વેણીનાં ફૂલ/દરિયાની માછલી

વિકિસ્રોતમાંથી
← રાતો રંગ વેણીનાં ફૂલ
દરિયાની માછલી
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
આભનાં દીવડા →




હું દરિયાની માછલી


દરિયાના બેટમાં રે’તી,
પ્રભુજીનું નામ લે’તી,
હું દરિયાની માછલી !

હાં રે મને બારણે કાઢવી નો’તી,
હું દરિયાની માછલી !

જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી,
મરજો પ્રીત્યુંના તોડનારા,
હું દરિયાની માછલી—દરિયાના૦

દરિયાનાં નીર મને પાતાળે ગોતશે,
આભ લગી મારશે ઉછાળા,
હું દરિયાની માછલી—દરિયાના0


તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે,
ચંદ્ર કેને પાશે અજવાળાં?
હું દરિયાની માછલી—દરિયાના૦

છીપલીની છાતીયેથી કોણ હવે ઝીલશે,
મ્હોં ઉઘાડી મોતીડાં રૂપાળાં
હું દરિયાની માછલી—દરિયાના૦

દરિયાના દેશથી વિછોડી,
દુનિયાસું શીદ જોડી !
હું દરિયાની માછલી !


🙖