વિદ્ધ મૃગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

(હરિગીત)


સંગીત, લુબ્ધક ! સુખદ તારૂં આમ નવ અટકાવ તું,
રસમાં મને મરવા દઈ રસિકત્વ પૂર્ણ બતાવ તું;
આ મોક્ષથી મોંઘું અને સાકરથી વધતું ગળ્યું,
તુજ બાણના સંપાતથી પંચત્વ આ સમયે મળ્યું.

શર લક્ષ બીજાં ફેંક વા તલવારનો કર ઘા ભલે,
પણ ગીતના અવરોધથી નવ વ્યથિત કર મુજને અરે!
રસની ધુની હ્રદયે વહે, રસમાં અધિક છું મગ્ન હું,
રસરૂપ જગત જણાય, આ રસને વળી વરસાવ તું.

આને ભલે મૃત્યુ ગણી આણે દયા દીલ માનવી,
પણ વૃષ્ટિ પ્રેમામૃત તણી મારે હ્રદયથી માનવી;
પ્રેમાબ્ધિ આ ગરજી રહ્યો, રસમેઘ પણ વરસી રહ્યો,
મીંચી નયન અવલોકતાં આજે કૃતારથ હું થયો.

વસુધા વિષે બહુધા ફર્યો, ગિરિશૃંગ ઉપર આથડ્યો,
પણ હર્ષવર્ષણનો પુરંદર આજ તું મુજને મળ્યો;
મારી વ્યથા અવલોકીને દીલ નવ દયા લાવીશ તું,
અવસાન સમયે ગીતનો ન નિષેધ મન માનીશ તું.

મુજ માંસને માટે અધીરો એક પળ ન બનીશ તું,
સારંગી રસભરી વડી કરથી ન દૂર કરીશ તું;
દઈ તાલ સાયકપાતથી કર ગાન એ પણ ઈષ્ટ છે,
આ પ્રેમ પારાવારમાં ના'તા મરણ પણ મિષ્ટ છે!