તમને આપું છું. ધરતીમાં ગયેલાં મૂળને થડ પાણી પાય છે; જાડું થઈ થડ ડાળીઓ કાઢે છે; લળતી નમતી ડાળીઓ પાંદડાંને પ્રગટાવે છે, ને પાંદડે પાંદડે ટેટાની લૂમો બાઝે છે.
" ધરતી માતાએ આપેલું આ બધું તમારું છે. ઓ નીચે ઊભેલા ગોવાળો ! આવો; તમે પણ આ મારી ડાળે ઝુલો ને વડવાઈએ હીંચો. તમને પણ ગીતો ગાતાં આવડે છે. નવનવાં લોકનાં ગીતો ગાજો, અને ચણવા ગયેલાં મારાં પંખીડાંનાં બચ્ચાંઓને એ ગીતો સંભળાવજો. હું તો બહુ ભાગ્યવાન કહેવાઉં કેમકે દિવસે તમને સાંભળું, ને બપોરે નાનાં બચ્ચાંઓની મીઠી કોમળ વાણી સાંભળું ! " આવો, ખેડૂતોના છોકરાઓ ! હળ મૂકીને બે ઘડી બેસો. આ વડવાઈનો હીંચકો બાંધી હીંચતા હિલોળા કરો. તમારાં ખેતરોની ચિંતા ન કરો. મારી ઊંચી ઊંચી ડાળો તમારા હળ ને બળદની નજર રાખશે. ભથવારીઓ ! આવો. અહીં જ ભાત ઊતારો અને તમારા ભરથારોને આ મારી શીતળ છાયા નીચે ભાત ખવરાવો. ભાત ખવરાવતાં ખવરાવતાં થતી તમારી વાતો હું સાંભળીશ અને જાણીશ કે ભલા, માણસો તે કેવી વાતો કરતાં હશે ?
" અને ઓ વટેમાર્ગુઓ ! તમને વળી નોતરાં શાં આપવાનાં હોય ? હું તો તમારો સદાનો વિસામો છું, ને સદા ય વિસામો રહેવાનો છું. કેટલાં ય ગાડાં, કેટલાં ય ગડેરાં, કેટલી ય વેલો ને કેટલી ય વેલડીઓ, આ દેહની છાયા નીચે બે ઘડી થંભેલી છે. પગપાળા જનારાઓ ! તમે પણ અહીં બેસો.
" ઓહોહો ! હું તો ઘણાં વર્ષોનો જૂનો છું ને મેં કેટલું ય જોયેલું છે. પેલા મેદાનમાં સામેના ગામના લોકોને અંદરઅંદર વઢતા જોયેલા, અને એ સુખિયા ગામને મેં એમ હાથે કરીને નાશ પામતું ભાળેલું. મારી આંખ તે વખતે ભીની થઈ હતી; મારું પાંદડેપાંદડું તે વખતે રડી ઊઠ્યું હતું.
" અમે ઝાડવાંઓ છીએ, પણ અંદરઅંદર બાઝતાં નથી. અરેરે, માણસો !
" એ જ ભીની આંખે પેલું નવું ગામ વસતું ભાળ્યું છે. એના લોકોનો કિલ્લોલ જોઈને એ ભીની આંખો સુકાઈને પાછી હસતી થઈ છે.
" જંગલમાં ભૂલા પડેલા રાજપુત્રો આ મારી સૌથી નીચી ને જાડી ડાળ ઉપર વર્ષો પહેલાં રાત રહ્યા હતા.
" પેલી દૂરની નદી એક વાર આ થડ પાસેથી જ વહેતી હતી; ખસતી ખસતી હમણાં તે ત્યાં ગઈ છે. નદીનાં જળ બદલાય પણ હું કાંઈ બદલાઉં ? એ ખસે પણ મારાથી કાંઈ ખસાય ? હું તો વડ. કેટલાં ય ઝાડોનો દાદો ને કેટલાંયનો દાદાનો દાદો !
" જૂના ઋષિમુનિઓ મારા બાપદાદાની છાયાએ તપ તપેલા. દક્ષિણામૂર્તિ દેવ તો વડની છાયાએ જ બેસતા ને મૂંગું વ્યાખ્યાન કરી પોતાના શિષ્યોને ભણાવતા. એવા વડના કુળનો છું હું; એવી જુનવટ છે મારી; એવાં સંભારણાં છે મારાં; એવો સૌ સાથે સંબંધ છે મારો - વર્ષોથી આજ સુધીનો."