વનવૃક્ષો/સાગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  વડ વનવૃક્ષો
સાગ
ગિજુભાઈ બધેકા
દેવદાર →


ક લોકગીતમાં 'સાગસીસમના ઢોલિયા'નું સુંદર વર્ણન કરેલું છે. આખું ગીત તો મને નથી આવડતું પણ એની પહેલી લીટી યાદ છે--

"સાગ સીસમનો ઢોલિયો,
અમરાડમરાનાં વાણ."

મને યાદ આવે છે કે એક વાર મારા પિતા સુતારને કહેતા હતા : "આપણે દેવદારની પેટી નથી કરાવવી, સાગની કરાવવી છે."

સાગ ઘણું જ મજબૂત લાકડું છે. તે ઘણો લાંબો વખત ટકે છે એટલે જ લોકો લાકડાની કિંમતી ચીજો મોટે ભાગે સાગની કરાવે છે.

સાગનું ઝાડ ઘણું ઊંચું થાય છે. હિમાલય ઉપર મને યાદ છે તે પ્રમાણે મેં ઘણાં લાંબાં લાંબાં સાગનાં ઝાડ જોયેલાં. જો હું ન ભૂલતો હોઉં તો વહાણનો ડોલકૂવો સાગનો બને છે; ઘરના લાંબા પાટડા પણ સાગના જ હોય છે.

સાગનું થડ ઘણું જાડું થાય છે, અને તેથી તેનાં પાટિયાં ઘણાં પહોળાં થાય છે. મારા જ ઘરમાં એવા સળંગ પહોળાં પાટિયાંની એક મોટી જબરી પેટી છે. પહોળા પાટલા અને મોટા દરબારી બાજોઠો સાગનાં પાટિયાના થાય છે. મોટા જબરા મોભ પણ સાગના બને છે.

સાગ ગુજરાતની દૂર હિમાલયમાં, બ્રહ્મદેશમાં અને મલબારમાં થાય છે. એ તો ઠીક; પણ આપણે જ આંગણે ડાકોર-ગોધરા વચ્ચે સાગનું વન છે. આજ દિવસ સુધી મને તેની ખબર નહોતી. ગોધરા જતાં મેં એ જોયું. એકલા સાગનાં જ ઝાડ ! પાતળાં ઊંચાં થડ અને રાતાં રાતાં પાંદડાં. સાગના વનમાંથી ગાડી પસાર થઈ ત્યાં સુધી મેં તો તેની સામે જોયું જ કર્યું. મોટા જંગલમાંથી જતા હોઈએ એમ મને લાગ્યું.

આવડી મોટી ભૂગોળ ભણેલો પણ ગુજરાતમાં સાગમાં ઝાડ થાય છે એમ કોઈએ ભણાવેલું નહિ ! એવું ઉપયોગી તો ઘણું યે નહિ જાણતો હોઉં; ને કદાચ ભૂગોળમાં ય એવું નહિ લખ્યું હોય. ભૂગોળવાળા તો ગામડાં, ડુંગર ને નદીઓ લખી જાણે.

ભૂગોળમાં નદીઓ કાંઠેનાં શહેરોની વાત લખે છે તેને બદલે સાગ પચાસ હાથ ઊંચું થાય છે, સાગનું ઝાડ જલદી સડી જતું નથી કારણ કે તે કડવું હોય છે, એવું કોઈએ લખ્યું નથી. કોઈ કહેશે : " એવી બધી વાતો તે ભૂગોળમાં ક્યાં લખવા બેસીએ ? અને એ વાતો ભૂગોળમાં શાની આવે ? "

હું કહીશ કે " ભૂના ગોળ ઉપર ઊગેલાં ઝાડવાંની વાત ભૂગોળમાં ન આવે તો શું આકાશની વાતમાં એ (ખગોળમાં) આવે ?"

મને હમણાં જ ખબર પડી કે સાગને ફળ થાય છે અને તે તૂરાં ને જરાક કડવાં હોય છે; એની છાલ પણ જરાક તૂરી અને જરાક મીઠી હોય છે.

ખરી રીતે આપણે ઝાડની છાલનો સ્વાદ કેવો આવે છે, તેની કદી દરકાર જ કરતા નથી.

આજદિવસ સુધી તો આપણે એમ ને એમ ચલાવ્યું, પણ હવે તો આપણે ફૂલેફૂલની વાસ લઈએ, છાલેછાલને ચાખી જોઈએ, પાનેપાન ચાવી જોઈએ, તો આપણને ઘણી યે ખબર પડે.

કોઈ વાર આપણે વૈદને જઈને પૂછીએ કે આની છાલનો શો ગુણ ? ને આનાં ફૂલનો શો ગુણ ? ને આના મૂળનો શો ગુણ ? તો તે ઘણું ઘણું કહેશે.

વૈદ કહેશે : લીમડાની અંતરછાલ પાણીમાં પલાળવી; તેનું પાણી પીવાથી તાવ મટશે. સાગના મૂળને ઘસીને પાવાથી સાપનું વિષ ઊતરશે. ગુલાબની પાંખડીમાંથી અત્તર નીકળશે ને તેનો ગુલકંદ પણ થશે.

આ પણ જુઓ

વિકિપીડિયા
વિકિપીડિયા
વિકિપીડિયામાં સાગને લગતો લેખ ઉપલબ્ધ છે.