વેણીનાં ફૂલ/વીંઝણો
Appearance
← ચારણ-કન્યા | વેણીનાં ફૂલ વીંઝણો ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ |
માલા ગુંથણ → |
આકાશે આ વીંઝણલો કોણ વાય !
રજની રે ! તારો સલૂણો શશિયર રાણો વાય,
વીંઝણલામાં તારલિયાળી ભાત.
ધરતીમાં એ વીંઝણલો કોણ વાય !
સરિતાજી ! તારો સાયબો સાયર રાણો વાય,
વીંઝણલામાં માછલિયાળી ભાત.
સરવર પાલે વીંઝણલો કોણ વાય !
કોયલ ! તારો કંથ આંબો રાણો વાય,
વીંઝણલામાં મંજરિયાળી ભાત.
વાડીમાં એ વીંઝણલો કોણ વાય !
ઢેલડ ! તારો વર રે મોરલિયોજી વાય,
વીંઝણલામાં ચાંદલિયાળી ભાત.
પીંજર પેસી વીંઝણલો કોણ વાય !
મેનાજી ! તારો પિયુડો પોપટ રાણો વાય,
વીંઝણલામાં પીંછલિયાળી ભાત.
ગોખે બેસી વીંઝણલો કોણ વાય !
નણદલબાનો વીર વાલોજી મારો વાય,
વીંઝણલામાં રામ સીતાજીની ભાત.
🙖