વિધવા વિલાપ
Appearance
વિધવા વિલાપ નર્મદ |
વિધવા વિલાપ
(ગરબી)
વ્હાલા મુજને છોડી વ્હેલો કહાં ગયો;
આંખોમાંથી જળની ધારા જાય જો,
ટહાડો વાઈ અંગે તાવ ધિકી રહ્યો;
લખ્યો આંક તે કેમ કર્યો ન ટળાય જો. વ્હાલા૦ ૧
મ્હારું કહેલૂં સંધૂં મિથ્યા થાય રે,
એક ઘડી પણ ઠર્યો ન તું મુજ પાસ જો,
દિલમાંથી પળભર પણ ના વિસરાય રે;
હું તો રાખી દિલાસાની આશ જો, વ્હાલા૦ ૨
નિંદરામાંથી ઝબકી ' પ્યારા ' હૂં વદી;
આવી તૂને ઝટ વળિ ભેંટીજાઉં જો,
મુજ દિલમાં ના ખાંખો થાએ તૂં કદી;
રાત્રદિવસ હૂં વીજોગે મૂંઝાઉં જો. વ્હાલા૦ ૩
હૈડામાંની ભઠ્ઠી બાળે મૂજને;
તેથી દાઝી જીવડો ઊડી જાય જો,
કહાં જઈને જડ્યૂં હૂં જીવડા તૂજને
હાથપગો તો પાછા બહુ ખેંચાય જો. વ્હાલા૦ ૪
જોર હવે રહ્યું નહીં રે મારા તનમાં;
પ્રેમભારથી આંખો ખૂબ ડભય જો,
કોનૂં કહ્યું લાવૂં નહિં કંઇ હૂં મનમાં;
સાંજ મને તો ખસૂસ ખાવા ધાય જો. વ્હાલા૦ ૫